ભક્તની ભક્તિ એટલે પ્રભુ સાથેના ઐક્યની પ્રતીતિ
જીવન સૌ જીવે, પણ પ્રભુ સ્મરણના શુભ સમયનો ખ્યાલ કોઈને આવતો નથી;
ઈન્દ્રિય ભોગ ભોગવે, પણ પ્રભુ ભક્તિમાં સ્થિત થવાનો ખ્યાલ કોઈને આવતો નથી;
માનવી ભેદભાવમાં રહે, સ્વાર્થની મહેલાતો ઘડતો રહે અને નિર્મળ પ્રેમને ઝંખે;
ભાડાની આ દુનિયામાં રહીને, ભવભવના ભાડા ભરવા જોઈશે અંતર ભાવનું ધન.
જીવંત જીવન એટલે અટક્યા વગર થતી અનેક પ્રકારની ક્રિયાઓ. આપણાં શરીર રૂપે થતી ક્રિયાઓ, મન રૂપે થતી ક્રિયાઓ તથા બાહ્ય જગતની પ્રકૃતિ રૂપે થતી ક્રિયાઓ. આ અસંખ્ય ક્રિયાઓને આંખોથી જોઈ ન શકાય. આ ક્રિયાઓ પ્રભુની ઊર્જા શક્તિના આધારે થાય છે. આપણાં શરીરની રચના અણગીન જીવકોશના(સેલ) સંગઠનથી થઈ છે. આ જીવકોશ એટલે જ નિરંતર થતી અનેક ક્રિયાઓનું સ્થાન અને માનવ શરીરમાં લગભગ સો લાખ કરોડ જેટલાં જીવકોશ છે. આ હકીકતને વૈજ્ઞાનિકોએ કરેલાં સંશોધનથી આપણે સ્વીકારીએ છીએ. તેથી એટલું સમજી શકાય છે કે શરીરની ક્રિયા જો ઊર્જાની ચેતનાથી થતી હોય, તો મનની ક્રિયાઓ પણ તે જ ઊર્જાની ચેતનાથી થતી રહે છે. ચેતનાના આધારે મન વિચારી શકે છે, સમજી શકે છે અને ઈન્દ્રિયોના સહારે પદાર્થો કે વિષયોને ભોગવવાનો આનંદ પણ માણી શકે છે. આમ તન-મનની જીવંત સ્થિતિ રૂપે હું જીવું છું, પણ તે જીવંત સ્વરૂપની ક્રિયાઓને હું જોઈ શકતો નથી, કે એને બુદ્ધિથી પૂર્ણ રૂપે સમજી શકતો નથી. સામાન્ય રૂપે માનવી પોતાના તન-મનની ક્રિયાત્મક સ્થિતિ વિશે વિચારતો નથી. કારણ માનવી એટલું જ જાણે છે કે શરીરને અન્ન, પાણી જોઈએ, પહેરવા માટે વસ્ત્ર અને રહેવા માટે ઘર જોઈએ તથા મનને વિષય ભોગની મજા જોઈએ. એટલે શિક્ષણની પદવી મેળવીને પોતાને ગમે એવાં અન્ન, વસ્ત્ર, ઘરની પ્રાપ્તિ માટે કમાણી કરવાનો પુરુષાર્થ સૌ કરતાં રહે છે. આવી પ્રાપ્તિનો ધ્યેય સામાન્ય દૃષ્ટિએ આ પૃથ્વી પર વસવાટ કરનારા દરેક માનવીનો હોય છે.
ખાવું, પીવું, વૈભવી સુખ સગવડોથી જીવવું અને ઉપભોગી પદાર્થોનાં સંગમાં મોજ મસ્તીનું જીવન સૌ જીવે છે. તેની નિંદા કરવાનો આશય નથી. પરંતુ માનવીને મન રૂપી શ્રેષ્ઠ વાહન મળ્યું છે, તે વાહનનો ઉપયોગ રાગ-દ્વેષાદિ વર્તનથી કરતાં રહીએ, તો વાહનની કળાત્મક વિચારોની સાત્ત્વિકતા, રચનાત્મક વિચારોની સૂક્ષ્મતા, કે સમજવાની કૌશલ્યતા કુંઠિત થાય છે. જે લોકોને ઉત્તમ પેન વાપરવાનો શોખ હોય તેઓ મોબ્લાં કે વોટરમેન કંપનીની મોંઘી પેન વાપરે. આવી મોંઘી પેનનો ઉપયોગ નાનું બાળક રમકડાંની જેમ રમે એ રીતે ન થાય. મોંઘી પેન હોય કે કિંમતી દાગીના હોય, તેની કિંમત જાણનારા, કે તેની ઉત્તમતાને જાણનારા, એનો ઉપયોગ કદી અણસમજુ બાળકની જેમ નહિ કરે. એ જ રીતે પ્રભુની ચેતનાના અંશ રૂપે પ્રાપ્ત થયેલાં મનની શ્રેષ્ઠતાને જે જિજ્ઞાસુ ભક્ત જાણે છે, તે પોતાના મનનું કૌશલ્ય કુંઠિત થાય એવા રાગ-દ્વેષના સ્વાર્થી વર્તનથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે. એવાં પુરુષાર્થ રૂપે સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં મનને સ્થિત રાખે, જેથી સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થાય. વાહનની શ્રેષ્ઠતાને પ્રથમ જાણવી જોઈએ. એવી જાણ માટે જ્ઞાન-ભક્તિના સત્સંગમાં મનને સ્થિત રાખવું જોઈએ.
વાસ્તવમાં માનવી અથવા જીવંત દેહધારી સર્વે કૃતિઓ ભક્ત સ્વરૂપની છે. કારણ પ્રભુની ચેતનાનું ઊર્જા ધન દરેકને શ્ર્વાસ રૂપે ક્ષણે ક્ષણે પ્રાપ્ત થતું રહે છે. એટલે પ્રભુની ચેતનાથી હું વિભક્ત(જુદો) નથી, એ સત્યને જે અનુભવે, તે છે ભક્તનું સ્વરૂપ. ભક્તની ભક્તિ એટલે પ્રભુ સાથેની ઐક્યતાની પ્રતીતિ કરાવતું સાત્ત્વિક આચરણ. એવા આચરણમાં કર્મોની ગાંઠીઓનું બંધન છૂટતું જાય. ભક્ત દ્વારા જ્યારે ભજન, સ્તુતિ, કે કીર્તનનું સ્ફુરણ પ્રગટ થાય, ત્યારે તે પ્રગટ થયેલાં અક્ષરોમાં પ્રભુ સાથેની અભિન્નતાનું દર્શન હોય અથવા પ્રભુ સાથેની ઐક્યતામાં જે અહંકારી અવરોધક વર્તન છે તેનાંથી મુક્ત થવાંની વિનંતિ હોય અથવા પ્રભુની આત્મીય ચેતનાના દર્શનની અભિલાષા હોય અથવા સ્વ જ્ઞાનનું નિરૂપણ હોય. આમ ભક્ત એટલે જેની પાસે જીવંત જીવન જીવવાની સ્પષ્ટ સમજ છે. જીવવાનો હેતુ તે જાણે છે કે, પ્રભુ સાથેની ઐક્યતાને માણવા માટે મનનું શ્રેષ્ઠ વાહન મળ્યું છે એટલે તન રૂપી ઘરમાં પોતે વસવાટ કરી રહ્યો છે. શરીર રૂપી ઘરમાં રહેવાનું ભાડું તે ભક્તિ ભાવથી, સ્વમય ચિંતનની અંતર યાત્રાથી અર્પણ કરતો રહે છે.
ઈંટ-સિમેન્ટથી બનેલાં મકાનમાં આપણે સૌ રહીએ છીએ. મકાન કે ફ્લેટને ખરીદવા માટે અથવા એમાં ભાડેથી રહેવા માટે કાગળની નોટનું-રૂપિયાનું ધન જોઈએ. રૂપિયાના ધન વગર શરીરને રહેવાનું ઘર ન મળે, કે ખાવાનું અન્ન ન મળે, કે શરીરને ઢાંકવા માટે વસ્ત્રો પણ ન મળે. આ હકીકતનો ખ્યાલ જેમ આપણે મોટા થતાં ગયાં તેમ સ્પષ્ટતાથી આવ્યો તથા રૂપિયાની કમાણી કરતાં કરતાં આ હકીકત મનમાં કેન્દ્ર સ્થાને રહી. એટલે ઘર, અન્ન, વસ્ત્રની પ્રાપ્તિમાં જ મન ફરતું રહ્યું. વ્યવહારિક જીવન જીવવા માટે ઘર-અન્ન-વસ્ત્રની પ્રાપ્તિ જેટલી જરૂરી છે, તેટલી જીવંત જીવન જિવાડનાર પ્રભુની ચેતનાનો આભાર માની, તે ચેતનાની દિવ્યતા કે સાત્ત્વિકતા પ્રગટે એવાં વર્તનમાં સ્થિત થવું પણ એટલું જ જરૂરી છે. સાત્ત્વિક વર્તનના પ્રેમભાવથી ભવોનું ભાડું ભરવા માટે ભક્ત સદા વિનંતિપૂર્વક અહોભાવ પ્રગટાવતો રહે.
આ સૃષ્ટિમાં અમે શ્ર્વાસ લઈએ આપના થકી,
હર ઘડી અમે જીવીએ પ્રભુ આપનાં થકી;
અમે જન્મ લીધો શ્ર્વાસ મૂક્યો કૃપા એ આપની,
હવે જીવન જીવતાં શીખવો પ્રભુ કૃપા વરસાવો આપની;
અમે આવીને તને ભૂલી ગયાં પ્રભુ માફી માંગીએ આપની,
હવે અમીદૃષ્ટિ અમ પર રાખો પ્રભુ સહારો છે આપનો;
અમે આવીને ઘણાં પાપો કર્યા, પ્રભુ વહાલથી સ્વીકારજો,
હવે ચરણમાં અમને રાખજો, પ્રભુ વિનંતિ છે બસ આટલી. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા