Article Details

પ્રાણ પૂરો ત્યારે પ્રેમની પ્રસાદી આપજો

માનવ જન્મની શ્રેષ્ઠતાને ત્યારે જ અનુભવી શકાય, જ્યારે તન-મનનાં જોડાણવાળો જે વિશિષ્ટ દેહ મળ્યો છે, તે દેહ રૂપી સાધનના સહારે જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક આચરણમાં મન તરબોળ થાય. આપણને સૌને આ સાધન પ્રાપ્ત થયેલું છે. એની પ્રાપ્તિ રૂપિયા ખર્ચીને થઈ નથી, પરંતુ સાત્ત્વિક ભાવ રૂપી ધનથી તેની પ્રાપ્તિ થઈ છે. માનવી જો ભાવ રૂપી ધનની મહત્તાને સમજે, તો મારું-તારુંના ભેદભાવમાં એને ફરવું ગમશે નહિ. જેમ ઘરનું કામ કરવા માટે નોકર રાખવાની સુવિધા પ્રાપ્ત થઈ હોય, તો ઘરનું કામ કરવામાં આપણે સમય નહિ બગાડીએ, પણ મનનો વિકાસ થાય એવાં બીજા કાર્યોની પ્રવૃત્તિ કરીશું. એ જ રીતે માનવીને પોતાના દેહ રૂપી સાધનની શ્રેષ્ઠતાનો સંકેત જો મળી જાય અને તે સંકેત-જ્ઞાનની સમજ પણ ગ્રહણ થઈ જાય, તો પોતાના સાધનનો સદુપયોગ થાય એવાં સાત્ત્વિક આચરણ તરફ મન ઢળતું જશે. આટલું વાંચ્યા પછી આપને થશે કે સંકેત-જ્ઞાન મુજબની સમજ તો છે, છતાં મન સાત્ત્વિકતા તરફ ઢળતું નથી. એનું કારણ એ છે, કે સ્વભાવની નબળાઈના લીધે પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠતાનો સદુપયોગ યથાર્થ રૂપે થતો નથી. આ વાક્ય વાંચીને આપ પાછું વિચારશો કે એમાં નવું શું જણાવ્યું. કારણ દરેક માનવી પોતાના સ્વભાવના લીધે જ સફળતા કે નિષ્ફળતાને પામે છે. એટલે મુખ્ય પ્રશ્ર્ન છે પોતાના સ્વભાવનું પરિવર્તન થાય એવા સાત્ત્વિક વર્તન તરફ મનને ઢાળવાનો.

         સ્વભાવનું પરિવર્તન કંઈ થોડાં દિવસ માટે ગુરુનાં સાંનિધ્યમાં રહેવાથી, કે સત્સંગ-અભ્યાસ કરવાથી થતું નથી. વળી ઘણાં માનવીઓને પોતાનો સ્વભાવ બદલવાનું રુચિકર લાગતું નથી. તેઓ માને છે કે, ‘બીજાઓએ તેઓનો સ્વભાવ બદલવો જોઈએ. મારો સ્વભાવ તો યોગ્ય જ છે.’ એવા લોકોનું માનસ બીજાના સ્વભાવની ભૂલોનું દર્શન વારંવાર કરશે અને પોતાની ભૂલોને છાવરવાનો પ્રયત્ન કરશે. એવાં સંકુચિત માનસવાળા લોકો બીજાના સ્વભાવને વખોડ્યાં કરશે અને જેઓ સાત્ત્વિકભાવ તરફ ઢળવાનો પ્રયત્ન કરતાં હોય તેઓની હાંસી ઉડાવશે. કારણ એ લોકો પોતાને અનુભવી વ્યવહારકુશળ(પ્રેકટીકલ) માને છે. એટલે નકારાત્મક દૃષ્ટિકોણથી જણાવે, કે કૂતરાની પૂંછડી જેમ વાંકી જ રહે છે તેમ સ્વભાવ બદલાતો નથી. પરંતુ એવું માનનારાઓ જાણતાં નથી કે, ‘ઝાઝી કીડીઓ સાપને તાણે’. અર્થાત્ દૃઢ નિશ્ર્ચયથી જો કીડી જેવો અથાગ પ્રયત્ન થાય તો મનનું પરિવર્તન થઈ શકે છે. જરૂરત છે કીડીની જેમ નિષ્ઠાપૂર્વક વારંવાર પ્રયત્ન કરવાની. ઘણી બધી કીડીઓનું બળ ભેગું થતાં જેમ મરેલા સાપને કીડીઓ પોતાના દર તરફ ખેંચી શકે છે, તેમ મનનો જિજ્ઞાસુભાવ સ્વને જાણવાનો પુરુષાર્થ સતત કરે તો એવાં સતત થતાં પુરુષાર્થી બળથી સ્વભાવમાં ચોક્કસ પરિવર્તન આવે છે.

         એક હકીકતને ભૂલવી ન જોઈએ કે કૂતરાની પૂંછડી તો વાંકી જ રહે. કારણ તે એનાં શરીરના અવયવનો આકાર છે. કોઈ પણ શરીરના આકારના ઘાટને બદલી ન શકાય. પરંતુ મનનું સ્વરૂપ જે નિરાકારિત છે તેને સાત્ત્વિક વિચારોના અધ્યયનથી ચોક્કસ બદલી શકાય છે. જે મન માત્ર રાગ-દ્વેષ-ક્રોધ-ઈર્ષ્યા વગેરે ભેદભાવના વર્તનમાં જ ફરતું રહે છે, તે જો આકાર અને નિરાકારના અજોડ સંબંધની વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કરે, તો મન સાત્ત્વિકભાવની દિશામાં કોઈ પણ સંશય વગર પ્રયાણ કરતું રહેશે. સત્સંગની યાત્રા નિરાકારિત સ્વરૂપની હોવાંથી ઘણીવાર જિજ્ઞાસુ ભક્તના મનમાં સંશય જાગે છે. કારણકે જો કોઈક તીર્થધામના સ્થળે જવાનું હોય, તો તે સ્થળનું સ્થાન ભૂમિ પર હોવાંથી ત્યાં પહોંચી શકાય છે. પરંતુ સત્ ભાવનો સંગ કરાવતી સત્સંગની યાત્રાથી કોઈ આકારિત સ્થળે પહોંચવાનું નથી. એટલે જિજ્ઞાસુ મનથી પ્રયત્ન ઘણાં થાય, પણ સ્વભાવનું પરિવર્તન જોઈએ એટલાં પ્રમાણમાં ન થાય ત્યારે મન મુંઝાય. કોઈકવાર પ્રભુ કૃપા રૂપે સ્વ અનુભૂતિમાં સ્થિત થવાય અને પ્રકાશિત દર્શનની ઝાંખી પણ થાય અથવા કેટલીવાર પ્રારબ્ધગત જીવનની દુ:ખદ ઘટનામાં મન વિહ્વળ થઈ જાય ત્યારે સંશય જાગે કે, પોતે જે અંતર યાત્રાનો પુરુષાર્થ કરે છે તે યોગ્ય છે કે નહિ, અથવા ઘણીવાર પોતાના ગુરુના માર્ગદર્શન માટે પણ સંશય જાગે.

         સંશય કે સંદેહ પાછળ અહંકારી માનસ કારણભૂત છે. જ્યાં સુધી હું પદની આહુતિ અર્પણ નથી થતી ત્યાં સુધી વૃત્તિ-વિચારોમાં સ્વાર્થ હોય છે. હું આધ્યાત્મિક યાત્રા કરું છું એટલે મને યાત્રાનું ફળ મળવું જ જોઈએ. આવી માન્યતાની જડતામાં અહંકારી અજ્ઞાનતા જડાયેલી છે. હકીકતમાં આધ્યાત્મિક યાત્રા એટલે જ હું પદનું સમર્પણ થવું, એટલે યાત્રા રૂપે ચિંતન જો થાય અને સ્વ જ્ઞાનમાં મન સ્થિત થાય તો સાત્ત્વિકભાવની જાગૃતિ થતી જાય. એવી જાગૃતિમાં હુંની વ્યક્તિગત સીમિત વૃત્તિઓ વિલીન થતી જાય. પાણીનું ટીપું પોતાને ટીપું માને, એવી છે મનની હું પદની વૃત્તિ. પરંતુ ટીપું પોતે પાણી છે એ રીતે મન સ્વ જ્ઞાનથી જીવે તે છે હું પદનું સમર્પણ. પછી સંશય કે સંદેહ ન રહે, પણ આકારમાં સમાયેલી નિરાકારિત ચેતનાના પ્રભાવને જાગૃત કરવાની જિજ્ઞાસા જાગે. તે જિજ્ઞાસાનો અગ્નિ ભક્તિભાવથી પ્રબળ થાય, તો કીડી કરતાં પણ અધિક દૃઢ નિશ્ર્ચયના પુરુષાર્થથી હુંનું સમર્પણ થાય એવી ભક્તિમાં તલ્લીન રહેવાય. એવી ભક્તિના સ્વમય ચિંતનમાં ઈન્દ્રિયોની માધ્યમ સ્વરૂપની મહત્તા પરખાય, ત્યારે અંતર ઈન્દ્રિયોને જાગૃત કરવાની વિનંતિ થાય. જેથી અંતર ભક્તિ રૂપે વૃત્તિઓ અંતરધ્યાનસ્થ રહે અને પ્રકાશિત દર્શનમાં નકારાત્મક સ્વભાવની વૃત્તિઓ ઓગળતી જાય.

 

         પ્રાણ પૂરો ત્યારે પ્રેમની પ્રસાદી આપજો હરિ, કદી પ્રસાદી આપને ધરું તો કામ લાગશે હરિ;

         આંખો આપો ત્યારે દિવ્ય તેજ આપજો હરિ,

ક્યારેક અવતાર તમે લ્યો તો જોવાને કામ લાગશે હરિ;

         કાન આપો ત્યારે વેદ-શ્રુતિનો નિચોડ આપજો હરિ, સ્વ જ્ઞાનમાં તરતાં એની યાદ આવશે હરિ;

         નાક આપો ત્યારે એમાં આપનો શ્ર્વાસ પૂરજો હરિ,

શ્ર્વાસ જશે ત્યારે આપનું નામ યાદ આવશે હરિ;

         હાથ આપો ત્યારે આપનો સહારો આપજો હરિ, ક્યારેક સંતોનો ભેટો થાય તો યાદ આવશો હરિ;

         પગ આપો તો સાથે ઝાંઝરની એવી ગતિ આપજો હરિ,

ગોપી મળશે તો તમારી યાદ આપશું હરિ.

(ક્રમશ:)

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા