સદ્ભાવ જ્યારે સ્વભાવ બને છે
સ્વભાવ તારો સારો છે, એ તારો છે એમ માનીશ નહિ,
એ તો સ્વનો ભાવ વ્યક્ત થાય છે, એ સ્વભાવને તું ગણે છે તારો;
સ્વભાવ તારો ખરાબ છે, એ છે તારો પોતાનો સ્વભાવ, જેમાં સ્વ સાથેનો ભાવ ઘટતો ગયો,
એટલે બન્યો તારો સ્વભાવ;
સ્વનો ભાવ જ્યારે જાગે ત્યારે તારો પોતાનો સ્વભાવ ન રહે, ખાલી સદ્ભાવ જ વ્યક્ત થતો રહે;
એવાં સદ્ભાવનો જે સ્વભાવ હોય, તે છે જ્ઞાની ભક્તનું વર્તન,
જ્યાં ભગવત્ ભાવની ચેતના પ્રકાશિત થાય.
પ્રસ્તુત પદ્ય પદનો ભાવાર્થ જો સમજાય, તો કોઈને ન કહેવાશે કે તારો સ્વભાવ ખરાબ છે. માનવીનો જે સ્વભાવ હોય, એમાં એની અતૃપ્ત ઈચ્છાઓ, કામનાઓ, લાગણીઓ, કે પ્રાપ્ત થયેલા ભોગની તૃપ્તિનું પ્રતિબિંબ હોય. માનવી અતૃપ્ત ઈચ્છાઓને ભોગવવા માટે વ્યક્તિ કે પદાર્થોનો સંગ કરાવતું જીવન જીવે છે. એવાં સંગમાં ખોવાયેલા મનને સ્વ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ થતી નથી. માનવીના એવાં સંસારી સ્વભાવની પ્રતિક્રિયામાં પણ રાગ-દ્વેષના ભેદભાવ હોય છે. એવું મન દરેક પ્રકારના વ્યવહારમાં એકબીજા સાથે અહંકારી સ્વભાવથી ટકરાયા કરે, જે તકરારની, વિવાદની, કે ઝઘડાની સ્થિતિને જન્માવે છે. એવાં સ્વભાવના લીધે વેરઝેરની ઘૃણા વધતી જાય છે. એવાં સ્વભાવવાળા લોકો સંબંધોને પ્રેમથી જાળવવાને બદલે તકરારથી તોડવામાં હોંશિયાર હોય છે. તેઓ લાગણીઓને, ભાવની ઊર્મિઓને ઘણીવાર તાળા મારી દે અને પોતાનો અંગત સ્વાર્થ સાધવો હોય તો તાળાઓ ખોલી પણ દે. એવાં સ્વાર્થી, અહંકારી મનને જો જ્ઞાની ભક્તનું સાંનિધ્ય પુણ્યોનાં ઉદય રૂપે મળે, તો સ્વભાવની શુદ્ધિ થતી જાય. મનની અહંકારી વૃત્તિઓની જડતાને ઓગાળવી હોય, તો ભક્તિભાવની ચેતનાનું બળ જોઈએ. એવું બળ જ્ઞાની ભક્તની નિ:સ્વાર્થ પ્રેમની ધારામાં પ્રગટે છે. અહંકારી સ્વભાવનું જેમ જેમ પ્રેમ ધારામાં સ્નાન થાય, તેમ તેમ સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ જાગૃત થતો જાય. અર્થાત્ દરેક માનવીના સ્વભાવમાં જિજ્ઞાસુભાવ, સાત્ત્વિકભાવ, શરણભાવ, સમર્પણભાવ વગેરે સુષુપ્ત હોય છે.
જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં ભગવત્ ભાવની આત્મીય ચેતનાનો સ્પર્શ મળે, એટલે કે એની વાણી દ્વારા જે સાત્ત્વિક વિચારોના કહેણ પ્રગટે, તેમાં સાત્ત્વિકભાવના સ્પંદનો પ્રસરે, જે અજ્ઞાની મનની જડતાને વિલીન કરાવે અને જિજ્ઞાસુભાવને જાગૃત કરાવે છે. સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો અગ્નિ એકવાર પ્રગટે પછી બુઝાતો નથી. તે જો પ્રતિકૂળ સંજોગોમાં બુઝાય જાય, તો સમજી જવું કે અગ્નિ જેવો ભાવ પ્રગટ્યો ન્હોતો, પણ જાણવાની ઉપરછલકી તણખલા જેવી વૃત્તિ હતી. ઘણીવાર સંજોગોને આધીન થઈને દુ:ખી મન સત્સંગ કરે અથવા જાણવાની ઈચ્છાથી શાસ્ત્રોનો અભ્યાસ કરે. પરંતુ એવી જાણવાની વૃત્તિ માત્ર વિચારોમાં ફેરવાય છે અને તે વિચારો, વર્તન કે આચરણમાં ફેરવાતા નથી. તેથી ઘણીવાર જિજ્ઞાસુભાવનો અગ્નિ પ્રજ્વલિત રહેતો નથી. સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ જો અગ્નિની જેમ પ્રબળ હોય, તો સાત્ત્વિક વિચારોના ચિંતનથી સ્વભાવ બદલાતો જાય અને સાત્ત્વિક વર્તનની નિર્મળતા ધારણ થતી જાય.
જ્ઞાની ભક્તના સ્વભાવને સામાન્ય મનની કક્ષા સમજી ન શકે. કારણ જ્ઞાન-ભક્તિ સ્વરૂપે ભક્તમાં સાત્ત્વિક ગુણોનો સદ્ભાવ પ્રગટતો રહે છે. સદ્ભાવનો પ્રવાહ એકનો એક ન હોય. સદ્ભાવ સ્વરૂપે અનંત તત્ત્વગુણોનું પ્રભુત્વ પ્રકાશિત થતું હોય. એટલે જ્ઞાની ભક્તના સદ્ભાવમાં વધઘટ ન હોય પણ ગુણિયલ વૃદ્ધિની સમૃદ્ધિ હોય. અર્થાત્ ભક્તનો ગુણિયલ પ્રભાવ ક્યારેક નિ:સ્વાર્થ પ્રેમ રૂપે છલકાય, ક્યારેક કરુણા રૂપે ઊભરાય, તો ક્યારેક આત્મીય બોધની પ્રજ્ઞા વાણી રૂપે વ્યક્ત થાય. અથવા ક્યારેક ક્રોધ રૂપે જો વ્યક્ત થાય તો અહંકારી સ્વભાવની જડતાને ઓગાળતો અગ્નિ જેવો પ્રકોપ અનુભવાય, જે મનને હૃદયભાવની જાગૃતિ ધરી, અંતરની આત્મીયતામાં સ્થિત કરાવે છે. મન જેમ જેમ અંતરની આત્મીયતામાં ઓતપ્રોત થાય, તેમ તેમ વિચારોની ગતિ બદલાતી જાય. કારણ દરેક વિચારમાં પછી સ્વયંને જાણવાના જિજ્ઞાસુ અગ્નિની ચિનગારી હોય છે. એવી ચિનગારીના લીધે સ્વમય ચિંતનની લગની વધતી જાય અને સ્વયંના આત્મ સ્વરૂપથી મન પરિચિત થતું જાય. સ્વમય ચિંતન સ્વરૂપે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય અને ભાવાર્થ રૂપી પ્રસાદનો ભોગ થયાં કરે એવી જ્ઞાન-ભક્તિમાં મન એકાગ્ર થતું જાય.
મનનાં ચોરામાંથી સંસારી રાગ-દ્વેષને કાઢવા માટે, ભક્તિની ચૉરીમાં મનને પ્રભુ બેસાડે;
ત્યારે ચૉરીને સદ્ભાવથી શણગારે અને કર્મસંસ્કારોની દોરવણી રૂપે જિજ્ઞાસુભાવ જગાડે;
દોરવણીમાં સદ્ગુણોની પરોવણી થતી રહે અને સ્વ જ્ઞાનમાં ઓતપ્રોત કરાવે;
મન પછી અંતર ભક્તિમાં સ્થિત થાય અને સોઽહમ્ભાવની જાગૃતિને ધારણ કરે.
પ્રભુ કૃપા સ્વરૂપે ભક્તિની ચૉરીમાં(લગ્નમંડપમાં) મન બેસે અને સ્વભાવ આપોઆપ બદલાતો જાય. કારણ ભક્તિની ભગવત્ ભાવની શક્તિના સાંનિધ્યમાં અતૃપ્ત કર્મસંસ્કારોને તૃપ્તિનો રાહ મળી જાય છે. ભક્તિ ભાવની જાગૃતિ રૂપે મનની અજ્ઞાની વૃત્તિનો પડદો હઠી જાય અને સ્વયંના સ્વ સ્વરૂપની વાસ્તવિકતા અનુભવાય. પછી પ્રભુ સાથેની ઐક્યતામાં એકરૂપ થવાની મહેચ્છા દૃઢ થતી જાય. ત્યારે જીવન જિવવાની રીત બદલાઈ જાય, વિચારો અને સિદ્ધાંતોનો ઢાળ બદલાઈ જાય. એવો ભક્ત સોઽહમ્ ભાવની જાગૃતિથી સ્વયંના અસ્તિત્વની ગુણિયલતાને માણતો જાય.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા