ત્યારે દિવ્ય ચેતનાનું પ્રભુત્વ પ્રગટ થાય
જિજ્ઞાસુ ભક્તો મોટેભાગે પોતાના સંસારી જીવનના નિયત કાર્યોને, કે પ્રવૃત્તિઓને નક્કી કરેલાં સમયમાં તથા અમુક પદ્ધતિથી કરે. જેથી સત્સંગની પ્રવૃત્તિ માટે, કે અભ્યાસ-વાંચન માટે વધારે સમય ફાળવી શકાય. પરંતુ મનથી જે કરવાનું વિચાર્યુ હોય અથવા નિશ્ર્ચિત સમયની મર્યાદામાં કાર્ય પૂરું કરવાનું નક્કી કર્યું હોય, ત્યારે ઘણીવાર ન ધારેલી ઘટના ઘટે અને જે રીતે વિચાર્યું હોય એ રીતે કાર્ય થાય નહિ. એટલે વધારે સમય સંસારી કાર્યો પાછળ વપરાઈ (વેડફાઈ) જાય, ત્યારે જિજ્ઞાસુ ભક્તની મુંઝવણ કે અકળામણ ક્યારેક ગુસ્સા રૂપે પ્રગટ થાય. એનો ગુસ્સો થોડી ક્ષણોનો હોય, પણ ગુસ્સાની પ્રતિક્રિયાથી પરિવારના સભ્યો કે બીજા સત્સંગીઓ ભક્તના અકળાયેલાં મનના ગુસ્સા જેવા અગ્નિમાં ઘી હોમવા જેવું બોલે કે, "આટલાં વર્ષોથી સત્સંગ કરો છો, આધ્યાત્મિક અધ્યયન કરો છો છતાં મન પર કાબૂ નથી?” આવી ટકોરથી મન વધુ બેચેન થઈ મુંઝવણમાં આળોટે. કારણ સ્વયંને જાણવાની અંતર યાત્રામાં મનની પ્રતિક્રિયા ઓછી થાય એવો સંયમ કે તટસ્થભાવ જાગૃત થવો જોઈએ. પરંતુ વૃત્તિ-વિચારોને અંતરની સૂક્ષ્મતા તરફ ઢાળવા, કે તટસ્થતા કેળવવી જેટલી સહેલી વાત નથી. મનના વૃત્તિ-વિચારોનું સ્વરૂપ આપણે પોતે કરેલાં કર્મના ફળ રૂપે ઘડાય છે. જેવાં અતૃપ્ત ઈચ્છાઓના સંસ્કારો તે મુજબ વૃત્તિ-વિચારોનું સ્વરૂપ ઘડાય અને તે છે માનવીના સ્વભાવનું ઘડતર. એટલે ઘડાયેલા સ્વભાવ અનુસાર ક્રિયા કે પ્રતિક્રિયાનું વર્તન ધારણ થાય છે.
ઘડાઈ ગયેલા આવા સ્વભાવનું પરિવર્તન કરવા માટે જ્ઞાન-ભક્તિના સત્સંગનો પુરુષાર્થ કરવો પડે, પણ પુરુષાર્થ માટેનો પ્રયાસ થાય ત્યારે સ્વભાવ તરત બદલાતો નથી. નીતિ-નિયમો અનુસાર સ્વ અધ્યયનથી મનને કેળવવા છતાં પોતાનાં મનને અંતર યાત્રા તરફ ઢાળવાની કેટલી મુશ્કેલી અનુભવાય અથવા કેટલું સરળ લાગે, તે દરેક ભક્ત પોતે જ જાણે છે. આટલાં શબ્દોથી મનની પ્રતિક્રિયાની અકળામણ વિશે જાણ્યાં પછી એટલું સમજવું જોઈએ કે, જે માનવી જ્ઞાન-ભક્તિના સત્સંગથી અંતર યાત્રા કરવાનો પુરુષાર્થ કરતો હોય, તેની ભૂલો વિશે બીજા સત્સંગીઓએ કે પરિવારના સભ્યોએ કદી વારંવાર હાલતાં ને ચાલતાં ટોકવું ન જોઈએ. સંસારી જવાબદારીના કાર્યો કરવાની સાથે અંતરની સૂક્ષ્મ યાત્રા માટે મનને કેળવવા પાછળ બીજા ઘણાં પરિબળોની અસર હોય છે. તે પરિબળોનો ઘણીવાર સહયોગ મળે અથવા ન પણ મળે, તેનાં વિશે જાણી નથી શકાતું, પણ ગુરુ જેવા જ્ઞાની ભક્તો જાણકાર હોય છે. તેથી ઘણીવાર જિજ્ઞાસુ ભક્તોની મૂંઝવણને તેઓ આશ્ર્વાસન આપીને મનના પુરુષાર્થને પ્રોત્સાહિત કરે છે. તેથી મનોમન એટલું સાંત્વન આપણે પોતે જ ધરવું જોઈએ કે, સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ જો આ જીવનમાં જાગૃત થયો છે, તો એની સાત્ત્વિક વૃત્તિના સંસ્કારો મનમાં સમાયેલાં જ છે. તે વૃત્તિઓનાં લીધે જ સાત્ત્વિક વિચારોનું અધ્યયન કે અભ્યાસ કરવાનું મનને ગમે છે.
એવા સાંત્ત્વન રૂપે એટલી સ્પષ્ટતા જરૂરી છે કે, મનમાં લૌકિક સંસારની વૃત્તિઓનાં સંસ્કારો પણ છે. એટલે લૌકિક વસ્તુ, વ્યક્તિ, કે વાતાવરણ સાથેના સંબંધોને માણવાની કે ભોગવવાની ઈચ્છા વૃત્તિઓના જે સંસ્કારો મનમાં સ્થપાયેલાં છે, તે વિચાર-વાણીના વર્તનથી પ્રગટ થાય એવી ઘટનાઓ ઉદ્ભવતી રહેશે. તેથી આકસ્મિક ઘટનાઓના પ્રતિકૂળ સંજોગોમાં મન મૂંઝાઈ જાય તે સ્વભાવિક છે. મૂંઝવણના લીધે અણગમો દર્શાવતું નકારાત્મક વર્તન થાય, ત્યારે પોતાના મનને કર્મ-ફળના સિદ્ધાંતની હકીકતથી સમજાવવું જોઈએ. જેથી ઉદ્વેગ કે આક્રોશની પ્રતિક્રિયામાં મન સતત વીંટળાયેલું ન રહે. પ્રતિક્રિયામાં મન જો વીંટળાયેલું રહે તો સાત્ત્વિકભાવને જાગૃત કરાવતી અંતર યાત્રા નિષ્ક્રિય થઈ જાય. મનની સૂક્ષ્મતાને, કે વિશાળતાને, કે સાત્ત્વિકતાને જાગૃત કરાવતી સ્વમય ચિંતનની અંતર યાત્રાની એક સહજ ક્રિયા હોય છે. તે ક્રિયાને મનનો દૃઢ નિશ્ર્ચય, શ્રદ્ધા, જિજ્ઞાસા તથા નિ:સ્વાર્થ પ્રેમભાવનું વર્તન વેગવંત રાખે છે. તેથી જ્યારે પણ ચિંતનના બદલે ઉદ્વેગભર્યા વિચારોમાં મન ફરે, ત્યારે એક બાળકને પ્રેમભાવથી સમજાવીએ તે રીતે પોતાના મનને વાળવું જોઈએ. આજુબાજુવાળા જે પણ ટકોર કરે તે સાંભળીને પોતાની ભૂલ નથી એવો નિર્ણય જો કરતાં રહીશું, તો પ્રતિક્રિયા થશે અને ભૂલ છે કે નથી, તે દર્શાવતી સમીક્ષા થયાં કરશે.
ભૂલ થઈ છે કે નથી અથવા અમુક ઘટના કે સંજોગોના લીધે ભૂલ થઈ છે એવી સમીક્ષા કરવામાં મનની અહમ્ વૃત્તિ વધુ દૃઢ થાય છે. એનાં કરતાં સંજોગો કે ટકોર કરનાર વ્યક્તિનો આભાર મનોમન માનવો જોઈએ. મનની ભીતરમાં છૂપાયેલી અહમ્ વૃત્તિ જ પ્રતિક્રિયા રૂપે પ્રગટે છે. એટલે પોતાની અહમ્ વૃત્તિનું દર્શન કરાવનાર સ્થિતિ જિજ્ઞાસુ ભક્ત માટે પથ દર્શક સમાન છે. જ્યાં સુધી અહમ્ વૃત્તિની હસ્તી છે, ત્યાં સુધી સ્વયંની ગુણિયલ સાત્ત્વિકતા સુષુપ્ત રહે છે. એટલે જાગૃતિની અંતર યાત્રામાં જિજ્ઞાસુ ભક્ત શરણભાવની ભક્તિથી સજાગતા કેળવે છે. તેથી અહમ્ વૃત્તિના ડોકિયાં થાય ત્યારે જે પણ પ્રતિક્રિયા મનથી પ્રદર્શિત થાય તેને સ્વાભાવિકતાથી સ્વીકારી, ભૂલના એકરાર સાથે મનને સમતોલ રાખવાનો પ્રયત્ન કરવો. જેથી અહમ્ વૃત્તિને વિલીન કરાવતી જ્ઞાન-ભક્તિમાં મન લીન થઈ શકે. અંતે એક વધુ સ્પષ્ટતા કે, ‘હું આત્મ સ્વરૂપ છું અને સ્વ અનુભવની અંતર યાત્રા કરું છું’, એવી સૂક્ષ્મ અહમ્ વૃત્તિ કદી પોતાના પુરુષાર્થથી ઓગળતી નથી. એ તો અંતરધ્યાન રૂપે પ્રકાશિત દિવ્યતામાં વૃત્તિઓ ઓગળતી જાય. પછી હું છું એવું અસ્તિત્વ એકમની ગતિમાં સ્થિત થાય, ત્યારે અહમ્ વૃત્તિની નિવૃત્તિ આપમેળે થાય.
સ્વમય જાગૃતિના ઝબકારા જેણે અનુભવ્યાં, તેણે જીવતાં જ અંતર જીવનના જવાબ મળ્યાં;
અંતરની શાંતિમાં જેને સુખની ચાવી જડી, તેને ભગવત્ ભાવની પ્રીતના અણસારા મળ્યાં;
અંતરધ્યાન રૂપે જે અનુભવે ભગવત્ ભાવની પ્રીતને, તે અંતરની પ્રકાશિત ગતિમાં ભળી જાય;
ભળી જવાની એકમની ગતિમાં એકરૂપ થવાય, ત્યારે દિવ્ય ચેતનાનું પ્રભુત્વ પ્રગટ થાય. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા