ભાવભીની ભક્તિનો ઉમંગ હૃદયમાં પથરાય
ભાવભીની ભક્તિની ભેખ લો,
તો મનનું ભિખારી બની વિષય ભોગને ભોગવવાનું છૂટતું જશે;
ભક્તિના ભાવ માટે ન જોઈએ ભણતરની પદવી,
ભાવનો ગુણ સમાયો છે પ્રકૃતિના મૂળમાં;
મૂળમાં મન જો સ્થિત થાય,
તો પ્રકૃતિને સર્જાવતી પ્રભુની ચેતનાનો સ્વીકાર થાય;
સ્વીકાર રૂપે સૂક્ષ્મ સમજ ખીલતી જાય
અને ભાવભીની ભક્તિનો ઉમંગ હૃદયમાં પથરાય.
પ્રકૃતિની અનેક પ્રકારની કૃતિઓના મૂળમાં છે સાત્ત્વિક ગુણોની ઊર્જાની ચેતનાનું પ્રસરણ. ઊર્જાની ચેતનાનું પ્રસરણ વાસ્તવમાં સર્વત્ર છે, સર્વેમાં છે અને સર્વે કૃતિઓ ચેતનાના લીધે જીવંત સ્થિતિને ધારણ કરી શકે છે. આ સત્ય સમજાય છે, સ્વીકાર પણ થાય છે. છતાં માનવી એ સત્યને પોતાના જીવનમાં વણી લઈ, અંતર યાત્રા તરફ ઢળતો નથી. પ્રભુને માત્ર મંદિરમાં કે તહેવારોની ઉજવણીમાં મૂકી રાખ્યો છે. જો દુ:ખદ ઘટનાની મુશ્કેલી અનુભવાય તો પ્રભુ સ્મરણનો સમય વધી જાય. બાકી રોજિંદા કાર્યોની જેમ અમુક નક્કી કરેલા સમયમાં સ્મરણ કરી લેવાનું અને બાકીના સમયમાં કર્તાભાવથી, અહંકારી રાગ-દ્વેષથી જીવવાનું. માનવીના આવા સંકુચિત, અજ્ઞાની સ્વાર્થી માનસ પાછળનું કારણ એ છે કે, પ્રભુની ચેતનાનું ધન વિના મૂલ્યે કોઈ પણ પુરુષાર્થ વગર ક્ષણે ક્ષણે કોઈ પણ પુરુષાર્થ વગર સૌને પ્રાપ્ત થયાં કરે છે. તેથી મનને તે અમૂલ્ય ધનનો કોઈ અંદાજ નથી કે કિંમત નથી. જેમ આજના યાંત્રિક ઉપકરણોના સુવિધાભર્યા જીવનમાં, નવયુવાનોને અંદાજ આવતો નથી, કે બાળપણથી તેઓના યોગ્ય ઉછેર માટે માતા-પિતાએ કેટલો પુરુષાર્થ કર્યો છે! તેઓ એવું જ માની લે છે કે, એ તો માતા-પિતાની ફરજ છે. એ જ રીતે પ્રભુની આત્મીય ચેતનાની પુરવણી પળે પળે થાય છે, એનો અંદાજ માનવીને નથી, અથવા તે સત્યને જાણવાનો પ્રયત્ન કરવાનું ટાળે છે.
માનવી જો સ્થૂળ શરીર સાથે જોડાયેલા સૂક્ષ્મ મનની વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કરે, તો વિચારોની નિરાકારિત સ્થિતિનો સ્વીકાર થતાં, આકારિત વૃત્તિના બંધનમાંથી મુક્ત થવાનો રાહ મળતો જાય. મોટેભાગે માનવી પોતાના મનને શરીરની જેમ આકારિત માને છે. એટલે મન જે આત્મીય ચેતનાનો અંશ જ છે તેઓ સ્વીકાર થતો નથી અને નિ:સ્વાર્થભાવની લાગણી મનમાં જાગૃત થતી નથી. આપણે સૌ જાણીએ છીએ કે, પ્રેમભાવ, સ્નેહ કે લાગણી વગરનાં સંસારી જીવનમાં જ્યારે અદેખાઈ, વેરઝેર વધુ જણાય, ત્યારે સંબંધોની ખુશનુમા અનુભવાતી નથી. પ્રેમભાવ વગરના સંબંધો ફુલની જેમ કરમાઈ જાય છે અને કરમાયેલા સંબંધોમાં રાગ-દ્વેષ, ઈર્ષ્યા વગેરે અહંકારી વર્તનની દુર્ગંધ પ્રસરે છે. અર્થાત્ સંબંધો રૂપે પ્રેમભાવની ઊર્જાનું પોષણ ધારણ થાય, તો મન વિકાસની પ્રગતિને ધારણ કરી શકે છે. તેથી ભક્ત પ્રભુ સાથેના આત્મીય સંબંધને પ્રેમભાવ રૂપી પોષણથી અનુભવે છે અને એવા અનુભવથી પ્રભુ સાથેની ઐક્યતાની પ્રતીતિ કરાવતાં જ્ઞાન-ભક્તિના સદાચરણને ધારણ કરે છે. જ્ઞાન-ભક્તિના સદાચરણ માટે સાત્ત્વિક વિચારોમાં અધ્યયનમાં ભાવથી મન જો સ્થિત થાય, તો અધ્યયનની એકાગ્રતા મનના રાગ-દ્વેષના સ્વભાવની જડતાને ઓગાળી દેશે.
ભાવથી અધ્યયન કે ચિંતન કરવા માટે કોઈ ભણતરની પદવી-ડીગ્રીઓની જરૂર નથી. એક માતા પોતાના બાળકનો ઉછેર ભાવથી કરે છે. તે માટે માતાને કોઈ કોલેજમાં અભ્યાસ કરીને ડીગ્રી મેળવવી પડતી નથી. એ તો સહજ પ્રેમભાવની લાગણીથી, ઉછેરની એક એક ક્રિયા નિષ્કામભાવીથી કરે છે. ઉછેરની ક્રિયા જો ન સમજાય તો વડીલોની સલાહ લઈને, પોતે જ ઉછેરની ક્રિયા કરે છે. એ જ રીતે આત્મા સાથેના આત્મીય સંબંધને જાણવા માટે તે અતૂટ સંબંધની ગરિમા કે મહત્ત્વતા સમજવા માટે સાત્ત્વિક વિચારો રૂપી વડીલોનો સહારો લેવો જરૂરી છે. એવો સહારો મળી જાય, પરંતુ તે સાત્ત્વિક વિચારોના ભાવાર્થને આચરણ રૂપે સમર્પણભાવની જાગૃતિથી ધારણ કરવા માટે, ગુરુ કે માર્ગદર્શકનો સંગાથ પણ એટલો જ જરૂરી છે. માર્ગદર્શકનો સંગાથ મળી જાય, પણ સમર્પણભાવની જાગૃતિ માટે જ્ઞાન-ભક્તિના અનુસંધાનથી જીવવાનો પુરુષાર્થ તો માનવીએ પોતે જ કરવાનો હોય. ગુરુના સાંનિધ્યમાં પુરુષાર્થ કરવાની સહજતા મળે, પણ અધ્યયન કે ચિંતનની અંતર યાત્રા ખુદ કરવાની હોય. જેટલો સમય ચિંતન થાય, એમાં મનની નિષ્ઠા હોવી જરૂરી છે. સ્વયંની સ્વાનુભૂતિમાં સ્થિત થવાનો ઉત્સાહ હોય, સ્વયંના આત્મીય ઘરની સાત્ત્વિકતાને કે દિવ્યતાને માણવાનો જિજ્ઞાસુભાવનો ઉમંગ હોય, તો જ ચિંતનની અંતર યાત્રા થાય.
જિજ્ઞાસુભાવની વૃત્તિ મનોમન દૃઢ થાય, તો પોતાના મૂળને જાણવાનું મનોમંથન આપોઆપ થશે. જિજ્ઞાસુ ભક્ત મૂળ સ્વરૂપની વાસ્તવિકતાને સ્વીકારે છે. જેથી એ જ્યારે પંખાને ફરતો જુએ અને ઠંડી હવાને માણે, ત્યારે પ્રભુએ પ્રગટાવેલી વિદ્યુતિ શક્તિનો સ્વીકાર અહોભાવથી કરશે. એ જ રીતે ફળ, ફુલ, કે પાનના ઉપભોગમાં વૃક્ષને પ્રણામ કરી, એમાં મૂળ જે ધરતીમાતાની ગોદમાં લપાઈને રહ્યાં છે, તેનો સ્વીકાર અહોભાવથી કરી, પોતાનું સ્વ સ્વરૂપનું મૂળ પ્રભુની આત્મીય ચેતના સાથે જોડાયેલું છે, તે વિચારનું સ્મરણ મનોમન અંકિત કરતો રહે છે. એવી સ્મરણ ભક્તિથી અંકિત થયેલી મનની સ્થિતિમાં પ્રેમભાવ આપમેળે ઊભરાય. પછી મનને યાદ કરવું ન પડે અથવા અમુક નક્કી કરેલા સમયે જ પ્રભુનું સ્મરણ કરવું ન પડે. એવો ભક્ત પ્રેમભાવથી અંતરની સૂક્ષ્મતામાં તરતો રહે, ત્યારે સ્વાનુભૂતિના પ્રકાશિત ઓજસમાં કર્મસંસ્કારોનું અંધકાર અદૃશ્ય થતું જાય અને અતૃપ્ત ઈચ્છાઓના વલખાં વિલીન થતાં જાય. આપણે સૌ નવા વર્ષની શુભ શરૂઆત સ્મરણ શક્તિના પ્રેમભાવથી કરતાં રહીએ. એવી પ્રભુને પ્રાર્થના કરીએ અને સ્વસ્થ આરોગ્ય જળવાળ એવી વિનંતિ કરતાં રહીએ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા