સ્વયંને જાણવાની અંતરયાત્રા
મને ગોકુળ હવે લઈ જા, વિનવું છું ગોવર્ધનના નાથ,
મારી આંખ્યોમાં તારો આભાસ, છતાં અંધાપો છે હે નાથ;
હું તો શોધું તને સારી સૃષ્ટિમાં શ્યામ, છતાં કોઈ ન આપે તારી ભાળ;
તારી જાતે તું મારો હાથ પકડ, ને દેખાડ હરિ તારો માર્ગ;
મારા માર્ગમાં આવતી ભરતી ને ઓટ, હવે અટકાવ મારા નાથ;
મારી હોડી છે બહુ હજી નાની, એને પાર ઉતારો ભગવાન.
સ્વયંને જાણવાનું જાગૃતિનું વર્તન એટલે જ હૃદયભાવની સાત્ત્વિકતાનો ઉજાગર થવો. સ્વયંને જાણવાની અંતર યાત્રામાં જિજ્ઞાસુ ભક્ત પુરુષાર્થ કરતો રહે છે. એવા પુરુષાર્થ સ્વરૂપે સાત્ત્વિક વિચારોનું ચિંતન થાય અને મન સૂક્ષ્મ સૃષ્ટિની ક્રિયાઓથી પરિચિત થતું જાય. સ્થૂળ આકારિત જગતને સર્જાવતી સૂક્ષ્મ સૃષ્ટિથી પરિચિત થવું, એટલે સ્વયંનો અનુભવ કરાવતી સ્વમય જાગૃતિમાં સ્થિત થવું. અર્થાત્ જાગૃત મનને પરખાતું જાય કે, પોતાનું અસ્તિત્વ અણુ સ્વરૂપનું છે અને અણુની ભીતરમાં આત્મ સ્વરૂપની પ્રકાશિત મહેલાત સમાયેલી છે. મન અને આત્માની અભિન્નતાનો સ્વીકાર જાગૃત મનથી થાય, ત્યારે સ્વમય ચિંતનની એકાગ્રતા વધતી જાય તથા સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય. આમ ચિંતનની સહજતાથી સ્વમય જાગૃતિનું અંતર પ્રયાણ ત્યારે શક્ય બને, જ્યારે જિજ્ઞાસુભાવની તત્પરતા હોય અને સ્વયંને જાણવાની આગ જેવી પ્રબળતા હોય. એવી આગ એકવાર જાગે પછી કદી બુઝાતી નથી. જાણવાની આગ જેવી વૃત્તિના લીધે અંતરની અગમ્યતા, અદૃશ્યતા સ્વયંભૂ સુગમ્ય થતી જાય અને પ્રકાશિત દર્શનથી અંતર વિહાર થતો જાય. પ્રકાશિત સ્વ દર્શન રૂપે મનનો જ્ઞાતાભાવ પ્રગટતો જાય, જે મન-ઈન્દ્રિયોથી પરનું આત્મીય દિવ્યતાના સ્પંદનોનું સંવેદન ઝીલી શકે છે. જ્ઞાતાભાવનું સંવેદન એટલે જ સ્વયંના સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રતીતિ થવી. સ્વયંની પ્રતીતિ રૂપે ગ્રહણ કરેલાં સાત્ત્વિક ભાવાર્થ રૂપી પ્રસાદનો ભોગ થાય. એવાં ભોગ માટે જિજ્ઞાસુ ભક્ત પ્રભુને વિનંતિ કરતો રહે કે, ‘તારી જાતે તું મારો હાથ પકડ અને દેખાડ હરિ તારો માર્ગ..’
આત્મ સ્થિત થવાનું અંતર પ્રયાણ માત્ર મનના પુરુષાર્થથી નથી થતું. ચિંતનનો પુરુષાર્થ થઈ શકે, પરંતુ અંતર પ્રયાણ સાત્ત્વિકભાવની જાગૃતિથી સ્વયંભૂ થાય છે. અર્થાત્ અહંકારી વૃત્તિ-વિચારો રહિત હૃદયભાવની જાગૃત્રત મનોમન ધારણ થાય, ત્યારે એ ભાવની જાગૃતિ સ્વયંભૂ અંતરમાં વિહાર કરે છે. જ્યાં સુધી મન કર્તાભાવની અહંકારી વૃત્તિઓથી મુક્ત થતું નથી, ત્યાં સુધી ભાવની સાત્ત્વિકતા જાગૃત થતી નથી. તેથી જિજ્ઞાસુ ભક્ત પ્રભુને વિનવે છે કે, "મારા માર્ગમાં પ્રારબ્ધના કર્મસંસ્કારોના લીધે અહંકારી કર્તાભાવની ભરતી-ઓટ આવ્યાં કરે છે. અહંકારી સ્વભાવની ભૂલો મને જ્ઞાન-ભક્તિના સત્સંગથી, સાત્ત્વિક વિચારોનાં અધ્યયનથી પરખાય છે. છતાં પ્રારબ્ધને ભોગવતી વખતે મારું મન રાગ-દ્વેષમાં અટવાઈ જાય છે. પ્રારબ્ધગત સંજોગોની અથડામણ જ્યારે ઓછી અનુભવાય ત્યારે મારું મન પાછું સ્વસ્થ થઈ આપનાં સ્મરણથી અંતર વિહાર તરફ ઢળે છે. આવી ભરતી-ઓટના લીધે એકાગ્ર ચિત્તનો પ્રભાવ તીક્ષ્ણ થતો નથી અને અંતરની પ્રકાશિત દર્શનની સુગમ્યતા ધારણ થતી નથી. આપનો જ હું અંશ છું, એવી આત્મીય ભાવની જાગૃતિમાં આપની કૃપાથી સ્થિત થવાય તે હું જાણું છું. તેથી વારંવાર વિનવું છું કે આપની કૃપા હશે તો અંતર ચક્ષુના આવરણ વિલીન થતાં પ્રકાશિત દર્શન સુલભ થશે. આપની કૃપાથી જ સાત્ત્વિકભાવની જાગૃતિનો સ્પર્શ થયો, હવે તે સાત્ત્વિકભાવની નાની હોડીનેા આપના ભગવત્ ભાવના સ્પંદનોથી વિશાળ કરો.”
અહંકારી વર્તન વ્રત લેવાંથી ન બદલાય, કે નિયમો પાળવાથી પણ ન બદલાય;
તન-મનની મહત્તા દર્શાવતાં સદ્વિચારોના ધનમાં આળોટતાં રહેવાય, તો બદલવાનું કંઈ નથી;
સાત્ત્વિકભાવની વૃદ્ધિમાં નિયમોની બારખડી નથી, કે વૃત્તિ-વિચારોના ભેદ નથી;
ત્યાં છે સૂક્ષ્મ સમજની ભાવિક જાગૃતિ, જે અંતર ગમનની ઊર્ધ્વગતિમાં સ્વયંભૂ ગતિમાન રહે.
મોટેભાગે સૌ કોઈ જાણે છે કે, ઉપવાસ, વ્રત, અથવા અમુક નામ-સ્મરણની પ્રવૃત્તિ કરવાના નિયમો પાળવાથી અહંકારી સ્વભાવનું પરિવર્તન થતું નથી. છતાં મન નિયમોનો બંધનથી છૂટવાનો પ્રયત્ન કરતું નથી. એકની એક પ્રવૃત્તિની રૂઢિમાં બંધાયેલા મનને, ભાવની સહજતાનો, ભાવની નિ:સ્વાર્થતાનો, ભાવની નિર્મળ ધારાના પ્રકાશિત સ્પંદનોનો જો પ્રભુ કૃપાથી સ્પર્શ થાય, તો એ દિવ્ય સ્પર્શની સ્વાનુભૂતિમાં તે બંધાયેલું મન સ્થિત થઈ શકતું નથી. કારણ જ્યાં સુધી ‘હું કરનાર છું’, એવાં કર્તાભાવથી નિયમો પાળવાની પ્રવૃત્તિ થાય, ત્યાં સુધી અહંકારી માનસનું અજ્ઞાની આવરણ ઓગળતું નથી. તન-મનનાં આત્મીય ચેતનાના જોડાણની મહત્તા સમજવાનો પુરુષાર્થ થાય, તો અહંકારી સ્વભાવમાં વળાંક આવતો જાય. તન-મનની પ્રક્રિયાઓ રૂપે પછી આત્મીય ચેતનાનો સ્વીકાર થાય અને સ્વયંની પ્રતિભાને જાણવાની જિજ્ઞાસા જાગે તથા શરણભાવથી એકરાર થાય કે, ‘પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જા દ્વારા અણગીન પ્રક્રિયાઓ જગતમાં થયાં કરે છે, જેને હું પૂર્ણ રૂપે સમજી શકું એમ નથી.’ એવાં એકરારથી જિજ્ઞાસુ મનમાં સાત્ત્વિકભાવનો સંચાર થતો જાય અને અંતરગમનની પ્રભુ કૃપા ધારણ થતી જાય.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા