આત્મીય ચેતનાની પ્રતીતિ ધારણ થાય
સ્વયંના આત્મ સ્વરૂપથી અપરિચિત રહેતી મનની અજ્ઞાનતાનો અંધકાર મીટાવવા માટે, આપણને માનવ જન્મનો પુરસ્કાર મળ્યો છે. પરંતુ રાગ-દ્વેષના ભેદભાવમાં રહીને, મારું-તારુંની સરખામણી કરતાં રહેવાંથી, તે પુરસ્કારનો અજાણતાં તિરસ્કાર થાય છે. માનવીને જાણ નથી કે તિરસ્કાર કરવાથી, પ્રાપ્ત થયેલી દેહની સ્વસ્થતા જળવાતી નથી. તનનું સ્વાસ્થ્ય કદાચ ઔષધ ઉપચારથી પ્રાપ્ત થાય, પરંતુ મનનું સ્વાસ્થ્ય બગડે પછી એને પુન: સ્વસ્થ કરવામાં ઘણીવાર અનેક જન્મોની યાત્રા કરવી પડે છે. વારંવાર જન્મ-મૃત્યુના આવાગમનના ફેરા ફરતાં ફરતાં, જ્યારે દેહધારી જીવનનો મહિમા જણાય, ત્યારે સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ જાગૃત થાય. મન જો રાગ-દ્વેષના કાદવમાં ફરતું રહીને, ક્રિયા-પ્રતિક્રિયાના વ્યવહારમાં બંધાયેલું રહે, તો મહિમા જાણવા છતાં જિજ્ઞાસુભાવનો અગ્નિ જાગૃત થતો નથી. એવું મન જાણ રૂપે માહિતી મેળવી, ચર્ચા કરવામાં તર્કબદ્ધ દલીલ કરવામાં હોંશિયાર બનતું જાય. એવી હોંશિયારીથી સંસારી જીવનની સમૃદ્ધિ મળી શકે, પણ આધ્યાત્મિક અંતર જીવનની પરમાર્થતા ધારણ થઈ ન શકે. જિજ્ઞાસુભાવની જાગૃતિમાં હૃદયભાવની નિખાલસતા ધારણ થાય. મનની બુદ્ધિ પ્રતિભા કે ચિત્તની એકાગ્રતાથી પણ હૃદયભાવની નિર્મળતા શ્રેષ્ઠ છે. કારણ જ્યાં ભાવ છે, ત્યાં વિચારોની આવનજાવન નથી, પણ નિ:સ્વાર્થ પ્રેમભાવની સંવાદિતા(સુમેળતા) છે અને ભાવની જાગૃતિ જે મન-બુદ્ધિથી અગમ્ય આત્મીય ચેતના છે, તેનું સંવેદન ઝીલી શકે છે.
મનની અહંકારી અજ્ઞાની વૃત્તિઓનો જે કર્તાભાવ છે, તે લેવડદેવડના વિનિમય વ્યવહારથી જીવન જીવે છે. એટલે ભાવની નિ:સ્વાર્થતાને ધારણ કરી શકતું નથી. મનની એવી અજ્ઞાનતાનો અંધકાર સાત્ત્વિક વિચારોનો અધ્યયનથી વિલીન થતો જાય. અધ્યયન રૂપે મનોમન મંથન થાય, ત્યારે શ્ર્વાસે શ્ર્વાસે અર્પણ થતી આત્મીય ચેતનાની પ્રતીતિ થાય અને પ્રતીતિ સ્વરૂપે મનનો આજ્ઞાંકિત, નિખાલસ, જિજ્ઞાસુભાવ પ્રબળ થતો જાય. જિજ્ઞાસુભાવની જાગૃતિ સ્વયંની સ્વાનુભૂતિમાં સ્થિત થવાં માટે, હૃદયભાવની તળેટીમાં રહીને સ્વમય ચિંતન કરે છે. જેથી ભૂતકાળના લૌકિક વિચારોમાં ફરવાનો, કે ભવિષ્યના સ્વપ્ના જોવાનો ફાજલ સમય બચે નહિ. જિજ્ઞાસુ ભક્ત પાસે સંસારી વિચારોમાં ફરતાં રહેવનો ફાજલ સમય ન હોવાંથી તે જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત રહીને સ્વયંના સૂક્ષ્મ અસ્તિત્વની વિશાળતાને અનુભવતો જાય. આવી સૂક્ષ્મ-વિશાળતામાં ભાવની જાગૃતિ તરતી રહે, તેને કહેવાય સ્વમય અંતર ભક્તિનું આચરણ. સ્વ ભક્તિ સ્વરૂપે સમર્પણભાવની જાગૃતિ હોવાંથી, અહંકારી સ્વભાવની કે રાગ-દ્વેષના ભેદભાવની દુર્ગંધને બદલે નિ:સ્વાર્થ પ્રેમભાવની સુગંધ પ્રસરે છે. તે સુગંધ એટલે જ સાત્ત્વિક ગુણોનું પરમાર્થી જીવન. ગુણિયલ પ્રતિભાની પ્રગતિથી ભક્ત તો અંતર યાત્રા કરતો રહે અને પ્રભુએ અર્પણ કરેલાં ગુણિયલ પ્રસાદને, બીજા માનવીઓને ભક્તિના માર્ગે ઢાળવા માટે વહેંચતો રહે.
માનવી મન એટલે જ અનેક પ્રકારના પ્રેમની ભૂખ. મન જો પ્રેમની ભૂખને સંતોષી શકે તો પ્રગતિની ગુણિયલતા ધારણ કરી શકે. અર્થાત્ પ્રભુએ પ્રગતિની ઉન્નતિ માટે મનનું વાહન ધર્યું છે. દેહધારી જીવનની દરેક પ્રક્રિયાઓ મનના વાહનથી અનુભવી શકાય છે. તથા સાત્ત્વિક ગુણોની ઉન્નતિને પણ ધારણ કરી શકાય છે. પરંતુ ઉન્નતિની પ્રગતિને અટકાવે છે અહંકારી સ્વભાવની અજ્ઞાનતા. જે રીત રિવાજોની જૂની ઘરેડમાં બંધાઈને પોતાને આકારિત દેહ માને છે. એટલે એવું અહંકારી મન દેહના મૃત્યુથી ડરે છે અને ભય પ્રેરિત રહીને કર્મકાંડની વિધિઓમાં વ્યવસ્ત રહે છે. એવાં મનને સાત્ત્વિક વિચારોમાં ઢાળવા માટે અથાગ પ્રયત્ન કરવો પડે. કારણ અમુક રીત રિવાજોના સંસ્કારોમાં મન બંધાયેલું હોવાંથી, તે રીત-રિવાજોનું પુનરાવર્તન થયાં કરે છે. તેથી એવાં કર્મસંસ્કારોને બાળવા માટે, સાત્ત્વિકભાવના પ્રભુ સંસ્કારોનું જલદ રસાયણ જોઈએ. એવાં રસાયણનો પ્રસાદ જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિના સત્સંગથી અર્પણ થાય. તેથી જીવનમાં જો કોઈ જ્ઞાની ભક્તનું સાંનિધ્ય મળે, તો સદ્ભાગ્યનો સૂર્યોદય થયો કહેવાય. એવા સદ્ભાગ્યથી મનનો ઉધ્ધાર કરાવતી પ્રગતિની ઉન્નતિનું ધન મળે, ત્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગમાં લીન થવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
મનને ડૂબવો ધ્યો ભાવથી જ્ઞાન-ભક્તિના તળાવમાં
અને એની તળેટીમાં જઈને સ્વમય ચિંતન કરો;
તો પ્રગતિનું સમતોલ ધન ધારણ થતું જશે
અને મન બની જશે હૃદયભાવની નિખાલસતા;
ભાવની નિખાલસ ધારામાં નીચોવાઈ જાય રાગ-દ્વેષ-ઈર્ષ્યા,
ત્યારે થાય અહંકારી વૃત્તિઓનું સમર્પણ;
હૃદયભાવથી અંતરની સૂક્ષ્મતા અનુભવાય
અને આત્મીય ચેતનાની પ્રતીતિ ધારણ થાય.
સાત્ત્વિક વિચારોનું મંથન કરાવતું શિક્ષણ બાળપણથી જ મનને મળવું જોઈએ. મારી દૃષ્ટિએ નિશાળમાં જ આ શિક્ષણના મંડાણ થાય, તો યુવાન અવસ્થાની બુદ્ધિની તીક્ષ્ણતાથી સ્વ સ્વરૂપની સૂક્ષ્મતા, કે વિશાળતા સહજતાથી પરખાતી જાય. સ્વ સ્વરૂપની ઓળખથી પ્રગતિની દિશાના દ્વાર ખૂલતાં જાય છે. સ્વ સ્વરૂપની વાસ્તવિકતાનો સ્વીકાર થશય, તો સંસારી જીવનની ઘણી મુંઝવણોથી પણ મુક્ત રહી શકાય. જીવનમાં ઘણીવાર પ્રતિકૂળ સંજોગોની મુશ્કેલીઓમાંથી પસાર થવા માટે વીરતા જરૂરી હોય, અથવા અનુકૂળ સંજોગોને સંતની જેમ અકર્તાભાવથી ભોગવવાની સૌમ્યતા જરૂરી હોય. જીવનની વિવિધ ઘટનાઓના અનુભવમાં, મનનો અહંકાર જો જ્ઞાન-ભક્તિના સદ્ભાવને લીધે ઓછો જણાય, તો અંતરની ઉન્નતિ ધારણ થતી જાય. તેથી અજ્ઞાની અહંકારી વૃત્તિ રૂપી ઈંડાને, જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી ફોડી નાંખવું જોઈએ. અજ્ઞાનના લીધે જ કર્તાભાવનો અહંકાર વધતો રહે છે. જો આ ઈંડાને ફોડીશું નહિ, તો અજ્ઞાની વૃત્તિઓ અજ્ઞાની વર્તન રૂપી બચ્ચાને જન્માવશે. તેથી પોતાના અજ્ઞાની વર્તનના અહંકારનો સ્વીકાર જો થાય, તો સાત્ત્વિક વિચારોના મનોમંથનથી જ્ઞાન-ભક્તિમાં મન સ્થિત થતું જશે. પછી હૃદયભાવની નિખાલસતા આત્મીય ચેતનાની ઐક્યતામાં એકરૂપ આપમેળે થતી જશે. એવી એકરૂપતાની યાત્રા જીવતા જ કરવાની હોય. આ જીવનમાં ભાવનો નિખાલસ કુંડ બનીએ અને પ્રેમભાવનું પ્રસરણ કરી શકીએ એવી પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા