સ્થૂળમાં બંધાઈ રહી જીવન કર્યું ધૂળ જેવું
આપણે સૌ શરીરની સંગાથે દેહધારી જીવન જીવીએ છીએ. એવું લૌકિક જીવન પ્રકૃતિ જગતના આધારે, અરસપરસના સહયોગથી જીવાય છે. જેમકે વનસ્પતિ જગતની અનેક આકૃતિઓ છે. તે લીલીછમ કૃતિઓનો અપાનવાયુ માનવી માટે પાન કરવાનો વાયુ છે અને માનવ સહિત બીજા પ્રાણીઓનો અપાનવાયુ વનસ્પતિ જગત માટેનો પાનવાયુ છે. વાયુની આવી લેવડદેવડમાં કોઈ એકબીજાના કરજદાર નથી. પરંતુ મન જો આ લેવડદેવડની પ્રક્રિયાથી અજાણ રહે અને પોતાની અહંકારી વૃત્તિના માલિકીભાવથી જીવે તો એવું મન દેવાદાર છે. કારણ પ્રભુની આત્મીય ચેતનાથી સર્જાયેલાં વાયુ, અગ્નિ, પાણી તથા સૂર્ય-ચન્દ્રના પ્રકાશની ઊર્જાનો સ્ત્રોત સર્વેને સમર્પણભાવથી અર્પણ થાય છે. તેથી તેનો ઉપયોગ માનવી જો સ્વચ્છંદતાથી, વિચાર્યા વગર ઉદ્વત્તાઈથી, સ્વાર્થી સ્વભાવથી કરતો રહે તો પ્રભુએ પ્રગટાવેલી મહાભૂતોની પ્રકૃતિનું દાન, જે સમર્પણભાવથી અર્પણ થાય છે, તેનું નિયમિત ચક્ર ખોરવાઈ જાય છે. અર્થાત્ મનની અણસમજ, અજ્ઞાનતા, કે અહંકારી સ્વભાવની જડતાના લીધે જ પ્રકૃતિ જગત સાથેનું અરસપરસની પ્રક્રિયાઓનું તંત્ર અસમતોલ થતું જાય છે. જે કુદરતી આફતો લાવે છે, તથા ચર્મચક્ષુથી ન દેખાતાં જંતુઓની જે વિશાળ સૃષ્ટિ છે તેની કાર્યવાહી ખોરવાઈ જતાં, અસાધ્ય રોગના જંતુઓ વાયુમંડળમાં પ્રસરે છે. જેનાં લીધે દેહધારી આકૃતિઓમાં વ્યાધિનું પ્રમાણ વધતું જાય છે. આધિ-વ્યાધિની અસ્વસ્થતાનાં લીધે માનવીના એકબીજા સાથેના સંબંધો પણ સ્વસ્થ નથી રહેતાં.
દરેક માનવીનો સ્વભાવ એની વાણી-વિચારોના વર્તનથી ઓળખાય છે. એટલે માનવી પોતાના વર્તનથી કર્મસંસ્કારોના લેખ લખે છે. તેથી જ કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છાઓમાં બંધાયેલું જીવન સૌને જીવવું પડે છે. કારણ મનથી પોતે જ ઈચ્છેલું છે, વિચારેલું છે, આચરેલું છે. એટલે પ્રારબ્ધ રૂપે વર્તમાન જીવન અત્યારે મળ્યું છે તેનાથી છટકી શકાય તેમ નથી. ખુદ પોતાના જ સ્વભાવથી, વિચાર-વર્તનથી જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ, તેની પ્રતિક્રિયા રૂપે વર્તમાનનું જીવન મળે છે. આ વાસ્તવિક્તાનો સ્વીકાર કરીને જે જીવે છે તેને સરળતાથી સમજાય છે કે, પ્રભુએ પ્રકૃતિ સાથેની અરસપરસની પ્રક્રિયાઓનું ચક્ર સર્જાવીને, સર્વત્ર સહયોગી સ્થિતિની, સહાયકારી સ્થિતિની પ્રસન્નતાને પ્રગટાવી છે. ક્યાંય કોઈ કરજદાર કે દેવાદાર નથી. પરંતુ માનવી આ વાસ્તવિક્તાથી અજાણ રહીને જીવે છે એટલે પ્રભુની સર્વવ્યાપક આત્મીય ચેતનાથી પણ મન અપરિચિત રહે છે. અપરિચિત મનની અજ્ઞાનતા માત્ર સંસારી કાર્યોમાં, લૌકિક સંબંધોમાં, રાગ-દ્વેષનાં ભેદભાવથી ઓતપ્રોત રહે છે. એટલે દેહધારી પ્રકૃતિની સમતોલતા ખોરવાતી જાય છે. સ્વયંથી અજાણ રહેતાં મનની અજ્ઞાનતાના લીધે સમાજમાં ભેદભાવની ભિન્નતાથી વ્યવહાર થાય છે. જે એકબીજા સાથે સરખામણી કરી, ઉચ્ચ-નિમ્ન સ્તરના તોલમાપથી સંબંધ નિભાવે છે. એવાં સંબંધોમાં પ્રેમની સુવાસના બદલે સ્વાર્થનો બદબો હોવાંથી લાગણી, સ્નેહ, વહાલ મનમાં સુષુપ્ત રહે છે. એવી સુષુપ્તિના લીધે મન યાંત્રિક ઉપકરણોનો ગુલામ બની જાય છે. તેની સાબિતી એટલે આજના સમયનું સ્માર્ટ ફોન સાથેનું સગપણ.
આજકાલ માનવીનું માનસ એવું થઈ ગયું છે કે વ્યક્તિગત સંબંધોની અમૂલ્યતા ખાસ મહત્વની નથી, પણ આધુનિક સાધનોનું મહત્વ વધુ છે, એવી રીતે જીવવાની ગોઠવણ કરી દીધી છે. જો સ્માર્ટ ફોન એક દિવસ ન ચાલે તો બેચેની લાગે, કોઈ કાર્ય કરવાનું ગમે નહીં, કારણ ફોનનાં આધારે જ બધાં કાર્ય થતાં હોય છે. એનો અર્થ એવો નથી કે સ્માર્ટ ફોનનો ઉપયોગ યોગ્ય નથી. પરંતુ જીવતાં માનવી સાથેના સંબંધોને ભૂલીને, જડ સાધનો સાથે આખો દિવસ બંધાઈને જેઓ જીવે છે, તેઓનું મન ભાવવિહીન શુષ્ક થતું જાય છે. એવાં મનમાં સહજ આપમેળે પ્રેમની લાગણીઓ જાગૃત થતી નથી. તે માટે પાર્ટી કરવી પડે, કે હોટલમાં જવું પડે, કે મોલમાં શોપિંગ કરવા જવું પડે, તો જ પ્રેમ કે આનંદનો તેઓને ક્ષણિક અનુભવ થાય છે. એવાં ક્ષણિક અનુભવનાં લીધે, વારંવાર તેઓ એ જ પાર્ટી જેવાં કાર્યો કરવા માટે બેચેન રહે છે. આમ છતાં હૃદયભાવની નિ:સ્વાર્થ પ્રેમની લાગણીનો અનુભવ થતો નથી. એટલે નિ:સ્વાર્થ પ્રેમના અભાવમાં જીવતો માનવી બાહ્ય પદાર્થોમાં, વસ્તુઓમાં કે વાતાવરણમાં ફરતો રહે છે અને બાહ્ય સાધનોના વળગણમાં રહીને પોતે પણ એક સાધન જેવો બની જાય છે.
સંસારમાં સુખ, પ્રેમ, આનંદનું સાચું કૂખ નથી અને દુ:ખનું સાચું મુખ નથી;
સૂક્ષ્મનું જ્ઞાન જાણવા મન પુરુષાર્થ કરે નહીં અને સ્થૂળમાં શોધે સુખની ખાણ;
પ્રેમ, લાગણી વગરનું અધુરું જીવન રહે અધીરાઈનું,
એટલે નિ:સ્વાર્થભાવનું પોષણ મેળવે નહીં;
સ્થૂળમાં જ બંધાઈ રહીને જીવન ધૂળ જેવું કરી, સમજે નહીં કે આ મેં ભૂલ કરી!
સામાન્ય માનવી માટે પ્રેમ કે આનંદનો અનુભવ, પોતાને ગમતી પરિસ્થિતિ કે વ્યક્તિ પર નિર્ભર રહે છે. તેથી ગમતી સ્થિતિની ગેરહાજરીમાં પ્રેમ કે આનંદ માટે મન ઝૂરે છે. વાસ્તવમાં આનંદ સ્વરૂપની, દિવ્ય પ્રીત સ્વરૂપની પ્રકાશિત આત્મીય ચેતના આપણે ધારણ કરી છે. એટલે ગમતી પરિસ્થિતિનાં સંગમાં આનંદનો અનુભવ મન કરી શકે છે. પરંતુ એવાં ક્ષણિક આનંદના અનુભવથી મન તે ગમતી પરિસ્થિતિનો માલિકીભાવથી ભોગવવાનો પ્રયત્ન કરે છે. એવાં પ્રયત્નમાં રાગ-દ્વેષ, ઈર્ષ્યા, લોભ, અદેખાઈ વગેરે નકારાત્મક વૃત્તિઓમાં મન બંધાઈ જાય છે અને સ્વયંના સચ્ચિદાનંદ સ્વરૂપની નિ:સ્વાર્થ ભાવની પ્રીતથી અજાણ રહે છે. મનની એવી અજ્ઞાનતા જો પ્રકૃતિ જગતની અનેક કૃતિઓની વિશેષતાને જાણે, એની ગુણિયલ પ્રતિભાને આભારપૂર્વક ગ્રહણ કરે, તો નિ:સ્વાર્થ ભાવની ધારા મનોમન જાગૃત થતી જશે. પછી આત્મ સ્વરૂપની ભાળ મળતી જાય અને મન અંતર પ્રયાણ તરફ ઢળતું જાય.
પ્રત્યેક કૃતિની પ્રશંસામાં પ્રભુની આત્મીય પ્રીતનો અંશ
મનોમન જો ધારણ થાય;
તો ગૌરવ લેજો પ્રકૃતિને સમજવામાં,
કારણ સંસારને સમજવો બહુ મુશ્કેલ છે;
આજનો મિત્ર ક્યારેક બની જાય કાલનો દુશ્મન,
પણ પ્રકૃતિની મૈત્રીમાં છે પ્રભુની છત્રી;
તે ખૂલે તો જાગે અંતર પ્રયાણનો ભાગ્યોદય
અને આપે દુર્લભ દિવ્ય ભાવની મતિ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા