પ્રીત-પૂર્તિના ભૂખ્યા પ્રભુનો સથવારો સૌને હોય
નિ:સ્વાર્થ પ્રેમનો અનુભવ ક્યારે થાય, કોની સંગમાં થાય, એવાં વિચારો જિજ્ઞાસુ ભક્તના મનમાં આરંભમાં જાગે છે. કારણ વ્યવહારિક જગતના સંબંધોમાં મોટેભાગે સ્વાર્થ છૂપાયેલો હોવાંથી, નિ:સ્વાર્થ પ્રેમની પ્રતીતિ સહજતાથી થતી નથી. નિ:સ્વાર્થભાવની દુર્લભ પ્રતીતિ માટે કોઈ પ્રયત્ન કરવાનો નથી. પ્રભુએ આ જગતમાં સર્વે જીવંત કૃતિ સ્વરૂપે દિવ્ય પ્રીતની ચેતનાનો પ્રાદુર્ભાવ ધર્યો છે. જેથી જિજ્ઞાસુ ભક્ત નિ:સ્વાર્થતાની પ્રતીતિથી સ્વયંની આત્મીય ચેતનાનું સંવેદન ઝીલી શકે. પ્રભુની આત્મીય ચેતના એટલે કે પ્રાણ શક્તિના લીધે દરેક દેહધારી આકૃતિઓની જીવંત સ્થિતિ છે. તે પ્રાણની ચેતનાના આધારે દેહધારી કૃતિઓ જન્મે છે અને એ જ ચેતનાના શ્ર્વાસ રૂપી પોષણથી વૃદ્ધિ-વિકાસનું જીવન જીવી શકે છે. અર્થાત્ દરેક જન્મેલી કૃતિઓ, કે જગતમાં ઉત્પન્ન થતી પ્રકૃતિમાં પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાનો પ્રાણ છે. એટલે જ સર્વે જીવંત કૃતિઓ પ્રભુ પ્રીતની અભિવ્યક્તિ છે. પ્રાણની ચેતના છે કે નથી એવાં વિચારો સંદિગ્ધ કે અર્થહીન છે. કારણ તે જો નથી તો ખુદનું અસ્તિત્વ નથી અને અસ્તિત્વ વગર વિચારોની જ હસ્તી નથી અને તે જો છે તો એવાં વિચારોના આધારે કોઈની જીવંત સ્થિતિ નથી. કારણકે મનનાં ઉચિત કે અનુચિત વિચારોથી પ્રભુની પ્રાણ શક્તિને આપણે ધારણ કરી શકતાં નથી. તે દિવ્ય પ્રીતની ચેતના તો પ્રાણ શક્તિ સ્વરૂપે સર્વત્ર પ્રસરેલી છે અને કોઈપણ પુરુષાર્થ વગર સૌને સહજતાથી શ્ર્વાસ રૂપે ક્ષણે ક્ષણે પ્રાપ્ત થયાં કરે છે.
દરેક માનવીનો એવો સ્વભાવ છે કે, જે કોઈપણ મહેનત વગર સહજ મળી જાય અને સતત પાસે હોય તેની ઉપેક્ષા કરવી. પ્રભુની દિવ્ય ચેતનાની સતત હાજરીના લીધે જીવંત જીવનની ઉપલબ્ધિ છે. એટલે તે સત્યના માત્ર જાણકાર થવાનું ન હોય, પણ એનાંમય થઈ જીવવાનું હોય. તેથી ભક્તનું મન માત્ર જાણકાર ન થાય પણ પ્રભુ પ્રીતનો અનુભવ કરાવતી અંતર ભક્તિમાં ધ્યાનસ્થ રહે. એ તો વાતાવરણની પ્રકૃતિમાં, વનસ્પતિ જગતની પ્રકૃતિમાં દિવ્ય પ્રીતની ચેતનાનો સંચાર અનુભવે, તથા પોતાના દેહના અંગોની પ્રક્રિયાઓમાં આત્મીય ચેતનાના સંચારને, ઊર્જાના વિદ્યુતિ સ્પંદનો સ્વરૂપે અનુભવે. એવાં અનુભવ રૂપે પ્રકૃતિમાં કે અંગોમાં થતી સેવા રૂપી પ્રક્રિયાઓમાં, મનના રાગ-દ્વેષનો વિક્ષેપ ન થાય તેની કાળજી રાખે છે. ભક્તની આવી કાળજીભરી પ્રેમભાવની લાગણી, એ જ છે ભક્તિનું સદાચરણ. ભક્તની જેમ દરેક માનવી ભક્તિમય જીવનની શાંત સૌમ્યતાને ધારણ કરી શકે એમ છે. કારણ દરેકની જીવંત સ્થિતિ છે અને જીવંત સ્થિતિ રૂપે પ્રભુની આત્મીય ચેતનાનું સાક્ષાત્ સાંનિધ્ય છે. માનવી જો દરેક પ્રકારના સંબંધમાં જે પણ કૃતિઓનો સંગ કરે, તેને અહોભાવથી સ્વીકારે તો રાગ-દ્વેષ, ક્રોધ, ઈર્ષ્યા, અપેક્ષા ઓછાં થતાં જાય. દરેક કૃતિ પ્રભુ પ્રીતની અભિવ્યક્તિ છે એવાં સ્વીકારમાં રાગ-દ્વેષના ભેદભાવનો કોલાહલ ઓછો થતો જાય. જેટલો કોલાહલ ઓછો તેટલો સ્વયંને જાણવાનો, અનુભવવાનો જિજ્ઞાસુ ભાવ વધતો જાય.
પ્રભુ પ્રીત તો પ્રાણ પૂર્તિની ભૂખી હોય,
તે કદી પૂજા કે સન્માનની ભૂખી ન હોય;
પ્રીત પૂર્તિના ભૂખ્યાં પ્રભુનો સથવારો સૌને હોય,
સ્વાર્થીનો પણ હાથ કદી છોડ્યો ન હોય;
પ્રભુ પ્રીતને માણવા ભક્ત તો શરણાગતિના સૂરથી ગત વાતો ભૂલી,
પ્રાણની ગતિને શરણે જાય;
જ્યાં નથી અહંકારી વૃત્તિનો સ્વાર્થ,
પણ હોય ત્યાં પ્રગતિ રૂપે પ્રીતની ચેતનાનો પ્રકાશિત પથ.
પ્રભુની પ્રીત એટલે કે પ્રાણ શક્તિની ઊર્જાનું દાન, સર્વે દેહધારી જીવોને નિરંતર પ્રાપ્ત થતું રહે છે. તે દાન મેળવવા માટે કોઈને સ્તુતિ કે પૂજા કરવી પડતી નથી, કે પ્રભુની પરમોપરમ સત્તાને પામર બની વિનંતિ કરવી પડતી નથી. કોઈપણ કક્ષાના ભેદભાવ વગર નિરપેક્ષભાવથી અર્પણ થતી, પ્રાણની ઊર્જા શ્ર્વાસ રૂપે સહજ ધારણ થયાં કરે છે. આવાં શ્રેષ્ઠ દાનની પ્રાપ્તિને અહોભાવથી, શરણભાવથી, પ્રેમભાવથી સ્વીકારે, તે છે ભક્તિનું આચરણ. જીવંત જીવનનો જે પાયો છે, જે મૂળભૂત શક્તિ છે, તે પ્રાણની ઊર્જાનો ભક્ત માત્ર સ્વીકાર નથી કરતો, પણ શ્ર્વાસનાં ધબકારે ધબકારે પ્રભુ પ્રીતને આવકારે છે. જેમ એક નાનું બાળક પોતાની માતાના ખોળામાં નચિંતપણે સૂતું હોય છે; તેમ ભક્ત શ્ર્વાસ-પ્રાણ રૂપી માતાના ખોળામાં સૂઈ જાય છે, એટલે કે ભૂત-ભવિષ્યની ચિંતા છોડી, વર્તમાનની જીવંત ક્ષણે તે આત્મીય પ્રાણની દિવ્યતાને, પ્રીતને, સાત્ત્વિક ગુણોને પ્રકાશિત કરાવતી ભક્તિના આચરણમાં ઓતપ્રોત રહે છે. અર્થાત્ ભક્તિભાવની અંતર ગતિથી પ્રભુ પ્રીતને ભક્ત માણે છે.
ભક્તની જેમ પ્રભુ પ્રીતને માણવી હોય, તો રાગ-દ્વેષના કોલાહલને શાંત કરવો પડે અને અહંકારી માનસને ઓગાળવું પડે. મનનું અહંકારી, અજ્ઞાની સ્વભાવનું માનસ ત્યારે ઓગળી શકે, જ્યારે એને પરખાઈ જાય કે, સર્વત્ર પ્રભુની ચેતનાનો જ સંચાર છે અને તેનાં વગર હું નિરાધાર છું તથા એનાં સંગાથ વગર દેહધારી જીવનની હસ્તી નથી. આવી પારખ રૂપે સચ્ચિદાનંદ સ્વરૂપથી પરિચિત થવાય, તે છે મનની શરણાગતિની જાગૃતિ. એવી જાગૃતિ પ્રભુ પ્રીતની ઐક્યતાને અનુભવે અને એકમનો મોહ લગાડે છે. ભક્ત પ્રભુ પ્રીતમાં એકરૂપ થવાં માટે મોહાંધ થાય, તે છે ભાવની અંતરધ્યાનસ્થ સ્થિતિ. એવી ધ્યાનસ્થ સ્થિતિમાં ન હોય રાગ-દ્વેષના અહંકારી વિચારો, પણ હોય ભાવની નિર્મળતાના પ્રકાશિત તરંગો. આવી ભાવમય એકાગ્રતામાં સ્વયંભૂ સ્થિત થવાય, ત્યારે સ્વ જ્ઞાનનો તત્ત્વાર્થ ધારણ થતો જાય. એવાં ભક્તનું અસ્તિત્વ પ્રભુ પ્રીતની અભિવ્યક્તિ ધરે, જેની પ્રતીતિ બીજા જિજ્ઞાસુઓને કરુણા રૂપે, પ્રેમનાં વહાલ રૂપે, સહાનુભૂતિ રૂપે થાય. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે, "આપની દિવ્ય પ્રીતની સત્ત્વિક ગુણોની પ્રતિભા ભક્તિ ભાવ સ્વરૂપે પ્રકાશિત થાય એવી કૃપાનું ધન શ્ર્વાસે શ્ર્વાસે ધારણ કરાવો.”
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા