મન આત્મ સ્વરૂપથી પરિચિત થાય તો સ્વભાવનું પરિવર્તન થાય
વ્યવહારિક જગતનું લૌકિક સ્તરનું જીવન એટલે બે(દ્વૈત) પ્રકારના વૃત્તિ-વિચારોની આવનજાવન. તેથી માન-અપમાન, સ્વીકાર-અસ્વીકાર, હર્ષ-શોક, નફો-ખોટ, વગેરે વિરોધી પ્રકારના વર્તનમાં મન બંધાયેલું રહે છે. આવો દ્વૈત પ્રકૃતિનો માનવીનો સ્વભાવ હોવાંથી મન મોટેભાગે પ્રતિક્રિયામાં વીંટળાઈને વર્તે છે. એવી દ્વૈત પ્રકૃતિના વિરોધી પ્રકારના અનુભવમાં મન જો સમતોલ રહે, એટલે કે વિરોધી પ્રકારની કોઈ પણ પરિસ્થિતિને મન જો સદ્ભાવથી સ્વીકારે, તો મનમાં સુષુપ્ત રહેલી સ્વ સ્વરૂપની સાત્ત્વિક પ્રતિભા પ્રગટ થતી જાય. જીવંત જીવન રૂપે ભૂતકાળમાં કરેલા કર્મોના પરિણામને ભોગવવાના કાર્યો થાય છે. તે પરિણામની ગમતી કે અણગમતી સ્થિતિની પ્રાપ્તિનો અસ્વીકાર થઈ શકતો નથી. દરેક માનવીને પોતે કરેલાં કર્મોનું ફળ ભોગવવાનું જીવન જીવવું જ પડે છે. તેથી ગમતાં કે અણગમતાં સંજોગોનું જીવન જિવાય, ત્યારે અણગમતી પરિસ્થિતિમાં મન જો સતત પ્રતિક્રિયા કરે, વિહ્વળ થયાં કરે, કે નકારાત્મક વૃત્તિથી ઉશ્કેરાઈને વર્તે, તો મનની એવી અસમતોલતાની અસર તન પર થાય છે. તનનું સ્વાસ્થ્ય સ્વસ્થ ન રહેતાં રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય અને તનની અસ્વસ્થતાના લીધે નિરાશામાં, હતાશામાં મન ડૂબી જાય છે. મનની આવી નિરાશાજનક સ્થિતિમાં સર્જનાત્મક કાર્યો કરવાનું કૌશલ્ય ઘટતું જાય છે. બુદ્ધિગમ્ય કૌશલ્ય શિથિલ થાય, તે છે મનની વૃદ્ધ અવસ્થા.
શરીરનો જે આકાર જન્મે છે તેનો વૃદ્ધિ રૂપે વિકાર થાય છે અને અંતે વૃદ્ધ થઈને મૃત્યુ પામે છે. પરંતુ પ્રભુએ દરેક માનવીને જે મનની ભેટ અર્પી છે, એ તો સદા ખીલતું રહે, વૃદ્ધિ પામતું રહે. એનો અંત આકારિત શરીરની જેમ થતો નથી. મનનું સ્વરૂપ વિલીન થઈ શકે, એટલે કે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારો વિલીન થાય, ત્યારે તે સ્વયંના આત્મ સ્વરૂપમાં સ્થિત થાય. પછી તે સ્વયંની સાત્ત્વિક પ્રતિભાને, આત્મીય ગુણોની દિવ્યતાને પ્રગટાવતું પરમાર્થી જીવન જીવે છે. તેથી મનની વૃદ્ધ અવસ્થા જ્યાં નથી, ત્યાં છે સર્જનાત્મક વિચારોની કૌશલ્યતાને, પરોપકારી ભાવની સૌજન્યતાને, અર્પણભાવની નિર્મળતાને ખીલવતી વૃદ્ધિની સ્થિતિ. ભક્ત તો પ્રભુએ અર્પણ કરેલી ભેટનો સદુપયોગ થાય, તે માટે જ્ઞાન-ભક્તિ સ્વરૂપે સાત્ત્વિક વિચારોમાં મનને તરતું રાખે છે. તેથી ગમતી પરિસ્થિતિ હોય કે, અણગમતી દુ:ખદ પરિસ્થિતિ હોય, એ તો વિરોધી પ્રકારની પરિસ્થિતિઓને શરણભાવથી સ્વીકારે છે. કારણ દરેક પરિસ્થિતિ રૂપે થતાં કાર્ય કે પ્રવૃત્તિના કર્મ, પ્રભુની ચેતનવંત ઊર્જા શક્તિના સહારે થઈ શકે છે. એ સત્યને પચાવીને ભક્ત દરેક પરિસ્થિતિને સમભાવથી સ્વીકારી, અકર્તાભાવથી કર્મ કરે છે. તે સત્યનું સ્પષ્ટ દર્શન મનમાં જો સ્થપાઈ જાય તો સમજાય કે, વિરોધી પ્રકારની કોઈ પણ પરિસ્થિતિની આવનજાવન થતી રહે છે. તે સ્થાયી રહેતી નથી એમાં વધઘટ થતી રહે છે. પરંતુ સત્ય એ છે કે જેમાં આકારોની જેમ વધઘટ નથી, તે છે પ્રભુની ચેતના અને તે ઊર્જા શક્તિ રૂપે સૌને સતત પ્રાપ્ત થયાં કરે છે. તેથી જેની સંગાથે કાર્યો થાય છે, તે પ્રભુના અંશ રૂપે પ્રાપ્ત થયેલાં મનના સ્વરૂપથી માનવીએ પરિચિત થવું જોઈએ. જેથી મનને પોતાને જ પોતાની નિર્મળતા કે સબળતાનો અંદાજ આવી શકે.
મન સ્વયંથી એટલે કે આત્મ સ્વરૂપથી પરિચિત થાય, તો પોતાના સ્વભાવનું પરિવર્તન આપોઆપ થઈ શકે. કારણ પરિચિત મનને આત્માની દિવ્યગુણોની પ્રતિભાને ખીલવવાની જિજ્ઞાસા જાગે છે. મનને પછી પ્રતિક્રિયાના વર્તનમાં સ્થિત થવાનું ગમશે નહિ. અણગમતી પરિસ્થિતિમાં વિહ્વળ થવાને બદલે તે પરિસ્થિતિનો તાગ કાઢશે, પોતાના સ્વભાવની ભૂલોને સ્વીકારશે, જેનાં કારણે અણગમતી સ્થિતિ જન્મે છે. આમ જ્ઞાન ભક્તિના સત્સંગ રૂપે સ્વ પરિચયની જાગૃતિ ધારણ થાય અને સમતોલભાવથી સંજોગોને સ્વીકારવાની નિષ્ઠા વધતી જાય. એવી નિષ્ઠામાં મનનું ગુણિયલ પ્રતિભાનું સામર્થ્ય પ્રગટતું જાય અને સાત્ત્વિક આચરણનું સૌંદર્ય ખીલતું જાય. પછી પ્રભુ સાથેની ઐક્યતાનો અહેસાસ થાય, એટલે કે આત્મ સ્વરૂપની અભિન્નતા અનુભવાય. મનને પછી ભેદ દૃષ્ટિથી પોતાની ભૂલ પરખાય. જેમ ભેદ દૃષ્ટિના લીધે સૂર્યનો પ્રકાશ અને પ્રકાશિત કિરણો જુદાં ભાસે છે, તેમ આત્મા અને મનની ભિન્નતા ભાસે છે. સૂર્યનો પ્રકાશ કિરણ રૂપે પ્રસરે છે એવી સમજની જાગૃતિ થાય પછી ભેદભાવની દૃષ્ટિને ઓગાળતું ચિંતન થાય. ભક્ત તો એકમ દૃષ્ટિની જાગૃતિથી જીવે છે અને નિ:સ્વાર્થ પ્રેમના સદ્ભાવથી પ્રભુ સાથેની ઐક્યતાને માણે છે.
પ્રભુની ચેતનાનો વસવાટ શ્ર્વાસ રૂપે દેહમાં છે,
મન જો ચેતનાના સંગાથને ભક્તિભાવથી અનુભવે;
તો નિ:સ્વાર્થ પ્રેમના સદાચરણને ધારણ કરે
અને સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં સ્થિત થાય;
અધ્યયનમાં મન એકતાર થઈને અંતર ધ્યાનસ્થ થતું જાય
અને પ્રેમનો સદ્ભાવ સ્વયંભૂ જાગૃત થાય;
સદ્ભાવ જાગે પછી સંસારી ભોગનો અભાવ નહિ રહે,
પ્રેમની ધારા તો ભેદભાવને મીટાવી દે.
જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે અહંકારી વૃત્તિઓનું સમર્પણ થતું જાય, અર્થાત્ સમર્પણભાવની જાગૃતિમાં નિ:સ્વાર્થ પ્રેમની ધારા પ્રગટે. પ્રેમની નિર્મળતાથી ભક્ત બીજી સંબંધિત પરિસ્થિતિ સાથે વ્યવહાર કરે. કારણ એ તો દરેક પરિસ્થિતિ રૂપે પ્રભુની ચેતનાના આવિષ્કારને સ્વીકારે છે. એવાં સ્વીકારમાં ભેદ દૃષ્ટિ વિલીન થઈ હોવાંથી સ્વમય ચિંતનમાં તલ્લીન થતાં જવાય. ભક્તની એવી તલ્લીનતા અનુભવે સ્વ સ્વરૂપની સાત્ત્વિક પ્રતિભાને, જે સમદૃષ્ટિની સૂક્ષ્મતાથી અંતરની પારદર્શક વિશાળતામાં ઓતપ્રોત રહે તથા અંતર્યામીએ અર્પણ કરેલાં સાત્ત્વિક વિચારોના ધનને, બીજા જિજ્ઞાસુઓને તે અર્પણ કરતો રહે.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા