Article Details

નિરાધારને નિરાકારનો સંબંધ

મનમાં જન્માવો ભાવને પ્રભુ, નિરાધાર હું આધાર લઉં નિરાકારનો

અને સમજું નિરાકારિત સૃષ્ટિને;

       હું શું હતો એ સમજાવો, શેની જાગૃતિ ન્હોતી એ મારામાં જગાડો,

શું થઈશ અને શું થવાનું છે તે મને જણાવો;

       હે પ્રભુ તારો લઉં હું આધાર પણ રહ્યો નિરાકાર,

તો આ નિરાધારને કરાવો નિરાકારનો સંબંધ;

       પછી હું પોતે થઈ જાઉં નિરાકાર

અને બંધન મુક્ત થઈ અલૌકિક આત્મીય ધન પોતે બની જાઉં.

 

       પ્રભુને આવી વિનંતિ મન ત્યારે કરે, જ્યારે આધારિત આત્મીય ચેતનાની હાજરીનો અહેસાસ થાય કે, સર્વત્ર સર્વેમાં વ્યાપ્ત રહેલી પ્રભુની ચેતનાના લીધે જીવંત સ્વરૂપની સ્થિતિ છે. ચેતનાની ઊર્જાના લીધે જ પ્રકૃતિમાં જીવંત સ્વરૂપની અસંખ્ય પ્રકારની પ્રક્રિયાઓ સતત થયાં કરે છે. આવો અહેસાસ મનની હૃદયભાવની જાગૃતિ રૂપે ધારણ થાય. અર્થાત્ જ્યાં પરોપકારની, સેવાની, અર્પણ કરવાની, કે પ્રેમની નિ:સ્વાર્થતા હોય, ત્યાં જ ભાવની જાગૃતિ હોય. હૃદયભાવ એટલે જ રાગ-દ્વેષના ભેદભાવ વગરનો નિર્મળ સ્વભાવ અને એવાં નિર્મળ સ્વભાવમાં સ્વયંના સ્વ સ્વરૂપને જાણવાની તથા અનુભવવાની તીવ્ર જિજ્ઞાસા જાગે છે. મોટેભાગે સંસારી વિચારોના ભેદભાવમાં બંધાયેલા મનને ભાવની નિર્મળતા, સાત્ત્વિકતા, કે નિષ્કામ વૃત્તિની મહત્તા સમજાતી નથી. એવાં મનને પ્રેમ કે લાગણીમાં તરવું ગમે છે. પરંતુ રાગ-દ્વેષવાળાં સ્વભાવથી પ્રેમની નિ:સ્વાર્થતાનો અનુભવ થતો નથી. એટલે જ દરેક સંબંધમાં પ્રેમની ખોટ લાગે છે અને મન પ્રેમની ખોટમાં અસંતોષી રહે છે.

       પ્રેમભાવથી જો દરેક સંજોગોમાં એકબીજા સાથે વ્યવહાર થાય, તો મોટાભાગની મુંઝવણો કે મુશ્કેલીઓનું તારણ મળી જાય અને પરિવાર સાથેના સંબંધોમાં કુસંપ, ધિક્કાર, વેરઝેર વગેરે નકારાત્મક વર્તનની વ્યથાઓ ઓછી થતી જાય. અહંકારી સ્વભાવની તોછડાઈને, કે ઈર્ષ્યાળુ સ્વભાવની અદેખાઈને, કે માલિકીભાવની આપખુદીને, કે પોતે બીજા બધાથી હોંશિયાર છે, બીજા અક્કલ વગરના છે એવાં અજ્ઞાની સ્વભાવની અસભ્યતાને જો ભક્તનાં નિ:સ્વાર્થ પ્રેમભાવનો સ્પર્શ મળે તો અહંકારી સ્વભાવની અજ્ઞાનતાને ઓગાળતું પરિવર્તન આપમેળે થાય. કારણ નિ:સ્વાર્થ પ્રેમમાં છે આત્મીય ચેતનાનો પ્રભાવ, જે મનની અસંતોષની, અતૃપ્તિની ખોટને ભરપાઈ કરાવતું સાત્ત્વિક ભાવનું પોષણ અર્પે છે. તેથી અજ્ઞાની મનને જો નિ:સ્વાર્થી પ્રેમના નીરનો સ્પર્શ મળે અને એવાં નિષ્કામ પ્રેમમાં તે ભીંજાતુ જાય, તો જિજ્ઞાસુભાવની જાગૃતિ ધારણ થાય. પછી મનને સ્વયંને જાણવાની આધ્યાત્મિક યાત્રા કરવા માટે સમજાવવું ન પડે, પણ બાળકને જેમ પ્રેમથી મનાવીએ તો એ માની જાય છે, તેમ જ્ઞાની ભક્તના પ્રેમાળ સાંનિધ્યમાં મન સહજતાથી સ્વમય ચિંતનની યાત્રામાં ઢળતું જાય છે.

       દરેક માતા-પિતા મોટેભાગે પોતાના નાના બાળકને પ્રેમથી મનાવવાનું જાણે છે. નાના બાળકને સવારે ઉઠાડીને સ્કુલમાં મોકલવાનું હોય અથવા ઘરમાં ઓનલાઈન ભણવાનું હોય, ત્યારે પથારીમાં ઊંઘતા બાળકને ઉઠાડીને, બ્રશ કરાવીને, નવડાવીને દૂધ-નાસ્તો કરાવવા માટે પ્રેમથી મનાવવું પડે છે. નાનું બાળક હોય એટલે તે બધી પ્રકિયાઓ ધીરે ધીરે કરે, અથવા કરવાની આનાકાની કરે. તે ક્ષણે ઘણીવાર માતા-પિતા અકળાઈ જાય. કારણ તેઓને પણ પોતાના રોજિંદા કાર્યો કરવાના બાકી હોય છે, તેથી તેઓ ગુસ્સો કરે તે સ્વભાવિક છે. પરંતુ બાળક પર જો હુકમ ચલાવી ગુસ્સો કરીએ, તો બે દિવસ તે કહેલું કરશે. ત્રીજે દિવસે પાછું તે આનાકાની કરશે. એટલે બાળકને પ્રેમથી સમજાવવું પડે. એને ભણતરના, શિક્ષણના ફાયદા વિશે સમજાવવું પડે. બ્રશ ન કરવાથી દાંત સડી જાય તો દુ:ખે, એવી રીતે દાંતની મહત્તા સમજાવવી પડે અને દૂધ ન પીવાથી રમવાની તાકાત નહિ મળે, વગેરે દરેક પ્રક્રિયાની મહત્તા વિશે બાળક સમજી શકે એ રીતે સમજાવવું પડે. રોજના કાર્યો ન કરવાથી શું થઈ શકે અને તે કરવાથી કેટલો ફાયદો થાય, એવું પ્રેમથી બાળકને જો સમજાવતાં રહીએ, તો એવી સમજથી કેળવાઈને તે પ્રક્રિયાઓને પોતાની જાતે કરવાનું સહજ શીખતું જશે. એ જ રીતે ગુરુ કે માર્ગદર્શકના પ્રેમભર્યા સાંનિધ્યમાં અજ્ઞાની મન સ્વ જ્ઞાનથી કેળવાતું જાય છે.

       સ્વ સ્વરૂપની એટલે કે પ્રભુની આત્મીય ચેતનાની વાસ્તવિકતા જેમ જેમ સમજાતી જાય, તેમ તેમ સાર-અસારને પારખતી વિવેકી બુદ્ધિનો ઉજાગર થાય છે. વિવેકી મન એટલે જે સ્વયને જાણવા તત્પર રહે અને જિજ્ઞાસુભાવથી જ્ઞાન-ભક્તિના સત્સંગથી રંગાતુ જાય. જ્ઞાન-ભક્તિનો રંગ એટલે જ ‘હું શરીર નથી પણ નિરોગી આત્મીય ચેતના છું’ એવી જાગૃતિમાં સ્થિત થવું. એટલે જ અભ્યાસ, વાંચન, શ્રવણ વગેરે સત્સંગની પ્રવૃત્તિઓથી મનને કેળવવું અતિ આવશ્યક છે. એકવાર જ્ઞાન-ભક્તિનો સાત્ત્વિકભાવ રૂપી રંગ મનને લાગશે, પછી રંગાયેલું મન સ્વમય ચિંતનની અંતર યાત્રામાં આપમેળે સ્થિત થતું જશે. ચિંતનની સહજતામાં મનનો હૃદયભાવ તીક્ષ્ણ ગતિથી સ્વજ્ઞાનના ભાવાર્થને, એટલે કે ‘હું આત્મીય ચેતનાનો અંશ છું’ એ સત્યને ગ્રહણ કરી શકે છે. મનમાં પછી સ્વયંની સાત્ત્વિકતાની કે દિવ્યતાની સ્વાનુભૂતિ કરવાની ધૂન જાગે છે. જિજ્ઞાસુ ભક્તમાં ધૂન જાગે પછી એને પ્રારબ્ધગત લૌકિક જીવનનાં પ્રશ્ર્નોનો ઉકેલ લાવવામાં જે સમય વેડફાઈ જાય તેની અકળામણ થાય. કારણ ભક્તને સમયની ગતિથી સ્વમાં સમાઈ જવાની અંતરયાત્રા કરવી હોય છે. તેથી તે પ્રભુને સતત પ્રાર્થનાપૂર્વક વિનંતિ કરતો રહે કે..,

 

       શ્યામની શ્યામની શ્યામની રે, મને શા કાજે લાગી આ ધૂન,

       કોઈ કહેશે ઘેલછા લાગી આ માનવીને, કોઈ કહેશે પરભવનાં પુન;

       જાણવું નથી કે લાગી આ ધૂન કેમ, મારે માણવો છે આનંદ શ્યામનો રે;

       સંસારી વાતોનાં કોયડાં ઉકેલવામાં, ચાલ્યો જાય અણમોલ આનંદ;

       આપ્ના ચરણોમાં જીવન વિતાવવું છે, માર્ગમાં ન મૂકો વિકલ્પ.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા