Article Details

મને દર્શન દીધાં કરો...

સાત્ત્વિક સંસ્કારોનો ઉદય થાય, ત્યારે મનને પ્રભુ સાથેના આત્મીય સંબંધને જાણવાની જિજ્ઞાસા જાગે છે. એવી જિજ્ઞાસાના લીધે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરાવતી સત્સંગની પ્રવૃત્તિ મનને ગમવા લાગે છે. મનગમતી પ્રવૃત્તિ માટે જેમ મનને વારંવાર ટપારવું ન પડે, પણ ગમતી પ્રવૃત્તિ કરવાનો ઉમંગ અને ઉત્સાહ વધતો રહે છે, તેમ જિજ્ઞાસુ મનને સત્સંગની પ્રવૃત્તિની મહત્તા જાણી હોવાંથી શ્રદ્ધાપૂર્વક તે શ્રવણ, અભ્યાસ, અધ્યયન કરે છે. શ્રદ્ધાપૂર્વક સત્સંગમાં મન ઓતપ્રોત થાય, ત્યારે ભક્તિભાવથી સ્વયંને જાણવાની, અનુભવવાની અંતરયાત્રા તરફ પ્રયાણ થતું જાય. જિજ્ઞાસુ ભક્તને અંતર યાત્રાનો રાહ મળી શકે છે. પરંતુ તે રાહ તરફ પ્રયાણ કરાવતી તે રાહ પર પ્રયાણ કરતાં ઊર્ધ્વગતિથી આરોહણ કરાવતી સૂક્ષ્મ બુદ્ધિની કૃપા અતિ આવશ્યક છે. અંતરની સૂક્ષ્મતાને, નિરાકારિત સૃષ્ટિની વિશાળતાને ગ્રહણ કરાવતી સૂક્ષ્મ બુદ્ધિનું દાન સત્સંગની નિષ્ઠાથી ધારણ થઈ શકે છે. નિષ્ઠા રૂપે મનનો અકર્તાભાવ જાગૃત થતો જાય, ત્યારે જ પ્રભુના પ્રજ્ઞા દાનને ધારણ કરવાની સમર્થતા જાગે છે. મન જ્યાં સુધી કર્તાભાવથી સત્સંગની પ્રવૃત્તિ કરે, ત્યાં સુધી આધ્યાત્મિક સમજ ગ્રહણ થાય, સાત્ત્વિક વિચારોમાં મન ઓતપ્રોત થાય, પણ અંતર પ્રયાણની સહજતા ધારણ થતી નથી.

       આધ્યાત્મિક સમજ ગ્રહણ થાય, પછી સમજ અનુસાર મનોવૃત્તિઓનું પરિવર્તન થવું જોઈએ, એટલે કે સાત્ત્વિકભાવની જાગૃતિ થવી જોઈએ. ઘણીવાર એવું થાય કે સૂક્ષ્મ સમજ અનુસાર મન શિક્ષિત થતાં, પોતાની જૂની ટેવ કે આદતોથી મુક્ત થવાનો પ્રયત્ન કરે. પરંતુ બુદ્ધિ અને લાગણી વચ્ચે જો સુમેળતા ન હોય, તો સ્વભાવનું પરિવર્તન કરવાનું મુશ્કેલ બની જાય. સ્વભાવના પરિવર્તન માટે સ્વમય અંતર યાત્રાની તીવ્ર ઈચ્છા. જ્યાં સુધી એવી તીવ્રતા કે તત્પરતા જાગૃત થતી નથી, ત્યાં સુધી આચારસંહિતા રૂપે સાત્ત્વિક વર્તનની કેળવણી માટે મન જે પણ સત્સંગની પ્રવૃત્તિ કરશે તેમાં ભક્તિભાવની શ્રદ્ધાથી ઓતપ્રોત નહિ થાય. ગુરુનાં કે સહયાત્રીઓનાં માર્ગદર્શનમાં મનને તથ્ય ન લાગે અથવા સંશય ઊભો થાય. કારણ પોતાના સ્વભાવ સાથે તે બંધબેસતુ ન હોય. અર્થાત્ જો રસ્તે ચાલતાં પડી જઈએ અને શારીરિક હાનિ રૂપે ઊંડો ઘા પડે, તો તે ઈજાનું દર્દ કેટલું છે તેનું વર્ણન ડોકટર સમક્ષ કરીએ. છતાં પણ તે દર્દની પીડા તો મન પોતે જ જાણે છે. તે ઈજાનો, કે દર્દની પીડાનો અહેસાસ બીજી વ્યક્તિને થતો નથી. તે પ્રમાણે પોતાના સ્વભાવની નબળાઈને મન પોતે જ જાણે છે. તેથી સત્સંગ રૂપે મળેલાં માર્ગદર્શનમાં મન ઘણીવાર ઓતપ્રોત થતું નથી. કારણ મનમાં સૂક્ષ્મ સમજની સ્પષ્ટતા ધારણ થઈ નથી. એટલે સ્વભાવગત થતાં વ્યવહારમાં કોઈકવાર મન લાગણીમાં ખેંચાઈ જાય, અથવા બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ ન શકે.

       આમ સીમિત સમજની અસ્પષ્ટતાના લીધે અંતર પ્રયાણ મુશ્કેલ લાગે છે. પ્રયાણ કરવામાં મુખ્ય રૂપે અવરોધક બને છે પોતાના અહંકારી સ્વભાવની અજ્ઞાનતા. સીમિત સમજણ એટલે રસ્તા પર જો સિગ્નલ ન હોય, તો ચારે દિશામાંથી વાહનો એક સાથે દોડે અને વાહનો એકસાથે ભેગા થઈ જવાંથી આગળ વધી ન શકે. એ જ રીતે મનની સીમિત સમજની અસ્પષ્ટતામાં, નકારાત્મક સ્વભાવની નબળાઈમાં, કે રાગ-દ્વેષાત્મક ભેદભાવના લીધે, તર્ક કરાવતાં, શંકા કરાવતાં વિચારો રૂપી વાહનો એક સાથે દોડતાં રહે છે, જે સદાચરણની દિશા તરફ પ્રયાણ કરવા દેતાં નથી. એવાં અવરોધક વિચારોને અટકાવવા માટે ગુરુના સાંનિધ્યમાં શ્રદ્ધાભાવથી, શરણભાવથી, આદરભાવથી મનને સ્થિત કરાવવું જોઈએ. ગુરુની આત્મીય પ્રીતના સ્પંદનોથી અજ્ઞાનતાનું આવરણ ઓગળતું જાય, તથા શંકા-સંદેહ કરાવતો મનનો ઉદ્વેગ ઓછો થતો જાય. ધીમે ધીમે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ આચરણ રૂપે ધારણ થાય, એવું મનનું પરિવર્તન થતું જાય. સૂક્ષ્મ સમજમાં પછી મન ગૂંથાતું જાય અને પ્રારબ્ધગત લૌકિક જીવન જિવાય તેની સાથે જ અંતર પ્રયાણ કરાવતો સાત્ત્વિકભાવ જાગૃત થતો જાય.

       જિજ્ઞાસુ મન જો અંતર પ્રયાણ અર્થે, એટલે કે અહંકારી અજ્ઞાની સ્વભાવના અવરોધને ઓગાળવા માટે જો વિનંતિપૂર્વક શરણભાવથી પ્રભુને પ્રાર્થના કરતું રહે, તો નકારાત્મક વિચારોના સ્વભાવને અથવા રાગ-દ્વેષાત્મક વિચારોનાં સંકુચિત માનસને ઓગાળતું ચિંતન ભક્તિભાવથી થતું જાય. મનની પછી વિચારવાની સ્થિતિ, સૂક્ષ્મ સૃષ્ટિને સમજવાની સ્થિતિ બદલાતી જાય અને પ્રજ્ઞા બુદ્ધિનું ઓજસ ધારણ કરાવતી અંતર યાત્રાની લગની વધતી જાય. આમ છતાં કોઈકવાર શ્રદ્ધાનું આસન જો ડગમગી જાય, તો ભક્તિભાવની નિખાલસતાથી થતી પ્રાર્થનાનું બળ, ભક્તના મનમાં પ્રેરણાનો, જિજ્ઞાસાનો, વિશ્ર્વાસનો, પ્રેમભાવનો અવનવો સ્ત્રોત જગાડે છે. જે પ્રારબ્ધગત જીવનની ભરતી-ઓટ જેવી પરિસ્થિતિમાં ભક્તિભાવનું બળ પૂરે છે. ભક્ત જ્યારે ભક્તિભાવથી પ્રભુને વિનંતિ કરતો રહે, ત્યારે પ્રાર્થનાના આર્તનાદમાં પ્રારબ્ધગત પ્રતિકૂળ સંજોગોનું દુ:ખ-દર્દ સમાઈ જાય અને ચિંતનની દૃઢતા વધતી જાય. બાહ્ય જગતના પદાર્થોનું આકર્ષણ ઘટતું જાય. મન પછી એકાગ્રતાથી દૃઢ શ્રદ્ધાભાવથી અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થતું જાય અને ભાવની સાત્ત્વિકતા જાગૃત થતી જાય.

 

       મારી ભાવભીની ભક્તિમાં એક પ્રાણ પૂરી દો,

       મારી અશ્રુભીની વિનંતિ છે મને દર્શન દીધાં કરો;

       સંસારમાંથી મુક્ત કરો, સારથિ બની રહો,

       પ્રભુ પ્રીતથી આશિષ દો મને દાસ બનાવી દો;

       હું શું હતો ને શું થઈશ એ તો તારે હાથ,

       જેણે લીધો તારો આશરો સાગર તરાવ્યો પાર.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા