સ્વયંના સ્વ સ્વરૂપનું સત્ દર્શન
પ્રભુની અસીમ કૃપાની બલિહારીથી આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. દરેક માનવીના મનમાં સૂક્ષ્મને જાણવાની, સમજવાની અને અનુભવવાની સાત્ત્વિક વૃત્તિની વિદ્વત્તા સુષુપ્ત રૂપે સમાયેલી હોય છે. પરંતુ પ્રારબ્ધગત જીવનની ઘટમાળમાં ફરતાં રહેતાં મનને, સ્વયંની સૂક્ષ્મ ગુણોની શ્રેષ્ઠતાને જાગૃત કરવાની ઈચ્છા થતી નથી. રોજિંદા કાર્યોની પ્રવૃત્તિમાં, સંસારી વિષયોના ઉપભોગમાં મન એટલું બધું ઓતપ્રોત રહે છે કે એમાં જ બંધાઈને જીવે છે. બંધાયેલા મનને સ્વયંની સાત્ત્વિકતાને જાણવાનો સમય મળતો નથી. એવાં મનને સનાતન સત્યને જાણવાની તમન્ના જાગતી નથી અને તે સત્યને સમજવાની એને મુશ્કેલી લાગે કે, "પોતે શરીરને ધારણ કર્યું છે અને પોતાનું આત્મ સ્વરૂપ પ્રભુથી અભિન્ન છે.” આમ છતાં એવું મન જો સ્વયંને સમજવાનો થોડો પણ પુરુષાર્થ ક્યારેક કરે, તો એને જણાય કે, આકારિત શરીરની ભેટ તો પ્રભુએ પશુ, પક્ષી, જળચર, જંતુ વગેરે બધાને આપી છે. ચર્મચક્ષુથી દેખાઈ ન શકે એવાં જંતુઓનો અતિશય નાનો આકાર છે અને હાથી જેવા પશુઓનો વિશાળ આકાર છે. પ્રકૃતિ જગતમાં નાના-મોટા આકારોની વિવિધતા છે. તે સર્વેને પ્રાણની આત્મીય ચેતનાનું દાન શ્ર્વાસ રૂપે અર્પણ થતું રહે છે. આમ દરેક જીવ પ્રભુની આત્મીય ચેતનાના આધારે આકારને ધારણ કરી જીવંત જીવન જીવી શકે છે. જે મન જીવંત જીવન રૂપે આધારિત શક્તિની સાત્ત્વિક ગુણિયલતાને અનુભવવાનો પુરુષાર્થ કરે, તે છે ભક્ત સ્વરૂપની જાગૃતિ. એવાં ભક્તિમય જીવનમાં ભક્ત તો શ્ર્વાસના દાનને અહોભાવથી સ્વીકારી, પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ કરે છે.
આકારોની સંગમાં રહીને ભક્ત પોતાનું સંસારી જીવન જીવે, પણ આકારોની આસક્તિમાં પોતાના મનને આળોટવા ન દે. એ તો આકારોમાં ફરતી પ્રાણ શક્તિની પ્રતીતિમાં મનને ઓતપ્રોત રાખે. કારણ શ્ર્વાસની પાન-અપાનની ગતિથી પ્રભુની પ્રાણ શક્તિની પ્રતીતિ થાય, એમાં પ્રભુની આત્મીય ચેતનાની દિવ્ય પ્રીતના અણસારા મળતાં જાય. તેથી ભક્ત અહોભાવની નમ્રતાથી શ્ર્વાસના સંગીતને અનુભવે અને વાચાથી પ્રભુની સ્તુતિને રેલાવે. સ્તુતિ રૂપે અંતરભક્તિમાં તન્મય રહેતાં ભક્તનો સાત્ત્વિકભાવ અંતર સ્ફુરણની બોલીને ધારણ કરે, જે સાત્ત્વિક વિચારો રૂપે પ્રગટતી જાય. પ્રભુની આત્મીય શક્તિને કોઈ માપદંડથી માપી શકાય એમ નથી કે શબ્દોના અર્થથી પૂર્ણ રૂપે સમજી શકાય એમ નથી. એટલે સાત્ત્વિકભાવની જ્ઞાતા વૃત્તિથી ભક્ત તો આત્મીય ચેતનાની વ્યાપક્તાના, દિવ્યતાના, અનંતતાના અણસારા ઝીલતો રહે અને અણસારે અણસારે પ્રભુ સાથેની ઐક્યતાને માણતો રહે. માણવું એટલે સાત્ત્વિક વિચારોના કહેણ રૂપે જે આત્મબોધ પ્રગટ થાય, તેનો ભાવાર્થ જ્ઞાન-ભક્તિના પરમાર્થી સદાચરણ રૂપે પ્રગટ કરવું. એવા પ્રાગટ્યમાં બીજા સંસારી માનવીઓને સ્વયંના સ્વ સ્વરૂપનું સત્ દર્શન થાય અને જીવંત જીવનનો હેતુ સમજાય.
પળે પળે પ્રભુની પ્રાણ શક્તિનું દાન મળે અને સાત્ત્વિક ગુણોના ઝરણાં રોજ રોજ નવાં પ્રગટે;
તે ઝરણાં પ્રભુની ચેતનાના સરોવરમાં ભળીને, પદ્ય પદોની સરિતા રૂપે વહેતાં રહે;
પ્રભુના દિવ્ય કહેણના પદ્ય પદોનો ભાવાર્થ કરાવે મનને સ્વમય અને પ્રગટાવે અંતર જ્યોત;
જ્યોતિર્મય જીવનનાં અજવાળે, કર્મસંસ્કારોના આવરણનું અંધકાર આપમેળે વિલીન થાય.
પ્રભુના કહેણની બોલીનો ભાવાર્થ સમજવા માટે મનની સૂક્ષ્મને ગ્રહણ કરતી, હૃદયભાવની જાગૃતિ જોઈએ. હૃદયભાવની જાગૃતિ માટે મનોમન સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગે, તો ભાવની નિષ્ઠા ધારણ થાય. જિજ્ઞાસા એટલે પ્રગટ થયેલી સાત્ત્વિક બોલીના શબ્દોનો માત્ર અર્થ સમજવાનો નથી. પરંતુ ભાવની જાગૃતિ રૂપે મન પોતાના સાત્ત્વિક સ્વરૂપમાં ઓતપ્રોત થવા માંગે, તે છે જિજ્ઞાસુભાવનું વર્તન. એવાં વર્તન રૂપે મન શરણભાવની પ્રેરિત ગતિથી પોતાના દેહનું સંચાલન કરતી આત્મીય ચેતનાના અણસારા ઝીલતું રહે અને રાગ-દ્વેષના સંકુચિત વિચારોથી મુક્ત થવા માટે ભક્તિભાવથી પ્રભુની સ્તુતિમાં લીન રહે. દેહધારી જીવન જેના સહારે જિવાય છે અને જેના આધારે તનની અનેક પ્રકારની પ્રક્રિયાઓ સતત થયાં કરે છે, તે આત્મીય ઊર્જાની ચેતનાને જાણીને, સમજીને જે ભક્ત જીવન જીવે, એ પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાને સ્વાનુભૂતિથી માણે. સ્વયંના અનુભવની સ્વાનુભૂતિની અંતર યાત્રામાં તે તલ્લીન રહે અને પ્રભુના કહેણ રૂપે પ્રગટ થયેલા આત્મ બોધનું ધન બીજા જિજ્ઞાસુઓને અર્પણ કરતો રહે.
આત્મબોધના અક્ષર શબ્દોનો જો ભાવાર્થ ગ્રહણ થાય, તો આત્મ સ્વરૂપની જે વાસ્તવિકતાનો સ્વીકાર સહજ થતો નથી, તેનો સ્વીકાર કરાવતો જિજ્ઞાસુભાવ જાગૃત થતો જાય. જેમ એક અનુભવી, પ્રમાણિક શિક્ષક જ્યારે પોતાના વિદ્યાર્થીને જે પણ વિષયનો અભ્યાસ કરાવે, ત્યારે આરંભમાં વિદ્યાર્થીને તે સરળતાથી સમજાય નહિ. પરંતુ શિક્ષકની બુદ્ધિ પ્રતિભા તથા વિદ્યાર્થીને જ્ઞાન અર્પણ કરવાનો જે નિષ્કામ પ્રેમભાવ હોય, તે શિક્ષક વિદ્યાર્થીની અણસમજની વૃત્તિઓનાં તારને ઓગાળી દે છે અને વિદ્યાર્થીના જ્ઞાનતંતુઓમાં સમજપૂર્વક ગ્રહણ કરાવતો જ્ઞાતા વૃત્તિનો ઉજાસ પથરાય છે, તેમ જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને જ્ઞાન-ભક્તિના સત્સંગમાં મન જો એકાગ્ર થાય, તો અજ્ઞાની વૃત્તિઓનો અંધકાર વિલીન થતો જાય. આત્મબોધનો ભાવાર્થ ગ્રહણ થતાં, સ્વ સ્વરૂપથી પરિચિત કરાવતી જ્ઞાતા વૃત્તિનો ઉજાસ હૃદયભાવની જાગૃતિ રૂપે ધારણ થતો જાય. ૨૦૨૧ના વરસમાં ભક્તિભાવનો આનંદ માણી શકાય અને હૃદયભાવની જાગૃતિથી અંતર યાત્રા થયાં કરે એવી પ્રભુને પ્રાર્થના આજે કરીએ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા