ભક્તિની પ્રીતિમાં વહે મુક્તિની ધારા
મન બંધાયેલું છે કર્મસંસ્કારોથી, એની મુક્તિ છે જ્ઞાન-ભક્તિના નીરમાં;
મુક્તિની શક્તિ વહે ભાવની નિર્મળતામાં
અને નિર્મળ હૃદયભાવ જાગે ભક્તિમાં;
ભક્તિની પ્રીતિમાં વહે મુક્તિની ધારા,
જે હરી લે મનની પામર અહંકારી શક્તિ;
અહંકારી મન જો ભજે શરણભાવથી,
તો ભક્તિના નીર વહેતાં સમજાય સ્વરૂપની સૂક્ષ્મતા.
જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવા માટે સાત્ત્વિક વિચારોના ચિંતનથી મનને કેળવવું અતિ આવશ્યક છે. કારણ સામાન્ય રૂપે મન રાગ-દ્વેષાત્મક વૃત્તિના કર્મસંસ્કારોથી બંધાયેલું હોય છે. એવું મન પોતાના આત્મીય સ્વરૂપની સૂક્ષ્મતાને, કે વિશાળતાને અનુભવી શકતું નથી. સ્વ સ્વરૂપથી અજાણ રહેતી મનની અજ્ઞાનતા, એટલે જ કર્મસંસ્કારોમાં બંધાયેલા વ્યવહારિક જીવનની પરવશતા. કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓના લીધે વ્યવહારિક જીવનના કર્મોમાં મન ગૂંથાયેલું રહે છે. જે પ્રમાણેના અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓના સંસ્કારો, તે પ્રમાણેની કર્મ-ફળની પ્રક્રિયામાં મન બંધાયેલું રહે છે. બંધાયેલા મનની પરવશતા, એટલે એક વૃત્તિને તૃપ્ત કરાવતી કર્મ-ફળની પ્રક્રિયા થાય, એમાં બીજી નવી નવી ઈચ્છાઓની અતૃપ્તિ વધતી જાય. જેમકે મનપસંદ વાનગી ખાવાની ઈચ્છા હોવાંથી, જ્યારે તેની ઈચ્છાપૂર્તિ રૂપે ખાવા મળે ત્યારે ખાતી વખતે મન આસ્વાદનો આનંદ થોડી ક્ષણ માટે માણશે અને વિચારોની હારમાળા ગૂંથશે કે, ઘણાં વખત પછી ભાવતી વાનગી ખાવા મળી, અથવા પહેલા ખાધી હતી એવો સ્વાદ આજે નથી, અથવા સાથે બીજી પણ ભાવતી વાનગી હોત તો વધુ મજા આવતે, વગેરે ભૂત-ભવિષ્યના વિચારોથી થતી ઈચ્છાપૂર્તિમાં બીજી નવીન ઈચ્છાઓની અતૃપ્તિ વધતી જાય છે. તેથી કર્મસંસ્કારોનું આવરણ ઓછું થવાને બદલે વધતું જાય છે.
આવા બંધનયુક્ત જીવનની હકીકતથી માનવી જ્યારે જાણકાર થાય ત્યારે પરવશ મન જાણવા મથે કે, "માનવી જીવનનો ઉદ્ેશ શું છે? માનવી દેહના આકારની વિશિષ્ટતા શું છે? આ પૃથ્વી ગ્રહ પર વસવાટ કરનારા સર્વે જીવને સૂર્યના તારાનું સાત્ત્વિક પોષણ સતત મળે છે, છતાં મનની સાત્ત્વિકતા સહજ કેમ પ્રગટતી નથી? પ્રાણી, પક્ષી, જળચર, જંતુ, વનસ્પતિ જગત, વાતાવરણ જગત, વગેરેની સંગાથે શું કામ જીવવાનું છે? શરીરના જન્મનો અને જન્મેલાના મૃત્યુનો ભેદ શું છે? સાત્ત્વિક વિચારોમાં મનને કેવી રીતે સ્થિત રાખવું? સૂક્ષ્મ સૃષ્ટિની સમજમાં કેવી રીતે મન ઓતપ્રોત થાય, જેથી ચિંતન રૂપી સ્નાન થતું જાય અને સ્વ સ્વરૂપની ભાળ મળતી જાય. આ વાસ્તવિકતાને જાણવાનું મનોમંથન થાય, તો બંધનથી મુક્ત કરાવતાં જ્ઞાન-ભક્તિના રાહ પર પ્રયાણ કરવાનો આરંભ થાય. જેમ પૃથ્વી પોતાની ધરી પર સતત ફરતી રહીને સૂર્યદેવની પ્રદક્ષિણા ક્ષણ પર અટક્યાં વગર કરે છે, તેમ મન પણ જો પોતાની ધરી પર ફરે, એટલે કે સ્વયંની વાસ્તવિકતાને જાણવાનું મનોમંથન કરે તો સાત્ત્વિક વિચારોનો અભ્યાસ સહજ થાય. એવાં અભ્યાસના ઊંડાણમાં રત થતાં, કર્મસંસ્કારો પ્રેરિત ભૂત-ભવિષ્યના રાગ-દ્વેષાત્મક વિચારો ઓછાં થતાં જાય અને કર્મોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓની નવની ગાંઠો ઓછી બંધાતી જાય.
સ્વયંના સ્વ સ્વરૂપની ભાળ રૂપે સાત્ત્વિક વિચારોના ચિંતનની જેમ જેમ લગની વધતી જાય, તેમ તેમ સાત્ત્વિક કર્મના ફળ રૂપે મનના હૃદયભાવની નિર્મળતા જાગૃત થતી જાય. જે કર્મની ક્રિયા અટક્યાં વગર સતત થતી રહે તેને સાત્ત્વિક કર્મ કહેવાય અને તે સતત થાય છે સત્ ભાવની ચેતનાનાં સંયોગથી. એવી સતત થતી ક્રિયા રૂપે સત્ ભાવની ચેતનાનું દાન, શ્ર્વાસ સ્વરૂપે સૌને ક્ષણે ક્ષણે પ્રાપ્ત થતું રહે છે. એ જ રીતે સૂર્યદેવનું ઊર્જાને અર્પણ કરતું સાત્ત્વિક કર્મ છે તથા પૃથ્વીનું ધરી પર સતત ફરવું તથા સૂર્યદેવની પ્રદક્ષિણા કરવી તે પણ સાત્ત્વિક કર્મની પ્રસ્તુતિ છે. એવાં સતત થતાં સાત્ત્વિક કર્મની પ્રસ્તુતિના લીધે તન-મન-ઈન્દ્રિયો-મગજના જ્ઞાનતંતુઓના સહારે ભોગવાનું માનવી જીવન આપણે જીવી શકીએ છીએ. આમ જીવંત જીવન એટલે જ સતત કર્મ-ફળની ક્રિયાઓ અને સતત ક્રિયાઓની હારમાળાથી સર્જાતી અનેક કૃતિઓ તથા પ્રકૃતિનું જીવન છે નિરંતર થતી ક્રિયાઓનું પ્રદર્શન. તેથી જ અખંડ ગતિથી થતી સૂક્ષ્મ ક્રિયાઓ દ્વારા સર્જાતી સર્વે કૃતિઓનું અસ્તિત્વ ક્ષણભર પણ કર્મ કર્યા વગર રહી શકે નહિ.
શરીરના અંગો પણ સતત ક્રિયાના સાત્ત્વિક કર્મમાં લીન રહે છે. તેથી શરીર સાથે જોડાયેલું મન એટલે કે શરીરમાં નિવાસ કરતું નિરાકારિત મન પણ સાત્ત્વિક કર્મમાં લીન થઈ શકે છે. જ્યાં સુધી મન લીન થતું નથી. જીવંત જીવન રૂપે વિવિધ ક્રિયાઓનાં વહેણનો મર્મ સમજાય, તો સાત્ત્વિકભાવની જાગૃતિ રૂપે જ્ઞાન-ભક્તિના નીરમાં મન ઝબોળાતું જાય. મનને માર્મિક સત્યનો પરિચય થાય તો રાગ-દ્વેષાત્મક ભેદભાવમાં ફરવાનું ટાળશે અને વિચારશે કે, "જે આત્મીય ચેતનાના લીધે દેહધારી જીવંત જીવને ભોગવી શકું છું, અનેક પ્રકારના વિચારો કરી શકું છું, વાણીથી દર્શાવી શકું છું, તે જ ચેતનાના સાંનિધ્યમાં હું સદા રહું છું, તો રાગ-દ્વેષાત્મક વિચારો રૂપી કાદવમાં જ રમ્યાં કરું, કે સાત્ત્વિક કર્મ રૂપી કમળને ખીલવું?” આવા જિજ્ઞાસુભાવથી અભ્યાસ થાય, ચિંતન થાય, તો અંગેઅંગમાં ફરતી આત્મીય ચેતનાની ઊર્જા ધારાના સ્પંદનો અનુભવી શકાય. ઊર્જા સ્પંદનોનું સંવેદન જ્યારે ભક્તમાં જાગૃત થાય, ત્યારે પ્રકાશિત ચેતનાનું પ્રભુત્વ, જે અજ્ઞાનવશ સુષુપ્ત હતું તે પ્રગટતું જાય. ચેતનાનો ચૈતન્યમય પ્રકાશ આગિયાની માફક પ્રગટે ત્યારે પ્રભુ દર્શનની કૃપા ધારણ થાય. એવી કૃપાના ધોધમાં ભક્તિભાવની સાત્ત્વિકતા મુક્ત ગતિથી વહે અને ભવોના કર્મસંસ્કારોનું આવરણ ઓગળતું જાય.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા