Article Details

...ત્યારે ભક્તને સમજાય પોતાનું સાચું રહેઠાણ

જ્ઞાન-ભક્તિને સદાચરણથી થાય અંતર યાત્રા

અને પ્રભુનું પેટાણ જાણવાનું જાગે ખેંચાણ;

       સ્વયંને જાણવાની અંતર યાત્રા થાય,

ત્યારે ભક્તને સમજાય પોતાનું સાચું રહેઠાણ;

       સમજણ રૂપે પ્રગટે સૂક્ષ્મ સૃષ્ટિના એંધાણ

અને આત્મીય ગુણોનું ધન પ્રગટતું જાય;

       ભક્ત સમજાવી ન શકે કે જાગ્યું કે જાગ્યું કેમ આ ખેંચાણ,

એ તો આત્મીય ગુણોથી છલકાતો જાય.

 

       માત્ર ભજન ગાવાં, સ્તુતિ કરવી, જપમાળા કરવી, કે નિયમિત મંદિરે જવું, અથવા પૂજા-આરતી-કીર્તન કરવાં, એટલું સીમિત આચરણ ભક્તિનું નથી. ભક્તિ એટલે ભગવત્ ભાવની સાત્ત્વિકતાનો ઉજાગર થવો. એવી સાત્ત્વિકતા પ્રગટે ત્યારે મનનો સ્વભાવ બદલાતો જાય, વિચારોનો ઢાળ બદલાતો જાય. કારણ ભક્તિ સ્વરૂપે ભગવત્ ભાવની ચેતનાનું એકમ અનુભવાય છે અને મન સોઽહમ્ ભાવની (તે હું છું) જાગૃતિમાં સ્થિત થાય છે. એવી જાગૃતિમાં ભક્તિભાવની સાત્ત્વિકતા, ભક્તના કર્મો દ્વારા પ્રગટતી જાય અને ભક્તનું મન તૃપ્તિનો સંતોષ અનુભવતું જાય. એવું તૃપ્ત મન એટલે જ હૃદયભાવની નિષ્કામતા. આમ ભજન, સ્તુતિ, કીર્તન, કે પૂર્જા અર્ચન વગેરે કર્મો દ્વારા જો નિષ્કામભાવની સાત્ત્વિકતા સ્વયંભૂ પ્રગટતી જાય, તો ભક્તિના સદાચરણમાં મન સ્થિત થયું કહેવાય. તેથી ભક્ત કદી કર્મ-ભક્તિ-જ્ઞાન એવાં વિભાગોથી સ્વ સ્મરણની ભક્તિ કરતો નથી. કારણ કર્મ કરવાનું જ્ઞાન હોય તો જ સંસારના લૌકિક, કે સાત્ત્વિકભાવને પ્રગટાવતા કર્મ થઈ શકે છે તથા કોઈ પણ કર્મનું ઉચિત ફળ ભોગવવા માટે ભક્તિનો નિર્દોષ ભાવ જરૂરી છે. ભાવની નિર્દોષતા ન હોવાંથી માનવી કર્મ-ફળને ભોગવતી વખતે રાગ-દ્વેષાત્મક સ્વભાવના લીધે ફળની તૃપ્તિનો આનંદ માણી શકતો નથી.

       ભક્તની જેમ કર્મ-ભક્તિ-જ્ઞાનનાં સંયોગથી જીવન જો જીવીએ, તો કર્મ-ફળની પ્રક્રિયા કરવાનો સંતોષ મળે. સંતોષી મન પ્રારબ્ધગત જીવનના ઉતાર-ચઢાવમાં વધુ અસ્થિર ન થાય. પરંતુ ભક્તિ રૂપે પ્રગટ થયેલી સોઽહમ્ ભાવની જાગૃતિનું બળ. પ્રતિકૂળ સંજોગોના દુ:ખમાંથી પસાર થવાની હિંમત આપે છે. વાસ્તવમાં આપણે સૌ ભગવત્ ભાવની ચેતનાથી વીંટળાયેલાં છીએ. તે આત્મીય ચેતનાની ઊર્જાથી આકારિત સૃષ્ટિની આકૃતિઓ અને વિવિધ પ્રકૃતિની સ્થિતિ સર્જાતી રહે છે. અર્થાત્ જગતની સર્વે કૃતિ, આકૃતિ, પ્રકૃતિ, ભક્ત સ્વરૂપની જ પ્રસ્તુતિ છે. કારણ ભગવત્ ભાવની ચેતનાથી જગતની સર્વે કૃતિઓ સર્જાય છે અને એ જ ચેતનાનું પોષણ શ્ર્વાસ રૂપે સૌને પ્રાપ્ત થતું રહે છે. આ સત્યને જાણીને જે માનવી અપનાવે, તેનામાં ભગવત્ ભાવની ચેતનાથી પરિચિત થવાની જિજ્ઞાસા જાગે છે. એવી જિજ્ઞાસા રૂપે ભક્તિ ભાવનું આચરણ દૃઢ થતું જાય અને સ્વાનુભૂતિની અંતર યાત્રા કરવાની લયની જાગૃત થાય. અર્થાત્ મનનું ભક્ત સ્વરૂપ સ્વ જ્ઞાન રૂપી સાગરમાં ભક્તિ ભાવથી તરતું રહે અને સ્વયંના અંતર ઊંડાણમાં તરતાં, એકમની ગતિથી સ્વાનુભૂતિમાં લીન થાય. શ્રી કૃષ્ણએ ભક્તિની મહત્તા દર્શાતા ગીતા બોધ રૂપે જણાવ્યું છે કે, અનન્ય ભક્તિવાળો જ્ઞાની ભક્ત મારામય થઈ એકમની ગતિની ધારણ કરે છે.

       દરેક મનુષ્યનો સ્વ ધર્મ છે કે, પોતાના જીવંત અસ્તિત્વની મહત્તાને જાણવી જોઈએ. તે માટે પ્રભુની આત્મીય ચેતનાના આધારે જીવું છું એવી સન્માનપૂર્વકની આસ્થા હોવી જોઈએ. મનની ભીતરમાં શ્રદ્ધાનો દીવો પ્રજ્વલિત રહે, તો શણરભાવથી અનુભવાય કે, "જિવાડનાર પ્રભુની ચેતનાનો આશરો પળે પળે મને મળે છે. આ ચેતનાની દિવ્ય પ્રીત મને શ્ર્વાસ રૂપે પ્રાપ્ત થાય છે, જે જીવંત જીવનની પ્રસન્નતા અર્પે છે અને તેથી જ શ્ર્વાસ વગરની મૃત્યુ દશાનો ભય મનને લાગે છે.”  પ્રભુની ચેતનોનો પ્રાણ સર્વેને શ્ર્વાસની ઊર્જાથી પ્રાપ્ત થાય એવી સેવા સાક્ષાત્ પ્રભુ જ કરે છે. તે સત્યને જાણ્યાં પછી ભક્તનો ભાવ પ્રભુ સ્મરણમાં આપમેળે લીન રહે છે. ભક્તની નિષ્કામભાવની, શ્રદ્ધાભાવની, શરણભાવની તલ્લીનતા અંતર ગતિમાં એકતાર થાય, તેને કહેવાય સ્વાનુભૂતિની અંતર ભક્તિ. એવાં જ્ઞાની ભક્તની એકતાર થયેલી વૃત્તિઓનો સાત્ત્વિકભાવ જ્યારે અંતરની એકમ ગતિને ધારણ કરે, ત્યારે આત્મીય ચેતનાનું પ્રભુત્વ પ્રકાશિત થાય. અંતરધ્યાનસ્થ સ્થિતિમાં ભક્તની અંતર કર્ણેન્દ્રિયમાં નાદબ્રહ્મનો ધ્વનિ જાગૃત થાય, જે અંતર કહેણ રૂપે ભાષિત થાય અને તે બીજા જિજ્ઞાસુ માનવી માટે અંતર યાત્રાનું માર્ગદર્શન ધરે છે.

       આમ જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવા માટે જ્યારે સંસારી વિચારોના માનસમાં સાત્ત્વિક વિચારોના ભાવાર્થનું પોષણ ધારણ થાય. ત્યારે સ્વ સ્મરણની ભક્તિનો પુરુષાર્થ શરૂ થાય, તેને કહેવાય પરભવના પુણ્યોનો ઉદય થવો. એવા ઉદયમાં માતા-પિતાએ વહાલથી સિંચન કરેલાં સુસંસ્કારોનું ફળ પ્રગટે છે. મનને પછી વારંવાર સમજાવવું ન પડે કે, "તારા સાચા રહેઠાણની જાણ કરાવતા ભક્તિભાવનો ઉજાગર થાય એવાં સાત્ત્વિક વિચારોમાં ફરતું રહે. સંસારી વિષયોની આસક્તિના આકર્ષણથી મુક્ત થવા માટે સ્વયંથી પરિચિત થાય, તો અંતરની એકમ ગતિનું ખેંચાણ આપમેળે અનુભવાશે.” મનને જો આવી સમજણથી ટપારવું ન પડે, તો સ્વ સ્મરણની ભક્તિ સહજભાવથી થયાં કરે. મનની એવી સહજતા માર્ગદર્શક કે ગુરુના સાંનિધ્યમાં અંતરયાત્રામાં લીન થાય. સાંનિધ્યની છત્રછાયા એટલે જ સ્વસ્થ નિરોગી આત્મીય ભાવની ચેતનાનું પ્રસરણ. સાંનિધ્ય લેનાર અધિકારી જિજ્ઞાસુ ભક્તોનો શરણભાવ ગુરુની કરુણાભાવની પ્રીતમાં ઝબોળાતો જાય અને મનમાં સુષુપ્ત રહેલાં સાત્ત્વિકભાવનો ઉજાગર આપમેળે થતો જાય. કારણ ગુરુ સ્વરૂપની આત્મીય ચેતના તો જિજ્ઞાસુની અંતર યાત્રામાં જે પણ ખોટ હોય, તેની પૂર્તિ રૂપે પ્રસરતી રહે છે. જેમ દીવાનો પ્રકાશ પ્રસરાવે પ્રકાશને અને અંધકાર આપમેળે વિલીન થાય, તેમ જિજ્ઞાસુની સાત્ત્વિકભાવની સુષુપ્તિ જાગૃત થતાં અંતરયાત્રા આપમેળે થતી રહે છે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા