...પછી શેષ શું રહે એનો અનુભવ કરાવ
હે પ્રભુ! મનમાં કોણ છે, તનમાં કોણ છે, એ કૃપા કરીને તું સમજાવ;
આ વિવિધ દૃશ્ય શું છે, કોની દૃષ્ટિ છે, તે કેમ બદલાતી રહે છે એ સમજાવ;
પળે પળે મારામાં તારું શું પ્રગટે છે અને મારું શું વિલીન થાય છે એ સમજાવ;
સૂક્ષ્મનું વિહંગાવલોકન કરવાનું સમજાવ
અને સંયોજન રૂપે સૃષ્ટિનો ભેદ સમજાવ.
સમજણ પણ ભૂલી જાઉં, પછી શેષ શું રહે તેનો અનુભવ કરાવ;
સ્વાનુભૂતિમાં મને સ્થિત કરાવ અને ‘તે હું જ છું’નું પ્રકાશિત દર્શન કરાવ;
આ સૃષ્ટિમાં અને ભૂત-ભવિષ્યમાં બધે તું જ છે, તેનું જ્ઞાન પ્રગટાવ;
બધું તુજમાં સમાઈ જાય પછી કોણ રહેશે, એ કોઈક દી તો મને સમજાવ.
બીજા છે, બીજું છે, તેનું બીજ શું છે, તે દ્વૈત જગતનો ભેદ સમજાવ;
શું કરવાથી તારી સમજણ સમજાય અને મન શેમાં લીન થાય તો સમજાવ;
શું હશે, શું નહિ હશે, શેમાં હશે અને શેમાં જશે, એની મને અનુભૂતિ કરાવ;
જણાયું કે તારામાં તું નથી અનંત તત્ત્વગુણોનું ઐશ્ર્વર્ય છે,
એની મને અનુભૂતિ કરાવી.
હે પ્રભુ! તારામય બનાવી અંતરની સૂક્ષ્મ વિશાળતાનો ભેદ સમજાવ;
બ્રહ્મ જ્ઞાનના આરે લઈ જઈ, બ્રહ્માંડની વિસ્તૃતિનો ભેદ દર્શાવ;
સર્વત્ર સર્વે આકૃતિ અને પ્રકૃતિમાં સમાયેલી
તારી વિશાળતાનો અનુભવ કરાવ;
ભવો બદલાય એમાં મન તુજને ભૂલી જાય છે,
તો એવી વિસ્મૃતિને વિલીન કરાવ;
અભાવ જીવનમાં કેમ છે, એ મને સમજાય અને તારો ભાવ પ્રગટાવ.
વિશાળતાને આંબવા પ્રભુ અંતર આંખો તું આપ,
પાંખો તું આપ અને ઝાંખક્ષ તું કરાવ;
નયનોની નયનમાં ચેતનાનું નૃત્ય દેખાડ
અને પલકારે પલકારે વિશાળતા તું પ્રગટાવ;
પહોંચ મારી નથી, પહોંચાડ પ્રભુ મને, પૂર્ણતાની સંપૂર્ણતા મુજમાં પ્રસરાવ;
હું છું તે મટી જાઉં અને તું જ છે તે સ્વાનુભૂતિમાં ધ્યાનસ્થ કરાવ.
ઉપરોક્ત પદ્ય પદો સ્વરૂપે વિનંતિનો ભાવ અક્ષર શબ્દો દ્વારા પ્રગટ થયો છે. વિનંતિ રૂપે સ્વ સ્મરણની ભક્તિમાં લીન થવાની ભક્તની અદમ્ય ઈચ્છા પ્રદર્શિત થાય ત્યારે સ્વયંને જાણવાનો જિજ્ઞાસુ અગ્નિ પ્રબળ હોય. એવી ઈચ્છામાં ભક્તિ રૂપે ભગવત્ ભાવની જાગૃતિમાં તન્મય થવાની આશા હોય છે. એવી આજ્ઞામાં તન-મનનાં દેહધારી જીવનની મહત્તાને જાણવાનો તથા મહત્તા અનુસાર સાત્ત્વિક જીવન જીવવાનો ધ્યેય હોય છે. ભક્ત સ્વરૂપની અંતર જાગૃતિ અને ભગવાન સ્વરૂપની આત્મીય ભાવની દિવ્ય ચેતનાની ઐક્યતા હોવાંથી, તે ઐક્યતામાં એકરૂપ થવાની મહેચ્છા ભક્તમાં જીવે છે. એવી મહેચ્છાની અભિવ્યક્તિ વિનંતિ રૂપે થાય, ત્યારે અક્ષર-શબ્દોમાં સમાયેલાં સાત્ત્વિક ભાવાર્થને ગ્રહણ કરવો જોઈએ. તેથી ભાવાર્થની સમજ ગ્રહણ થાય તથા સમજણ અનુસાર આચરણમાં સ્થિત થવાય. એવી અરજી વિનંતિ રૂપે ભક્ત કરે છે. એવી અરજીનો અરજદાર ભક્ત શરણભાવથી સ્વયંને જાણવાની જ્ઞાન-ભક્તિમાં સ્થિત રહે અને સ્વયંથી અજાણ રહેતી પોતની અજ્ઞાની સ્થિતિથી થયેલી ભૂલોનો પશ્ર્ચાતાપ કરે છે.
ભૂલોના એકરાર સાથે, અહંકારી સ્વભાવના દોષિત વર્તનનો પશ્ર્ચાત્તાપ જ્યારે પરાકાષ્ઠાથી થાય, ત્યારે સમર્પણભાવની જાગૃતિને ધારણ કરાવતી પ્રભુ કૃપાનો અધિકારી તે બને છે. સમર્પણભાવથી અંતરયાત્રા થાય એવી આજીજી ભક્ત સતત કરતો રહે છે. કારણ શરણભાવની ગતિથી અહંકારી વૃત્તિઓનું સમર્પણ થાય એવી સ્વમય ભક્તિની શક્તિ જો જાગૃત થાય, તો રાગ-દ્વેષાત્મક સંસારી વિચારો રૂપી જંગલમાં મંગળકારી સાત્ત્વિક વિચારોના છોડ ઊગતાં જાય. એવા છોડની જાળવણી કેવી રીતે થાય અને તેના ભાવાર્થની સમજ કેવી રીતે ગ્રહણ થાય, તેની અરજી પણ ભક્ત કરતો રહે છે. જેથી ભાવાર્થ ધારણ થતાં સાત્ત્વિકભાવનો ઉજાગર થતો જાય અને સાત્ત્વિકભાવ રૂપી આજીવિકાથી અંતરયાત્રા આપમેળે થઈ શકે. એવી સમજ જાગૃત થતાં અંતર ઈન્દ્રિયોની જાગૃતિ થાય એવી વિનંતિનો સૂર ભક્તમાં જાગે છે અને પરમાત્માના અનંત સ્વરૂપની સંપૂર્ણતામાં એકરૂપ થવાની મહેચ્છા દૃઢ થાય છે. આમ ભક્તની વિનંતિમાં કોઈ ફરિયાદ જેવી અરજી ન હોય, કે પ્રારબ્ધગત પરિસ્થિતિનો અણગમો ન હોય. એ તો મનની અવરોધક સ્થિતિને ઓગાળવાની પ્રભુને વિનંતિ કરતો રહે. જેથી મનની વિશાળતાથી, એટલે કે હૃદયભાવની જાગૃતિથી અંતરયાત્રા થતી રહે અને સ્વાનુભૂતિના સાગરમાં તરતાં રહેવાય.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા