Article Details

મન જીવે સ્વાર્થથી એટલે ન થાય વિશાળ

આ ધરતી પર આંખોથી જોઈ ન શકાય એવા વિવિધ જંતુઓ જીવે છે, તથા અનેક પ્રકારના પશુ, પક્ષી, જળચરથી માંડીને મનુષ્ય રૂપના આકારો જીવે છે. તે સૌમાં મનુષ્ય આકારનું જીવન શ્રેષ્ઠ ગણાય છે. કારણ મનનો પુરસ્કાર માનવીને મળ્યો છે. મન જે ક્રિયાત્મક ઊર્જા શક્તિને વાપરે છે, તે પ્રભુની આત્મીય ચેતનાની છે. તેથી જ મન વિચારી શકે છે, સમજણ ગ્રહણ કરી શકે છે, ક્રિયા-પ્રતિક્રિયાને વાણીથી દર્શાવી શકે છે, તથા સુખી-દુ:ખી મનોભાવને અનુભવી શકે છે. આત્મીય ચેતનાનો ઊર્જા સ્ત્રોત સર્વત્ર વ્યાપ્ત છે અને સર્વેને ક્ષણે ક્ષણે નવીન સ્વરૂપે શ્ર્વાસના પ્રેમભાવની સુમેળતાથી અથવા સાત્ત્વિક ગુણોની જાગૃતિથી જીવવાનો સંકેત સહજ ગ્રહણ થતો નથી. શ્ર્વાસ રૂપે પ્રાપ્ત થતાં પ્રભુના દાનનો કોઈ પણ દેહધારી જીવ અસ્વીકાર કરી શકે એમ નથી અને સ્વીકાર કરવાનો પુરુષાર્થ કોઈને કરવો પડતો નથી. એવાં સ્વયંભૂ પ્રાપ્ત થયાં કરતાં પ્રભુના દાનનો સાંકેતિક મહિમા જાણીને જે માનવી જીવે, તેના મનની જાગૃતિને કહેવાય ભક્ત સ્વરૂપની વિશાળતા.

       માનવી જન્મની શ્રેષ્ઠતા રૂપે પ્રાપ્ત થયેલા મનના પુરસ્કારનો સદુપયોગ થાય ત્યારે પોતાના સ્વ સ્વરૂપને, એટલે કે પ્રભુની આત્મીય ચેતનાને જાણવાની ભક્તિ થાય. વાસ્તવમાં ચેતના વિશે જાણી ન શકાય, પણ અહીંના લૌકિક જીવનના અનુભવોથી ભક્ત તે દિવ્ય ચેતનાની અલૌકિકતાને, કે સાત્ત્વિકતાને સ્વીકારે છે. એવાં સ્વીકારમાં હોય મનની રા-દ્વેષાત્મક વર્તનની ભૂલોનો પશ્ર્ચાત્તાપ, તથા આકાર-નિરાકારના કે લૌકિક-અલૌકિકના રહસ્યને જાણવાની જિજ્ઞાસા, તથા અજ્ઞાનવશ થયેલી ભૂલોનો એકરાર સાથે, સ્વયંના આત્મીય ગુણોની જાગૃતિને ધારણ કરાવતાં જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત રહેવાનો પુરુષાર્થ હોય. ભક્ત એવાં પુરુષાર્થથી જીવન જીવે અને સાત્ત્વિકભાવની જાગૃતિ સ્વયંભૂ ધારણ થતી જાય. ભક્તની જેમ સામાન્ય મનની સ્થિતિ પોતાના આત્મ સ્વરૂપની સાત્ત્વિકતાને ભોગવતી નથક્ષ. કારણ મન પર કર્મસંસ્કારોનું આવરણ હોવાંથી, સ્વ સ્વરૂપનું સત્ દર્શન ગ્રહણ થતું નથી. કર્મસંસ્કારો એટલે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની ગાંઠો, જે વિચાર-વર્તનની ક્રિયાથી તૃપ્તિ અનુભવે. પરંતુ તૃપ્તિનો અનુભવ સહજ થતો નથી. કારણ રાગ, દ્વેષ, ઈર્ષ્યા, વેરઝેર, ક્રોધ વગેરે વિકારી સ્વભાવથી માનવી ઈચ્છા તૃપ્તિનું જીવન જીવે છે. એવાં વિકારી સ્વભાવનાં લીધે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની ગાંઠો વધતી જાય છે અને કર્મસંસ્કારોનું આવરણ વર્ષાઋતુના વાદળોની જેમ ગાઢ થતું જાય છે.

       ગાઢ આવરણ જેવાં પડદાંનો અવરોધ, મનને પોતાના આત્મ સ્વરૂપના સત્ દર્શનથી વંચિત રાખે છે. જે આવી સંશયાત્મક વિકારી વૃત્તિઓનો અવરોધ, સ્વમય ચિંતનની ભક્તિમાં સ્થિત થઈ શકતો નથી. એવું અવરોધક મન આકરોની દુનિયાને જ સત્ય માને છે, એટલે આકારિત પ્રકૃતિના વ્યવહારમાં ગૂંથાયેલું રહે છે. આકારિત દેહને જીવંત રાખનાર શ્ર્વાસની ચેતના છે અને તે ઊર્જાની ચેતનાના અણસારા જે ન ઝીલી શકે, એ માનવી પ્રભુની પણ આકારી વ્યક્તિ તરીકે માને છે. એવાં આકારને જ સત્ય માનનારાઓ તથા આકારના સંગને જ મહત્ત્વ આપનારા માનવીઓ કર્મકાંડની વિધિઓથી તથા રૂઢિગત રીતરિવાજોથી પ્રભુની સ્મરણ કરતાં હોય છે. એવાં સ્મરણમાં પ્રભુની દિવ્યતાને, કે સાત્ત્વિક ગુણોની જાગૃતિને ધારણ કરવાનો હેતુ ન હોય, પણ પ્રારબ્ધગત દુ:ખદ સંજોગોમાંથી મુક્ત થવાનો સ્વાર્થી આશય હોય છે. એવાં આશયને પાર પાડવામાં મનનાં રાગ-દ્વેષાત્મક વિકારી સ્વભાવની જડતા વધતી જાય છે અને માનવીને એકબીજા સાથે પ્રેમભાવની સુમેળતાથી જીવવાનું મુશ્કેલ લાગે છે.

       જે મન સ્વ સ્વરૂપનો સાત્ત્વિક ગુણોનો ભાવાર્થ ન સમજે, અથવા નિ:સ્વાર્થ પ્રેમભાવની વિશાળતાથી જીવન જીવવાનો આનંદ ન માણે, એવાં વર્તનને સ્વાર્થી કહેવાય. અર્થાત્ વ્યવહારિક જીવનના આધારે સાત્ત્વિક ગુણોને ખીલવવાનો પુરુષાર્થ જ્ઞાન-ભક્તિના સદાચરણથી જે કરે, તે માનવીએ ખરા અર્થમાં મનનો સદુપયોગ કર્યો કહેવાય. જે મન સ્વાર્થી આશયથી જીવે, તે સ્વને અર્થે ન જીવે અને તે સ્વમય જીવનની સાત્ત્વિકતાને નકારે છે. જે સ્વ સ્વરૂપના આત્મીય અસ્તિત્વથી અજાણ રહે તેવા મનને સ્વાર્થી કહેવાય. જે સ્વ સ્વરૂપને જાણવા અભ્યાસ-સત્સંગ કરે, પણ આચરણ રૂપે અહંકારી વર્તનમાં જ સ્થિત રહે તેવાં મનને સ્વાર્થી કહેવાય. જે સ્વ સ્વરૂપની પારદર્શકતાને કે ગુણિયલતાને જાણવા છતાં સાત્ત્વિક આચરણથી જીવન જીવવાનો પ્રયત્ન ન કરે, એવું સ્વાર્થી મન ભેદભાવની દૃષ્ટિથી જીવે છે. વળી જે જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિના સત્સંગને મહત્ત્વ આપે, અભ્યાસ-ચિંતન પણ કરે, પરંતુ આત્મ સ્વરૂપની અભિન્નતાને સ્વીકારી દરેક જીવ સાથે પ્રેમભાવથી ન જીવે તે પણ સ્વાર્થી છે. જે માત્ર પોતાનાં જ કલ્યાણ વિશે વિચારે અને બીજા જિજ્ઞાસુ ભક્તોને અજ્ઞાની સમજી તેઓની ભૂલ કે દોષ જોયાં કરે તે પણ સ્વાર્થી છે. જેઓ ગુરુ કે માર્ગદર્શકના સાંનિધ્યમાં રહે, પણ એમનાં માર્ગદર્શનનું અનુસરણ ન કરી શંકા સંદેહ કરે તે પણ સ્વાર્થી છે. અંતે એક સ્પષ્ટતા કે જ્યાં સુધી મન સ્વાર્થની સંકુચિત ગલીઓમાં ફરતું રહે છે, ત્યાં સુધી આત્મીય ચેતનાની વિશાળતાના કે, સાત્ત્વિકતાના અણસારા પણ મળી શકે એમ નથી.

 

       મન જીવે સ્વાર્થથી એટલે સંસારી નિશાળમાં જલ્દી ન થાય વિશાળ;

       એ ફરે જો વિશાળતાના સાત્ત્વિક વિચારોમાં, તો ધરે સૌમ્યતા વિશાળ;

       વિશાળતાનો ભાવ છોડાવે સ્વાર્થ

અને સાત્ત્વિકભાવની જાગૃતિથી મનનો છોડ થાય વિશાળ;

       મન છે વિશ્ર્વનો અંશ અને વિશ્ર્વ છે વિશાળ,

પણ માનવીમાં વિશાળતાનો રહે દુષ્કાળ.     

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા