મનનો સદ્વિચાર રૂપી બગીચો
માનવી જન્મ ધારણ કરવાનો જે હિતકારી હેતુ છે, તેને જાણવાનો પ્રયત્ન જે માનવી કરે, તેની મનોવૃત્તિમાં જિજ્ઞાસુ ભાવના સંસ્કારો હોય છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. મન જ્યારે સ્વયંને જાણવાની ઈચ્છાથી જીવંત જીવનનો હેતુ જાણવાનો પ્રયાસ કરે, ત્યારે સંસારી વિચારોનું આકર્ષણ ઓછું થાય. જેમ એક વિદ્યાર્થીને જો ભણતરનો હેતુ સમજાય, તો અભ્યાસ કરવાનાં સમયે એ બીજી ઈતર (અન્ય) પ્રવૃત્તિના વિચારો કરતો નથી. અભ્યાસના સમયે બીજી વાતો કે વિચારોને મહત્તા ન આપીને, માત્ર પોતાના અભ્યાસમાં મનને એકાગ્ર કરે છે, તેમ એક જિજ્ઞાસુ ભક્તનું મન સ્વયંને જાણવાનું મનોમંથન કરે, ત્યારે સંસારી રાગ-દ્વેષાત્મક વિચારોને મહત્તા ન આપે. સામાન્ય કક્ષાના મનમાં સ્વયંને જાણવાની ઈચ્છા પ્રબળ ન હોય. એવું મન સંસારી વિચારોમાં વીંટળાયેલું રહે છે. તેથી એવા મનને જ્ઞાન-ભક્તિના સત્સંગમાં, કે સ્વયંને જાણવાના ચિંતનમાં સ્થિત થવાનું મુશ્કેલ લાગે છે. પરંતુ જિજ્ઞાસુ ભક્તના મનમાં રાગ-દ્વેષનો કોલાહલ ઓછો થતો હોવાંથી પ્રભુ સ્મરણમાં કે ચિંતનમાં તે સહજતાથી સ્થિત થાય છે.
વાસ્તવિક સત્યનું દર્શન જો મનોમન સ્પષ્ટ થતું જાય, તો સમજાય કે દરેક દેહધારી હસ્તીમાં પ્રભુની ચેતનાનું જ પ્રશાસન છે. તે પ્રશાસન એટલે જીવંત સ્વરૂપની સક્રિય, સર્જનાત્મક ક્રિયાઓ, જે તન-મનને વિકાસ-વૃદ્ધિની ક્રિયાથી જિવાડે છે. આ પ્રભુની ચેતનાના ઊર્જા વહેણ સતત ભગવત્ ભાવથી, શ્રેયિત ભાવથી, કરુણાભાવથી સર્વત્ર પ્રસરતાં રહે છે. તેથી પ્રકૃતિની કોઈ પણ હસ્તી ચેતનવંત ઊર્જાના વહેણથી, ક્ષણ માટે પણ વિભક્ત થઈ શકે એમ નથી. જિજ્ઞાસુ ભક્ત આ સત્યના સ્વીકારથી જાગૃતિની અંતરયાત્રાનું જીવન જીવે છે. ભક્તનું એવું અંતર જીવન, એટલે ભગવત્ ભાવની ચેતનામાં સમાયેલાં સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ સ્વયંભૂ પ્રગટ થાય એવું જ્ઞાન-ભક્તિનું સુસંસ્કારી સદાચરણ. એવા સદાચરણથી માનવ જન્મનો હેતુ સિદ્ધ થાય અને ભક્તિ ભાવની સન્મતિથી પરમાર્થી કાર્યો આપમેળે થતાં જાય. પરમાર્થી કાર્યો મનના વિચારોથી નથી થતાં. અર્થાત્ જ્યાં સુધી રાગ-દ્વેષાત્મક અહંકારી વિચારોનો કોલાહલ મનમાં હોય, ત્યાં સુધી માનવી જે પણ કાર્યો કરે તે ઈર્ષ્યા, અદેખાઈ વગેરે ભેદભાવના વર્તનથી થતાં હોય છે. તેથી પ્રથમ મનનું શુદ્ધિકરણ કરવું અતિ આવશ્યક છે.
મનનાં દોષિત વૃત્તિ-વિચારોના શુદ્ધિકરણ માટે, જ્ઞાન-ભક્તિની સત્સંગ રૂપી સરિતામાં મનને તરતું રાખવું જોઈએ તથા શ્રવણ, ચિંતન, અધ્યયનમાં નિષ્ઠાપૂર્વક મનને સ્થિત રાખવું જોઈએ. જ્યાં સુધી રાગ-દ્વેષના ભેદભાવની દોષિત વૃત્તિઓ છે, ત્યાં સુધી પરમાર્થી ભાવથી, પરોપકારી ભાવથી, કે નિ:સ્વાર્થ પ્રેમભાવથી કાર્યો થતાં નથી. મનના રાગ-દ્વેષાત્મક, સ્વાર્થી સ્વભાવથી મુક્ત થવા માટેનું માર્ગદર્શન માતા-પિતા કે શિક્ષકના વર્તનથી મળી શકે. તેઓનાં વર્તનમાં સ્વાર્થ ઓછો હોય છે. કારણ એક નવજાત શિશુનો ઉછેર અથવા એક વિદ્યાર્થીનો ઉછેર, પ્રેમભાવથી જ થઈ શકે છે. એવાં નિષ્કામ પ્રેમભાવથી માનવીનો ઉછેેર થાય, તો સ્વયંને જાણવાના જિજ્ઞાસુ વૃત્તિના સંસ્કારો ખીલી શકે છે. એવું સંસ્કારી મન માત્ર ખાવું, પીવું, ઊંઘવું, ફરવું વગેરે બાહ્ય પ્રવૃત્તિમાં જ મશગૂલ ન રહે. પરંતુ શરીરને જે જીવંત સ્થિતિ અર્પણ કરે છે, તે આત્મીય ચેતના રૂપી મશાલને પ્રજ્વલિત કરાવતાં સદાચરણ તરફ પ્રયાણ કરતું રહે. મનની આવી સંસ્કારી ગતિ હોય, તો સ્વાર્થી સંકુચિત વિચારો વધુ સમય સુધી ટકી શકતાં નથી. જેમકે સુગંધી ગુલાબનાં છોડનો જ્યાં બગીચો હોય, ત્યાં જો કોઈ દુર્ગંધ ફેલાવતો થોડો કચરો પણ નાંખી જાય, તો થોડાં સમય માટે ગુલાબની સુગંધને બદલે કચરાની દુર્ગંધ બગીચામાં પ્રસરી જાય. આમ છતાં પ્રભુની કૃપા સ્વરૂપ વાયુદેવની હાજરીના લીધે, થોડા સમય પછી દુર્ગંધની માત્રા ઘટતી જાય અને ગુલાબની સુગંધ પુન: પ્રસરતી જાય છે. એ જ રીતે મનનો જો સદ્વિચારો રૂપી ગુલાબનો બગીચો ખીલતો રહે, તો રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારો રૂપી કચરાની દુર્ગંધ લાંબો સમય ટકી શકતી નથી. કારણ જેનાં આધારે વિચારોનું વર્તન થાય છે, તે આત્મીય ચેતના રૂપી વાયુની હાજરી સર્વત્ર છે. જે સદ્વિચારોના ચિંતન રૂપી ગુલાબ દ્વારા, સાત્ત્વિક ભાવની સુગંધને પ્રસરતી રાખે છે.
સામાન્ય રૂપે માનવીને ચિંતન કે અધ્યયન કરવાનું ગમે નહિ. સમય નથી મળતો, કે મુશ્કેલ લાગે છે એવાં બહાના જે દર્શાવે, તેઓને વાસ્તવમાં બીજી સંસારી પ્રવૃત્તિઓ કરવાનો મોહ હોય છે. બાકી જેને સ્વયંનું સત્ દર્શન કરવું છે, એ તો આજુબાજુમાં થતી પ્રકૃતિની અનેક ક્રિયાઓનાં નિરીક્ષણથી જ સાત્ત્વિક બોધને ધારણ કરે છે. જેમકે એક કીડી પોતાના વજન કરતાં દસ ગણા મોટાં સાકરના કણને લઈને દિવાલ પર ચઢતી જોઈએ, ત્યારે પોતાના મનનું ઘડતર થાય એવાં વિચારોથી અધ્યયન થઈ શકે છે. કીડી દિવાલ પર ચઢતાં ઘણીવાર નીચે પડી જાય છે. છતાં પણ તે સાકરના કણને લઈને ઉપર ચઢવાનો પ્રયત્ન વારંવાર કર્યા કરે છે. તે સાકરના કણોને ભેગા કરવાની પ્રવૃત્તિને આળસ વગર, એકાગ્રતાથી, મહેનતપૂર્વક કરતી રહે છે. કીડીની જેમ મનના શુદ્ધિકરણ માટે પ્રયત્નશીલ રહેશું, તો આ ભવના કર્મસંસ્કારો પર સાત્ત્વિક ભાવનો રંગ લાગતો જશે. તેથી જિજ્ઞાસુ ભક્ત હંમેશા પ્રભુને વિનંતિપૂર્વક પ્રાર્થના કરતો રહે કે..,
"આ ભવના, પરભવના કર્મસંસ્કારો વીંટળાતા,
ભવેભવની મારી કથા રચાતી રહી;
કથા અનુરૂપ જન્મ-મૃત્યુની યાત્રા રૂપે હું(જીવ) આવાગમનના ફેરા ફરતો રહ્યો;
હે પ્રભુ! કૃપા કરી આ ભવમાં આપની ભક્તિના રંગે રંગાઈને
અંતર સ્થિત થાઉં;
અને ભગવત્ ભાવની જાગૃતિથી, આપનામાં સમાઈ જવાય
એવી એકમની ગતિમાં ગતિમાન કરજો.”
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા