...તો ભગવત્ ભાવનું ભરણું ભરાય
સંગ તેવો રંગ, તે હકીકત અનુસાર મન જો સાત્ત્વિક વિચારોના સંગમાં રહે, તો સાત્ત્વિક વર્તનનો ઉદય આપમેળે થાય. સામાન્ય રૂપે માનવી મનનો વિશિષ્ટ સ્વભાવ છે કે, એકવાર જો અમુક સ્થિતિને જાણવાની ઈચ્છા પ્રબળ થઈ, તો તે જાણવા યોગ્ય સ્થિતિનો સ્વીકાર કોઈ પણ તર્ક કે દલીલ વગર કરે છે. પછી તે જાણેલી સ્થિતિને ભોગવવા, કે અનુભવવા માટેના પ્રયત્નો કરવામાં કોઈ કચાશ નહિ રાખે. તેથી કોઈ પણ માનવીમાં સ્વયંના આત્મ સ્વરૂપને જાણવાની અથવા પરિચિત થવાની લગની જાગૃત થઈ શકે છે. પરંતુ મન જ્યાં સુધી લૌકિક જગતને જ સત્ય માને, અથવા આકારિત જગતની પ્રકૃતિના, આકૃતિના મોહમાં જીવે, અથવા મિલકત, સત્તા, કીર્તિ, સન્માન મેળવવા માટે દુન્યવી બાબતોમાં વીંટળાયેલું રહે, ત્યાં સુધી સ્વયંને જાણવાની તથા સ્વાનુભૂતિ રૂપે અનુભવવાની લગની જાગૃત થતી નથી. તેથી જ મનની ભક્ત સ્વરૂપની શ્રેષ્ઠતા, કે જ્ઞાની સ્વરૂપની ગુણિયલતા મનોમન સુષુપ્ત જ રહે છે. અર્થાત્ આત્મ સ્વરૂપનું સાત્ત્વિક ગુણોનું કૌશલ્ય ઢંકાયેલું રહે છે અને તે વિચાર-વર્તન રૂપે પ્રગટતું નથી.
માનવી મોટેભાગે સ્વયંના સ્વરૂપને જાણવાનું ટાળે છે અને આજીવિકાના કાર્યો તથા પરિવારની જવાબદારીના કાર્યો કરવામાં સમય મળતો નથી એવાં બહાના દર્શાવે છે. એવા બહાનાઓથી ટેવાયેલું મન, પોતે જ પોતાની ગુણિયલ દિવ્યતાને ભોગવ્યાં વગરની કંગાલિયતમાં જીવે છે. અર્થાત્ આત્મા રૂપી તિજોરી પોતાની છે અને એને ખોલવા માટે મન રૂપી ચાવી પોતાની પાસે છે. છતાં સ્વયંની ગુણિયલ સંપત્તિને ભોગવ્યા વગરની ગરીબીમાં માનવી જીવે છે. જેનો અહેસાસ ઘણીવાર ઢળતી ઉંમરે થાય છે. પરંતુ જીવનભર મન રૂપી ચાવીનો સદુપયોગ કરવાની કળા શીખ્યાં નહિ, એટલે શરીરની વૃદ્ધ અવસ્થામાં મનની વિચારવાની, સૂક્ષ્મ સૃષ્ટિની વાસ્તવિકતાને સમજવાની, કે ગ્રહણ કરવાની કળા શિથિલ થઈ જાય છે. જીવનભર માનવી ભૂલી જાય છે કે મનુષ્ય જન્મની પ્રાપ્તિ, એટલે જ મનમાં સુષુપ્ત રહેલી ગુણિયલતાને જાગૃત કરવાનો અનુકૂળ અવસર. અનેક ભવનાં સાત્ત્વિક કર્મના ફળની પ્રાપ્તિ રૂપે મનુષ્ય જન્મ મળે છે. પરંતુ માનવી આ સત્યને વિસરીને જીવે છે. આપણને એટલી તો જાણ છે કે, કર્મસંસ્કારોના લીધે પ્રારબ્ધગત જીવન જીવવું પડે છે. એટલે તે સંસ્કારોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને તૃપ્ત કરવા માટે, એકબીજા સાથેના સંબંધો બંધાય છે.
મન એટલે જ કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓ. તે વૃત્તિઓને વિચાર-વર્તનની પ્રક્રિયાથી તૃપ્ત કરવા માટે આપણને માનવી જન્મનો સહારો મળ્યો છે. તેથી તૃપ્તિના વર્તન માટે અકર્તાભાવથી, પરસ્પર એકબીજા સાથે પ્રેમભાવથી જીવન જીવવાનું છે. જેમ જેમ મનની અતૃપ્ત વૃત્તિઓનો સામાન ઓછો થતો જશે, તેમ તેમ મનમાં સુષુપ્ત રહેલી સ્વયંની ગુણિયલતા વર્તનમાં પ્રગટતી જશે. કારણ આત્મા રૂપી સૂર્યના કિરણો મન રૂપે પ્રસરે છે. કર્મસંસ્કારોનું અતૃપ્ત વૃત્તિઓનું માનસ જો જ્ઞાન-ભક્તિના સત્સંગથી, સ્વમય ચિંતનની નિષ્ઠાથી ઓગળતું જાય, તો મનનાં આત્મ સ્વરૂપનો પ્રભાવ સાત્ત્વિક ગુણોના સદાચરણ રૂપે પ્રગટતો જાય. એવાં મનમાં અહમ્ વૃત્તિનો ગર્વ ન હોય, રાગ-દ્વેષના ભેદભાવ ન હોય, એટલે એને ન-મનનું અંતર આસન કહેવાય છે. ન-મન એટલે મનનું એવું વિશાળ માનસ, જે અવનવાં સાત્ત્વિક વિચારોના અંતર કહેણ ઝીલતું રહે અને સાત્ત્વિક ભાવની જાગૃતિથી સ્વાનુભૂતિની અંતર યાત્રામાં લીન રહે.
મન કરાવે સ્મરણ, પણ જ્યાં લૌકિક વિચારો નથી,
એવી ન-મન સ્થિતિમાં ન હોય સંસારી સ્મરણ;
ન-મન સ્થિતિમાં અહમ્ વૃત્તિનું સમર્પણ હોય
અને થાય અંતરની વિશાળતામાં સાત્ત્વિકભાવથી રમણ;
લૌકિક વિચારોના રાગ-દ્વેષનું સ્મરણ બંધ થાય
પછી ભગવત્ ભાવનું ભરણું ભરાય;
ભગવત્ કૃપાના વહેણ રૂપે અંતર કહેણની અક્ષર ધારા વહે,
જે ધરે અંતર યાત્રાનું માર્ગદર્શન.
રાગ-દ્વેષાત્મક વિચારોમાં મનનું ભ્રમણ સતત થતું રહે છે. એટલે સત્સંગ રૂપે કરેલાં સાત્ત્વિક વિચારોના સ્મરણમાં મન સ્થિત થઈ શકતું નથી. પોતે શરીરમાં વસવાટ કરે છે તે સત્યથી અજ્ઞાત રહીને પોતે જ શરીર છે એવી ભ્રમણામાં મન જીવે છે. એટલે શરીરની જન્મ-મૃત્યુની ઘટનાથી સુખી-દુ:ખી થતાં, સ્વયંની સાત્ત્વિક પ્રતિભાને મન કુંઠિત કરી દે છે. સાત્ત્વિક ગુણોની પ્રતિભા જો જાગૃત ન થાય, તો અહંકારી સ્વભાવના મિથ્યાભિમાનમાં મન ઘેરાયેલું રહે છે. એવાં મનમાં વિચાર અને વર્તનનો વિરોધાભાસ હોય, એટલે કે મન વિચારે કંઈક અને વર્તન કરે કંઈક બીજું. તેથી આજના આધુનિક સમયમાં નવા નવા સંશોધનની ક્રાંતિ છે, પણ મનની ઉત્ક્રાંતિ નહિવત્ છે. સુખ સગવડવાળા વૈભવી મકાનોમાં રહેવાની સુવિધા મળી રહે છે. પરંતુ માનવીનું માનસ ભેદભાવમાં ફરતું રહેવાથી નાની ઝૂંપડી જેવું સંકુચિત થતું જાય છે. મનગમતી વસ્તુઓ, કે વસ્ત્રો ખરીદવાના રૂપિયાની અછત નથી, અથવા હોટલમાં કે મોલમાં જઈ મોટી રકમના બીલ ભરવા માટેના બેન્કના ડેબીટ કે ક્રેડીટ કાર્ડની સહાયતા જલ્દીથી મળી જાય છે. પરંતુ એકબીજા સાથેના સંબંધોમાં પ્રેમની સુવાસ સહજ પ્રસરતી નથી. સ્વાર્થ, ઈર્ષ્યા, વેરઝેર વગેરે નકારાત્મક વૃત્તિના લીધે સંબંધોમાં પ્રેમભાવની મોકળાશ અનુભવાતી નથી. બુદ્ધિ બળથી દરેક મુશ્કેલીઓના ઉપાયની દવા માનવી શોધતો રહે છે. પરંતુ મનનાં સાત્ત્વિક સ્વભાવના સ્વાસ્થ્યને કથળી (ડીટોરીએટ) નાંખે છે. માનવી જીવનની મહત્તા સમજીને જીવીએ અને સાત્ત્વિક આચરણથી ધરતી માતાનું ઋણ પૂરું થાય, એવી ભક્તિમાં લીન રહીએ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા