Article Details

પ્રભુ છે સ્વયંભૂ પ્રકાશિત, એમની ચેતના છે સર્વત્ર

આપણાં સૌના અસ્તિત્વમાં ભક્ત સ્વરૂપની જ્ઞાતાભાવની, કરૂણાભાવની, પ્રેમભાવની, સેવાભાવની, સાત્ત્વિક ભાવની નિર્મળતા સમાયેલી છે. અર્થાત્ ભાવની ગુણિયલ સાત્ત્વિકતા, એ છે આપણું સ્વ સ્વરૂપ. સ્વયંના આત્મ સ્વરૂપની ભાવમય ગુણિયલતાથી, અથવા તત્ત્વગુણોની સાત્ત્વિકતાથી મન જો જાણકાર થાય, તો પોતાની ગુણિયલ પ્રતિભાને જાગૃત કરવાની જિજ્ઞાસા જાગી શકે. જિજ્ઞાસુભાવ જ્યારે જ્ઞાન-ભક્તિના અધ્યયનમાં સ્થિત થાય, ત્યારે હૃદયભાવની નિર્મળતા ધારણ થતી જાય. પછી ભક્ત સ્વરૂપની પરમાર્થી સ્વભાવની જાગૃતિથી જીવન જિવાય. એવાં જીવનમાં ભેદભાવનું, અથવા સરખામણી કરવાનું, કે મારું-તારું-પરાયું જેવાં રાગ-દ્વેષાત્મક વર્તનનો ઘોંઘાટ ઓછો હોય. એવો ઘોંઘાટ જેટલો ઓછો તેટલો ભાવનો ધોધ વહે, જે અલૌકિક સદ્વિચારોને પ્રગટાવે અને તેના સહારે ભક્ત અંતર યાત્રાનું માર્ગદર્શન ધારણ કરતો જાય. એવો ભક્ત બીજા જિજ્ઞાસુ માનવીઓને તન-મનનાં જીવંત જીવનની તથા જ્ઞાન-ભક્તિના અધ્યયનની મહત્તા દર્શાવી, કર્મસંસ્કારોના બંધનથી મુક્ત થવાનો રાહ દર્શાવે છે.

       ભક્ત તો ભક્તિ સ્વરૂપે સ્વયંના આત્મ સ્વરૂપનું ગુણિયલ તાત્પર્ય ગ્રહણ કરતો રહે. આત્માના અનંત તત્ત્વગુણોનું તાત્પર્ય ગ્રહણ કરાવતાં જ્ઞાન સાગરમાં, તે હૃદયભાવ રૂપી નાવથી સહેલ કરતો રહે, તેને કહેવાય અંતર યાત્રાનું સદાચરણ. આમ ભક્ત એટલે જ સ્વયંની તાત્ત્વિક, સાત્ત્વિક પ્રતિભાનો ઉજાગર કરાવતું પરમાર્થી સ્વભાવનું આસન. એટલે ભક્ત કદી અહંકારી રાગ-દ્વેષના ભેદભાવથી પોતાના કર્મ ન કરે. કારણ મનુષ્ય જન્મની વાસ્તવિકતાને તે જાણે છે, કે પોતે જ કરેલાં કર્મોના ફળ રૂપે વર્તમાનનું પ્રારબ્ધગત જીવન મળ્યું છે, જેનો અસ્વીકાર કરી શકાય એમ નથી. તેથી ભક્ત કર્મ કરે ત્યારે પોતે નિશ્ર્ચિત કરેલું અનુકૂળ પરિણામ જો મળે, તો એમાં આસક્ત ન થાય, એટલે કે પોતાની કર્મ કરવાની બુદ્ધિગમ્ય કુશળતાનું અભિમાન ન કરે. એ જ રીતે કરેલાં કર્મનું જો પ્રતિકૂળ પરિણામ મળે, નિષ્ફળતા મળે, તો સહાયક પરિસ્થિતિને દોષિત ન ગણે. આવો તટસ્થ સ્વભાવ, એટલે કે સુખમાં છકી ન જવું, અથવા સુખદાયક વિષયોના ભોગમાં વારંવાર આળોટતા ન રહેવું, તથા દુ:ખદાયક અનુભવમાં કોઈ ફરિયાદ વગર ભાગ્યને પણ દોષ ન આપવો, તે છે અંતર ભક્તિમાં સ્થિત કરાવતાં સાત્ત્વિકભાવની જાગૃતિ. એવી જાગૃતિ થાય ત્યારે અંતર ભક્તિ સ્વરૂપે ભક્તનો ભાવ સ્વયંના અનંત, શાશ્ર્વત સ્વરૂપને જ્ઞાતાભાવથી અનુભવે અને સ્વાનુભૂતિમાં ભાવની સૂક્ષ્મતા એકરૂપ થતી જાય. સ્વાનુભૂતિની અંતરભક્તિમાં તલ્લીન રહેતાં જ્ઞાની ભક્તનો ભાવ આપણને માર્ગદર્શન આપે છે કે..,

 

       આ જીવન અર્પ્યું પ્રભુએ, જેથી જાણી શકે તુજને અને માણી શકે પ્રભુને;

       પ્રભુ નથી કોઈ આકારી, એ તો શક્તિ સ્વયંભૂ પ્રકશિત, એની ચેતના છે સર્વત્ર;

       ક્રિયા શક્તિની ચેતના છે તુજમાં, છતાં જાણી નહિ ભાવથી,

એટલે બંધાયો સીમિત દશામાં;

       સ્વમય ભક્તિથી જાણી લે બ્રહ્મનો ભેદ અને ભાળી લે તારી વિશાળતા,

જે અવિનાશી અમૃત છે;

       મન સંન્યાસીની શાંત અવસ્થા, જેમાં જીવંત થાય ચેતનાની દિવ્યતા

અને અષ્ટકમળ ખૂલતાં જાય.

 

       ભક્ત કે જ્ઞાની સ્વરૂપની મનની જાગૃતિ ધારણ થાય, એ કોઈ આકારિત વ્યક્તિને મળેલી પદવી નથી, કે મનના પુરુષાર્થની પણ સિદ્ધિ નથી. એ તો પ્રભુ કૃપા સ્વરૂપે સ્વયંભૂ જાગૃત થતો આત્મીય ચેતનાનો ગુણિયલ પ્રભાવ છે. જેમ સૂર્યોદય માટે, કે પ્રકાશિત કિરણોનું પ્રસરણ કરવા માટે સૂર્યની કોઈ રીત કે પદ્ધતિની ક્રિયા નથી; તેમ ભેદભાવનાં અહંકારી વિચાર-વર્તનનો અવરોધ જો ન હોય, તો સૂર્યની જેમ પોતાનામાં સમાયેલો સાત્ત્વિક પ્રભાવ સ્વયંભૂ પ્રકાશિત થઈને સાત્ત્વિક કર્મ રૂપે પ્રસરે છે. સૂર્ય સમાન જ્ઞાની ભક્તને સમાજ પાસેથી લૌકિક સ્તરનું કંઈ પણ પ્રાપ્ત કરવું નથી. એને તો સમાજમાં ઉન્નતિના પથ પર આરોહણ કરાવતાં ભક્તિભાવનાં વહેણને વહેતા મૂકવા હોય છે. તેથી એ તો જ્ઞાન-ભક્તિના સત્સંગમાં, રાય કે રંકના ભેદભાવ વગર સૌને આમંત્રણ આપે. તે વ્યવહારિક જગતમાં કોઈ સન્માન માટે, કે આર્થિક સિદ્ધિની પ્રાપ્તિ માટે, જ્ઞાન-ભક્તિના સત્સંગની ધારાને વહેતી ન મૂકે. અંતરની સૂક્ષ્મતામાં નથી કોઈ જ્ઞાની કે ભક્તની પદવીના લેબલ, એવી પદવીના ભેદ સામાન્ય સંસારી મનની ઉપજ છે.

       જ્ઞાન કહો કે ભક્તિ કહો, એ તો છે આત્મીય ચેતનાનું પ્રકાશિત થતું ભગવત્ ગુણોનું ધન. તે ધન સાત્ત્વિક ભાવની જાગૃતિથી ધારણ થઈ શકે. તેથી ભેદભાવનાં વિભાગ જ્યાં સમાપ્ત થાય, ત્યાંથી શરૂઆત થાવ સમતોલભાવની તટસ્થતા. જે સ્વયંનું દર્શન કરાવતાં સાત્ત્વિક વિચારોના કહેણને ધારણ કરે. તે સાત્ત્વિક વિચારોના અધ્યયનથી ભક્તિભાવનાં, પ્રેમભાવનાં સ્પંદનો પ્રસરતાં જાય. એટલે એક સત્ય સુસ્પષ્ટ છે કે, દરેક માનવીમાં સ્વયંના સાત્ત્વિક ગુણોના પ્રભાવને જાગૃત કરાવતું કૌશલ્ય છે. પરંતુ મહદ્ અંશે માનવી આ સત્યને જાણતો નથી અને જેઓ જાણે છે તેઓ જાણ્યાં પછી સાત્ત્વિકભાવની જાગૃતિને, કે પરમાર્થી વર્તનને મહત્ત્વ આપતાં નથી. મહત્ત્વ ન આપવાના સ્વભાવનું કે ભૂલનું કારણ સ્પષ્ટ છે. ભૂલ એ છે કે માનવી મન સંસારી પ્રવૃત્તિના વ્યવહારથી એટલું ટેવાઈ ગયું હોય છે કે, ઈર્ષ્યા, વેરઝેર, ધિક્કાર, ક્રોધ, સ્પર્ધા, સરખામણી કરવી વગરે નકારાત્મક વૃત્તિ-વિચારોમાં વારંવાર મન ફરતું રહે છે. તેથી એવા નકારાત્મક વર્તનનું સ્મરણ મનમાં છપાયેલું રહે છે. એટલે એવાં જ વર્તનનું પુનરાવર્તન થયાં કરે છે. વળી માનવીનો સ્વતંત્રતા ભોગવતો સ્વભાવ છે કે, પોતાને જે કાર્ય ગમશે તે જ કરશે. કોઈવાર અથવા ઘણીવાર ના છૂટકે ન ગમતું કાર્ય કરવું પડે, તો તે પોતાની રીતથી પોતાના સ્વભાવને જચે તે પ્રમાણે જ કરશે. તેથી જ સાત્ત્વિક ભાવની જાગૃતિ સહજ થતી નથી. સ્વભાવનું પરિવર્તન જ્ઞાન-ભક્તિના સત્સંગથી થઈ શકે. પરંતુ પરિવર્તન કરવું છે એવો નિશ્ર્ચય મનનો હોય તો જ તે શક્ય બને છે. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે દૃઢ નિશ્ર્ચયથી ભક્તિભાવમાં મન સ્થિત થાય, જેથી સ્વયંની ગુણિયલતા પ્રકાશિત થાય અને જીવનનું માધુર્ય અનુભવાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા