Article Details

કોણ જીવે છે અને કોણ જીવાડે છે?

પ્રારબ્ધગત જીવનના ઉતાર-ચઢાવમાંથી પસાર થતું માનવી મન, વિવિધ ઘટનાઓનાં અનુભવથી જેમ જેમ ઘડાતું જાય, તેમ તેમ દેહધારી જીવનનો મહિમા અમુક અંશે પરખાતો જાય. ઘડતર રૂપે જો એવાં પ્રશ્ર્નોની હારમાળા ગૂંથાતી જાય કે, પોતે આ શરીરની આકૃતિ છે કે શરીરમાં વસવાટ કરનાર છે? શરીરમાં વસવાટ કરનાર હું છું, તો મારું નિરાકારિત સ્વરૂપ શું છે? શરીરની રચના કરાવતી અથવા મનોમન વિચાર કરાવતી કે અનુભવ કરાવતી શક્તિ શું છે? આવા પ્રશ્ર્નો મોટેભાગે જિજ્ઞાસુ ભક્તમાં ઉદ્ભવે છે અને ખાસ કરીને ત્યારે ઉદ્ભવે, જ્યારે શરીરના મૃત્યુ રૂપે પોતાના સ્નેહીજનનો, કે પરિવારજનનો સહવાસ છૂટી જાય. જિજ્ઞાસુ ભક્ત મૃત્યુની વાસ્તવિકતાને તો સ્વીકારે છે. પરંતુ પોતાના સ્નેહીજનની ગેરહાજરીનો વિયોગ ન સહેવાસ, ત્યારે સહવાસ રૂપે માણેલી સુંદર ઘટનાઓનું સ્મરણ મનને વિહ્વળ કરી દે છે. કારણ બીજી કોઈ પરિસ્થિતિ પોતાના સ્વજનની ગેરહાજરીની ખોટને પૂરી કરી શકતું નથી. તેથી મન ખાલીપો અનુભવે છે. તે વિહ્વળતા કે નિરાશાને વળાંક મળી શકે જો સ્વયંને જાણવાની જિજ્ઞાસુ વૃત્તિ રૂપી દીપક, સત્સંગ, અભ્યાસ, કે ગુરુના સાંનિધ્યના લીધે પ્રજ્વલિત થયો હોય.

       જિજ્ઞાસુભાવની જાગૃતિના લીધે આંતરિક વાસ્તવિકતાને જાણવાના વિચારો ઉદ્ભવી શકે કે, જિવાડનાર પ્રભુની શક્તિ સાથે હું જોડાયેલો છું તો એની પ્રતીતિ સહજ કેમ થતી નથી? શું મારો સ્વભાવ અવરોધક છે, જે પ્રભુની આત્મીય પ્રીતની પ્રતીતિથી મુજને વંચિત રાખે છે! તો અવરોધક સ્વભાવના નકારાત્મક વલણનું પરિવર્તન કરાવતા, સકારાત્મક સદ્વિચારોના ચિંતનમાં મનને સ્થિત રાખવાની દૃઢતા કેમ વધતી નથી? આવાં વિચારોની હારમાળામાં જિજ્ઞાસુ મન ગૂંથાયેલું રહે, પણ ચિંતનમાં તે સરળતાથી સ્થિત થતું નથી. કારણ અંગત સ્નેહીજનના મૃત્યુથી મન શોકમાં ડૂબેલું રહે છે. શોકમાં ડૂબેલું મન સામાન્ય રૂપે પોતાના દુ:ખને જ મહત્તા આપી, દુ:ખદ અનુભવના સ્મરણમાં રૂપી પાંજરામાં પુરાઈ રહે છે. એવાં શોકમગ્ન મનમાં સ્વયંને જાણવાની તમન્ના હોય, પણ તે સાત્ત્વિક વિચારોના અધ્યનનમાં કે ચિંતનમાં સ્થિત નહિ થાય. એવું મન આશ્ર્વાસનનો પણ અસ્વીકાર કરી, પોતાને જ ભગવાને દુ:ખ કેમ આપ્યું અને પોતાના જેવો દુ:ખી આ સંસારમાં બીજો કોઈ નથી એવાં વિચારોમાં બંધાયેલું રહે છે. આવું દુ:ખદ વિચારોમાં બંધાયેલું મન પણ સમય પસાર થતાં ધીમે ધીમે શોકમાંથી બહાર આવે છે. આમ છતાં મનના ખૂણામાં તે દુ:ખદ ઘટનાનું સ્મરણ અકબંધ રહે છે. આવું મન જિજ્ઞાસુભાવની જાગૃતિના લીધે ધીરે ધીરે અંતર તરફ પ્રયાણ કરતું જાય અને સાચી સમજ ગ્રહણ કરવાની ઉત્સુકતા પછી વધતી જાય.

       અંતર પ્રયાણ ધીરે ધીરે થાય, એટલે કે જિજ્ઞાસુ મન ગુરુના સાંનિધ્યમાં સત્સંગ કરે, માર્ગદર્શન મેળવે, પણ સાત્ત્વિક આચરણની જાગૃતિ રૂપી વસ્ત્ર ધારણ કરી શકતું નથી. મનનું પરિવર્તન કરાવતા સાત્ત્વિક વિચારો ગ્રહણ થાય, એનો સૂક્ષ્મ અર્થ સમજાય તથા એ મુજબ અકર્તાભાવથી જીવવાનો નિર્ધાર પણ થાય. પરંતુ અકર્તાભાવના વર્તનમાં મન થોડી ક્ષણો માટે સ્થિત થઈને પાછું કર્તાભાવના અહંકારથી વર્તે છે. કારણ જ્યાં સુધી મન ભૂતકારળમાં અનુભવેલી દુ:ખદ કે સુખદ ઘટનાઓના સ્મરણમાં ફરતું રહે, અથવા દુ:ખદ અનુભવને વાગોળ્યાં કરે અને એનું વર્ણન બીજા સમક્ષ કરીને તે દુ:ખદ ઘટનાને અનુભવવાની પોતાની બહાદૂરીને જણાવે, અથવા એવું જણાવતાં વારંવાર કહે કે, "આ બધા અનુભવમાંથી હું તો પ્રભુની કૃપાના લીધે જ પસાર થઈ શક્યો,” એવાં હું કેન્દ્રિત વિચારોની વાણી જો બોલાતી રહે, તો ચિંતનમાં મન સ્થિત કેવી રીતે થાય! સામાન્ય રૂપે સ્વયંને જાણવાની કે સ્વાનુભૂતિની અંતર યાત્રા માટે માનવીમાં જિજ્ઞાસા જાગૃત થતી નથી. મનને સત્સંગની કેળવણીનો કંટાળો આવે ચે. એવાં મનનું પરિવર્તન ત્યારે થાય, જ્યારે પોતાના અજ્ઞાની સ્વભાવની ખામીઓથી મુક્ત થવાની ઈચ્છા પ્રબળ થાય.

       અવરોધક સ્વભાવને બદલવાનું માનવી પોતે નક્કી ન કરે, ત્યાં સુધી સત્સંગ પણ માત્ર સંસારી પ્રવૃત્તિની જેમ થતો હોય છે. તેથી જ વર્ષો સુધી સત્સંગ, અભ્યાસ કરતું મન, પોતાના અહંકારી સ્વભાવથી, કે રાગદ્વેષાત્મક વર્તનથી મુક્ત થઈ શકતું નથી. એટલે મનોમન સ્પષ્ટતા હોવી આવશ્યક છે કે, કર્મ-ફળની પ્રક્રિયાના જીવન દ્વારા જ મનના વિચારોનું, કે અહંકારી સ્વભાવનું શુદ્ધિકરણ કરાવતી સ્વમય જાગૃતિ થાય છે. જેમ ભરતી વખતે સાગરના મોજાઓનું ગતિમાન બળ હોવાંથી જ્યારે કિનારાને સ્પર્શે છે, ત્યારે કિનારાના ખડકોને અથડાઈને તે મોજાઓના વહેણ અંતર સાગરમાં જ પાછા સમાઈ જાય છે. મોજાઓ અથડાય, ખડક તૂટતાં જાય અને રેતીનો પટ કિનારો બનતો જાય. એ જ રીતે પ્રારબ્ધગત જીવન સાગરમાં કર્મ-ફળની પ્રક્રિયાઓ રૂપી મોજાઓ ઉછળે, તેને કોઈ અટકાવી શકે એમ નથી. તે મોજાઓ અતૃપ્ત ઈચ્છાઓની તૃપ્તિ માટે, ઉપભોગ ભોગવવા માટે ઉછળે છે, ત્યારે રાગ-દ્વેષના અહંકારી ખડકોના લીધે એકબીજા સાથેના સંબંધોમાં અથડામણ થાય છે. આ ખડકો ત્યારે જ તૂટીને સાત્ત્વિક ભાવની જાગૃતિ રૂપી રેતી બની જાય, જ્યારે અકર્તાભાવનું, શરણભાવનું, નિર્મળભાવનું સાત્ત્વિક બળ ચિંતન, અભ્યાસથી વધતું જાય. અર્થાત્ સ્વજ્ઞાન રૂપે મનોમન એકરાર થવો જોઈએ કે, કર્મ કરાવનાર પ્રભુની આત્મીય ચેતના છે, જેના આધારે હું જીવું છું, પ્રક્રિયા કરી શકું છું, વિચારી શકું છું, ઉપભોગી આનંદને માણી શકું છું. એવા એકરારની સ્પષ્ટતાથી અહંકારી સ્વભાવના ખડકોનો અવરોધ ઓછો થતો જાય.

 

       કોની દુનિયા, કોનું જીવન, કોણ જીવે છે અને કોણ જિવાડે છે..?

       કોનો જીવ, કોની જીવંત સ્થિતિ, કોની જાગૃતિ અને કોની છે આ આકૃતિ..?

       આ બધું સમજવા મથે અને સમજીને જે જીવે,

તેની પ્રવૃત્તિમાં સાત્ત્વિકભાવની પ્રતીતિ..?

       તે પ્રતીતિની આવૃત્તિ ઢળે જ્યારે પ્રભુની ચેતના તરફ,

ત્યારે મનની પ્રગટે આત્મીય પ્રતિભા.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા