હૃદયભાવની સાત્ત્વિકતાથી થાય સદ્વિચારોનું વર્તન
માનવીને મન આપ્યું, તે છે ભાવભીનું હૃદય,
મનને વાપરીએ હૃદય સ્વરૂપે તો થાય સ્વનું આલિંગન;
મનની રાગ-દ્વેષની વૃત્તિઓએ લીધી લગામ,
એટલે માનવી ન થયો હૃદયદ્રાવક;
મનોમંથનથી જણાય માનવીને,
કે મનનું વાહન તો હૃદયભાવની સાત્ત્વિકતાથી જ વપરાય;
હૃદયભાવની સાત્ત્વિકતાથી થાય સદ્વિચારોનું વર્તન,
જે ધારણ કરાવે જીવનનો યથાર્થ સાર.
માનવીનું મન સામાન્ય રૂપે પોતાની અપેક્ષાઓને, કે ઈચ્છાઓને પૂરી કરાવતાં વિચારોમાં વીંટળાયેલું રહે છે. એવું મન ધામિર્ક તહેવારોની ઉજવણી હોંશથી કરે અને ક્યારેક પરોપકારી કાર્યો પણ કરે. છતાં મનની અપેક્ષા એવી હોય કે, પોતાની વાહવાહ થાય, સન્માન મળે, અથવા સમાજમાં પોતાની સજ્જન માણસ તરીકેની છબી રહે. એવાં આશયથી જ પરોપકારી કાર્યો કરે. સામાન્યત: આવા અહમને પોષતો, કીર્તિની ઝંખનાને પૂરી કરતો સ્વભાવ માનવીનો હોય, એની આપણે નિંદા નથી કરવાની, પણ મનની સામાન્ય કક્ષાથી ઉચ્ચ સ્તરની સાત્ત્વિકતાને જાગૃત કરવાનો આપણો પ્રયાસ હોવો જોઈએ. તે માટે સ્વજ્ઞાનના અભ્યાસતી ચિંતન થાય તો સમજાય કે, પ્રભુ તો દરેક દેહધારી જીવને જિવાડે છે. છતાં કદી કોઈની ભૂલોને, અહંકારી સ્વભાવની તોછડાઈને અટકાવતો નથી. જેવા ભાવથી માનવી કર્મ કરે તે મુજબ ફળ એને મળે છે. પ્રભુ કદી ફળ નથી આપતાં. કર્મ કરવાની રીતનું કે ફળ ભોગવવાની ક્રિયાનું કે કોઈ પણ અપેક્ષિત કાર્યની રચના માનવી પોતે જ કરે છે. પ્રભુ તો પોતાની આત્મીય ચેતનાાન ઊર્જા વહેણને નિરપેક્ષભાવથી સતત વહેતાં રાખે છે. જેથી કર્મ કે કાર્યની ક્રિયા કરવાનું બળ સૌને મળી શકે. મનની જો હૃદયભાવની જાગૃતિ થાય તો આત્મીય ચેતનાનું પ્રભુત્વ સાત્ત્વિક ગુણોના વર્તન રૂપે ધારણ થતું જાય.
હૃદયભાવની જાગૃતિ માટે જ્ઞાન-ભક્તિના સત્સંગથી, સ્વ જ્ઞાનના અભ્યાસથી મનને કેળવવું પડે. સાત્ત્વિક વિચારો શ્રવણમાં, અધ્યયનમાં મન જેમ જેમ ઓતપ્રોત થતું જાય, તેમ તેમ તન-મનની જીવંત સ્થિતિનું દાન અર્પણ કરનાર પ્રભુની આત્મીય ચેતનાથી જાણકાર થતું જાય. જાણકાર થવું એટલે કણકણમાં પ્રભુની સાક્ષાત્ હાજરીનો સ્વીકાર થવો. સ્વયંથી જાણકાર થવાની યાત્રા જિજ્ઞાસુભાવથી થાય, તે છે મનની ભક્ત સ્વરૂપની જાગૃતિ. ભક્તનું જાણકાર મન, તે છે જ્ઞાતા ભાવનું વર્તન અને તે જ છે હૃદયભાવનું વિશાળ મન. નિષ્કામ હૃદયભાવની જાગૃતિને મન ધારણ કરી શકે, તે માટે ભક્તની જેમ માનવ દેહની મહત્તાથી તથા સૌને જીવંત જીવનનું દાન અર્પણ કરનાર પ્રભુની ચેતનાથી જાણકાર થવું પડે. જાણકાર થવાની ઉત્સુકતા જાગે તો સાત્ત્વિક વિચારોના અભ્યાસથી સમજાય, કે આ પૃથ્વી પર જે પણ દેહધારી જીવો જીવે છે, તે સૌ પ્રાણી કહેવાય. કારણ પ્રભુની પ્રાણ શક્તિની ચેતનાના સહારે જીવંત જીવન જીવી શકાય છે. તેથી સર્વે દેહધારી કૃતિઓ છે પ્રાણ શક્તિનો ભોગ કરનારી પ્રાણી સ્થિતિ. જે પ્રાણી વિચારી શકે ચે, પ્રકૃતિ જગતની બીજી આકૃતિઓ સાથે આદાનપ્રદાન કરી શકે છે, ઈન્દ્રિયો દ્વારા બાહ્ય જગતના વિષયોને અનુભવથી ભોગવી શકે છે, તથા વિચાર-વર્તનથી પોતાનો વિકાસ થાય એવા કાર્યો કરી શકે તે પ્રાણીને માનવી કહેવાય છે. એટલે મનના ઉપયોગથી જીવતાં દરેક માનવીઓમાં માનવતાના સંસ્કારોની મૂડી છે. મનમાં સમાયેલ ગુણિયલ સંસ્કારોની મૂડીથી જો રોજિંદા વ્યવહારના કાર્યો થયાં કરે, તો માનવતાનાં સાત્ત્વિક આચરણથી, એકબીજા સાથે પ્રેમભાવની સહકારી સુમેળતા અનુભવી શકાય.
રોજિંદા કાર્યો કરવા માટે, કે આજીવિકાના કાર્યો કરવા માટે જેમ દરેક માનવીને વધતે ઓછે અંશે મહેનત કરવી પડે છે; તેમ માનવતાનું સંસ્કારી જીવન જીવવા માટે પુરુષાર્થ તો કરવો જ પડે. મહેનત વગર ખાવાનું ધાન્ય પણ ખેતરમાં ઊગતું નથી અને તે ઊગેલા ધાન્યને યોગ્ય રીતે પકવીએ-રાંધીએ ત્યારે ખાવાનું અન્ન ગ્રહણ કરી શકાય, તથા ગ્રહણ કરેલા સ્વાદિષ્ટ અન્નને પચાવવા માટે પણ અંગોની સતત થતી પ્રક્રિયાઓનો પરશ્રિમ હોય છે.
આમ જે માનવીને મહેનત કરવાની આળસ નથી, કે પુરુષાર્થ કરવાનો પ્રમાદ નથી, તે એ જ સત્યના સ્વીકારથી જીવન જીવે છે. મનની વિચારવાની, સમજવાની કે અનુભવવાની પ્રક્રિયાના લીધે આ ધરતી પર વસવાટ કરનારા બીજા પ્રાણીઓની સરખામણીએ, ઉચ્ચ કક્ષાનું સાત્ત્વિક જીવન જીવવાની અનુકૂળતા પ્રભુએ અર્પણ કરી છે. આ સત્યના સ્વીકાર રૂપે તે માનવી પુરુષાર્થી જીવન જીવે અને કોઈ જાદુ કે ચમત્કારના પ્રયોગ પાછળ ન દોડે, અથવા અમુક વસ્તુની કે વ્યક્તિની પ્રાપ્તિ માટે કર્મકાંડની વિધિઓમાં મનને ફરતું ન રાખે. કારણ સત્ય હકીકતનો જ્યાં સ્વીકાર હોય ત્યાં અમૂલ્ય માનવી જીવનની પરખ હોય.
દેહની અમૂલ્યતા સમજીને સુસંસ્કારી કાર્યો પરમાર્થી ભાવથી કરે, એવાં મનનું ભક્ત સ્વરૂપ સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં સરળતાથી સ્થિત થાય. એટલે ભક્ત પોતાના દેહની આધારિત સ્થિતિનો યોગ્ય રીતે સદુપયોગ થાય એવાં સંયમથી જીવે છે એવો સંયમ એટલે ઈન્દ્રિયોના આધારે જે પણ કાર્ય કરે, ત્યારે તે વ્યવહારિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિના કાર્યોમાં ઈન્દ્રિયોનું શોષણ ન થાય, પણ સાત્ત્વિકભાવનું પોષણ ધારણ થતું રહે. એવાં અકર્તાભાવથી ભક્ત પોતાના કાર્યો કરે છે. એવાં સંયમ રૂપે મનની તટસ્થતા, દૃઢતા, શ્રદ્ધા વગેરે સાત્ત્વિક ગુણિયલતાનું પોષણ ખીલતું જાય, એમાં ઈન્દ્રિયોની તેજસ્વીતા પ્રગટતી જાય. આમ શરીરની જન્મ-મૃત્યુની ક્રિયાને આધીન રહેલા જીવનમાં જ સ્વમય ચિંતનની ભક્તિથી મનનો હૃદયભાવ જાગૃત થઈ શકે છે તથા ઈન્દ્રિયોની સૂક્ષ્મતા જાગૃત થઈ શકે છે. તેથી ભક્ત સ્વમય અંતર ભક્તિમાં ઓતપ્રોત રહેવાનો પુરુષાર્થ કરતો રહે છે. એવો પુરુષાર્થ નિષ્કામભાવથી થવો જોઈએ. ‘હું ભક્તિ કરું છું’ એવી કામના હોય ત્યાં સ્વાર્થ હોય છે, પણ ભક્તિ કરનાર હું જેમ જેમ અંતરની વિશાળતામાં કે સૂક્ષ્મતામાં ઓતપ્રોત થશે, પછી નિષ્કામભાવ આપમેળે જાગૃત થશે. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે, નિષ્કામભાવથી ભક્તિની ભગવત્ શક્તિમાં આપણને એકરૂપ કરાવી, સ્વાનુભૂતિના આનંદમાં તરાવતાં રહે.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા