ભૂલશો નહીં પ્રભુની ઊર્જાનો છે સહારો
ઉન્નત જીવનના સંતોષ માટે સદ્ભાવના, સદ્વિચારો અને સત્સંગનો લ્યો સહારો;
ઈશ્ર્વરની છબીને માત્ર હારો પહેરાવવાથી, ન ઉતારી શકાય કર્મસંસ્કારોનો ભારો;
ભાવના ઢાળો સાત્ત્વિક વિચારોનાં ચિંતનમાં અને સત્સંગમાં મનને ભાવથી પરોવો;
મનુષ્ય જન્મ પરભવ પુણ્યે મળ્યો, ભૂલશો નહિ પ્રભુની ઊર્જા શક્તિનો છે સહારો.
મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા વિશે ઘણીવાર સાંભળ્યું હશે, પણ તે શ્રેષ્ઠતાનો અનુભવ કરાવતું સાત્ત્વિક જીવન જ્યારે જિવાય, ત્યારે અહોભાવ સાથે આશ્ર્વર્ય પ્રગટે. કારણ આકારિત સ્થૂળ શરીરમાં વિચારી ન શકાય એવી વિશિષ્ટ ક્રિયાઓ સતત થાય છે, જેનાંથી માનવી મોટેભાગે અજાણ રહે છે. દરેક અવયવની જુદી જુદી ક્રિયાઓ છે અને તે ક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલી છે, એવું વૈજ્ઞાનિક જ્ઞાનથી સમજાય. પરંતુ પોતાના જ શરીરમાં અવનવી ક્રિયાઓ સતત થાય, જેનાં લીધે રોજિંદા કાર્યો કરી શકાય છે, તેનાંથી બેખબર રહીને મન માત્ર બાહ્ય જગતમાં થતી ઘટનાઓથી જાણકાર થવાનો પ્રયત્ન કરે, તે છે પોતાની અંગત સંપત્તિની અવગણના કરી ગરીબીમાં જીવવું. એવી ગરીબ મન સમાચાર પત્ર બનીને માત્ર માહિતીઓ ભેગી કરે. સગાંઓનું, મિત્રો, કે પડોશીને ત્યાં શું થાય છે, તેની જાણકારી મેળવવા મન તલસે. જો એની જાણકારી રૂપે અમુક પ્રસગં, કે ઘટના વિશે સગાંવહાલાં કે મિત્રો જણાવે નહિ, અથવા મોડેથી જણાવે તો બહુ ખરાબ લાગે. મનને એટલું ખોટું લાગે કે સંબંધોમાં કડવાશ ઊભી થતાં પ્રેમભાવની હળવાશ રહે નહિ. એવું સમાચાર પત્રક જેવું મન કદી વિચારે નહિ વિચારો કરાવતી પ્રભુ શક્તિ વિશે, કે તે શક્તિ તન-મનમાં કેવી રીતે ધારણ થાય છે. કારણ જેમ મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટે ઈલેકટ્રીસીટી=વિદ્યુતિ શક્તિ જોઈએ; તેમ વિચારવા માટેની, સમજવા માટેની, અનુભવ કરવા માટેની શક્તિ મનને સતત મળે જ છે, તો એ શક્તિનો સ્ત્રોત કયો? એવાં વિચારો તરફ મન ઢળે, તો માનસિક શક્તિનો વ્યાપ વધી જાય. મનની શક્તિ વધતાં સર્જનાત્મક સાત્ત્વિક વિચારોથી માનવતાનું, પ્રેમભાવનું સંસ્કારી જીવન જિવાય, જે સંતોષની ઉન્નતિ ધરે.
રોજિંદા જીવનની ઘટમાળમાં બંધાયેલા માનવીને પોતાના દેહની શ્રેષ્ઠતાને જાણવાની ફુરસદ મળતી નથી. તેથી દુ:ખદાયક ઘટના ઘટે, ત્યારે કદાચ મન વિચારે કે આ જીવનનો મહિમા શું છે. આમ મુખ્યત્વે આધિ-વ્યાધિની મુશ્કેલીથી માનવી પરેશાન થાય, ત્યારે મુશ્કેલીને દૂર કરવાના ઉપાય રૂપે મન પ્રભુ ભક્તિ તરફ ઢળે છે. મનની આવી સ્વાર્થી વૃત્તિના લીધે માનવી બીજા માનવીથી વિખૂટો પડતો જાય છે. વિખૂટા પડવું એટલે એકબીજા સાથેનાં સ્વાર્થી વ્યવહારના લીધે પ્રેમની મધુરતા, લાગણીની મીઠાશ અનુભવાતી નથી. એટલે પરસ્પર એકબીજાની હૂંફ વગર પ્રેમને માટે મન તલસે છે. આપણે જાણીએ છીએ કે, માટીને-ધરતીને પાણીનો ભેજ જોઈએ, હૂંફ જોઈએ. પાણીની ધારા સાથે માટીનો સંયોગ ન થાય તો માટીનો ફળદ્રુપતાનો સ્વભાવ બદલાઈ જાય છે. ઉજ્જડ ધરતીની ફળદ્રુપતા વિલીન થતાં, ધાન્ય ઉગાડવાની સર્જનાત્મક ક્રિયાનો ધરતીનો સ્વભાવ જેમ બદલાઈ જાય છે; તેમ મન રૂપી ધરતીનો જે સાત્ત્વિકભાવનો મૌલિક સ્વભાવ છે, તે સાત્ત્વિક વિચાર રૂપી પાણી વગર શુષ્ક થઈ જતાં સ્વાર્થી, લોભી, ઈર્ષ્યાળુ જેવી અહંકારી વૃત્તિની ઉજ્જડ ધરતી બની જાય છે. મનની એવી ઉજ્જડતામાં સાત્ત્વિક ગુણોનું પરોપકારી ધાન્ય ઊગી શકતું નથી.
વાસ્તવમાં દરેક માનવીના મનની ભીતરમાં સાત્ત્વિક ગુણોના બીજ સુષુપ્ત રૂપે સમાયેલાં છે. તેને જો સાત્ત્વિક વિચારોના અધ્યયન રૂપી પાણીનું સિંચન મળે, જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપી ખાતરનો સહયોગ મળે, ગુરુ રૂપી સૂર્ય પ્રકાશનું સાંનિધ્ય મળે, તો સાત્ત્વિક આચરણનું ધાન્ય પ્રગટતું જાય. ધાન્ય ઉગાડતી ધરતીના આ દૃષ્ટાંતથી આપણને એટલું સમજાય છે કે, સાત્ત્વિકભાવની જાગૃતિ વગરના જીવનમાં અસંતોષની માત્રા વધતી જાય છે. પછી સંસારી જીવનમાં દરેક સ્તરે, અસંતોષી મનોવૃત્તિના લીધે સુખદ ઘટનાને, કે સફળ પરિણામને, મન યોગ્ય રીતે માણી શકતું નથી. એટલે પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં, કે વ્યક્તિઓ સાથેના સંબંધમાં, કે પદાર્થોનાં ઉપભોગમાં મનને ખોટ લાગે, ઉણપ લાગે. એવી ખોટની મનોદૃષ્ટિ દોષ દર્શન કર્યા કરે અને દોષ જોવાંથી દરેક કાર્યમાં વાંધાવચકાનાં(ખામી) મતભેદ ઊભા થતાં મન વધુ અહંકારી, ઘમંડી બનતું જાય છે. એવાં દોષિત, સંકુચિત માનસની બીમારીથી મુક્ત થવા માટે સત્સંગ, ચિંતન રૂપી ઔષધને મન જો દરરોજ ગ્રહણ કરે, તો નિ:સ્વાર્થ પ્રેમના સ્વભાવનું સ્વાસ્થ્ય ધારણ થતું જાય.
મનનું યથાર્થ સ્વાસ્થ્ય છે પ્રેમભાવનું, સાત્ત્વિકભાવનું, સેવાભાવનું, સમર્પણભાવનું. ભાવની નિર્મળતા જ્યાં સુધી જાગૃત થતી નથી, ત્યાં સુધી સ્વ યોગી અંતરયાત્રામાં મન સ્થિત થતું નથી. ભાવની ગેરહાજરીમાં ભેદભાવના વિચારો ઉદ્ભવતાં રહે છે. જ્યાં હૃદયભાવની નિર્મળતા હોય, ત્યાં રાગ-દ્વેષાત્મક ભેદભાવ વિલીન થયાં હોવાંથી, પ્રભુ ભક્તિનો ભાવાર્થ સહજતાથી ધારણ થાય. ભક્તિનો ભાવાર્થ એટલે નિષ્કામ ભાવની ચેતના જાગૃત થવી. ભાવની ચેતના પ્રકાશિત થાય ત્યારે મન બની જાય હૃદયની પારદર્શક સ્થિતિ. હૃદયની પારદર્શક સ્થિતિ જ અંતરની સૂક્ષ્મતામાં ઓતપ્રોત થાય. અંતર યાત્રામાં લીન રહેતાં ભક્તને સર્વેમાં પ્રભુની દિવ્ય ચેતનાની અનુભૂતિ થાય. વૃક્ષની ઝૂલતી ડાળીઓમાં પ્રભુના દર્શન વાયુ રૂપે કરે. વૃક્ષ પરથી સૂકું પાન નીચે પડે તો ગુરુત્વાકર્ષણ રૂપે પ્રભુની શક્તિને નિહાળે. કોઈ શબ્દોની ભાષાથી બોલે, કે ભજનના શબ્દનોનું ગુંજન કરે, તો એમાં પ્રભુની ધ્વનિ શક્તિની હાજરીને અનુભવે. ધ્વનિ શક્તિના સ્વીકારમાં તે ભક્ત ભીતરના ૐકાર નાદનો સાક્ષાત્કાર કરે. આમ પ્રભુના સાત્ત્વિક પ્રભાવની ચેતનાના સાક્ષાત્કાર રૂપે, ભક્ત સત્ ચિત્ આનંદ સ્વરૂપની આત્મીય પ્રીતનું સંવેદન ઝીલતો જાય અને જિજ્ઞાસુ માનવીઓને દર્શાવતો જાય કે, "જ્યાં હું નથી ત્યાં તું પણ નથી, છે માત્ર તે. આ તે જ સર્વત્ર છે, તેનું જ તેજ છે અને આપણે સૌ તેનાં જ અંશ જ છીએ.”
અમારી યુ-ટ્યુબ ચેનલ પર આજે ‘મન-આકૃતિ’ વિશે જ્ઞાન-ભક્તિનો પ્રોગામ લાઈવ ટેલીકાસ્ટ થવાંનો છે. સવારે ૧૦:૩૦ વાગ્યાથી. આપ સૌ વાચક મિત્રોને અમારી સાથે જોડાવવા ભાવભર્યું નિમંત્રણ છે.
યુ-ટ્યુબ ચેનલ - ‘યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા