માયાજાળમાં અટવાયા અમે બહાર કાઢો હે નાથ
આપણાં સૌના દેહને જીવંત સ્થિતિનું દાન અર્પણ કરતી પ્રભુની આત્મીય ચેતનાને કોટિકોટિ પ્રણામ કરતાં રહીએ અને પ્રભુ સાથેની ઐક્યતાનો આનંદ માણવાનો અવસર અર્પણ કરતાં, આ માનવ જીવનની મહત્તાને સમજવાનો પ્રયત્ન કરતાં રહીએ. એવાં પ્રયત્નથી એટલું તો સહજ રીતે અનુભવાય છે કે પ્રભુની દિવ્ય પ્રીતની ચેતના નિરપેક્ષભાવથી સર્વેએ સતત શ્ર્વાસ રૂપે અર્પણ થતી રહે છે, અર્પણના એકમ ભાવમાં કોઈ ભેદભાવ નથી કે, આ રાજાનો દેહ છે કે કોઈ ગરીબનો દેહ ચે, શ્ર્વાસની ધારા તો દરેક દેહમાં આત્મીય પ્રીતની પ્રસન્નતાથી વહેતી રહે છે. દેહને જીવંત રાખતું પ્રભુનું અમૃત સ્વરૂપનું દાન કદી શુભ-અશુભ, સારું-ખરાબ, ઉચ્ચ-નિમ્ન એવા ભેદ સર્જાવતું નથી. ભેદભાવની વિરોધી પ્રકારની સ્થિતિનો અનુભવ માનવી મન કરે છે. એટલે શરીરનું સ્વાસ્થ્ય અથવા રોગી કે નિરોગી સ્થિતિ માનવીના મન પર નિર્ભર રહે છે. આપણે પોતે જ કરેલા કર્મોનું ફળ ભોગવવા માટે કયા કુટુંબમાં, કઈ માતાની કૂખ દ્વારા માનવી જન્મ ધારણ કરવો હોય છે તેનો નિર્ણય, જન્મ પહેલાંની સૂક્ષ્મ-નિરાકારિત અવસ્થામાં કર્યો હોય છે. તે નિર્ણય અનુસાર પોતે કેટલાં વરસ જીવશે તે પણ નિશ્ર્ચિત કરીને જીવ પોતાના અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં સામાન સાથે માતાની કૂખમાં પ્રભુની ચેતનાના સહારે પ્રવેશ કરે છે.
પ્રભુની ચેતનાના સહારે જ્યારે જીવ માતાની કૂખમાં પ્રવેશે છે, ત્યારે આત્મીય ચેતનાની દિવ્ય પ્રીતને સ્પર્શે છે. તે ક્ષણે પ્રીતના સ્પર્શનો અવર્ણનીય આનંદ અનુભવે છે. એટલે માતાના ગર્ભમાં જ્યારે માનવ શરીરના આકારનું ઘડતર થાય છે, ત્યારે ગર્ભમાં રહીને જીવ નિશ્ર્ચય કરે છે કે, જન્મીને ભક્તિભાવથી એવાં સત્કર્મો કરીશ કે ભક્તિ રૂપે પ્રભુની દિવ્ય પ્રતીનો આનંદ માણી શકાય. મોટેભાગે જન્મ લીધા પચી જીવ પોતાના શરીરની બાળક અવસ્થા પસાર કરીને યુવાન સ્થિતિને ધારણ કરે છે. ત્યારે પોતાની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને વર્તન રૂપે ભોગવવામાં, તે સંસારી વિષયોમાં આળોટતો રહે છે અને ભક્તિભાવથી પ્રભુ સ્મરણની અંતર યાત્રા કરવાનું ભૂલી જાય છે. આવી ભૂલની વાસ્તવિકતા જ્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગથી સમજાય, ત્યારે સ્પષ્ટ રૂપે ભૂલનું દર્શન થાય કે, માનવી પોતે જ પોતાના સુખ-દુ:ખનું, મનની ઉચ્ચ-નિમ્ન કક્ષાનું, કે શરીરની નિરોગી-રોગી સ્થિતિનું નિર્માણ કરે છે. જીવન જીવવા માટે પ્રભુનું આત્મીય ચેતનાનું પરિબળ તો સર્વત્ર સર્વે કૃતિઓમાં વ્યાપ્ત રહેલું છે અને સાક્ષીભાવની નિરપેક્ષતાથી શ્ર્વાસ રૂપે અર્પણ થતું રહે છે. એટલે પ્રભુ કદી કોઈને દુ:ખની, પીડાની, કે દર્દની વેદના અર્પણ કરતાં નથી. આ સત્યનો સ્વીકાર ત્યારે નિશ્ર્ચય પૂર્વક થાય, જ્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગથી આત્મીય ચેતનાની શૂન્યભાવની દિવ્યતાનો ભાવાર્થ સમજાય. તેથી જ ભક્ત પોતાની ભૂલનો પશ્ર્ચાત્તાપ કરી, વિનંતિભાવથી પ્રભુને પ્રાર્થના કરતો રહે કે..,
શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી તુજને અમારા પ્રણામ,
બિંદુમાંથી સરોવર સર્જ્યું, તારો બહુ ઉપકાર;
માટીમાંથી પૃથ્વી સર્જી માનવ માટે નાથ,
હળીમળીને રહીએ એટલે, સર્જ્યો છે સંસાર;
પ્રભુ પાસેથી છૂટાં પડ્યાં ત્યારે વચન દીધું તેને હાથ,
ભક્તિમાં અમે સમય વિતાવશું, ભૂલશું નહિ હે નાથ;
જે દિવસથી વચન ભૂલ્યાં શાંતિ ગઈ એની સાથ,
માયાજાળમાં ગૂંથાઈ રહ્યાં અમે, બહાર કાઢો હે નાથ.
ભક્તિભાવથી સ્વ સ્વરૂપનો ભાવાર્થ જેમ જેમ આત્મ જ્ઞાન સ્વરૂપે ધારણ થતો જાય, તેમ તેમ સૂક્ષ્મ સમજ રૂપે પ્રભુ સાથેની ઐક્યતાના અણસારા મળતાં જાય. અણસારા રૂપે સ્વ સ્વરૂપના સત્ ભાવનો સારાંશ સ્પષ્ટતાથી ગ્રહણ થાય કે, દરેક જીવનું અસ્તિત્વ એ પ્રભુની આત્મીય પ્રીતની ચેતનાનો જ આવિર્ભાવ છે. પ્રભુ જ પોતે જીવ રૂપે પ્રગટે છે. તેથી શિવ(પ્રભુ) અને જીવની ઐક્યતા છે જ. તે ઐક્યતાની પ્રતીતિ કર્મસંસ્કારોના આવરણને લીધે થતી નથી. એ આવરણને વિલીન કરવા માટે જ આપણે મનુષ્ય દેહને ધારણ કર્યો છે. ઘણાં સત્સંગીઓને એવો પ્રશ્ર્ન મનમાં ઘુંટાતો રહે છે કે, "પ્રભુના સાત્ત્વિક ગુણોની જાગૃતિ માટે આટલાં વરસોથી સત્સંગ કરું છું. છતાં સાત્ત્વિક વર્તનની સહજતા ધારણ થતી નથી! પ્રભુ સાથેની ઐક્યતાનો આનંદ માણવા માટે ચિંતન, અધ્યયન, ધ્યાન વગેરે ક્રિયા કરવાનો પુરુષાર્થ કરું છું. છતાં અતૃપ્ત ઈચ્છાઓના આવરણની અશાંતિ વિલીન થતી નથી!
આવી મુંઝવણના પ્રશ્ર્નો યથાયોગ્ય છે અને એનો ઉત્તર મેળવવા શરણભાવથી મન જો મનોમંથન કરે, તો સમજી જવું કે આ જન્મમાં જ્ઞાન-ભક્તિની દિશામાં પ્રયાણ કરાવતી પ્રભુની અણમોલ કૃપા વરસી રહી છે. મોટેભાગે સંસારી જવાબદારીઓ નિભાવવામાં તથા આજીવિકાના કાર્યો કરવામાં મન એટલું વ્યસ્ત રહે છે કે, એને પોતાના અસ્તિત્વ વિશે વિચારવાનો સમય નથી, અથવા જિવાડનાર પ્રભુની હાજરીનો પણ અહેસાસ થતો નથી. ધાર્મિક તહેવારોની ઉજવણી, કે ઘરમાં થતી પરંપરાગત ધાર્મિક પ્રવૃત્તિઓ મન કરશે. પરંતુ તે પ્રવૃત્તિઓ કર્યા પછી પણ સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં એકાગ્રતાની નિષ્ઠાથી મન સ્થિત થતું નથી. તેથી સ્વયંની ઓળખથી અપરિચિત રહીને, અથવા સ્વયંની પ્રતીતિ કર્યા વગર મોટેભાગે જન્મારો પસાર થઈ જાય છે.
પ્રભુ કૃપા રૂપે ઉત્તરની ભૂમિકા જ્યારે સાત્ત્વિક વિચારોના ભાવાર્થ રૂપે મનમાં સ્થપાય, ત્યારે ગુરુના સાંનિધ્ય રૂપે માર્ગદર્શન ધારણ થતું જાય અને ભૂલને સુધારવાનો માર્ગ સ્પષ્ટ થતો જાય. મનોમન પ્રભુની કૃપાનો પછી અહોભાવથી સ્વીકાર થાય કે, પ્રભુનું આત્મીય પ્રીતનું ધન તો ક્ષણે ક્ષણે મળે છે. પરંતુ પાણી ભરેલા એક ગ્લાસમાં જેમ વધુ પાણી રેડીએ તો પાણી છલકાઈ જાય, સરી જાય, તેમ મન રૂપી ગ્લાસ અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારોથી ભરેલો છે. મનનો ગ્લાસ કાલી થાય તો સાત્ત્વિકભાવ છલકાય. તેથી ભક્તિભાવની નિષ્ઠાથી જીવીએ, તો રાગ-દ્વેષના ભેદભાવથી મુક્ત થવાતું જશે. ભક્તિભાવથી જીવવાના અણસારા માતા-પિતાના પ્રેમમાં, શિક્ષકોના વિદ્યા અર્પણ કરવાના પ્રેમમાં, દાદા-દાદીના વહાલમાં અથવા પ્રકૃતિ જગતના સમર્પણમાં મળતાં જાય. પછી નિ:સ્વાર્થ પ્રેમમાં મન ઢળતું જાય, તે જ છે ભક્તિભાવનું સદાચરણ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા