Article Details

જડ પદાર્થોની આકૃતિમાં પ્રભુની ચેતના

જીવંત જીવનનું રહસ્ય જાણવાની દિશામાં જે જિજ્ઞાસુ મનનું પ્રયાણ થયાં કરે, તેને એટલું તો સમજાય કે, સૃષ્ટિના કણકણમાં કે જગતની કોઈ પણ હસ્તીમાં પ્રભુની દિવ્ય ચેતના જ સમાયેલી છે. એવી સમજ હોવાં છતાં એ સમજવાનું મુશ્કેલ લાગે કે, તે દિવ્ય ચેતના કઈ રીતે પ્રકૃતિની વિવિધ કૃતિઓને, કે આકારિત આકૃતિઓને સર્જાવે છે, અથવા તે સર્જન ક્રિયા મનુષ્યની બુદ્ધિના હસ્તક્ષેપ(દખલગીરી) વિના સહજતાથી કેવી રીતે થયાં કરે છે? તે આત્મીય ચેતનાનું પ્રશાસન એટલે શું? આવી અજ્ઞાનતાના નિવારણ માટે જીવંત સ્થિતિની ક્રિયાઓના રહસ્યને જાણવાનો જે પુરુષાર્થ કરે, તે જિજ્ઞાસુ મનની વિવેકી દૃષ્ટિ જાગૃત થતી જાય. ધીમે ધીમે સમજણનો અંશ વધતો જાય અને સૂક્ષ્મનું આકલન(યોગ્ય અર્થ) ગ્રહણ થતું જાય. મનની આકલન શક્તિ કંઈ રાતોરાત જાગૃત થતી નથી. એ તો જિજ્ઞાસુ ભાવથી સ્વયંને જાણવાની દિશામાં દૃઢતા પૂર્વક પ્રયાણ થતું રહે, ત્યારે પથદર્શક સંજ્ઞા જ્ઞાનના સંકેત ઝીલવા પડે. સૂક્ષ્મ સૃષ્ટિનો સંજ્ઞાત્મક ભાવાર્થ ગ્રહણ કરાવતી બુદ્ધિની કૃપા, સત્સંગથી, શ્રવણથી, અભ્યાસથી ધારણ થતી જાય. ધીમે ધીમે મનને પોતાના સ્વ સ્વરૂપની વાસ્તવિકતાનો પરિચય પ્રતીતિ રૂપે થતો જાય અને તન સાથે જોડાયેલાં મન, મગજ, ઈન્દ્રિયોના સહારે જીવવાની વિશેષતાનો સ્વીકાર થતો જાય.

       સ્વીકાર થવો એટલે જે શરીરના સહારે ઈન્દ્રિયગમ્ય વિષયોના સંગમાં મન સુખનો અનુભવ કરે છે, તથા વ્યવહારિક જગતના કાર્યો કરી શકે છે, અથવા પ્રકૃતિ જગતની કૃતિઓ સાથે આદાનપ્રદાન કરી શકે છે, એ પ્રભુની ચેતનાના સહારે શક્ય થાય છે. એવાં સ્વીકારભાવથી જીવન જિવાય ત્યારે રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવનું માનસ ઓગળતું જાય. જો અહંકારી સ્વભાવનું નકારાત્મક માનસ ઓછું ન થાય, તો જે સમજ ગ્રહણ થઈ હોય, તે માત્ર માહિતી રૂપે રહે છે. સૂક્ષ્મ સમજનું વર્તનમાં પ્રગટવું, તે છે જ્ઞાન-ભક્તિનું સદાચરણ. માહિતી જ્ઞાનથી મનનો વિકાસ થતો નથી, કે સાત્ત્વિક ગુણોની પ્રતિભા જાગૃત થતી નથી. માહિતી જ્ઞાનની સમજ તો એક કમ્પ્યુટરની જેમ યાંત્રિક મશીન જેવી કહેવાય. કમ્પ્યુટર કે સ્માર્ટ ફોન દ્વારા દુનિયાની જાણકારી મળે. પરંતુ મનનું પરિવર્તન થાય, કે અહંકારી નકારાત્મક માનસ ત્યારે જ ઓગળે, જ્યારે સ્વીકારભાવ સ્વરૂપે મનનો ઢાળ બદલાતો જાય. મનોમન પછી સહજ સમજાય કે, મનુષ્ય જીવન માત્ર અન્ન, રહેઠાણ અને વસ્ત્રો પરિધાન કરવા માટે જ સર્જાયું નથી. જિવાડનાર પ્રભુની ચેતનાનો ઊર્જા સ્ત્રોત કોઈ પણ સ્વાર્થ વગર સતત સૌને શ્રેયિત ભાવથી અર્પણ થયાં કરે છે. પ્રભુની ચેતના રૂપી થાળી દ્વારા જ શ્ર્વાસ રૂપી અન્ન આપણને પ્રાપ્ત થાય છે. તે અન્ન આરોગવા માટેનો કોઈ નિશ્ર્ચિત સમય નથી. એ તો ક્ષણે ક્ષણે અર્પણ થાય અને મનુષ્યને આરોગવા માટે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. એ તો પ્રભુની ચેતનાથી સર્જાયેલાં દેહના અંગો દ્વારા આપમેળે ગ્રહણ થયાં કરે છે.

       દેહની શુદ્ધતા સાથે વિકાસશીલ ક્રિયા કરાવવા માટે શ્ર્વાસનું અપાન થાય છે અને પુન: બીજી ક્ષણે નવીન શ્ર્વાસનું પાન થાય છે. આમ પ્રભુનું આત્મીય ચેતનાનું ધન કહો, કે દિવ્ય પ્રીતનો ઊર્જા સ્ત્રોત કહો, કે શ્ર્વાસનું અન્ન કહો, એનાં સાંનિધ્યમાં જ, એનાં સંગાથે જ આપણે સૌ જીવંત જીવન જીવી શકીએ છીએ. તેથી પ્રભુની ચેતના સાથે રૂપિયા, રહેઠાણ, વસ્ત્ર, ધાન્યની જરૂરિયાત પણ હોય છે. એટલે ભક્ત કદી લૌકિક જીવનમાં જે પરિસ્થિતિની જરૂરિયાત હોય, એની સાથે પ્રભુની ચેતનાની સરખામણી ન કરે, કે તફાવત જાણીને મૂલ્યાંકન ન કરે. ભક્ત તો લૌકિક જીવનની જરૂરિયાતો તથા પ્રભુની ચેતનાની હાજરી, આ બન્ને સ્થિતિના સંયોગને ભાવથી સ્વીકારે. આકારિત જગતની પરિસ્થિતિ અને નિરાકારિત સૃષ્ટિની સૂક્ષ્મતા, બન્ને એકબીજાની પૂરક સ્થિતિ છે. તેનો ભાવાર્થ સમજાય તો જણાય કે, જે આકાર દેકાય છે, તે આકારની જીવંત સ્થિતિ તથા આકારમાં થતી અનેક પ્રકારની ક્રિયાઓ તે દિવ્ય ચેતનાની સાક્ષાત્ હાજરીના લીધે થાય છે. ચર્મચક્ષુથી તે આકારને જોઈ શકાય છે, હાથથી સ્પર્શી શકાય છે. એટલે દૃશ્યમાન પદાર્થ જગતના આકારોની હસ્તીનો જ સ્વીકાર માનવી કરે છે. પરંતુ તે પદાર્થની સક્રિય ચેતનવંત સ્થિતિ જે પ્રભુની ચેતનાને લીધે છે તેનો સ્વીકાર સહજ થતો નથી. સ્થૂળ આકારોની હસ્તી સૂક્ષ્મ ઊર્જા સ્ત્રોતની હાજરીના લીધે છે, એવાં સત્ દર્શનથી ભક્ત પ્રભુની પ્રતીતિ કરતો રહે અને ભાવની નિર્મળતાથી પ્રભુને વિનવતો રહે કે..,

 

       "હે નાથ મારી સમજ નિરાકારને જાણવાની ઓછી છે..;

       અને મારી સમજ આકારને જાણવાની પણ ઓછી છે..;

       મારી સમજ આપે સર્જાવેલી પ્રકૃતિની, કે આકૃતિની સીમિત છે..;

       હવે સમજાયું કે આપ સીમા પાર છો,

કૃપા કરી આપની અસીમ કૃપામાં ડુબાડી દ્યો.”

 

       ભક્તની જેમ દરેક માનવી જડ પદાર્થોની આકૃતિમાં સમાયેલી પ્રભુની ચેતનાને અનુભવી શકે છે. કારણ દરેક પદાર્થનું રૂપ કે આકાર, એ પ્રભુની આત્મીય ચેતનાના લીધે જ પ્રદર્શિત થાય છે. ફરક એટલો જ છે કે આત્મીય ચેતનાનું રૂપ નથી. પણ અદૃશ્ય સ્વરૂપ છે અને પદાર્થનું દૃશ્યમાન રૂપ જોઈ શકાય છે. બાહ્ય ઈન્દ્રિયોના સહારે દૃશ્યમાન રૂપને અનુભવી શકાય છે, તથા અંતર ઈન્દ્રિયોની જાગૃતિથી આત્મીય ચેતનાની પ્રતીતિ થઈ શકે છે. એવી પ્રતીતિનું સંવેદ હૃદયભાવની નિર્મળતાથી ધારણ થઈ શકે, તેને કહેવાય ભક્તિભાવનું સદાચરણ. અર્થાત્ વહેલી સવારે સૂર્યોદયનું દર્શન જ્યારે કરીએ, અથવા ચિત્રકારની સુંદર કૃતિને નિહાળીએ, અથવા પોતાના સ્વજનોના પ્રેમાળ શબ્દોને, વહાલભર્યા સ્પર્શને અનુભવીએ, ત્યારે રાગ-દ્વેષ વગર તે અનુભવીએ છીએ. એવાં અનુભવમાં જો ભક્તિભાવની નિર્મળતા જાગૃત થાય તો ચેતનાનું સંવેદન સ્વયંભૂ ધારણ થતું જાય, ત્યારે જીવંત જીવનની સાર્થકતા અનુભવાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા