Article Details

ચેતનાની દિવ્ય મતિ ઊર્જા વહેણમાં છે...

એકવીસમી સદી એટલે અનેક વિષયોમાં અવનવી શોધખોળ કરવાની ઉત્સુકતા. શોધખોળ કરાવતી મનની વૈજ્ઞાનિક વૃત્તિને અથવા નવું નવું જાણવાની જિજ્ઞાસુ વૃત્તિને એવી ઉત્સુકતાની અધીરાઈ હોય, જે મનથી અજાણ રહેથી અજ્ઞાત પરિસ્થિતિનું દર્શન નવીન શોધ રૂપે પ્રગટાવે છે. નવીન શોધની પ્રસ્તુતિથી માનવીનું જીવન અનેક રીતે મોકળાશભર્યું, આરામદાયક બને છે. અર્થાત્ રોજિંદા વ્યવહારિક જીવનનાં કાર્યોમાં જો સગવડતાભરી અનુકૂળતા હોય, તો અન્ન, વસ્ત્ર, રહેઠાણ જેવી મૂળભૂત જરૂરિયાતોને મેળવવાની મહેનત સરળતાથી કરી શકાય. આધુનિક જીવનની સગવડતાના લીધે જિજ્ઞાસુ મન બીજા અનેક વિષયોના ઊંડાણને જાણવાનો પ્રયત્ન કરી શકે છે. એટલે આધુનિક જીવનની સવલતો પ્રભુના આશીર્વાદ સમાન ગણી શકાય, જે જિજ્ઞાસુ ભક્તને આંતરિક વિકાસની દિશામાં પ્રયાણ કરવાની અનુકૂળતા ધરે છે. એવા પ્રયાણમાં અંતરની અગમ્યતાને ગ્રહણ કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિ પ્રગટતી જાય. જે અહમ્ કેન્દ્રિત રાગ-દ્વેષાત્મક માનસને ઓગાળતું જાય અને મનની આત્મીય ગુણોની સાત્ત્વિકતા ભક્તિભાવથી પ્રકાશિત થતી જાય.

       જિજ્ઞાસુ ભક્તનો સ્વયંને જાણવાનો ઉત્સુક ભાવ અને એક વૈજ્ઞાનિકનો અજાણ વાસ્તવિકતાને જાણવાનો ઉત્સુકભાવ, આ બન્ને વચ્ચે ખાસ તફાવત નથી, માત્ર દિશા જુદી છે. ભક્ત અદૃશ્ય અંતર દિશામાં ભક્તિ ભાવથી પ્રયાણ કરે છે અને વૈજ્ઞાનિક આ સર્જાયેલા દૃશ્યમાન જગતની દિશામાં પ્રયાણ કરે છે. વૈજ્ઞાનિકની દૃષ્ટિ સામાન્ય માનવી કરતાં જુદી હોય છે. વૈજ્ઞાનિકો સ્થૂળ રૂપે દેખાતી આકારિત જે પણ પરિસ્થિતિને જુએ, ત્યારે આકારની ભીતરમાં થતી પ્રક્રિયાઓને જાણવાનો પુરુષાર્થ કરે છે. જિજ્ઞાસુભાવની વિવેકી દૃષ્ટિ માત્ર સ્થૂળ જગતના આકારોને ન જુએ, પણ આકારની ભીતરમાં સમાયેલી આત્મીય ચેતનાની વાસ્તવિકતાને સ્વીકારે તથા સત્-અસત્નો સારાંશ ગ્રહણ કરે છે. સાંપ્રત(વર્તમાન) સમયમાં સર્જાયેલા જગતની અનેક પરિસ્થિતિને જાણવાની દિશાામં વૈજ્ઞાનિકો પ્રયાણ કરતાં રહે છે અને તેના જ્ઞાનને પ્રસ્તુત કરતાં રહે છે. તે જ્ઞાનના અનેક વિષયો છે. જેમકે માનવ, પશુ, પક્ષી, જંતુઓના શરીર વિશે તથા વનસ્પતિ વિશે જણાવતાં જ્ઞાનને અંગ્રેજીમાં બાયોલોજી(જીવવિજ્ઞાન) કહે છે. એ જ પ્રમાણે ભૌતિક જગતના પદાર્થોને જણાવતાં જ્ઞાનાન ફીઝીક્સ(પદાર્થ/ભૌતિક શાસ્ત્ર) કહે છે. રસાયણો વિશે જણાવતાં જ્ઞાનને કેમેસ્ટ્રી(રસાયણ શાસ્ત્ર) અને મગજના જ્ઞાનતંતુઓના જ્ઞાનને ન્યૂરો સાયન્સ કહે છે.

       આવાં અનેક પ્રકારના જ્ઞાનના વિષયો છે તથા તે વિષયોનો અભ્યાસ કરાવતાં શિક્ષણનો વ્યાપ(ફેલાવો) પણ વધતો રહે છે. તેથી ભૂતકાળમાં શિક્ષણની જે પદ્ધતિ હતી તે આજના સમયમાં ઘણી રીતે બદલાઈ ગઈ છે. આજે કમ્પ્યુટર જ્ઞાનનાં વિષયનો તથા અણુ જ્ઞાનનાં વિષયનો અભ્યાસ પણ વધી ગયો છે. આ વિષયોના શિક્ષણથી અનેક પ્રકારની શોધખોળ થયાં કરે છે અને અવનવાં યાંત્રિક ઉપકરણોની સુવિધા મળતી રહે છે. એ જ પ્રમાણે શરીર જ્ઞાનનાં તથા ઔષધ જ્ઞાનના અભ્યાસથી અનેક રીત શોધખોળ થતી રહે છે. જેનાં લીધે શારીરિક રોગ, દર્દ, પીડાથી મુક્ત કરાવતાં ઉપાય સહજ મળતાં રહે છે. ટૂંકમાં માનવી જ્ઞાન રૂપે નવું નવું જાણવાની દિશામાં પ્રયાણ કરતો રહે છે, જેનાં લીધે બુદ્ધિની વિદ્વત્તા પ્રગટતી રહે છે. મનની બુદ્ધિગમ્ય વિદ્વત્તા વધે, તેની સાથે જો મનની સાત્ત્વિકભાવની ગુણિયલતા ધારણ થાય, તો એકબીજા સાથે અહંકારી સ્વભાવથી થતાં કલેશ ઓછાં થાય, અથવા મારું-તારુંના સ્વાર્થી ભેદ ઓછાં થતાં જાય અને સંકુચિત રાગ-દ્વેષાત્મક માનસથી મુક્ત થઈ માનવી પ્રેમભાવથી જીવી શકે. તેથી જ મન-બુદ્ધિના મૂળ સ્ત્રોતથી પરિચિત થવાનો પુરુષાર્થ ભક્ત કરતો રહે છે.

       આપણાં સૌના જીવંત અસ્તિત્વનો મૂળ સ્ત્રોત છે પ્રભુની આત્મીય ચેતના. તે ચેતના પ્રાણ શક્તિના ઊર્જા વહેણ રૂપે સતત પ્રસરતી રહે છે અને સર્વે દેહધારી કૃતિઓને શ્ર્વાસ રૂપે અર્પણ થયાં કરે છે. અણુ જ્ઞાનના ઊંડાણપૂર્વકના અભ્યાસથી વૈજ્ઞાનિકોએ જાણ્યું છે કે ઊર્જા શક્તિનું ઘન રૂપ પદાર્થ(મેટર) સ્વરૂપે પ્રદર્શિત થાય છે. અર્થાત્ આત્મીય ચેતનાની ઊર્જાનાં વહેણ(એનર્જી) તથા સ્થૂળ પદાર્થોની સ્થિતિ(મેટર) આ બન્નેનું જોડાણ(યોગ) છે. તે જોડાણ કોઈ માનવીની બુદ્ધિ પ્રતિભાથી થતું નથી. એ તો પ્રભુની આત્મીય ચેતનાનો સ્ત્રોત, આ જોડાણની ક્રિયા રૂપે સ્વયંભૂ પ્રગટે છે અને પ્રકૃતિ જગતની આકૃતિઓ તથા પદાર્થ જગતના આકારો જન્મે છે, પ્રદર્શિત થાય છે. તેથી પ્રકૃતિ જગતની સર્વે કૃતિઓને અથવા જગતની દરેક પદાર્થ સ્થિતિને, પ્રભુની ચેતનાના આવિર્ભાવ(પ્રાગટ્ય) રૂપે જે સ્વીકારે તે છે મનની ભક્ત સ્વરૂપની જાગૃતિ.

       ભક્તની બુદ્ધિ પ્રતિભામાં સાત્ત્વિકભાવની જાગૃતિ હોવાંથી, તે જગતના પદાર્થોની સંગમાં પ્રભુની ચેતનાની પ્રતીતિ કરતો રહે છે. કારણ દરેક પદાર્થની ભીતરમાં ઊર્જાનાં સક્રિય વહેણ છે અને ઊર્જા વહેણની અભિવ્યક્તિમાં આત્મીય ચેતનાની દિવ્ય મતિ(ડીવાઈન વીઝડમ) છે. આ સત્યને ભક્ત માત્ર માહિતી જ્ઞાન રૂપે જાણતો નથી, પણ સ્વાનુભૂતિ રૂપે અનુભવે છે. ચેતનાની દિવ્ય મતિ ઊર્જા વહેણમાં છે એવું અમુક વૈજ્ઞાનિકો સ્વીકારે છે. પરંતુ તેઓ પ્રભુ કે ઈશ્ર્વરની ચેતના છે એવું સહજ સ્વીકારી શકતાં નથી. કારણ જ્યાં સુધી પ્રયોગાતમક ક્રિયાની સાબિતી રૂપે ન જણાય, ત્યાં સુધી તે માત્ર વિચારોનો આલાપ છે એવું તેઓ માને છે. વૈજ્ઞાનિકોની માન્યતામાં ભલે ન આવે, પણ પ્રભુની ચેતનાની સાક્ષાત્ હાજરી છે, તેને કોઈ પુરાવાની જરૂર નથી. એ સત્યનો સ્વીકાર જ્ઞાન-ભક્તિના સદાચરણ થાય અને સ્વાનુભૂતિની અંતર યાત્રાથી તે સત્યને ભક્તની જેમ સમર્પણભાવની શરણાગતિથી, પ્રેમભાવની નિ:સ્વાર્થતાથી અનુભવી શકાય. એવી અનુભૂતિને શબ્દોની વાચાથી ત્યારે જ વર્ણવી શકાય. જ્યારે આત્મીય ચેતનાની ઊર્જા પ્રગટે મા સરસ્વતી કૃપા સ્વરૂપે. એવી કૃપા રૂપે પ્રગટ થતી જ્ઞાની ભક્તોની સાત્ત્વિક વાણીના સાંનિધ્યને કોટિ કોટિ પ્રણામ કરીએ અને ભક્તિભાવથી જીવન જીવીએ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા