Article Details

પ્રભુ પકડો અમારો હાથ, હવે છોડતા નહીં સંગાથ...

અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈએ ત્યારે તે જો ઝાંખુ દેખાય, તો આપણે જાણીએ છીએ કે પ્રતિબિંબમાં કોઈ ખોટ નથી કે ખામી નથી, પણ અરીસા પર જામી ગયેલી ધૂળના લીધે પ્રતિબિંબ ચોખ્ખું દેખાતું નથી. અરીસા પરથી ધૂળ સાફ થઈ જાય પછી પ્રતિબિંબ જેમ સ્પષ્ટ દેખાય; તેમ મન રૂપી અરીસાને ચોખ્ખું કરીએ તો પ્રભુનું પ્રકાશિત જ્યોત સ્વરૂપનું દર્શન થાય. મન રૂપી અરીસા પર કર્મસંસ્કારો રૂપી ધૂળ જામી ગઈ છે. તેને સાફ કરવા માટે જ્ઞાન-ભક્તિના સત્સંગનો સહારો લેવો પડે. ઘણીવાર સત્સંગ, અભ્યાસથી પણ કર્મસંસ્કારોનું આવરણ વિલીન થતું નથી. કારણ જ્યાં સુધી મન હું કેન્દ્રિત અજ્ઞાની વર્તનમાં વીંટળાયેલું રહે છે, મદ, અભિમાનની સ્વાર્થી વૃત્તિઓમાં વીંટળાયેલું રહે છે, ત્યાં સુધી મન રૂપી અરીસો સ્વચ્છ થતો નથી. મનની સ્વચ્છતા માટે સ્વને જાણવાની ઈચ્છા પ્રબળ થવી જોઈએ. સ્વને જાણવાનો કે સ્વથી પરિચિત થવાનો, એટલે કે અજ્ઞાની વર્તનને જાણવાનો નિશ્ર્ચય કરવો પડે. એવાં નિશ્ર્ચયમાં પશ્ર્ચાત્તાપ સાથે પોતાની ભૂલનો એકરાર હોય ત્યારે સમજાય કે, મારા અહંકારી સ્વભાવના નકારાત્મક વર્તનનાં લીધે ભક્તિભાવની સાત્ત્વિકતા જાગૃત થતી નથી.

       જિજ્ઞાસુ ભક્ત સ્વયંને જાણવાનો પુરુષાર્થ શરણભાવની ભક્તિથી કરતો રહે છે. શરણભાવ સ્વરૂપે ભક્ત પ્રભુની સર્વવ્યાપક હાજરીને સ્વીકારે છે. પ્રભુની આત્મીય ચેતનાના લીધે પ્રત્યેક કૃતિઓ જીવંત જીવન જીવી શકે છે. એવાં સ્વીકારભાવ રૂપે સ્વ સ્વરૂપની ઓળખ થતી જાય અને મન રૂપી અરીસા પરથી અજ્ઞાનતાની એટલે કે, કર્મસંસ્કારોની ધૂળ ખંખેરાતી જાય. અહંકારી સ્વભાવની અજ્ઞાનતાના લીધે સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ મંદ રહે છે. એટલે ભક્તિભાવની સાત્ત્વિકતા માત્ર સત્સંગની પ્રવૃત્તિ થાય, તેટલાં અલ્પ સમય માટે મન અનુભવે અને રોજિંદા વ્યવહારિક કાર્યો સાત્ત્વિકભાવ વગર થવાંથી, સત્સંગનો કે ગુરુના સાંનિધ્યનો પ્રભાવ ધારણ થતો નથી. મન જો પોતાની આ ભૂલોનો એકરાર કરે અને અહંકારી સ્વભાવનો અવરોધ દૂર કરવાની વિનંતિ પ્રભુને કરે તો જિજ્ઞાસુભાવ અગ્નિની જેમ પ્રબળ થતો જશે. પરંતુ વિનંતિ માટેનો આર્તનાદ ત્યારે જ જાગે, જ્યારે અહંકારી વૃત્તિઓનું દોષિત વર્તન ખુદને ન ગમે. જેમ મંદિરમાં મૂર્તિ પર અથવા શિવાલયમાં શિવલિંગ પર શુદ્ધ જળ ધારાનો અભિષેક કરીએ છીએ, કદી કાદવવાળા પાણીથી અભિષેક નથી કરતાં; તેમ અહંકારી વિચારો રૂપી કાદવથી હું પ્રભુની આત્મીય ચેતના(શિવલિંગ) પર અભિષેક કરું છું એવો વિષાદ થવો જોઈએ.

       ભક્તિભાવમાં મન જેમ જેમ તરબોળ થતું જાય, તેમ તેમ પરખાતું જાય કે હું અને પ્રભુ જુદાં નથી. એવી પરખ જ્ઞાન-ભક્તિના આચરણથી ધારણ થાય છે. પછી હું તે જ છું એવી સોઽહમ્ભાવની જાગૃતિ ધારણ થાય. સોઽહમ્ ભાવની સાત્ત્વિકતા એટલે જ સાત્ત્વિકભાવની મનની સ્વચ્છતા, તેને જાગૃત કરવાનો પુરુષાર્થ થાય, તે છે ભક્તિભાવનું ભક્તનું વર્તન. એવો ભક્ત પ્રારબ્ધગત સંસારી ઘટનાઓમાંથી પસાર થાય, ત્યારે એનું મન એ ઘટનાનાં જ વિચારોમાં વીંટળાયેલું ન રહે. પરંતુ કર્મસંસ્કારો પૂરાં થાય, અતૃપ્ત ઈચ્છાઓનો સામાન ઓછો થાય, એવાં શરણભાવથી તે કર્મ કરતો રહે છે. જેમ ગુલાબનું ફૂલ બગીચામાં ખીલે ત્યારે એની સુગંધ, એનું સૌંદર્ય, એનાં રૂપ-રંગ ખીલતાં રહે છે. તે ગુલાબના ફૂલને જો તોડીને માટીમાં રગદોળીએ, તો એનું સૌંદર્ય નહિ જણાશે, પણ એની સુગંધ અકબંધ રહે છે. ખરા ગુલાબના ફૂલો જેમ પોતાની સુગંધ અર્પણ કરવાનું કદી બંધ ન કરે, તેમ જ્ઞાની ભક્ત સંસારી ઘટનાઓની મુશ્કેલીમાં રગદોળાય, છતાં એનું માનસિક સ્તરનું સૌંદર્ય ઘટતું નથી. શારીરિક સૌંદર્ય કદાચ ઓછું થાય, પણ સાત્ત્વિકભાવની જાગૃતિનું સૌંદર્ય અકબંધ રહે છે. ગુલાબની જેમ ભક્તના વર્તનથી સાત્ત્વિક ગુણો રૂપી સુગંધ પ્રસરતી રહે છે. એવી ગુણિયલ સુગંધની પ્રતીતિ પ્રેમભાવ, કરુણાભાવ, સેવાભાવ, આદરભાવ વગેરે ભાવની ભીનાશથી થાય. જે બીજા જિજ્ઞાસુ મનને ભક્તિભાવની જાગૃતિ ધારણ કરવાની પ્રેરણા અર્પે છે.

       જ્ઞાની ભક્ત પ્રતિકૂળ સંજોગોની મુશ્કેલીઓથી ભયભીત થતો નથી. કારણ એનામાં જ્ઞાન-ભક્તિની શક્તિનું સાત્ત્વિકભાવનું બળ હોય છે. જે કોઈ પણ સંજોગોની વાસ્તવિકતાનો સ્વીકાર કરાવે કે,"પ્રભુની ચેતના છે તો હું જીવંત છું. તે ચેતનાના લીધે જો શારીરિક-માનસિક કાર્યો કરવાની સમર્થતા મુજમાં છે, તો પ્રભુ કૃપા રૂપે મુશ્કેલીની ઘટનાનો ઉકેલ પણ મળશે અને મુશ્કેલ સમયને પસાર કરવાની હિંમત પણ મળશે.” આવી સ્વીકારભાવની શ્રદ્ધાને દૃઢ કરવી હોય તો સંત-મહાત્માઓની આત્મકથા વાંચવી જોઈએ. સુદામા, મીરાંબાઈ, નરસિંહ મહેતા જેવા મહાન ભક્તોની ભક્તિની યાત્રાનું વર્ણન સાંભળીએ, પુસ્તકો દ્વારા જાણીએ, તો શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવના આચરણ તરફ મન ઢળતું જાય. અહંકારી સ્વભાવની નિર્બળતા હોય ત્યાં ભક્તિભાવનું બળ પ્રગટતું નથી. તેથી જ્ઞાની ભક્ત પોતાના અંગત સ્વાર્થની પૂર્તિ માટે ભક્તિભાવમાં સ્થિત ન થાય. પરંતુ એ તો નિષ્કામભાવથી જિજ્ઞાસુ જીવને ભક્તિભાવમાં સ્થિત કરવા માટે પ્રભુને પ્રાર્થના કરતો રહે, કારણ અંતરની સૂક્ષ્મતામાં હું અને તમે એવાં ભેદભાવ નથી. પ્રભુની ચેતનાના પ્રકાશિત વહેણમાં એકરૂપ થવાં માટે આપણે ભાવથી વિનંતિ કરીએ અને કરેલી ભૂલોનો પશ્ર્ચત્તાપ કરીએ.

 

       લખાય નહીં... લખાય નહીં... કૃપાનો વરસે ભંડાર,  

લેખ લલાટે લખાયાં હશે તો, લખાવે લીલાધર નાથ...

       કૃપા વિના લખાય નહીં કૃપા તારી અપરંપાર,

જીવતાં જીવતર સુધરી ગયું અમે ચાલ્યાં પેલી પાર,

       પળવાર તારો હાથ ન છોડીએ શ્રીધર તારો આધાર,

સુખ દુ:ખનો સહારો તું છે કોટિ કોટિ પ્રણામ...

       અમે વેરઝેરના પોટલાં બાંધી આવ્યાં તારે દ્વાર,

અમે પાપો કરીએ ઘણાં બધાં એનો અંત નથી હે નાથ,

       એની માફી માંગવા આવ્યાં પ્રભુ અમે આવ્યાં તારે દ્વાર,

              પ્રભુ પકડો અમારો હાથ હવે છોડતાં નહીં સંગાથ,

       પ્રભુ વિનંતિ કરું છું નાથ હવે છોડતાં નહીં એ હાથ,

              પ્રભુ ખોલો અંતરદ્વાર, પ્રભુ ખોલો ભીતરદ્વાર.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા