હળવે હળવે મારો હાથ માળા પર પડે, મંત્રો ને જાપો જપાય છે...
વર્તમાન સમયનું જીવન એટલે રૂપિયાની કમાણી કરવી અને તે રૂપિયાથી પોતાની ઈચ્છા મુજબના મોજશોખ કરવા. એટલે રૂપિયા તો વધતે ઓછે અંશે દરેક માનવી મેળવી શકે છે. ભીખ માંગનારા ભિખારીઓને પણ રૂપિયા મળી રહે છે. તેથી ગરીબ એ કહેવાય જે શહેરમાં કે ગામડામાં રહે, પણ એની પાસે રહેવાનું ઘર ન હોય. કારણ આપણે જાણીએ છીએ કે પોતાની માલિકીનું ઘર લેવા માટે ઘણાં રૂપિયા જોઈએ. આશ્ર્ચર્ય એ વાતનું થાય, કે જે ધરતી પર વસવાટ કરીએ છીએ, જે ધરતીમાતા ધાન્યનું-અન્નનું ધન અર્પણ કરે છે, તે ધરતી પર રહેવા માટે માનવી પાસે રૂપિયાનો ભંડાર જો ન હોય, તો તે ઘર વગર રસ્તા પર ભટકતું જીવન જીવે છે. શહેરની ફુટપાથ પર કે ઝૂંપડીમાં રહેવાની વ્યથા તો જે રહે તે જ જાણે. તેઓ પણ રૂપિયાની કમાણી કરે છે, પણ ઘર ખરીદવા જેટલાં રૂપિયા ભેગાં કરી શકતાં નથી. તેઓ માત્ર રોજિંદા જીવનની જરૂરિયાત પૂરી થાય એટલી કમાણી કરી શકે છે. ઈંટ-સિમેન્ટના બનેલાં ઘરની જરૂરિયાતથી સૌ જાણકાર છીએ, તેથી આજે આપણે જે આત્મા રૂપી ઘરમાં આપણું મન રહે છે તે વસવાટની મહત્તા સમજીશું. જેથી મન પોતાનાં ઘરમાં રહેલાં સાત્ત્વિક ગુણોના ધનથી પરિચિત થઈ શકે અને તે ધનના ઉપયોગ રૂપે સાત્ત્વિક આચરણ કરી શકે.
સાત્ત્વિક આચરણથી મનની અતૃપ્તિ કે અસંતોષની માત્રા ઘટતી જાય છે. એ સત્યને મોટેભાગે માનવી જાણે છે, છતાં પરમાર્થી, પરોપકારી, સાત્ત્વિક આચરણમાં મન સહજતાથી સ્થિત થતું નથી. કારણ માનવીનું મન માત્ર અવનવી વાનગીઓ ખાવાના, ફેશનેબલ વસ્ત્રો પહેરવાના, વૈભવી મકાનમાં રહેવાના, હરવાફરવાના વગેરે વિચારોમાં જ ફરતું રહે છે. એટલે જે સાત્ત્વિક ગુણોનું ધન છે તેને વર્તન રૂપે મન ભોગવતું નથી. તે ધનને ભોગવ્યાં વગર માત્ર આકારિત જગતના પદાર્થોને જ ભોગવે છે. તેથી આત્મા રૂપી ઘરની દિવ્ય ચેતનાની આત્મીયતા સુષુપ્ત રહે છે. ચેતનાની આત્મીયતા એટલે જ પ્રીતભાવનો, કરુણાભાવનો, સ્નેહભાવનો, આનંદ. જગતના જડ પદાર્થોના સંગમાં મન આસક્ત રહે છે, એટલે સાત્ત્વિકભાવની આત્મીયતા વર્તન રૂપે જાગૃત થતી નથી. કારણ મન પોતાના આત્મીય ઘરને વિસરી ગયું છે. પોતાના ઘરના અલૌકિક રાચરચીલાથી અજાણ રહેવાથી અતૃપ્તિની, ખોટની નિરાશામાં તે બાહ્ય જગતની પરિસ્થિતિમાં, અથવા વ્યવહારિક વ્યક્તિગત સંબંધોમાં તે ખોટની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરે છે.
માત્ર રૂપિયાથી જ જીવન જીવી શકાય છે એવી માન્યતાથી જે જીવે, તે માનવીમાં સ્વયંના આત્મા રૂપી ઘરની દિવ્યતાને જાણવાની જિજ્ઞાસા સહજ જાગૃત થતી નથી. અન્ન, વસ્ત્ર અને ઘરની પ્રાપ્તિ રૂપિયાના આધારે થાય. એમાં રક્ષણયુક્ત જીવવાની તથા અપેક્ષા મુજબ જીવવાની સુવિધા મળે, પણ એનાંથી મનની અતૃપ્તિ કે અસંતોષની ખોટ પૂરાતી નથી. એવી ખોટના લીધે સમાજમાં ઘેર ઘેર એકબીજા સાથેનાં સંબંધોમાં કડવાશ વધુ ફેલાય છે. છૂટાંછેડા હોય, કે મિલકતના ભાગ હોય, આજનો માનવી ઘરની શાંતિ અનુભવવાને બદલે કોર્ટ કચેરીમાં વધુ આંટાફેરા મારે છે. અર્થાત્ મન પોતાના આત્મીય ઘરની વાસ્તવિકતાને ભૂલી, અહંકારી સ્વભાવની અજ્ઞાનતામાં બંધાયેલું રહે છે. એટલે સાત્ત્વિક આચરણ વગરના જીવનમાં એકબીજા સાથે નિ:સ્વાર્થ પ્રેમની હૂંફને અનુભવી શકતું નથી. ઘરના બીજા સભ્યોએ મારી ઈચ્છા મુજબ વર્તન કરવું જોઈએ એવાં હું પદના ઘોંઘાટમાં મનની સાત્ત્વિકતા, કે પ્રેમભાવની નિર્મળતા કુંઠિત થાય છે. હું કમાણી કરું છું, હું વડીલ છું, હું બુદ્ધિપૂર્વક વ્યવહાર કરું છું, રૂપિયાથી ખરીદી કરવાની ક્ષમતા ધરાવું છું વગેરે હું વૃત્તિના કોલાહલથી ટેવાલેયાં મનને જ્યારે પુણ્યબળના સહારે અંતર યાત્રાનું માર્ગદર્શન અર્પણ કરનાર આતમ ગુરુનું સાંનિધ્ય મળે, ત્યારે અહંકારી સ્વભાવની અજ્ઞાનતાથી મુક્ત થવાનો નિર્ણય થાય અને પ્રભુ સ્મરણમાં ભક્તિભાવથી મન સ્થિત થતું જાય.
ધીરે ધીરે મારી ઊગતી આ જિંદગીમાં પ્રભુનાં સ્મરણો બહુ થાય છે,
હળવે હળવે મારો હાથ માળા પર પડે મંત્રો ને જપો જપાય છે...
પ્રભુની કૃપા હશે તો માહ્યરું બંધાશે ને પ્રભુ સાથે મારા લગન થશે,
પિયર છોડીને મારે સાસરે જાવું પડશે, પ્રિયતમ મારો શ્યામ હશે...
ભક્તિની ભૂખ જાગી કંકોતરી છપાવો લગ્ન લેવા છે મારા નાથના હવે,
આવો અનેરો આનંદ શ્યામ મારો આવશે, ને લગ્ન ગ્રંથિથી જોડાશે હવે...
મનનું વિચારવાનું, સમજવાનું, ક્રિયા-પ્રતિક્રિયા કરવાનું, ભાવ-પ્રતિભાવ દર્શાવવાનું વગેરે કર્મ પ્રભુની આત્મીય ચેતનાની ઐક્યતાના લીધે જ થઈ શકે છે. આ સત્યનું દર્શન કરાવતું, ભક્તિભાવની સાત્ત્વિકતાને પ્રગટાવતું જીવન, તે છે પ્રભુ સ્મરણની, પ્રેમભાવની મનની માહ્યરા જેવી સ્થિતિ. પ્રભુ સાથેની ઐક્યતાને અનુભવતાં જ્ઞાની ભક્તો, તન-મનની પ્રક્રિયા રૂપે પ્રભુનું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ પ્રગટે એવાં પરમાર્થી કાર્યો કરતાં રહે છે. એવાં ભક્તની જ્ઞાતા ભાવની સ્વયંની અનુભૂતિ કરાવતી વૃત્તિને કહેવાય મનની પ્રકૃતિનો સ્ત્રીભાવ. તેથી ઉપરોક્ત પદ્ય પદમાં જણાવે છે કે, ભક્ત સ્ત્રીભાવથી પ્રભુની ઐક્યતાને માણવા સ્વ સ્મરણમાં લીન રહે છે. એવું સ્વ સ્મરણ એટલે અંતરધ્યાનની એકાગ્રતા. જો ઘરમાં બનાવેલી વાનગી ખાવી હોય, ઘરનાં વૈભવી ફર્નિચરનો ઉપભોગ કરવો હોય, તો ઘરમાં રહેવું પડે અને બહારનું ખાવાથી કે બહાર રખડવાથી જેમ તબિયત બગડે છે, તેમ મન જો પોતાના આત્મીય ઘરમાં રહેવાનો નિશ્ર્ચય કરે, તો પ્રભુ પ્રીતનો અલૌકિક આનંદ સ્વાનુભૂતિ રૂપે માણી શકે. સ્વાનુભૂતિનો આનંદ અંતર ભક્તિ રૂપે જ્ઞાની ભક્ત માણે છે. એવો આનંદ માણવા માટે માનવી જન્મ આપણે ધારણ કર્યો છે. પ્રભુ સાથે લગ્ન થવું, તે છે મનનું અહંકારી હું પદનું ઓગળી જવું અને આત્મીય ઘરની સાત્ત્વિતકતા જાગૃત થવી. એવી જાગૃતિને જીવતા જ ધારણ કરી શકીએ એવી પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા