ભાવગંગામાં સ્નાનનો ભાવ જગાડો...
બાળપણથી આપણો ઉછેર થયો એમાં માતા-પિતાની તો મહત્ત્વની ભૂમિકા હોય, પણ પરિવારના બીજા સભ્યો પણ ઉછેરમાં સહભાગી હોય છે. કારણ દરેક બાળક પોતાની ઉંમરથી જે મોટાં હોય તેઓના વર્તનને જુએ છે અને એવું વર્તન કરવાની પ્રેરણા મેળવે છે. ઘરનાં બીજા સભ્યોમાં ઈસ્ત્રીવાળો, ડ્રાઈવર, લીફ્ટમેન, ચોકીદાર, નોકર વગેરે બધાના વર્તનને બાળક નિહાળે છે. એટલે બાળકનો જો યોગ્ય ઉછેર કરવો હોય, તો પ્રથમ માતા-પિતાનો સહકારી, મિલનસાર, સંસ્કારી સ્વભાવ હોવો જરૂરી છે. બાળક હોય કે યુવાન હોય, તેઓને જો વાણીના સહારે સંસ્કારી વર્તન કરવાનો અનુરોધ કરીએ, તો તેઓ સાંભળશે બધું પણ વર્તન તો ઘરનાં બીજા સભ્યો જેવું કરે, તેવું જ કરવાનો આગ્રહ રાખે. જેમકે પડોશી અમુક વસ્તુ માંગે અને તે વસ્તુ ઘરમાં હોવા છતાં ન આપીએ, એ જોઈને બાળક પોતાની વસ્તુઓ બીજા સાથે વહેંચણી ન કરવાનું શીખે છે. એટલે મારું-તારુંના ભેદભાવવાળા વર્તનને બાળક સહજ માનીને કરે છે. તેથી બાળમાનસમાં સંસ્કારી વર્તનનું સિંચન જો ભક્તો-મહાત્માઓના ચરિત્રો તથા પુરાણોની કથાઓનાં શ્રવણથી થાય, તો મનનાં વિચારોને યોગ્ય દિશાનું માર્ગદર્શન મળતું જાય. માતા-પિતાને જો વાંચન-અભ્યાસનો શોખ હોય, તો બાળકને પણ બાળવાર્તાઓનું વાંચન કરવાનું ગમે.
ધીમે ધીમે તેઓને વાંચનના ફાયદા સમજાવતાં, તેઓની સાથે બેસીને વાંચન થાય, તો વાંચનની કળા બાળકમાં ખીલતી જાય. પછી યુવાન થતાં તેઓને સાત્ત્વિક-આધ્યાત્મિક વાંચનના પુસ્તકોનો સંગાથ ગમતો જાય અને વિકાસના પથ પર પ્રયાણ કરાવતાં સુસંસ્કારી આચરણની મહત્તા પરખાતી જાય. ઘરમાં જેમ મનપસંદ ફર્નિચરની વસ્તુઓ સાથે મોંઘા ટીવી, સોફાસેટ વગેરે સુશોભનની વસ્તુઓ વસાવીએ છીએ, તેમ સાત્ત્વિક સંસ્કારી આચરણને જાગૃત કરાવતાં પુસ્તકોને પણ વસાવવાં જોઈએ. આપણે દરરોજ ચોક્કસ સમયે જમીએ, રોજિંદા કાર્યો કરીએ છીએ અને ટીવી જોવાનો, કે મોબાઈલ પર મેસેજ જોવાનો સમય જેમ કાઢીએ છીએ, તેમ પુસ્તકો વાંચવાનો સમય જે કાઢે, તે માનવીના વિચાર-વર્તનમાં સંસ્કારી સુગંધ પ્રસરતી જાય. પરિવાર કે મિત્રો સાથેના પ્રેમાળ સંબંધો રૂપી ઈમારતનો પાયો ત્યારે જ મજબૂતાઈથી ટકી રહે, જ્યારે સંસ્કારી વિચારોના વર્તનથી જીવવાની કેળવણી બાળપણથી પ્રાપ્ત થઈ હોય. એવી કેળવણીથી કેળવાયેલા મનમાં સ્વયંની અનુભૂતિ કરાવતાં આધ્યાત્મિક વર્તનની જાગૃતિ થઈ શકે છે.
સ્વયંને જાણવાની જિજ્ઞાસાથી શ્રવણ, વાંચન, અભ્યાસમાં જેમ જેમ મન ઓતપ્રોત થતું જાય, તેમ તેમ જ્ઞાન-ભક્તિના સદાચરણ તરફ પ્રયાણ સહજતાથી થતું જાય. એવાં પ્રયાણ સ્વરૂપે મનની ભીતરમાં સુષુપ્ત રીતે સમાયેલાં સાત્ત્વિક ગુણોના સંસ્કારો જાગૃત થતાં જાય. સંસ્કારી સ્વભાવમાં હું પદનો અહંકાર ઓછો હોવાંથી સ્વમય ચિંતનનું માર્ગદર્શન ગુરુના સાંનિધ્યમાં ધારણ થતું જાય અને સ્વયંની ઓળખથી અજાણ રાખતાં મનનાં અજ્ઞાની સ્વભાવથી પરિચિત થવાય. સ્વયંને જાણવું એટલે જે સ્વભાવથી અત્યારે જીવન જિવાય છે, જેનાં લીધે સ્વ સ્વરૂપની પ્રતીતિ થતી નથી અથવા ગુણિયલ આચરણ જાગૃત થતું નથી, તે અજ્ઞાની, અહંકારી સ્વભાવના અવરોધક વર્તનને જાણવું. એટલે જ જિજ્ઞાસુ ભક્ત પોતાના અજ્ઞાની સ્વભાવના અવરોધને જણાવતું આત્મ નિરીક્ષણ કરે અને સાત્ત્વિક વર્તનની જાગૃતિ માટે જ્ઞાન-ભક્તિના પ્રભાવથી જીવન જીવે. આમ સ્વયંની ઓળખાણ રૂપે મનનાં દોષ કે વિકારી વૃત્તિઓથી પરિચિત થવું અત્યંત જરૂરી છે. જ્યાં સુધી રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનના દોષથી મન પરિચિત થતું નથી, ત્યાં સુધી શ્રવણ, અભ્યાસ, કે સત્સંગ રૂપે મેળવેલી સમજ માત્ર માહિતીની જેમ રહે છે, તે સાત્ત્વિક વર્તન રૂપે ધારણ થતી નથી. માહિતી જેવી સમજથી આધ્યાત્મિક ચર્ચા વિચારણા કરી શકાય, પણ સાત્ત્વિકભાવની જાગૃતિ ન થાય. તેથી જિજ્ઞાસુ ભક્ત ભક્તિ ભાવથી પ્રભુને વિનંતિ કરે કે..,
સત્સંગમાં પ્રભુ આવો તમે, ભાવભરી વિનંતિ છે પધારો તમે;
ભાવનો સાથિયો મનમાં પૂરો, તમે સાથી બની સાત્ત્વિકભાવ જગાડો;
સાત્ત્વિકભાવની જાગૃતિથી સત્સંગ થાય, એવી કૃપાનું દાન આપો હવે;
ભાવિક બનાવો અને આપની ભાવ ગંગામાં સ્નાન થાય એવો ભાવ જગાડો.
અહંકારી સ્વભાવનાં દોષને કે વિકારી વૃત્તિઓને વિલીન કરવાની દૃઢતા ભક્તિભાવથી વધે છે. ભક્તિ કદી પ્રવૃત્તિની જેમ કરવાની નથી; પણ ભક્તિ સ્વરૂપે ભાવની નિર્મળતા, પ્રેમની સુમેળતા જાગૃત થવી જોઈએ. જીવનમાં સાત્ત્વિક આચરણની જાગૃતિ એવી ધારણ કરવી જોઈએ, કે પ્રભુનો દિવ્ય ભાવ સાક્ષાત્ સારથિ બને. પછી મન રૂપી રથની ગતિ ભાવની થતાં, ભક્ત જ્યાં જ્યાં ફરે, જે પણ વિચારે, એમાં ભાવની સાત્ત્વિકતા પ્રસરતી જાય. મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે જેમ પૂજાની વિધિ દ્વારા ભાવથી આવાહ્ન કરીએ છીએ, તેમ ભક્તિની મનોમન પ્રતિષ્ઠા કરાવવા માટે પ્રભુના દિવ્યભાવનું આવાહ્ન થાય, ત્યારે અહંકારી સ્વભાવનું વર્ચસ્વ ઓછું થતું જાય. હું પદની અહંકારી વૃત્તિઓ પર ભક્તિભાવનો ચંદન લેપ થતો જાય અને પ્રભુ સાથેની ઐક્યતાની પ્રતીતિ થતી જાય. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જો ભક્તિભાવથી સત્સંગ થાય, તો ભાવનું દાન ધારણ થતું જાય. ભાવની જાગૃતિથી જ તન-મનને જીવંત સ્થિતિનું દાન અર્પણ કરતી પ્રભુની દિવ્ય ચેતનાના સ્પંદનો ધારણ થાય. પછી ખરો પશ્ર્ચાત્તાપ થાય કે, "આત્મીય ચેતના સ્વરૂપે પ્રભુ તો મારી સાથે ને સાથે જ છે. સતત સંગાથ હોવાં છતાં હું અજ્ઞાત રહ્યો! પ્રભુને માત્ર મંદિરોની મૂર્તિ રૂપે સ્વીકાર્યો અને પ્રભુની અમૂર્ત શક્તિથી અજ્ઞાત રહ્યો!!” આવો પશ્ર્ચાત્તાપ પણ પ્રભુની કૃપા રૂપે થાય ત્યારે સ્વ સ્મૃતિ રૂપે અજ્ઞાની સ્વભાવનો અવરોધ વિલીન થતો જાય.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા