શું નથી તારી દિવ્ય પ્રીતમાં...
નાનપણમાં આપણે નિશાળમાં જ્યારે ગુજરાતી ભાષાની બારાખડી શીખ્યાં, ત્યારે ક, ખ, ગ બોલવાનાં ઉચ્ચાર પહેલાં શીખ્યાં. તે પછી લખવાની કળાના શિક્ષણથી લખવાનું શીખ્યાં. સાંભળવાનું અને બોલવાનું એટલે કે કર્ણેન્દ્રિય અને કંઠ ઈન્દ્રિય, તે આકાશ મહાભૂતની પ્રસ્તુતિ છે. તેથી સાંભળવાની અને બોલવાની કળા બાળક પહેલાં શીખે છે. આકાશ તત્ત્વમાંથી વાયુ તત્ત્વ પ્રગટ થાય છે. વાયુ મહાભૂતની પ્રસ્તુતિથી સ્પર્શ અને હાથની ઈન્દ્રિય પ્રગટ થાય છે. આમ બાળપણમાં બોલવાના સ્પષ્ટ ઉચ્ચારો, આપણાંથી ઉંમરમાં મોટા લોકોને બોલતાં સાંભળીને ધીમે ધીમે શીખતાં ગયાં. નિશાળના પૂજનીય શિક્ષકોની સહાયથી બોલવાની તથા લખવાની કળા આપમેળે ખીલતી રહી અને ભણતર સાથે મનનો વિકાસ પણ થતો ગયો. એટલે માનવી તરીકેના ઉછેરમાં માતા-પિતાનો, ભાઈ-બહેનનો, મિત્રોનો, અંગત સગાંવહાલાઓનો તથા અતિ મહત્ત્વનો ફાળો શિક્ષકનો હોય છે. એ બધા સાથેના સંબંધોનું વ્યવહારિક જીવન જીવાતું રહ્યું. એમાં અન્ય નવાં નવાં સંબંધો પણ થતાં ગયાં અને અમુક સંબંધોનું અકાળે મૃત્યુ પણ થયું.
કોઈ પણ સંબંધોનું મૃત્યુ કુદરતી રીતે સંબંધિત વ્યક્તિના શરીરના મૃત્યુ સાથે થાય, અથવા અહંકારી સ્વભાવની કડવાશથી કે સંકુચિત માનસના સ્વાર્થી વર્તનથી પણ ક્યારેક થાય છે. સ્વાર્થ અને અહંકારના લીધે એકબીજા સાથે અણબનાવ થાય, કે ઝઘડાં થાય છે, જે સંબંધોનું આયુષ્ય ઘટાડી દે છે. જેમ ભાષા બોલવાની અને લખવાની અમુક ચોક્કસ પદ્ધતિ હોય છે; તેમ સંબંધો જાળવવાની પદ્ધતિ એટલે પ્રેમભાવની, સુમેળભાવની, ઉદારભાવની મનની સંસ્કારી જાગૃતિ. ભાવનું સંસ્કારી વર્તન જ્યાં હોય ત્યાં મારું-તારુંના ભેદભાવને બદલે બીજાને સુખ, ખુશી અર્પણ કરવાનો ભાવ હોય છે, સરખામણીની હુંસાતુંસીનાં બદલે વહેંચણીની ઉદારતા હોય છે, વેરઝેરની તીખાશના બદલે સ્નેહની મીઠાશ હોય છે. આવી પ્રેમાળ ભાવ રૂપી નીરની ધારા જે સંબંધો રૂપી ભૂમિ પર વહેતી રહે, ત્યાં સંસ્કારી કાર્યોની હરિયાળી ઊગે છે. સંસ્કારી કાર્યો એટલે બીજાનું હિત થાય તથા જીવંત જીવનનો મહિમા સમજાય એવાં પરમાર્થી કાર્યો, જે માનવ જન્મની સિદ્ધિને સાર્થક કરાવે છે.
માનવ જન્મની સાર્થકતા અનુભવવા માટે, પોતાના તન-મનમાં પ્રસરતી આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરવું પડે. અધ્યયન-અભ્યાસ રૂપે સ્થૂળ-સૂક્ષ્મ સ્થિતિના સંબંધથી પરિચિત થવાય, કે કોઈ પણ પદાર્થ કે આકારિત કૃતિની હસ્તી, નિરાકારિત અણુ ઊર્જાની સૂક્ષ્મતાના લીધે છે. અધ્યયનની નિષ્ઠાથી અનુભવાતું જાય કે, જગતમાં સર્વવ્યાપ્ત રહેલી જે ઊર્જાની ચેતના છે, તે જ મારા દેહમાં ફરે છે અને તે જ બીજા દરેક દેહમાં ફરે છે. જેનાં લીધે જીવંત સ્થિતિનું જીવન જીવી શકાય છે. અધ્યયન અને ચિંતનથી આત્મ સ્વરૂપની વાસ્તવિકતા ગ્રહણ થતી જાય. ગ્રહણ થવું એટલે મનોમન સ્વીકાર થતાં બાહ્ય જગતના વિષયોની નિરર્થકતા અનુભવાય અને વિષયોને ભોગવવાનું આકર્ષણ ઓછું થતું જાય. જેમ નાના હતાં ત્યારે પેન્સિલ-રબર માટેનું આકર્ષણ હતું. પરંતુ મોટાં થયાં પછી લખવાની પેનનું આકર્ષણ રહ્યું અને આજના સમયમાં તો સ્માર્ટ ફોનનું જબરું આકર્ષણ છે, તેમ મન જ્યાં સુધી સ્વયંથી પરિચિત થતું નથી, ત્યાં સુધી મનની અપરિપક્વતા માત્ર ઈન્દ્રિયગમ્ય વિષયોના ભોગને જ મહત્તા આપે છે. જેમ જેમ મનનો વિકાસ શ્રવણ, અધ્યયન તથા ગુરુના પાવન સાંનિધ્યથી થતો જાય, તેમ તેમ વિષય સુખની ક્ષણિકતા પરખાતી જાય. મનને પછી આંતરિક સૂક્ષ્મતાને, કે વિશાળતાને, કે સાત્ત્વિકતાને અનુભવવાની લગની જાગૃત થાય, ત્યારે સ્વ સંબંધની શાશ્ર્વતતા કે આત્મીય પ્રીતની દિવ્યતાનો સ્વીકાર થાય.
સ્વ સ્વરૂપના આત્મીય સંબંધની પ્રતીતિ કરાવતાં સત્ દર્શનમાં જ્યારે ભક્તનું મન સ્થિત થાય, ત્યારે તે સ્વ સ્મરણ રૂપે અંતરધ્યાનસ્થ થાય. એવાં ભક્તનું મન પ્રભુ ભક્તિ રૂપી ફૂલોથી, એટલે કે સાત્ત્વિક ગુણોથી છલકાતું જાય. તે ગુણિયલ ફૂલોની મહેંક, એનાં પ્રેમાળ સ્વભાવ રૂપે એનાં સ્વજનો જ્યારે પણ અનુભવે, ત્યારે તેઓમાં પણ ભક્તિભાવમાં લીન થવાંની લગની જાગૃત થાય છે. આવી લગની જાગૃત થાય, તે છે એકબીજા સાથેનાં સંબંધો રૂપી હરિયાળી ભૂમિની સાર્થકતા. એકબીજા સાથેના પ્રેમાળ સંબંધોની સાબિતી, એટલે જ એકબીજાનું હિત થાય એવાં સ્વમય જીવનનો ભક્તિભાવ જાગૃત થવો. સંબંધોમાં જ્યાં પ્રેમની સુવાસ હોય. ત્યાં મનુષ્યના રૂપ-રંગ, કે ઉંમરની મહત્તા ન હોય, પણ એકબીજા વચ્ચે પ્રભુભાવની સાક્ષાત્ હાજરીની મહત્તા હોય. તેથી સંબંધિત જે પણ વ્યવહારિક કાર્યો થાય, તેનું પરિણામ પ્રભુની હાજરીના લીધે પ્રગટ થયું છે એવાં સાત્ત્વિકભાવથી ભક્ત જીવન જીવે છે. સાત્ત્વિકભાવની જાગૃતિના લીધે ભક્ત સાથેનાં સંબંધો રૂપી ભૂમિ પર આત્માના સાત્ત્વિક ગુણો રૂપી ફળ-ફૂલ સ્વયંભૂ ઊગે છે. તેથી જીવનમાં જો કોઈ જ્ઞાની ભક્ત સાથે પ્રેમાળ સંબંધ રૂપે ભક્તિભાવમાં સ્થિત થવાનું સૌભાગ્ય મળે, તો બીજા અન્ય સંબંધોની ભૂમિ પણ હરિયાળી થતી જાય. પછી ભક્તિભાવની નિષ્ઠા વધતાં સ્વ સ્વરૂપની દિવ્ય પ્રીતની સ્વાનુભૂતિમાં સ્થિત થવાની લગની જાગૃત થાય, ત્યારે મનોમન એકરાર સાથે પ્રભુને વિનંતિ થાય કે..,
હે પ્રભુ તારી દિવ્ય પ્રીતની લગની એવી લગાડ, કે પ્રેમની સર્વે રીત ભુલાવી દે;
તારી દિવ્ય પ્રીતની આત્મીયતા છે અનોખી, એની અનેરી સ્વાનુભૂતિ છે સોનેરી;
શું નથી તારી દિવ્ય પ્રીતમાં, કૃપા કરી મુજમાં એ કેવી રીતે પ્રગટે તે સમજાવ;
જો ન સમજી શકું તો ભલે અણસમજું રહું, પણ તારી દિવ્ય પ્રીતમાં ડુબાડ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા