Article Details

તારા રંગે રંગાયો ઘનશ્યામ...

વર્તમાન સમયમાં માનવી એવી સમસ્યાઓનો સામનો કરે છે, જેનાં વિશે ભૂતકાળમાં પણ એણે જાણ્યું ન્હોતું. કારણ આપણાં વડીલોએ-પૂર્વજોએ પણ આવી સમસ્યાની મુશ્કેલી અનુભવી ન્હોતી. આ મુશ્કેલીનું સ્વરૂપ એવું છે, કે એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો, એ પણ માનવી માટે પડકાર રૂપ છે. આવી મુશ્કેલીઓનાં લીધે માનસિક દબાણ વધતું જાય અને નિરાશામાં મન ડૂબી જાય. કોઈ પણ પડકાર રૂપ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી શકે છે. પરંતુ તે માટે જિવાડનાર પરમ શક્તિની હાજરીનો સ્વીકાર થવો જોઈએ. માનવી માને છે કે, તે પોતાનાં બુદ્ધિબળથી અશક્યનું પણ શક્ય કરી શકે એમ છે. આવાં અહંકારી, અભિમાની માનસથી જો કોઈ કાર્ય થાય, તો ઘણીવાર શક્ય લાગતી પરિસ્થિતિ પણ અશક્યમાં ફેરવાઈ જાય છે, અથવા મુશ્કેલીનો ઉકેલ મળે, પણ એની સાથે બીજી આડઅસર જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. કારણ યાંત્રિક ઉપકરણોની સુવિધામાં, અથવા રૂપિયાથી ખરીદી શકાય એવી સ્થિતિમાં જ સુખ મળી શકે એવી માન્યતાથી માનવી જીવે છે. એટલે રોજિંદા કાર્યો પણ એક યાંત્રિક મશીનની જેમ કરતો રહે છે.

                જીવંત જીવન જિવાડનાર પ્રભુની આત્મીય ચેતના, જે અદૃશ્ય છે તેને ગેરહાજર માનીને, માનવી માત્ર પોતાનો સ્વાર્થ સાધી શકાય એવાં વિચારોમાં, એવાં કાર્યોમાં જ ફરતું રહે છે. એવું મન જીવંત જીવનનાં ઉદ્ેશથી પણ અજાણ રહે છે. એટલે માનસિક વિકાસ કે ગુણિયલ આચરણ વગરના જીવનમાં તણાવ વધવાની શક્યતા વધી જાય છે. જ્યાં તણાવ હોય, દબાણ હોય, ત્યાં નિરાશા સાથે ચિંતાગ્રસ્ત મન રહે છે. વ્યક્તિગત સંબંધોમાં પછી શંકા સંદેહ જાગે તથા આજીવિકાના કાર્યક્ષેત્રમાં પણ સ્પર્ધાત્મક વલણના લીધે મન અસુરક્ષા અનુભવે છે. ભય, ચિંતા, નિરાશા કે અસુરક્ષા અનુભવતું મન મોટેભાગે મંદિરમાં જઈ, પોતે મુશ્કેલીમાંથી મુક્ત થઈ શકે એવી પ્રાર્થના કરે, અથવા કોઈ મહાત્મા કે ગુરુના શરણે જાય. જેથી કોઈ પણ પ્રયત્ન વગર ચિંતા, વ્યથા, કે દુ:ખથી મુક્ત થઈ શકાય. પરંતુ જેમ ટ્યૂબલાઈટ પર ધૂળ જામી ગઈ હોય તો લાઈટ ચાલુ કરવા છતાં રૂમમાં જોઈએ એટલું અજવાળું નથી થતું, તેથી પ્રથમ ધૂળ સાફ કરવી પડે છે; તેમ માનવી પોતાના સ્વાર્થી વર્તનને, કે અહંકારી સ્વભાવથી થતી ભૂલો રૂપી ધૂળને સ્વીકારે નહિ, ત્યાં સુધી ગમે તેટલાં દુ:ખ મુક્તિના ઉપચાર કરે, તો પણ મુક્ત થઈ શકે એમ નથી. કારણ ચિંતા કરતો નકારાત્મક સ્વભાવ જો હોય, તો ઉપચારમાં પણ તે સમસ્યા અનુભવે છે. તેથી પ્રથમ પોતાના મનનો ઉપચાર કરવો જોઈએ.

                રાગ-દ્વેષાત્મક સ્વાર્થી સ્વભાવ પાછળ મનની અજ્ઞાનતા છે કે, પોતે માત્ર માનવ આકારની હસ્તી છે. પોતાના ભૌતિક આકારને જ મહત્તા આપતું મન, એ સત્યને ભૂલી જાય છે કે આકારની જીવંત સ્થિતિ કોનાં સહારે જીવે છે. તેને શક્તિ કહો, ભગવાન કહો, કે પ્રભુની આત્મીય ઊર્જાની ચેતના કહો, તેની હાજરી સર્વત્ર છે. તે છે તો દેહની જીવંત સ્થિતિ છે એવાં અહોભાવથી જીવવાનું છે. કોઈ માનવી તે દિવ્ય શક્તિને કે ચેતનાને ચર્મ ચક્ષુથી જોઈ શકે એમ નથી અને કોઈએ એને મન-બુદ્ધિના પુરુષાર્થથી પ્રાપ્ત કરવાની નથી. કારણ તે સર્વવ્યાપ્ત છે અને તે જ દિવ્ય પ્રીતની ચેતનાના સહારે સર્જન-વિસર્જનની ક્રિયાઓ થયાં કરે છે. આ સત્યની પ્રતીતિ સ્વ જ્ઞાન રૂપે થાય તેને કહેવાય મનની ભક્તિભાવની જાગૃતિ. આવી જાગૃતિની સત્ દૃષ્ટિમાં હોય પ્રેમભાવની સહજતા, સેવાભાવની નિર્મળતા. પ્રેમભાવની નિ:સ્વાર્થતામાં જીવંત જીવનનું હાર્દ(રહસ્ય) ગ્રહણ કરાવતું સ્વ જ્ઞાન ધારણ થાય. સ્વ જ્ઞાન એ કંઈ શબ્દોથી ન મેળવાય, એ તો સ્વયંની ઓળખ રૂપે મનનો વિચારવાનો, સમજવાનો, અનુભવવાનો ઢાળ બદલાઈ જાય. જેમ નાનાં હતા ત્યારે ‘મા’ રસોઈ બનાવે અને ભાવતું ખાવાનું મળે છે, એટલી જ સમજ હતી. પછી મોટાં થયાં, શિક્ષણ-ભણતરથી શિક્ષિત થયાં ત્યારે સમજાયું કે ધાન્ય-શાકભાજી ક્યાં અને કેવી રીતે ઊગે છે. એ જ રીતે સૂક્ષ્મ-સ્થૂળ સૃષ્ટિના જોડાણથી, મન-આત્માના અતૂટ સંબંધથી જ્ઞાત થવાય, પછી પરિપક્વ મનનો સ્વભાવ બદલાઈ જાય છે. સ્વયંથી પરિચિત થયેલા મનનો કાર્ય કરવાનો ઢાળ બદલાઈ જાય છે.

                સ્વભાવનું પરિવર્તન થવું એટલે નિ:સ્વાર્થ પ્રેમભાવની સાત્ત્વિકતા જાગૃત થવી. વ્યક્તિગત સંબંધોમાં પ્રેમનો અનુભવ સહજ થાય, તથા વ્યવહારિક રોજિંદા કાર્યો પ્રેમભાવની ભીનાશથી થાય, ત્યારે મન પ્રભુ ભક્તિના રંગોથી રંગાતું જાય. ભક્તિનો રંગ એટલે સાત્ત્વિક ગુણોની જાગૃતિનું સદાચરણ. દરેક માનવીને પ્રેમની ભૂખ હોય છે. કારણ મનનું સ્વ સ્વરૂપ છે નિ:સ્વાર્થ પ્રેમનું. મનથી દૃઢ નિશ્ર્ચય થવો જોઈએ કે, હું જે છું તે દિવ્યતા કે સાત્ત્વિકતા જાગૃત થાય એવું ભક્તિભાવનું જીવન જીવવું છે. પ્રભુએ તો શરીરના અંગોની પ્રક્રિયાઓમાં જ મનની જાગૃતિ થઈ શકે છે એવો સંકેત આપણને ધર્યો છે. માનવ શરીરના પેટમાં(જઠરમાં) જલદ રસાયણ હોય છે. જેનાં લીધે ખાધેલા અન્નના બારીક ટૂકડાં થઈ શકે અને અન્નમાં સમાયેલું પોષણ પ્રગટ થઈ શકે. આ જલદ રસાયણનાં (એસીડ) લીધે પેટની ત્વચા બળી જાય છે. પરંતુ પ્રભુએ કુદરતી રચના એવી કરી છે, કે દર ત્રણ દિવસે પેટની નવી ત્વચાનું સર્જન આપમેળે થાય છે. શરીરમાં જો આપમેળે પ્રક્રિયાઓ થાય અને નવીન સર્જન થતું હોય તો મનની સ્વાર્થી સ્વભાવની અજ્ઞાનતા પણ વિલીન થઈ શકે છે. કારણ પ્રેમભાવનું રસાયણ ખૂબ જ જલદ હોય છે. પ્રેમનો સાત્ત્વિકભાવનો રંગ લાગે પછી સંસારના નકામા સ્વાર્થી રંગો ઝાંખા પડી જાય. નિ:સ્વાર્થ પ્રેમનો રંગ સૂર્ય પ્રકાશ જેવો છે, જેનાં પર પડે તેના અજ્ઞાની સ્વભાવનું અંધકાર વિલીન થઈ જાય. પ્રભુને વિનંતિ કરીએ કે જ્ઞાની ભક્તની જેમ જીવન રંગાઈ જાય.

                તારા રંગે રંગાયો ઘનશ્યામ, નકામા રંગો બધાં નીકળી રહ્યાં અને ચઢાવ્યા રંગો તારા શ્યામ;

                મારી ભાવના ને વાતોમાં તારા રંગો દેખાય, અહીં કોઈ ના સમજે મને શ્યામ;

                થોડાં સમયમાં તારા રંગે રંગાયો, છતાં અભિમાન ન લાવીશ ઘનશ્યામ;

                જેને જોઈએ તેને આપીશ, તારા રંગની સુવાસ, તારા રંગે રંગાયો ઘનશ્યામ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા