Article Details

ભક્ત અને ભક્તિ બે જુદી પરિસ્થિતિ નથી...

પરિવારના સભ્યોની સંભાળ રાખવી અને તે માટે આજીવિકાની પ્રવૃત્તિ કરતાં રહીને, અન્ન, વસ્ત્ર, રહેઠાણની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી, એવાં કર્તવ્યથી દરેક માનવી જાણકાર હોય છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેકના મનમાં પરિવારના સભ્યો સાથેના સંબંધોની ભાવના હોય છે. તે ભાવના અનુસાર માનવી પોતાના કર્તવ્ય કરતો રહે છે. એમાં ક્યારેક પોતાની ઈચ્છા મુજબનાં કાર્યો કરવા મળે, અથવા ક્યારેક બીજા સભ્યોની ખુશી માટે પોતાની ઈચ્છાઓને મનમાં સંઘરી રાખવી પડે. ઘણી વખત અપેક્ષા મુજબના કાર્યો થાય, છતાં એનાં પરિણામથી મન સંતુષ્ટ ન થાય. કારણ સત્ ભાવની જાગૃતિ વગર થયેલાં કર્મોમાં રાગ-દ્વેષના સ્વભાવનો અવરોધ હોય છે. એટલે તૃપ્તિ, આનંદ, સંતોષ કે પ્રેમની સહજતાનો અનુભવ થતો નથી. અવરોધક સ્વભાવનું પરિવર્તન થઈ શકે છે. તે માટે મનનું મૂળ શું છે, મન કઈ શક્તિના આધારે વિચારી શકે છે કે સમજી શકે છે. આ વાસ્તવિકતાથી પરિચિત થવાય તો દેહધારી જીવનનો હેતુ પરખાય અને સ્વભાવનું પરિવર્તન થતું જાય.

                જેમ માથું દુ:ખતું હોય તો મોટેભાગે આપણે ઘરગથ્થુ ઉપાય કરીએ અથવા સેરીડોન જેવી દવા લઈએ. એનાંથી થોડીવાર માટે સારું પણ લાગે, છતાં માથું દુ:ખવાનું બંધ ન થાય ત્યારે ડોકટર પાસે જઈએ છીએ. ડોકટરની સલાહ મુજબ ઉપચાર કરવાથી પણ જો સારું ન થાય, એટલે એક્ષ-રે, સીટી સ્કેનની મદદથી દુ:ખવાનું કારણ જાણવાનો પ્રયત્ન થાય; તેમ અવરોધક સ્વભાવથી મુક્ત થવાનો ઉપાય સત્સંગ, અધ્યયનથી થાય, ત્યારે કારણ સમજાય કે પ્રેમભાવ વગર થયેલાં કર્મમાં મનની સાત્ત્વિકતા જાગૃત થતી નથી. જ્યાં સાત્ત્વિકભાવની નિર્મળતા હોય ત્યાં મન જેનો અંશ છે તે આત્મ સ્વરૂપના સાત્ત્વિક ગુણોની પ્રતિભા પ્રગટતી જાય. સાત્ત્વિકભાવની જાગૃતિમાં મનનું ભક્ત સ્વરૂપ પ્રગટતું જાય, જે પ્રભુના ભાવને, પ્રભુના ગુણોને પ્રગટાવતી ભક્તિમાં લીન રહે છે. ભક્તિના ગુણિયલ વર્તનની અસર આજુબાજુના વાતાવરણમાં પ્રસરે છે. એવાં ભક્તના સંપર્કમાં જે લોકો આવે, જેઓ ભક્તની સાથે વ્યવહારિક કાર્યોથી બંધાયેલાં હોય, તેઓમાં પણ ભક્તિભાવનાં ગુણિયલ સંસ્કારોને જાગૃત કરવાની જિજ્ઞાસા જાગે છે. અર્થાત્ એવાં ભક્તની ભક્તિનો ભાવ પારસમણિ જેવો હોય છે.

                વાસ્તવમાં ભક્ત અને ભક્તિ એવી બે પરિસ્થિતિ નથી. ભક્ત એટલે જ ભગવાનની ગુણિયલ શક્તિને પ્રકાશિત કરતું વ્યક્તિત્વ. તેથી ભક્તને શરીરના રૂપ રંગથી ઓળખવાનો ન હોય, પણ એનાં ગુણિયલ પરમાર્થી સ્વભાવના સાંનિધ્યને માણવાનું હેાય. ભક્તના પરમાર્થી સાંનિધ્યમાં લૌકિક પ્રારબ્ધગત જીવનના ઉતાર-ચઢાવની વાતોને વાગોળવાની ન હોય, પણ સર્વેમાં સુષુપ્ત રીતે સંચાર કરતી દિવ્ય ચેતનાની આત્મીય શક્તિની પ્રશંસા હોય. પ્રશંસા એટલે પ્રભુના અનંત ગુણોની દિવ્યતાનો સાત્ત્વિકભાવ જાગૃત થવો. ભાવ સ્વરૂપની જાગૃતિમાં મનની સાત્ત્વિકતા પ્રદર્શિત થાય, ત્યારે ભક્તિની એટલે કે ભગવાનની ભગવત્ ભાવની શક્તિનો ગુણિયલ પ્રભાવ, પરમાર્થી કર્મ રૂપે પ્રગટ થાય. આમ સર્વેના મનમાં ભક્તિના ગુણિયલ સંસ્કાર સુષુપ્ત રીતે સમાયેલાં હોય છે. અહંકારી સ્વભાવનો અવરોધ જો ઓછો થાય તો સુષુપ્ત સંસ્કારો જ્ઞાન-ભક્તિના સત્સંગથી જાગૃત થતાં જાય. સત્સંગ માટે આરંભમાં સાત્ત્વિક વિચારોના અભ્યાસનો આધાર લેવો પડે. ગુરુ કે માર્ગદર્શકના સાંનિધ્યમાં જેમ જેમ મન સત્સંગમાં શ્રદ્ધાપૂર્વક સ્થિત થતું જાય, તેમ તેમ સત્-અસત્નું દર્શન મનોમન ધારણ થતું જાય.

                અભ્યાસ કે અધ્યયનથી સ્વયંની પ્રતીતિ રૂપે પછી સમજાતું જાય કે, જે શરીરનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ર્ચિત હોય છે. જેમ એક બીજમાંથી છોડ ઊગે અને ધીમે ધીમે પાન, ફૂલ, ઊગે અને અંતે કરમાઈને સુકાઈ જતાં તે પાન-ફૂલ-ફળનો આકાર વિલીન થઈ જાય છે, તેમ માતાના ગર્ભમાં શરીરના આકારની રચના થાય, તે આકારનો જન્મ થાય અને જન્મેલાં શરીરનો ઉછેર રૂપે વૃદ્ધિ-વિકાસ થાય છે. શરીરની યુવાન અવસ્થા સુધી વિકાસની પ્રક્રિયા થતી રહે. પછી પ્રૌઢ અવસ્થામાં વિકાસની ક્રિયા ફેરવાઈ જાય વિકારમાં અને વિકાર રૂપે શરીરની ક્રિયાઓ શિથિલ થતી જાય. મન પાસે જેટલાં શ્ર્વાસનું ધન હોય ત્યાં સુધી એ તનથી જીવે છે. જેટલું શ્ર્વાસનું ધન એટલું જીવન. એ ધન વગર શરીરનું મૃત્યુની ક્રિયાથી રૂપાંતર થાય છે. આમ જન્મ-મૃત્યુની અથવા વિકાસ-વિકારની, અથવા ખીલવાની-કરમાઈ જવાની ક્રિયાઓ પ્રકૃતિ જગતમાં સર્વત્ર ક્ષણે ક્ષણે થતી રહે છે. છતાં માનવી મન પોતાના શરીરને અમર રાખવાની ઈચ્છાથી જીવે છે. તેથી મૃત્યુની ક્રિયાને દુ:ખદાયક માને છે.

                મન એ આત્મીય ચેતનાનો જ અંશ છે, એ સત્યના સ્વીકારમાં સ્વયંની પ્રતિભાને જાણવાની જિજ્ઞાસા જાગે છે. આત્મીય ચેતનાના સાત્ત્વિક ગુણોથી પરિચિત થવાય, તેને કહેવાય સ્વમય ચિંતનની ભક્તિ. આવી અંતર ભક્તિમાં મન તરતું રહે, ત્યારે મનની વિચારવાની લૌકિક ગતિ બદલાઈ જાય. બુદ્ધિનો પ્રજ્ઞાભાવ જાગૃત થતાં સૂક્ષ્મ સૃષ્ટિનું રહસ્ય સમજવાની કળા ધારણ થતી જાય. અંતર ભક્તિભાવની આવી જાગૃતિમાં સ્વાર્થનો આપમતલબી વ્યવહાર નથી, કે રાગ-દ્વેષના ભેદભાવની જુદાઈ નથી, કે ક્રોધ-ઈર્ષ્યાની અહંકારી સ્વભાવની તોછડાઈ નથી. ભક્તિનું સદાચરણ એટલે જ પ્રેમભાવની નિખાલસતા. નિર્મળ પ્રેમના નીરથી જ મન અંતર પ્રયાણ કરી શકે છે. અંતર એટલે આત્માના અનંત, દિવ્ય ગુણોની ધારા. જેમાં મનનો સાત્ત્વિકભાવ સ્નાન કરતાં કરતાં આત્મસ્થિત થાય અને પ્રભુની ઐક્યતામાં એકરૂપ થાય. તેથી ભક્ત તો સદા પ્રભુને વિનવતો રહે કે..,

 

                "હે પ્રભુ! શું છે તું એ પણ નથી જાણવું, કારણ જાણ્યાં પછી પણ તારું અનંત સ્વરૂપ નહિ જણાશે!

                એનાં કરતાં અંતરમાં તારા પ્રકાશિત દર્શન ભક્તિ સ્વરૂપે થાય, તો ભાવની સૂક્ષ્મતા ખીલતી જશે;

                આપની કૃપાથી અનુભવાયું કે, આકારમાં રહું છું

અને નિરાકારિત મનનાં ભાવથી તારી ઐક્યતાને માણું છું;

                હે નાથ! સોઽહમ્ ભાવની જાગૃતિથી સમત્વ ભાવનું દાન અર્પો અને આપની ઐક્યતામાં એકરૂપ કરો.”

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા