મનની શ્રેષ્ઠ આસનની પ્રાપ્તિ
સામાન્ય રૂપે માનવીને અમુક રૂઢિગત રીત-રિવાજોના કાર્ય કરવાનું ગમે છે. કારણ રૂઢિગત કાર્યોમાં બુદ્ધિનો ઉપયોગ ઓછો હોય છે. બુદ્ધિનો જ્યાં ઉપયોગ હોય ત્યાં સમજપૂર્વકનો પુરુષાર્થ કરવો પડે. તેથી જ રોજિંદા કાર્યો કરવાની જૂની રીતને બદલવાનું માનવીને ગમતું નથી. અર્થાત્ માનવીનું મન અમુક માન્યતાઓમાં બંધાયેલું રહે છે. મોટેભાગે સૌ જાણે છે કે જે જન્મે છે, તેનું એક દિવસ મૃત્યુ નિશ્ર્ચિત છે. છતાં મૃત્યુની ઘટનાને સૌ અશુભ માને છે અને જન્મની ઘટનાને સુખદ માને છે. વાસ્તવમાં જન્મ-મૃત્યુની ઘટનાથી સુખ કે દુ:ખ ઉત્પન્ન થતું નથી. સુખનો અનુભવ કે દુ:ખની પીડાનો અનુભવ મન કરે છે. એવી સમજ ત્યારે ખીલે, જ્યારે સમજાય કે શરીર જન્મે છે અને શરીરમાં મનનો નિવાસ છે અને તેને પ્રભુની આત્મીય ચેતનાનો આધાર છે. આ સત્ય સમજાતું નથી એટલે અમુક માન્યતાઓમાં બંધાઈને માનવી જીવે છે. પોતાની સીમિત સમજથી સારી-ખરાબ ઘટનાઓનાં વિભાગ પાડીને, લૌકિક જીવનની ઘટમાળમાં મન ફરતું રહે છે. સીમિત સમજ એટલે અમુક હદ સુધીની મનની સમજ શક્તિ ખીલી હોય. જેમકે આ ક્ષણે જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તિ હાથમાં છે અને આ લેખના શબ્દોનું વાંચન થાય છે. વાંચન ત્યારે જ શક્ય થાય જ્યારે આ શબ્દોનાં ચિત્રોને આંખો જુએ અને મગજથી તેની સમજ ગ્રહણ થાય. તેની સાથમાં જ અખંડ ગતિથી ફરતા લોહીનો પુરવઠો મગજને સતત મળે છે, તેથી આ શબ્દોની સમજ ગ્રહણ થાય છે. આ રીતે તન-મનથી થતાં દરેક કાર્યો પ્રભુની ચેતનાના આધારે થાય છે. એવી બુદ્ધિગમ્ય સમજમાં સીમિત સમજની સીમા છોડીને, મનની સૂક્ષ્મ સમજની તીક્ષ્ણતા ખીલતી જાય છે.
આમ છતાં સૂક્ષ્મ સમજ દ્વારા પણ તે ચેતનાની ક્રિયા વિશે પૂર્ણતાથી જાણકારી મેળવી શકાય એમ નથી. વૈજ્ઞાનિક જ્ઞાનથી મગજની ક્રિયા વિશે જેટલું જણાય તે અનુસાર મગજની અમુક બીમારીના ઉપચારનો ઉકેલ મળે. પરંતુ મગજમાં ક્ષણેક્ષણે થતી ક્રિયાઓ વિશે પૂર્ણતાથી જાણી શકાય એમ નથી. અર્થાત્ લૌકિક સ્તરે કોઈ પણ શાખાનું જ્ઞાન માનવી મેળવે તે સીમિત જ રહેવાનું. સો વરસ પહેલાં ટેલીફોન વિશેનું જે જ્ઞાન હતું, તે આજના સ્માર્ટ ફોનની શોધથી ઘણું સીમિત કહેવાય. જેમ સો વરસ પહેલાંનું જ્ઞાન આજે સીમિત લાગે છે; તેમ સો વરસ પછી આજનું જ્ઞાન સીમિત લાગશે. તેથી મનને સીમિત સમજની અમુક માન્યતાઓની ગ્રંથિમાં કે રીત-રિવાજોની રૂઢિમાં બાંધી રાખવું ઉચિત નથી. એટલે જ ભક્ત દરેક કાર્યમાં મન-બુદ્ધિને પાણીના વહેણની જેમ વહેતાં રાખે. તે કોઈ માન્યતાઓમાં મનને બાંધે નહિ. કારણ અંતર યાત્રા અનંત સ્વરૂપની છે. યાત્રા રૂપે સ્વ જ્ઞાનના અણગીન તાત્ત્વિક સ્તરોની અનુભૂતિ થાય. આજે જે સ્વ અનુભૂતિ થઈ તેની સૂક્ષ્મ સમજમાં મનને બાંધી ન રાખે. એટલે કે આત્મ સ્વરૂપની અનુભૂતિને માત્ર અનુભવ રૂપે ધારણ નથી કરવાની. પરંતુ સ્વ અનુભૂતિ રૂપે આત્મીય ચેતનાનું જે પ્રભુત્વ પ્રકાશિત થયું તે હું જ છું,એવી એકરૂપતામાં સ્થિત થવાય તો જ યાત્રા થતી રહે, નહિ તો અનુભૂતિ સ્વરૂપનું પ્રકાશન અને અનુભૂતિ કરનાર હું, એવી બે સ્થિતિ રહે તો અંતર યાત્રાની ઉન્નતિમાં સ્થિત ન થવાય.
એકમની અંતર યાત્રા માટે ભક્ત પોતાના સ્વ સ્વરૂપનું સ્મરણ મનથી નથી કરતો. પરંતુ સ્મરણ રૂપે લૌકિક મનોવૃત્તિઓનું મરણ થાય અને સ્વ સ્વરૂપની સ્મૃતિ જાગૃત થાય એવી અંતર ભક્તિમાં ધ્યાનસ્થ રહે છે. ભક્તની જેમ અંતરધ્યાનમાં સ્થિત થવાં માટે, સ્વ અનુભૂતિનો આનંદ માણવા માટે માનવીએ આરંભમાં સત્સંગ, શ્રવણ, અધ્યયન વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી મનને કેળવવું પડે. એવી કેળવણી રૂપે રૂઢિગત માન્યતાઓમાં, સીમિત સમજમાં બંધાયેલું મન સ્વયંથી પરિચિત થતું જશે. માનવી જો પોતાના સ્વ સ્વરૂપથી પરિચિત થાય, તો જે આત્મીય ચેતનાની ઊર્જાથી તન-મનની ક્રિયાઓ થાય છે, તેની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ દરેક ક્રિયા રૂપે કરી શકે છે. કારણ પ્રભુની ચેતના સર્વત્ર છે અને સર્વેમાં પ્રસરેલી છે. તે દિવ્ય ચેતનાની શક્તિ વગર તન-મનની જીવંત સ્થિતિ નથી. તે શક્તિ પળે પળે દરેક દેહધારી આકૃતિઓનું જતન જનની બનીને સેવાભાવથી, પ્રીતભાવથી કરે છે. તે જનની સાથે સૌ જોડાયેલાં છે, છતાં જનનીની દિવ્ય ગુણોની પ્રતિભા, કે દિવ્ય પ્રીતની નિ:સ્વાર્થતા માનવીનાં વર્તન રૂપે પ્રગટતી નથી!! તે દર્શાવે છે કે માનવી પોતાની જનની સાથેનાં આત્મીય સંબંધને વિસરીને, સ્વાનુભૂતિ વગરનું જડતાનું જીવન જીવે છે.
જે માનવી પોતાના સ્વ સ્વરૂપની સાત્ત્વિકતાને અથવા જિવાડનાર જનનીની દિવ્યતાને જાણ્યાં વગર જીવે છે, તે જીવંત જીવન રૂપી પાણીમાં તરતો હોવાં છતાં પાણીની ભીનાશને અનુભવી શકતો નથી. અર્થાત્ જીવંત જીવનની ચેતનવંત પ્રતિભાને જે અનુભવી ન શકે, તે મન સદા અતૃપ્તિને અનુભવે છે. એને સુખદ ઘટનામાં પણ ઉણપ લાગે. એવું સંશય-શંકાવાળું મન નકારાત્મક વિચારોમાં બંધાઈને દીર્ઘ દૃષ્ટિથી વિચારવાની કળાને કુંઠિત કરી નાંખે છે. માનવી જન્મની સિદ્ધિ એટલે જ મનના શ્રેષ્ઠ આસનની પ્રાપ્તિ. મનનું આસન જે અર્પણ થયું છે, તે મગજના સહારે વિચારી શકે છે, સમજી શકે છે, અનુભવી શકે છે. મગજના અસંખ્ય જ્ઞાનતંતુઓની વિદ્યુતિ શક્તિ અને રસાયણ શક્તિ સતત પ્રગટે છે. તેના આધારે સમજપૂર્વક દરેક પરિસ્થિતિને મન અનુભવી શકે છે. માનવી જો પોતાની આશ્રયદાતા આત્મીય ચેતનાને જાણે નહિ, એને અહોભાવથી સ્વીકારે નહિ, તો મનની અજ્ઞાનતાના લીધે જીવંત જીવનની અમૂલ્યતાને તે વેડફી નાંખે છે. જેનાં આધારે જીવન જિવાય છે, મન-બુદ્ધિ-ઈન્દ્રિયોની કાર્યવાહી થાય છે, તેને જાણ્યાં વગરનું જીવન પશુ જેવું છે. પશુ પાસે મન નથી, તે માત્ર ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, એવું ઉપભોગી જીવન તે જીવે છે. પરંતુ માનવી જીવન માત્ર ઉપભોગી નથી પણ ઉપયોગી છે, સહયોગી છે, અરે! એ તો પ્રભુની દિવ્યતાને, સાત્ત્વિકતાને, ગુણિયલતાને પ્રગટાવતું અને તેને અર્પણ કરી શકતું સૂર્ય જેવું શ્રેષ્ઠ છે. સાત્ત્વિક ભાવની જાગૃતિથી પોતાના સ્વ સ્વરૂપને જો જાણો, તો જાણ સ્વરૂપે પ્રભુ સાથેની આત્મીયતા, નિકટતા, નિ:સ્વાર્થ પ્રેમના સાત્ત્વિક આચરણ રૂપે પ્રદર્શિત થાય. પછી સુખ-દુ:ખના, શુભ-અશુભના, વાદવિવાદ ન રહે, પણ ભક્તની જેમ સ્વ અનુભૂતિના સંવાદ રૂપે પ્રભુ સાથેની આત્મીય પ્રીતનો આનંદ અનુભવાય.
પ્રભુ સાથેનો સંબંધ જો નિકટ થાય, તો અખૂટ મળે સાત્ત્વિક વિચારોનો ખોરાક;
થયાં કરે પછી ખરી વાત અને ખરી પડે સીમિત સમજના મનનાં વાદવિવાદ;
સ્વ સંવાદની સ્વાનુભૂતિમાં થાય અંતરની સૂક્ષ્મતાનો સહવાસ, જે અર્પે તૃપ્તિનો આનંદ;
સ્વયંની સૂક્ષ્માતીત સ્થિતિના અણસારા મળે અને મન બને પ્રભુ સંબંધનું આત્મીય તીર્થ ધામ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા