Article Details

માનવીમાંથી ભક્તનો પ્રાદુર્ભાવ

માનવી જીવે છે મનથી, ઈન્દ્રિયગમ્ય વિષયોનો આનંદ માણે છે મનથી. એટલે મનની વિચારવાની, સમજવાની કે ક્રિયા-પ્રતિક્રિયા કરવાની શક્તિ વગરના જીવનની કોઈ મહત્ત્વતા નથી. તેથી જ દરેક માનવીએ પોતાના મનને ઓળખવાની, એના સ્વરૂપને જાણવાની, એટલે કે મનની વિશિષ્ટ શક્તિની મહત્તાથી જાણકાર થવું જોઈએ. એવી જાણકારી રૂપે મનની દીર્ઘ દૃષ્ટિ ખીલતી જાય, સર્જનાત્મક વિચારોનું કૌશલ્ય ખીલતું જાય છે. મનથી મનને જાણવું એટલે મહાભૂતોની પ્રકૃતિથી પરિચિત થવું. આકાશ-વાયુ-અગ્નિ-જળ-પૃથ્વી તથા સૂર્ય-ચન્દ્રની ઊર્જા શક્તિથી દરેક દેહધારીનું જીવન ગૂંથાયેલું છે. અર્થાત્ વાયુ, અગ્નિ, જળ વગેરેનું પ્રકૃતિ રૂપી અન્ન આપણાં જીવનનો પોષક આહાર છે. જે પ્રકૃતિની ઊર્જાથી દેહનું ઘડતર થયું, તેનાં જ પોષણથી વિકાસ-વૃદ્ધિનું જીવન જીવી શકાય છે. તે ઊર્જાનું પોષણ દેહધારી જીવનને પોષે છે અને પ્રારબ્ધગત સંસ્કારો મુજબ વૃદ્ધિગત ઉછેર કરે છે. પરમાત્મ શક્તિના પ્રતિનિધિ છે મહાભૂતો સ્વરૂપની અણુ ઊર્જા. માનવી મોટેભાગે આ પ્રતિનિધિઓની સમર્પણભાવની ક્રિયાઓથી, સૌનું શ્રેય થાય એવાં અર્પણભાવની સેવાથી અજાણ રહીને જીવે છે. એટલે મનની ગુણિયલ સ્વભાવની સાત્ત્વિકતા સહજ જાગૃત થતી નથી અને શરીરની વૃદ્ધ અવસ્થામાં મન પણ વૃદ્ધ થાય છે.             

                મનનું વૃદ્ધ થવું એટલે યાદ રાખવાની સ્મરણ શક્તિ ઓછી થવી, સમજવાની કે ગ્રહણ કરવાની શક્તિ ઓછી થવી. જેનાં લીધે મહાભૂતોની પ્રકૃતિમાં સમાયેલું આત્મીય ગુણોનું સાત્ત્વિકભાવનું પોષણ મન ધારણ કરી શકતું નથી. મહાભૂતોની પ્રકૃતિના સંગમાં સતત રહીએ છીએ, પણ કદી તેઓની સૂક્ષ્મ કાર્યવાહીને જાણવાનો પ્રયત્ન નથી કરતાં. દરેક માનવીનો સંબંધ મહાભૂતોની પ્રકૃતિ સાથે છે. તેથી તે પ્રકૃતિને જાણવાનો, પરિચિત થવાનો પુરુષાર્થ કરવો, એ છે માનવી મનનો ધર્મ. સામાન્ય રૂપે માનવી નોકરી-ધંધાના કાર્યો કરવામાં એટલો વ્યસ્ત રહે છે કે, જે પોષણને મેળવે છે, જેનાં આધારે જીવન જિવાય છે તેને જાણવાનો એની પાસે સમય નથી!! લૌકિક જીવનના વ્યવહારમાં જો કોઈ આપણી સેવા કરે, આપણને રૂપિયાની મદદ કરે, તો આપણે સન્માનપૂર્વક એનો આભાર જેમ માનીએ છીએ; તેમ પરમાત્મ શક્તિના પ્રતિનિધિઓનું અહોભાવથી સન્માન થાય, તો મનની અહંકારી વૃત્તિઓ પરોપકાર ભાવની સેવા વૃત્તિમાં ફેરવાતી જાય. પરંતુ તે માટે વૈજ્ઞાનિક જ્ઞાનનો સહારો લેવો પડે. વૈજ્ઞાનકિ જ્ઞાનના સહારે અખંડ ગતિથી થતી પ્રકૃતિની સેવાને જાણવાનો પુરુષાર્થ થશે, ત્યારે મન આશ્ર્ચર્યમાં ડૂબી જશે.

                વૈજ્ઞાનિક જ્ઞાન રૂપી ચશ્માથી પરમાત્માએ સર્જાવેલી પ્રકૃતિને જાણવાથી મનની સૂક્ષ્મ દૃષ્ટિ ખીલે છે. મનની આશ્ર્ચર્ય સ્થિતિમાં જ સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે થાય. પ્રકૃતિની ક્રિયાઓને જાણવામાં, પરમાત્માએ જીવંત જીવન રૂપે સર્વસ્વ અર્પણ કર્યું છે એવાં અહોભાવમાં મન સ્થિત થાય. પછી જ પરમાત્મા સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ થતી જાય અને મનની વિશાળતા ધારણ થાય, ત્યારે સાત્ત્વિકભાવની જાગૃતિથી કાર્યો થતાં અકર્તાભાવ જાગૃત થતો જાય. ‘હું કર્તા નથી, હું પ્રભુમાં માનું છું કે મને પ્રભુ માટે પ્રેમભાવ છે’ એવી વાતો પછી મહાસાગરના એક બિંદુ જેવી લાગશે. કારણ હું પોતે મહાભૂતોની પ્રકૃતિનો અંગત સ્વજન બની ગયો. જેનાં સ્વજન બન્યાં તેનાં જેવું વર્તન કરવાનું પછી મુશ્કેલ ન લાગે. પ્રકૃતિ રૂપી પોતાના સ્વજનોને, મહાભૂતોના સભ્યોને જાણવામાં મનની અહંકારી સ્વભાવની અજ્ઞાનતા કે રાગ-દ્વેષવાળી ભેદભાવની દૃષ્ટિનો અવરોધ વિલીન થતો જાય.

                મોટેભાગે માનવી એવું માની લે છે કે પ્રકૃતિ જગતનું તંત્ર એની મેળે ચાલ્યાં કરે છે. પરંતુ આપણાં વિચાર-વર્તનની અસર મહાભૂતોની પ્રકૃતિ પર પડે છે. જેનાં લીધે વાયુ, પાણી, ભૂમિ, ઋતુ, વાતાવરણ વગેરેની કુદરતી ક્રિયા અસ્તવ્યસ્ત થાય છે. જે જીવલેણ રોગના જંતુઓને જગાડે છે. એટલે કુદરતી આફતો, કે રોગચાળાની મુશ્કેલીઓ માનવીના અજ્ઞાની અહંકારી વર્તનથી આવે છે. જીવન દરમિયાન મન જો વાયુ, પાણી, કે ધરતીમાતાના અંગત સ્વજન બની, વંદનભાવથી, અકર્તાભાવથી પોતાના કાર્યો કરે, તો અમુક નક્કી કરેલાં સમયની સત્સંગની પ્રવૃત્તિ કરવી નહિ પડે. કારણ પ્રભુના પ્રતિનિધિઓની સંગમાં, તેઓની જેમ મન પણ સમર્પણભાવથી જીવે, તે છે ભક્તિનું આચરણ. મન પછી બની જાય ભક્તિનું સ્વરૂપ. એવું મન પ્રવૃત્તિની જેમ ભક્તિ ન કરે, કારણ ભક્તિની ભાવ શક્તિ જાગૃત થઈ હોવાંથી, તે જે પણ કાર્ય કરે તે ભક્તિભાવથી થતું રહે છે. ભાવની જાગૃતિ એટલે જ અજ્ઞાની સંકુચિત માનસનું વિશાળ થવું. વિશાળ મનનો સાત્ત્વિકભાવ પ્રકૃતિને સ્વજન માની પ્રકૃતિનો નિવાસી બને છે. વાસ્તવમાં દરેક દેહધારી જીવ પ્રકૃતિનો નિવાસી છે, પણ મનની અજ્ઞાનતાના લીધે નિવાસીને પ્રકૃતિની ક્રિયાઓમાં સમાયેલું પ્રભુનું સાત્ત્વિક ગુણોનું પોષણ પ્રાપ્ત થતું નથી. સાત્ત્વિક ગુણોના પોષણથી વંચિત રહેતું મન, જ્ઞાન-ભક્તિના પથનો પ્રવાસી બની શકે એવી પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ.

 

                પ્રવાસીએ એવી સ્થિતિ સર્જાવવી જોઈએ, કે પ્રકૃતિને ગમે એવો તે નિવાસી થાય;

                તે માટે મનનાં સંકુચિત વિચારો જ્યારે બની જાય પ્રકૃતિના વિશાળ વિચારોનો ચારો;

                ત્યારે પ્રકૃતિનો ચારો ઉતારે પ્રભુના સાત્ત્વિક ગુણો અને આચાર-વિચાર બદલાવે;

                પ્રકૃતિનો ચારો એ જ મનનું આરોગ્ય જો થઈ જાય, તો પ્રકૃતિના સાચા નિવાસી થવાય.

 

                પ્રકૃતિની વિશાળતાના વિચારોની દૃષ્ટિ કેળવતાં કેળવતાં, તમે પોતે વિરાટ છો એવું જણાશે;

                વિરાટભાવ એ જ છે આત્મભાવ અને આત્મભાવ એ જ છે વિશેષ સ્વ અનુભૂતિ;

                પ્રભુ આત્મભાવની પ્રીતથી અણગીન પદાર્થ ચિત્રોનું સર્જન સૃષ્ટિ રૂપે સર્જે છે;

                એ જ પદાર્થ ચિત્રોનો ભાવાર્થ સમજાવતાં ચિંતનથી, પ્રભુ જેવો આત્મભાવ તમારો થશે.

               

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા