Article Details

સાત્ત્વિક ગુણોના આભૂષણોની શોભા ધારણ થાય...

પ્રભુની પ્રાણ શક્તિ વાયુદેવ સ્વરૂપની ઊર્જા શક્તિ સાથે સૌના દેહમાં પ્રવેશ કરે, તે છે સર્વેને ક્ષણે ક્ષણે અર્પણ થતી પ્રભુની અણમોલ ભેટ. વર્તમાન સંજોગોમાં પ્રાણવાયુની જરૂરિયાતને માનવીએ જાણી, પણ પ્રાણવાયુની ટાંકીથી વધારાના શ્ર્વાસની ભેટ પ્રાપ્ત ન થઈ શકે એ જ્યારે સમજાય, ત્યારે શ્ર્વાસની હાજરીની મહત્તા સમજાય. અમૃત સ્વરૂપના શ્ર્વાસમાં ક્ષણેક્ષણના સંગાથને અહોભાવથી સ્વીકારવો જોઈએ, એટલે કે શ્ર્વાસની અમૂલ્યતાને જાણવી જોઈએ. એવી જાણ સ્વરૂપે મનનો વિચારવાનો ઢાળ બદલાતો જાય. કારણ મનોમન એટલું સમજાય કે, પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જા, જે ક્ષણે ક્ષણે શ્ર્વાસ રૂપે અર્પણ થાય છે તેનું સર્જન કોઈ માનવી કરી શકે એમ નથી. મન-બુદ્ધિના કૌશલ્યથી તેને મેળવી શકાય એમ નથી. માનવી શિક્ષણની ગમે તેટલી ઉચ્ચ પદવીનું સન્માન મેળવે, અથવા એશો આરામનો વૈભવ રૂપિયાથી મેળવે, અથવા અન્ન, વસ્ત્ર, રહેઠાણની બહુમૂલ્યવાન સ્થિતિને પ્રાપ્ત કરે. પરંતુ એ સર્વે ભોગ્ય પદાર્થોની કે માનસિક ચતુરાઈની પ્રાપ્તિથી શ્ર્વાસનું ધન ખરીદી શકાતું નથી.

       આ સત્યનો મર્મ જે સમજીને ગ્રહણ કરે, તેનાં હું પદના અહંકારી સ્વભાવનું પરિવર્તન થાય છે. હું મારા બુદ્ધિબળથી દુનિયાની કોઈ પણ વસ્તુને કે પરિસ્થિતિને મેળવી શકું છું. એવાં કર્તાભાવનો અહંકાર જ્યાં હોય, ત્યાં મારું-તારુંની ભેદ દૃષ્ટિથી વ્યવહાર થયાં કરે અને હજી ઘણું મેળવવાનું બાકી છે એવી ઈચ્છાઓને લીધે મનમાં અપ્રાપ્તિની ખોટ અનુભવાતી રહે છે. આવું અપ્રાપ્તિથી પીડાતું અહંકારી માનસ પોતાના બુદ્ધિબળની ચતુરાઈને પુરવાર કરવાના પ્રયત્નથી જીવન જીવે છે. અહંકારી માનવીના જીવનમાં ચિંતા, તાણ, વ્યગ્રતા વધતી રહે છે, જે શારીરિક આરોગ્યને અસ્થિર કરે છે. પ્રૌઢ ઉંમરે તનની એવી અસ્થિરતા વધે, ત્યારે ઔષધ ઉપચારના અવનવાં પ્રયોગોની શોધમાં મન ફરતું રહે અને ઉપચાર તો કરવાં જ પડે. કારણ શરીરના દર્દ, કે પીડાની વેદના સહન કરવી અસહ્ય હોય છે. તેથી જ જો માનવીને યુવાન વયથી શ્ર્વાસના સંગાથની મહત્ત્વતા સમજાય, અહંકારી સ્વભાવથી પોતે જ પોતાના શરીરનું સ્વાસ્થ્ય બગાડે છે એ સમજાય, તો સંસ્કારી વર્તન એટલે કે સાત્ત્વિકભાવની જાગૃતિ તરફ મન ઢળી શકે.

       સાત્ત્વિકભાવની જાગૃતિ, એટલે જીવંત જીવન જિવાડતી પ્રભુની ચેતનાનાં સ્વીકારથી જીવવું. આત્મીય ચેતનાની વાસ્તવિકતાનું દર્શન મનમાં જેમ જેમ સ્પષ્ટતાથી અંકિત થાય, તેમ તેમ સમજ શક્તિ વ્યાપક થતી જાય કે, આ જગતમાં કોઈ પણ સ્થિતિ જન્મે છે અથવા જે પણ સ્થિતિનો આરંભ થાય છે, તેની સાથમાં જ તેનો અંત થવાનો છે તે નિશ્ર્ચિત થયેલું હોય છે. આરંભ-અંતની ક્રિયા સર્વત્ર છે. પોતાના શરીરને જ્યારે પણ જોઈએ, ત્યારે તેનો મૃત્યુ રૂપે અંત થશે એવી સમજથી જીવવું જોઈએ. એવી સમજ જો ગ્રહણ થઈ હોય તો અંત થતી સ્થિતિના દુ:ખમાં કે શોકમાં, મન હતાશ થઈને નિરાશામાં ડૂબી નહિ જાય. એનો અર્થ એવો નથી કે આરંભ થતી સ્થિતિનો હર્ષ અનુભવવો નહિ. સુખદાયક સ્થિતિને મેળવવી, કે એનો ભોગ કરવો, અથવા સુખી રહેવાની ઈચ્છા, એ કંઈ મનની નિર્બળતા ન કહેવાય પણ અજ્ઞાનતા કહેવાય. સ્વ સ્વરૂપથી અજાણ રહેતી મનની અજ્ઞાનતા, જ્ઞાન-ભક્તિના આચરણથી વિલીન થઈ શકે. પછી સુખનું ઉચિત સ્વરૂપ સમજાય અને મારું-તારુંની ભેદ દૃષ્ટિથી થતાં વર્તનની ભૂલ સમજાય.

       મન અજ્ઞાનતાથી જાણકાર થાય, એટલે કે અજ્ઞાનનું જ્યારે જ્ઞાન થાય, ત્યારે સમજાય કે સુખની ઈચ્છામાં, કે મનની અતૃપ્તિમાં પ્રેમની ખોટ હેાય છે. મન પ્રેમને ઝંખે છે એટલે જ ખાદ્ય પદાર્થોના ભોગમાં, અવનવાં વસ્ત્રોના પરિધાનમાં, હરવા ફરવામાં સુખનો અનુભવ કરે છે. એવાં સુખના અનુભવનો પ્રયત્ન સામાન્યજન કરે તે સહજ કહેવાય. પરંતુ જે મન અમૃત સ્વરૂપના શ્ર્વાસના સંગાથની વાસ્તવિકતાને જાણે છે એ દુન્યવી પદાર્થોના ભોગમાં જ સુખને અનુભવે, તે મન અજ્ઞાની કહેવાય. એટલે સામાન્ય જનની સુખ પ્રાપ્તિની ઝંખનાને મનની નિર્બળતા ન કહેવાય, પણ જિજ્ઞાસુ ભક્ત જે વાસ્તવિકતાની સમજથી જીવન જીવે છે, તે જો દુન્યવી પદાર્થોના સુખની શોધમાં રહે, તો તે મનની નિર્બળતા કહેવાય.

      

       અવિનાશી પ્રાણ શક્તિનો સંચાર ક્ષણે ક્ષણે સૌ જીવંત કૃતિઓમાં થતો રહે છે;

       પ્રાણનાં સંગાથને ભક્ત અનુભવે

અને સમજી જાય કે સુખના સાથમાં સોનું નથી;

       નહિ તો સોનાના આભૂષણો પહેરવા છતાં માનવીને સૂનું લાગે છે

અને સુખની શોધમાં રહે છે;

       અવિનાશી સોનીનો સંગાથ અનુભવાય,

તો સાત્ત્વિકગુણોનાં આભૂષણોની શોભા ધારણ થાય.

 

       શ્ર્વાસનો સંગાથ અનુભવવો એટલે પ્રભુની ચેતના જિવાડે છે એવો વિશ્ર્વાસ દૃઢ થવો. દૃઢ વિશ્ર્વાસ રૂપે નિશ્ર્ચિત થાય કે, "મેં કરેલાં કર્મોના પરિણામ રૂપે આ જીવન મળ્યું છે. મારા અતૃપ્ત કર્મસંસ્કારોને તૃપ્ત કરાવતાં કાર્યો કરવા માટે દેહધારી જીવન જીવવાનું છે અને મનની ભીતરમાં સુષુપ્ત રહેલી સાત્ત્વિકતાને જ્ઞાન-ભક્તિના સદાચરણથી જાગૃત કરવાની છે.” આવી નિશ્ર્ચિત દૃષ્ટિથી પ્રભુના સંગાથની પ્રતીતિ થયાં કરે. એવી પ્રતીતિનો સંગાથ હોય તો ઈચ્છાપૂર્તિના કાર્યો સહજતાથી થાય તથા જ્ઞાન ભક્તિના સદાચરણનું માર્ગદર્શન પણ ધારણ થતું જાય. દુન્યવી પદાર્થોના ભોગનું આકર્ષણ પછી આપમેળે ઘટતું જાય. એટલે જે નથી તેને પામવાનો કે મેળવવાનો સંઘર્ષ મનમાં ઓછો થતાં, જેનો સંગાથ છે, જેની પ્રાપ્તિ છે, તેનાં સાથને મન માણતું જાય. પ્રભુના સંગાથને મન માણે, ત્યારે નિ:સ્વાર્થ પ્રેમની ધારા સહજ પ્રગટે અને પ્રભુના સંગાથની પ્રસન્નતા, આનંદ અનુભવતા જીવન જીવાતું જાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા