Article Details

મારે આપના થવું છે

આવતી કાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે. જ્ઞાની ભક્તોએ શ્રવણ મહિનાનો પાવનકારી ઉદ્ેશ દર્શાવ્યો છે. શ્રાવણ એટલે મનનું શ્રેય જેમાં વણાયેલું છે એવાં સાત્ત્વિકભાવથી પરમાર્થી કાર્ય કરવાનો અવસર. જેથી સંસારી કાર્યોમાં વ્યસ્ત રહેતું મન ભક્તિભાવ તરફ ઢળી શકે. વાસ્તવમાં ભક્તિભાવથી ચિંતન અમુક સમય પૂરતું જ ન કરવાનું હોય. જેમ બે કે ત્રણવાર ખાઈને શરીરના સ્વાસ્થ્ય માટેનું યોગ્ય પોષણ મેળવીએ છીએ; તેમ મનનાં સ્વાસ્થ્ય માટે પણ સાત્ત્વિક વિચારોનાં ચિંતનનું પોષણ, દિવસ દરમિયાન ધારણ કરવું અતિ મહત્ત્વનું છે. સાત્ત્વિકભાવનું સ્વાસ્થ્ય જેમ જેમ વધતું જાય, તેમ તેમ સ્વાનુભૂતિની અંતરયાત્રામાં મન સ્થિત થતું જાય અને જગત-જીવન-જગન્નાથની ઐક્યતાનું રહસ્ય પરખાતું જાય. મનથી આ રહસ્યને પૂર્ણ રૂપે જાણી કે સમજી શકાય એમ નથી. કારણ સંસારી અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓના સંસ્કારો, મન પર આવરણની જેમ હોવાંથી, સૂક્ષ્મ સૃષ્ટિની વાસ્તવિકતાને જાણવાની સમજ શક્તિ જાગૃત થતી નથી. છતાં ભક્તિભાવની નિષ્ઠાથી મનનું સાત્ત્વિકભાવનું સ્વાસ્થ્ય જો ધારણ થાય તો રહસ્ય પરખાતું જાય.

       સંસારને ભોગવવાની અતૃપ્ત ઈચ્છાઓ આવરણની જેમ અવરોધક ત્યારે બને, જ્યારે અહમ્ વૃત્તિના અહંકારથી, રાગ-દ્વેષના ભેદભાવથી વર્તન થાય. અહમ્ વૃત્તિઓનું સમર્પણ થાય અને મન ભક્તિભાવમાં સ્થિત થઈ શકે, તે ઉદ્ેશથી જ જ્ઞાની ભક્તોએ શ્રાવણ મહિનાનું પાવનકારી માંગલ્ય દર્શાવ્યું છે. ભક્તિભાવ તરફ ઢળવા માટે આરંભમાં મંદિરે જવું, ઉપવાસ કરવા, જપ કરવા, શ્રવણ કરવું વગેરે પ્રવૃત્તિ જરૂરી છે. તે આરંભિત પ્રવૃત્તિઓનો સંકેત આચરણ રૂપે ધારણ થતો જાય, પછી એવી પ્રવૃત્તિઓ નિયમના બંધનથી કરવી ન પડે. જ્યાં ઘડિયાળના સમયથી થતી યમ-નિયમની પ્રવૃત્તિઓનું બંધન ન હોય, ત્યાં સ્વમય ભક્તિની અંતર યાત્રાની મુક્ત ગતિ હોય. સ્વયંની એવી મુક્ત ગતિમાં ગતિમાન થવા માટે તથા પ્રભુ સાથેની આત્મીય ઐક્યતાની અનુભૂતિમાં લીન થવા માટે સાત્ત્વિકભાવનું સંવેદન જાગૃત થવું જોઈએ. ભાવની નિષ્કામ સંવેદનામાં સ્વયંની અનુભૂતિનો પ્રકાશ ધારણ થાય અને સંસારી ઈચ્છાઓની અતૃપ્તિ વિલીન થતી જાય. મનની એવી વિશુદ્ધ અવસ્થાની વિશાળતા એટલે જ પ્રેમભાવની નિ:સ્વાર્થતા.

       પ્રેમભાવની સાત્ત્વિકતાનો ઉજાગર કરાવતી સ્વમય ભક્તિમાં સ્થિત થવા માટે, જિજ્ઞાસુ ભક્ત શરણભાવથી એકરાર કરતો રહે કે, "હે પ્રભુ! હું બાળક હતો અને નિશાળમાં જવાનું શરૂ કર્યું, ત્યારે ક, ખ, ગની બારાખડી તથા એકથી સોના આંકડાં વિશેનું શિક્ષણ મેળવતો હતો. ધીમે ધીમે ઘરના વડીલો સાથેનું, મિત્રો સાથેનું તથા નિશાળનું જીવન જીવવાનું શીખતો ગયો. યુવાન વયનો જ્યારે થયો અને મહાવિદ્યાલયમાં (કોલેજમાં) જવાનું શરૂ કર્યું, ત્યારે ખબર પડી કે પ્રેમની ભૂખ એટલે શું? એકબીજા સાથે પ્રેમથી આદાનપ્રદાન કરવાનું શીખતો ગયો અને યુવાન વયના જીવનને માણતાં માણતાં દેહધારી જીવનનું તાત્પર્ય ગ્રહણ કરતો ગયો. પરંતુ જ્યારથી આપની ભક્તિમાં હું ઓતપ્રોત થયો, તે ક્ષણથી પ્રેમની ભાષા બદલાઈ ગઈ. પ્રેમના સંવેદનને ઝીલતો ગયો અને અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થતાં હું આપનામાં વીંટળાતો ગયો. પછી હું છું એવું ભાન જે ક્ષણથી વીસરી જવાયું, તે ક્ષણથી ગ્રહણ થતું ગયું કે, આ જીવંત જીવનનું રહસ્ય શું છે. આ દેહધારી જીવન જે પ્રકૃતિ જગતમાં જીવે છે, તેની જગન્નાથ સાથેની ઐક્યતાની પ્રતીતિ પછી થતી ગઈ...

       ...દેહધારી જીવનની સંગાથે પેલીપારની અનંત યાત્રા કરવાનો ઉદ્ેશ જેમ જેમ સ્પષ્ટ થતો ગયો, તેમ તેમ સંસારી ભોગની આસક્તિ ફેરવાઈ ગઈ આપના પ્રકાશિત દર્શન કરવાની ઈચ્છામાં. જે મનમાં સંસારી વિચારોની ગાંઠો બંધાતી હતી તેનાં બદલે સાત્ત્વિક વિચારોની હારમાળા આપમેળે ગૂંથાતી રહી અને મારું-તારું કે આપણું છે એવી વિભાજીત દ્રષ્ટિ આપની કૃપા ધારામાં ઓગળતી ગઈ. તેથી હે પ્રભુ! મુજ પર એટલી કૃપા વરસાવજો, કે જ્યાં સુધી આ દેહધારી જીવન જીવું ત્યાં સુધી લૌકિક બાહ્ય જીવનના, કે અલૌકિક અંતર જીવનના હરેક પ્રકારના કાર્યોને વફાદારી પૂર્વક હું નિભાવતો રહું. જેથી સમર્પણભાવથી, સોઽહમ્ભાવથી, કરુણાભાવથી આપની ભગવત્ ભાવની શક્તિમાં એકરૂપ થઈ શકું. અમાપ ભક્તિનું સાત્ત્વિક ભાવનું દાન ધારણ થતું રહે એવી આપની અનન્ય પ્રીતમાં સ્નાન કરાવજો.”

       આવો એકરાર શરણભાવથી થયાં કરે અને ભક્તના હૃદયમાં એવું રુદન થયાં કરે કે, આટલી મહાન શક્તિ એક પાંચ-છ ફુટના માનવ દેહમાં બંધાઈને, મને જીવંત સ્થિતિનું પોષણ અર્પણ કરવાની સેવા કરે છે! જે મહાસાગરની જેમ વહે છે, જેનું ઊંડાણ મનથી જાણવું લગભગ અશક્ય છે, જેની પ્રકાશિત ગતિની દિવ્ય પ્રીતને કોઈ સંસારી સંબંધોના પ્રેમ સાથે સરખાવી શકાય એમ નથી. તે મહાન શક્તિ મહાભૂતોના અણુ સ્વરૂપે પ્રગટે છે અને ઊર્જા શક્તિનું દાન અર્પે છે! સ્વમય ભક્તિના આવા પ્રભાવમાં વૃત્તિ-વિચારો શાંત થતાં જાય. વૃત્તિઓનું મૌન થવું, એ છે ધ્યાનની એકાગ્ર સ્થિતિનો ઉદય. ભક્તની એવી મૌન સ્થિતિ દ્વારા જ્યારે ભક્તિભાવના વહેણ વહે, ત્યારે એવી ભક્તિના નિષ્કામ નીરમાં માનવી મન જો ઝબોળાઈ જાય, તો લૌકિક દિશામાં ગમન કરવાને બદલે અંતરગમનની જિજ્ઞાસા જાગૃત થાય. ચાલો આપણે આ શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી પ્રભુને વિનવીએ કે..,

 

       "આપ્નામાં આપ્નામાં આપ્ના થવું છે મારે આપ્ના થવું છે,

              આપ્નામાં સમાઈ જવું છે આપ્ના થવું છે;

       આપો તો અમે લઈ લેશું ને ન આપો તો નહિ માંગશું,

              આપ્નામાં લપાઈ રહીને આપ્ના થવું છે;

       આપ્ના ઉપકારમાં રહીને આપ્ના કારભાર માટે,

              આપ્ની સરભરામાં રહીને આપ્ના થવું છે;

       આપણાપણું ભૂલાવીને પ્રભુ, આપ્ના થવું છે મારે આપ્ના થવું છે,

              જ્યાં જઉં ત્યાં આપ્નું મારે કાર્ય કરવું છે;

       થઈ શકે તો અપ્નાવજો મને, ન થઈ શકે તો જણાવજો,

              ભૂલો ક્યાં થઈ છે એની મને જાણ કરાવજો.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા