Article Details

...અને પ્રભુ પ્રીતના સ્પંદનો અનુભવાય

       મનુષ્ય પાસે વિચાર કરવાની અદ્ભુત કળા છે. તે કળાના લીધે વિચારોની ક્રિયાથી કર્મ કરવાનું વર્તન તથા વાચાના ઉચ્ચારનું વર્તન ધારણ થાય છે. મનનો કોઈ શરીરના જેવો સ્થૂળ આકાર નથી. એટલે કોઈ પણ પ્રકારના વિચારોમાં મન ગૂંથાઈ શકે છે. અર્થાત્ વિચાર કરવાની સ્વતંત્રતા માનવી પાસે છે અને તે પોતે જે વિચાર કરે તે બીજા જાણી ન શકે એવી સ્વાધીનતા પણ માનવી પાસે છે. વિચારવાની સ્વતંત્રતામાં આજનો આધુનિક માનવી યોગ્ય વિચારોને ધારણ કરી શકતો નથી. યોગ્ય વિચારોની ગેરહાજરી એટલે રાગ-દ્વેષના અહંકારી સ્વભાવનું વર્તન. રાગ-દ્વેષાત્મક ભેદભાવના વિચારોની હારમાળા જો મનમાં ગૂંથાતી રહે, તો એવાં ભેદભાવની સંકુચિત દૃષ્ટિથી મન રૂપી વાહનનું સર્જનાત્મક કે રચનાત્મક વિચારોનું સ્વાતંત્ર્ય શિથિલ થતું જાય છે. ગમે તે વિચારો કરવાની સ્વતંત્રતાને લીધે માનવી વિચારોથી માત્ર જગત વિશેની માહિતી ભેગી કરતો રહે છે. પ્રભુની જે દિવ્ય ઊર્જા શક્તિના આધારે મન વિચારી શકે છે, સમજી શકે છે, ક્રિયા-પ્રતિક્રિયાનો ભાવ દર્શાવી શકે છે, તે સહાયભૂત શક્તિથી અજ્ઞાત રહેતા મનની સાત્ત્વિક ગુણોની પ્રતિભા જાગૃત થતી નથી.

       સાત્ત્વિક ગુણોની ઊર્જા શક્તિથી મન વિચારી શકે છે, તેથી સાત્ત્વિકભાવની ગુણિયલતા જાગૃત થાય એવાં સત્કર્મોની દિશામાં પ્રયાણ કરવું જરૂરી છે. જેમ પેટ્રોલથી મોટરગાડી ચાલે છે, તો પેટ્રોલ જ્યાં મળી શકે એવી દિશામાં જ ગાડી ચલાવવાની હોય. રણમાં જો પેટ્રોલ ન મળે, તો પેટ્રોલ જ્યારે ખલાસ થઈ જાય, ત્યારે ગાડી ચલાવી ન શકાય, એટલું જ્ઞાન દરેક મોટરગાડી ચલાવતાં ડ્રાઈવરોને હોય છે. એ જ રીતે મન રૂપી વાહનને ચલાવવા માટે પ્રભુની શક્તિ રૂપી પેટ્રોલ સૌને મળતું રહે છે. પરંતુ રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવથી મનનું વાહન ચલાવીએ તો એકબીજા સાથેના વ્યવહારમાં ઈર્ષ્યા, વેરઝેર, ધિક્કાર, કંકાસ વગેરે નકારાત્મક વર્તન રૂપે એક્સીડન્ટ થયાં કરે. એકબીજાના મનમાં ક્રોધ કે રાગ-દ્વેષ હોવાંથી, મનની ગાડી ખોટકાઈ (અટકી) જાય છે. પ્રભુની શક્તિનું પેટ્રોલ તો મળી રહે છે, પણ અહંકારી, નકારાત્મક વર્તનથી મનની ગાડીનું એક્સીડન્ટ વારંવાર થતાં, સત્કર્મો કરાવતી દિશામાં મન પ્રયાણ કરી શકતું નથી. એવું મન સર્જનાત્મક વિચારોની દીર્ઘ દૃષ્ટિ ગુમાવી દે છે. એટલે અંતર સ્ફુરણની ચેતના પણ સુષુપ્ત રહે છે. તેથી જ પ્રૌઢ ઉંમરે સ્મરણ શક્તિ ઓછી થાય છે. માહિતી રૂપે મેળવેલાં વિચારોની યાદી રહી શકે, પણ મનની ભીતરમાં જે સાત્ત્વિક ગુણોનું કૌશલ્ય સુષુપ્ત રહ્યું છે, તે યાદદાસ્તથી જાગૃત ન થઈ શકે.

       દરેક માનવી પોતાના સ્થૂળ શરીરના આરોગ્યની યોગ્ય સંભાળ રાખે છે. સુપાચ્ય ખોરાક સાથે વ્યાયામથી શરીરનું આરોગ્ય જાળવાનો પ્રયત્ન કરે છે. જેથી કોઈ રોગ, દર્દ, કે પીડાનું દુ:ખ ઓછું અનુભવાય. એ જ રીતે મનની (સૂક્ષ્મ શરીરની) પણ સંભાળ રાખવી અતિ આવશ્યક છે. મનનું જેવું સાત્ત્વિક આચરણનું સ્વાસ્થ્ય, તેટલી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. રાગ-દ્વેષાત્મક વિચારોથી માનવી કર્મ કરે છે, ત્યારે એની અસર એનાં પોતાના શરીર પર પડે છે અને તે ભેદભાવના વર્તનની નકારાત્મક અસર આજુબાજુના વાતાવરણને પણ દૂષિત કરે છે. વર્તમાન સમયમાં વાતાવરણનું, ઋતુનું, પ્રકૃતિની ક્રિયાઓનું સંતુલન જળવાય રહે, તે માટે વૈજ્ઞાનિકો સંશોધન કરે છે. માનવી જ્યારે મનના સ્વસ્થ આરોગ્ય વિશે જાગૃત થાય, ત્યારે શ્રવણ, સત્સંગની મહત્તા સમજાય. જિજ્ઞાસુ ભક્ત સાત્ત્વિક વિચારોનું પોષણ સત્સંગ અભ્યાસથી મેળવે અને સાથે સાથે પોતાના વિચાર-વર્તનની ચકાસણી પણ કરતો રહે છે.

       જિજ્ઞાસુ ભક્ત વાણીથી થતાં કર્મ ખૂબ સાવધ થઈને કરે. કારણ સામાન્ય રૂપે જીવનમાં એકબીજા સાથેના વ્યવહારમાં મોટેભાગે વાણીથી જ ઘર્ષણ થતું હોય છે અને અણબનાવ થતાં સંબંધોમાં પ્રેમને બદલે નફરત ઊભી થાય છે. તેથી ભક્ત હંમેશા પ્રભુએ અર્પણ કરેલા મનના વાહનનો ઉપયોગ ઉચિત રીતે ભાવની નિર્મળતાથી કરે. અર્થાત્ વાણીથી સદ્વચનોનો ઉચ્ચાર થાય, સ્તુતિ કે ભજનોનું ગુંજન થાય, તથા કોઈને દુ:ખ ન થાય એવી વાણીથી વ્યવહારિક કાર્યો કરે. પ્રારબ્ધગત જીવનમાં કોઈ મુશ્કેલી આવે, ત્યારે એવાં આપત્તિના સમયમાં ભક્ત તો પ્રભુ સ્મરણની સંપત્તિનો ઉપયોગ કરે. તેથી ભક્ત હંમેશા સાત્ત્વિક ભાવની જાગૃતિ થાય એવી સાવધાનીથી પોતાના કર્મ કરે. જેથી મનની પારદર્શકતા વધતી રહે અને સ્વયંની અનુભૂતિમાં સ્થિત કરાવતું જ્ઞાતા ભાવનું સંવેદન ધારણ થઈ શકે.

      

       ભક્તિભાવથી સાત્ત્વિક કર્મ થતાં જાય

અને મનની પારદર્શકતા જાગૃત થતી જાય;

       સાત્ત્વિકભાવની નિર્મળતા માનવીને પરોપકારી બનાવે,

ત્યારે પ્રભુનો ઉપકાર અનુભવાય;

       મન પછી વિશાળતાના વિચારોથી અંતરગમન કરતું જાય

અને સ્વયંની ઝાંખી કરતું જાય;

       સાત્ત્વિક મનની પ્રસન્નતામાં અંતર સ્ફુરણની ચેતના પ્રગટે

અને પ્રભુ પ્રીતના સ્પંદનો અનુભવાય.

             

       વિશાળતાના વિચારો એટલે મહાભૂતોની પ્રકૃતિના વિચારો, જે ક્ષણે ક્ષણે નવીન ક્રિયા રૂપે આપણને તે ક્રિયાનું ફળ અર્પણ કરે છે. વાયુદેવની ક્રિયા, જળદેવની ક્રિયા, પૃથ્વી માતાના સહારે ઊગતી વનસ્પતિ જગતની ક્રિયા, વગેરે પ્રકૃતિની ક્રિયાઓના વિચારોમાં મન ફરે, તો માંગણીઓ ઓછી થતી જશે અને સંકુચિત માનસના ભેદભાવ ઘટતાં જશે. કારણ વિશાળતાના વિચારોમાં મનની વિશાળતા પ્રગટતી જાય અને સૂક્ષ્મ સૃષ્ટિથી પરિચિત થતાં જવાય. પછી એકબીજા સાથેની ઓળખાણ માત્ર સ્થૂળ આકારના શરીરથી નહિ થશે, પણ સત્કર્મોના પ્રેમભાવથી એકબીજા સાથેના સંબંધોનું સન્માન જળવાશે, ત્યારે અંતરગમનની સહજતા ધારણ થતી જશે.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા