આ ભવસાગરનો તરવૈયો કાચો
હે નાથ! અંત અનંતની યાત્રામાં, સાથી સંગાથી છે એક માત્ર તું;
તુચ્છ હું છું તે જાણું, કરું છું એટલે વારંવાર વિનંતિ કે તાર તું;
તારી ભક્તિમાં લીન થવા માટે, નિ:સ્વાર્થ પ્રેમની ધારાને જન્માવ તું;
આ ભવસાગરનો તરવૈયો કાચો, તોયે તારા પ્રેમનો હું સગો સાચો.
જે પોતાની ભૂલોનો માત્ર એકરાર ન કરે, પણ વિવેકી દૃષ્ટિથી સમીક્ષા કરે અને ભૂલનું કારણ જાણીને તે પુન: ન થાય એવાં પુરુષાર્થથી જીવન જીવે, તે છે ભક્તિનું માનસ. જેમ મનનું જો વેપારી માનસ હોય તો ક્યારેક ધંધામાં નુકસાન થાય, છતાં પણ તે ધંધો કરવાનું છોડી નહિ દે. વેપારી માનસ વેપાર કરવાની કળાને જાણી, પોતાની ભૂલોને સુધારી, નફો મેળવવા પ્રયત્ન કરતો રહે છે; તેમ ભક્તનું માનસ પણ પ્રેમના આચરણમાં થતી ભૂલોને જાણી, ભક્તિ ભાવમાં લીન થવાનો પુરુષાર્થ કરતો રહે છે. એવાં પુરુષાર્થ રૂપે રાગ-દ્વેષાત્મક અજ્ઞાની સ્વભાવની ભૂલોથી તે જાણકાર થતો જાય. જ્યાં સુધી મન જાણકાર નથી થતું, ત્યાં સુધી અજ્ઞાની વર્તનથી થતાં નુકસાનનો અહેસાસ થતો નથી. સામાન્ય રૂપે માનવી મનની એવી વિશેષ પ્રકારની વિશિષ્ટતા છે, કે જે પણ પરિસ્થિતિમાં ખામીને, ખોટને, કે નુકસાનને જાણી લે, તો તેને દૂર કરવાનો પ્રયત્ન પહેલાં કરશે. મનને વાસ્તવમાં વિકાસ-વૃદ્ધિની જ આબાદી ગમે છે. લૌકિક જગતના વ્યવહારિક કાર્યોમાં, કે ભોગ્ય પદાર્થોને પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં વૃદ્ધિ ગમે, ખોટ કે નુકસાની ન ગમે. તેથી ભક્તનું મન પોતાની અજ્ઞાનતાની જે ખોટ છે, તેને વિલીન કરવા જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક આચરણમાં સ્થિત થવાનો પુરુષાર્થ કરતું રહે છે.
અહંકારી મનની અજ્ઞાનતા માત્ર મનના પ્રયત્નથી, કે જ્ઞાન-ભક્તિના સત્સંગની પ્રવૃત્તિમાં હાજરી આપવાથી વિલીન થતી નથી. તેથી ઉપરોક્ત પદ્ય પદના વિનંતિભર્યા શબ્દોમાં દર્શાવ્યું છે કે, સાત્ત્વિકભાવની જાગૃતિ કરાવતી ભક્તિભાવની યાત્રા માટે વારંવાર આત્મ નિરીક્ષણ કરવું જરૂરી છે. નિરીક્ષણ થાય તો ભૂલોથી મુક્ત કરાવતાં સ્વમય ચિંતનમાં મન પછી સ્થિત થતું જાય. પ્રભુની આત્મીય ચેતનાની વિશાળતાને, કે સર્વવ્યાપકતાને મનથી ગ્રહણ કરવી સરળ નથી. તેથી સત્સંગ-અભ્યાસથી જેમ જેમ સ્વયંથી એટલે કે આત્મીય ચેતનાથી પરિચિત થવાય, તેમ તેમ શરણભાવની વિનમ્રતા જાગૃત થવી જોઈએ. જો સત્સંગની પ્રવૃત્તિ કરતાં મનમાં અભિમાન જાગે, તો સાત્ત્વિકભાવ સુષુપ્ત રહે છે. તેથી ભક્ત સજાગ રહે છે અને આત્મ નિરીક્ષણ કરતો રહે છે. ભક્તિની યાત્રામાં ભક્ત કદી એવું ન વિચારે કે, "હું ભક્તિ કરું છું, હું સ્વમય ચિંતન કરું છું, હું સત્કર્મ કરું છું, હું એકબીજા સાથે પ્રેમથી વર્તન કરું છું અને સમાધાન કરી સંબંધોને જાળવું છું.” આવી હું પદની વૃત્તિનું જ્યાં વર્તન હોય, ત્યાં ભક્તિ સ્વરૂપે સમર્પણભાવની, પ્રેમભાવની, સહજતા ન હોય. તેથી હું ભજું છું એવો વિચાર પણ ન રહે, એવાં ભાવની જાગૃતિ થવી જોઈએ.
કર્મ કરતી વખતે તે સત્ કર્મ છે કે અસત્ કર્મ છે એવી ભેદ દૃષ્ટિ ભક્તમાં ન હોય. તેથી સારું કે ખરાબ એવી વ્યાખ્યામાં બંધાઈને તે કર્મ ન કરે. કારણ કયા કર્મને સત્ કહીશું અને કયા કર્મને અસત્ કહીશું? કર્મના પરિણામને માનવી અનુભવે ત્યારે તે સારું કે ખરાબ છે, એવું પોતાની અપેક્ષાયુક્ત માન્યતાથી માને છે. એટલે ભક્ત તો એક જ માન્યતાથી કર્મ કરે કે, કરાવનાર પ્રભુની ક્રિયા શક્તિ છે તો કરનાર હું નથી. તેથી કોઈ પણ કર્મને કે કાર્યને, અથવા અમુક પ્રવૃત્તિને સારી કે ખરાબ છે એવાં લેબલથી ઓળખવાની ન હોય. એવી ઓળખના બદલે મનની અજ્ઞાની વૃત્તિના વર્તનથી પરિચિત થવું જરૂરી છે. એવાં પરિચય સ્વરૂપે હું (મારી)અને પ્રભુની ઐક્યતા છે, એવી સમજણની પારદર્શકતા જાગૃત થતી જાય.
પ્રભુ સાથેની ઐક્યતા છે, એટલે કે પ્રભુનો હું અંશજ છું, પ્રભુની શક્તિ જ મારા અસ્તિત્વ રૂપે પ્રગટ થઈ છે એવી સમજમાં મનની અજ્ઞાનતા ઓગળતી જાય. સ્વ જ્ઞાન રૂપે એવી સમજ જેમ જેમ જાગૃત થાય, તેમ તેમ મનનું અજ્ઞાની માનસ ઓગળતાં પારદર્શકતા ધારણ થાય અને સ્વયંની સ્મૃતિ રૂપે હું પદની અહંકારી વૃત્તિઓ વિલીન થતી જાય. સ્વયંની સ્મૃતિ વાસ્તવમાં સ્વયંભૂ થાય છે. સ્મૃતિનું સ્વ સ્મરણ ત્યારે જાગૃત થાય, જ્યારે મનથી સ્વીકાર થાય કે, "હું પ્રભુનો અંશ છું, પ્રભુની દિવ્ય ચેતના મુજમાં સમાયેલી છે. પ્રભુની શક્તિથી જ હું જીવું છું. એટલે તો સ્મરણ ભક્તિની કૃપા ધારણ થઈ છે, જે મુજને મારી યથાર્થ ઓળખ કરાવી, મારા આત્મીય ઘરમાં સ્થિત કરાવતી ભક્તિની અંતરયાત્રા કરાવે છે.”
સ્વીકારભાવની આવી શરણાગતિ ધારણ થાય, ત્યારે મન રૂપી નાવ જ્ઞાન-ભક્તિ સ્વરૂપની બની જાય અને તે પ્રભુની આત્મીય શક્તિ રૂપી સરિતામાં સહજતાથી સહેલ કરતી જાય. એવી અંતર સહેલ કરવામાં પ્રભુની સર્વવ્યાપક સત્તાની અનુભૂતિ થતી જાય. પછી પ્રભુ છે એવું વિચારીને સમજવું ન પડે, અથવા પ્રભુની સર્વત્ર હાજરી છે એવી સમજનું રટણ વારંવાર કરવું ન પડે. કારણ જ્ઞાન-ભક્તિ સ્વરૂપની મનની નાવ બની ગઈ હોય સાત્ત્વિકભાવની જાગૃતિ. સાત્ત્વિકભાવની પ્રકાશિત આવૃત્તિમાં અંક્તિ હોય કે ‘પ્રભુની ગેરહાજરીની કદી હાજરી ન હોય’. સૂર્યમાં જેમ પ્રકાશની ગેરહાજરીની હાજરી નથી, તેમ પ્રભુની હાજરી સ્વરૂપે દરેક જીવની હસ્તી જીવે છે. પ્રભુનું દિવ્ય ગુણોનું પ્રભુત્વ જ સર્વે જીવનાં અસ્તિત્વ સ્વરૂપે પ્રકાશિત થયું છે. તેથી ભક્ત પ્રભુની પ્રકાશિત થયેલી ગુણિયલતામાં ભક્તિભાવથી એકરૂપ થવાની અંતરયાત્રા કરતો રહે છે. અનંત ગુણોનું પ્રભુત્વ જ્ઞાની ભક્તની ભક્તિ સ્વરૂપે જ્યારે પ્રગટ થાય, ત્યારે બીજા માનવીઓને ભક્તિ ભાવથી જીવવાનું માર્ગદર્શન મળે છે. જ્ઞાની ભક્ત જેવી ભક્તિમાં સ્થિત થવાની પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા