Article Details

આત્માની પાંખો આત્માને લઈને પ્રકાશમાં ભળી જશે

પ્રારબ્ધગત સંસારી જીવનમાં જો સ્વયંને જાણવાની તરસ જાગે,

તો કર્મસંસ્કારોથી મુક્ત થવાનો રાહ શોધાય;

ખોવાયેલી વસ્તુને શોધી શકાય પણ સાત્ત્વિક વિચારોના રાહને શોધી ન શકાય,

એ રાહ મન બની જાય;

એવું સ્વયંનું સત્ દર્શન મનોમન જો ધારણ થાય,

તો સંસારી વિચારોનો ઢાળ આપમેળે બદલાતો જાય;

સાત્ત્વિક વિચારોના ચિંતન રૂપે પછી રાહનું દર્શન મન બની જાય,

ત્યારે સ્વ સ્વરૂપની ભાળ મળતી જાય.

 

         પ્રભુની આત્મીય ચેતના રૂપી સાગરના આધારે સર્વે દેહધારી કૃતિઓ જન્મે છે અને જન્મીને એમાં જ તરે છે. તેથી માનવીને દેહધારી જીવન જીવવા માટેની, ઊર્જાની ચેતનાને મેળવવા માટે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. આ દિવ્ય ચેતનાનું ઊર્જા પ્રસરણ સ્વયંભૂ ચેતના પોતે જ કરે છે. જેમ ગંગા નદીના વહેણને વહેવા માટે, પાણીનું પોતાનું જ ગતિમાન સ્વરૂપ છે. ગંગા જળના વહેણને વહેવા માટે બીજી કોઈ સ્થિતિનો આધાર લેવો પડતો નથી; તેમ દેહધારી જીવંત જીવન જિવાડનાર પ્રભુની ચેતનાનો શ્ર્વાસ રૂપે પાન કરવાનો પુરુષાર્થ કોઈને કરવો પડતો નથી, કે બીજાનો આધાર લેવો પડતો નથી. અર્થાત્ પ્રભુની આત્મીય ચેતનાનો ઊર્જા સ્ત્રોત, સર્વેને સર્વે કાળે, સ્વયંભૂ સતત પ્રાપ્ત થયાં કરે છે. એવી પ્રાપ્તિની વિના મૂલ્યે અર્પણ થતી શ્ર્વાસની ધારાના લીધે દરેક દેહધારી જીવ સહજતાથી જીવે છે. જ્યાં સહજતા હોય ત્યાં જ્ઞાનેન્દ્રિયથી, કે કર્મેન્દ્રિયથી થતી ક્રિયાઓનો કર્તાભાવ ન હોય. કારણ સૌને વિદિત છે કે શ્ર્વાસની ચેતનાને કોઈ ફેકટરીમાં બનાવી શકાય એમ નથી, કે રૂપિયા ખર્ચીને મેળવી શકાય એમ નથી. એટલે જે સ્થિતિની પ્રાપ્તિ માટે મનથી પુરુષાર્થ થઈ શકે એમ નથી, તે સ્થિતિ માટે કર્તાભાવ, કે માલિકીભાવ ઉદ્ભવતો નથી. વળી સત્ય હકીકત એવી છે કે, માનવીને મોટેભાગે સ્મરણ જ થતું નથી કે તે શ્ર્વાસ લે છે. કારણ જે ક્રિયામાં મનનો પુરુષાર્થ ન હોય, તેનું સ્મરણ મનમાં સ્થપાતું નથી. એટલે જ પ્રભુ સ્મરણ કરવાનો માનવીને પુરુષાર્થ કરવો પડે છે!

         પ્રભુની ચેતનાના આધારે આ પ્રકૃતિ જગત છે અને પોતાની જીવંત હસ્તી છે, એ વાસ્તવિકતાને ગ્રહણ કરવા માટે ચિંતનનો, સત્સંગનો, શ્રવણ કરવાનો પુરુષાર્થ કરવો પડે, તેને કહેવાય માનવીનું મન અને ભક્તનું મન એટલે વહી જતી સરિતાનાં વહેણ. તે પ્રભુની ચેતનાને દરેક પરિસ્થિતિમાં અનુભવે અને ચેતના છે તો હું છું, એવાં શરણભાવથી આત્મીય ચેતનાની પ્રતીતિ કરતો રહે, તે છે સત્ સંગનું સદાચરણ. એવાં સત્ સંગ રૂપે સ્વયંની ઓળખ થાય અને પ્રભુ સાથેની ઐક્યતાથી પરિચિત થતાં જવાય. મન જો જિજ્ઞાસુભાવથી ભક્તની જેમ ચેતનાના સત્ દર્શનમાં ઓતપ્રોત થાય, તો રાગ-દ્વેષાત્મક વર્તનમાં ફરવાનું ઓછું થતું જાય. સ્વભાવનું સાત્ત્વિક આચરણ રૂપે પરિવર્તન થવું એટલું સરળ નથી. તેથી જ્ઞાન-ભક્તિના સત્સંગમાં મનને વારંવાર સ્નાન કરાવીએ, તો સત્ દર્શન ધારણ કરાવતો શરણભાવ જાગૃત થાય. સત્ દર્શન રૂપે જીવંત જીવનનો મહિમા સમજાય, હેતુ જણાય અને સ્વ સ્વરૂપનો, એટલે કે પ્રભુની આત્મીય ચેતનાનો ભાવાર્થ ગ્રહણ થાય. જ્ઞાન-ભક્તિના સત્સંગથી ભાવાર્થ સમજાય, છતાં સ્વભાવનું પરિવર્તન ઝટ થતું નથી. કારણ ભવોના લૌકિક કર્મસંસ્કારો મનમાં સ્થપાયેલાં છે. તે કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનાં ડોકિયાં સત્સંગ વખતે, અધ્યયન કરતી વખતે, કે સ્વમય ચિંતન કરતી વખતે થાય, ત્યારે તે અતૃપ્ત વૃત્તિઓના વિચાર વર્તનમાં આપમેળે મન વીંટળાઈ જાય છે. જે સાત્ત્વિક વિચારોના ચિંતનની ધારાને અટકાવી દે છે.

         સંસારી વિચારોના ડોકિયાં જિજ્ઞાસુ ભક્તની ચિંતનની યાત્રાને અસ્થિર કરે છે. તેથી ઘણીવાર પ્રારબ્ધગત પ્રતિકૂળ સંજોગોમાં જિજ્ઞાસુ મન નિરાશ થઈ વિહ્વળ થાય. એવી વિહ્વળતામાં સ્વયંને જાણવાની, સ્વ અનુભૂતિમાં સ્થિત થવાંની તરસ છૂપાયેલી હોય છે. તે તરસને તૃપ્તિ મળે એવાં સ્વમય ચિંતનનાં વહેણ સહજ વહેતાં રહે, તે માટે જિજ્ઞાસુ મન પશ્ર્ચાત્તાપૂર્વક પ્રભુને પ્રાર્થના કરતું રહે કે, ‘હે પ્રભુ! હું એકરાર કરું છું કે અહંકારી સ્વભાવની અજ્ઞાનતાના લીધે આપના સ્મરણમાં મારું મન પ્રેમભાવથી સ્થિત થતું ન્હોતું. પરંતુ જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપી સ્નાનથી હવે સત્યનું દર્શન સ્પષ્ટ થાય છે. હું જાણું છું કે પ્રારબ્ધગત સંસારી જીવનની રચના મેં જ કરી છે. મન અને આત્મ સ્વરૂપની અભિન્નતાને જાણ્યાં વગર ભવોથી લૌકિક જીવન જીવવાની ઈચ્છાથી જન્મ-મૃત્યુની આવનજાવનમાં ફરતો રહ્યો. સ્વયંથી અજ્ઞાત રહ્યો, એટલે દુન્યવી ભોગને રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવથી ભોગવતો રહ્યો. એવા ભોગમાં તૃપ્તિ ન મળી, એટલે બીજી અનેક અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારો વધતાં ગયાં. મારો અજ્ઞાની અહંકારી સ્વભાવ જ મારા કર્મસંસ્કારોનો રચયિતા છે. અજ્ઞાનવશ હું પોતે દેહ છું એવી માન્યતાથી જીવતો હતો. તેથી દેહ સાથેનાં વ્યક્તિગત સંબંધને, કે વ્યવહારિક પરિસ્તિતિના સંબંધોને માલિકીભાવથી, મારું-તારું-પરાયુંના ભેદભાવતી ભોગવતો રહ્યો અને ખુદ ઈર્ષ્યાની, મોહની, લોભની આગમાં બળતો રહ્યો..!

         ..સગાં-સ્વજનોના દેહના મૃત્યુનો ભાવાર્થ જાણવાનો મેં પ્રયત્ન કર્યો નહિ કે, હું દેહ નથી તો હું કોણ છું! પરંતુ હવે એટલું તો સજાય છે કે, હું દેહમાં નિવાસ કરું છું અને હું એટલે જ કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનો સમૂહ. તે વૃત્તિઓ જ વિચાર-વર્તનથી તૃપ્તિ અનુભવવા માટે માનવ દેહનો આધાર લે છે. કારણ માનવ દેહની તમે ઉત્કૃષ્ટ રચના કરી છે. દસ ઈન્દ્રિયો અને મગજની વિશેષ ભેટ અર્પણ કરી છે. તે ભેટથી સ્વયંને ભેટવાનું છે તે હવે સમજાયું. તેથી નિષ્કામ પ્રેમભાવની જાગૃતિ ધારણ થાય, એવાં સ્વમય ચિંતનમાં સ્થિત થવાંનો પુરુષાર્થ કરું છું. પરંતુ હે પ્રભુ! પ્રતિકૂળ ઘટનાઓમાં મારા મનની સ્થિરતા અસ્થિર થઈ જાય છે. તેથી હૃદયભાવની ઊર્મિથી આપને વિનંતિ કરું છું કે અંતર સ્થિત થવાંનો મને રાહ દર્શાવો. નહિ તો દેહના મૃત્યુ પછી દેહની માટી પંચમહાભૂતોમાં ભળી જશે અને દેહ વગરની સ્થિતિમાં આત્મીય ચેતનાનો સહારો ન મળતાં અતૃપ્ત કર્મસંસ્કારો ભટકતાં રહેશે. પછી તે સંસ્કારો બીજો માનવ જન્મ લેશે. મારે પુન: લૌકિક જીવનમાં બંધાવું પડશે. એટલે કૃપા કરી મુજને સત્ દર્શનમાં ઓતપ્રોત કરી, નિષ્કામ હૃદયભાવની જાગૃતિથી સ્વ અનુભૂતિની અંતર યાત્રામાં સ્થિત કરો.

 

 રાહ દેખાડો, રાહ દેખાડો, રાહ ન જોવાય પળવાર, કાઢું દિવસ રોઈ રોઈ;

 રાખો નહિ તો રાખમાં મળી ક્યાંથી શોધશું, રક્ષા કરો ને રાહ દેખાડો, મારે આપમાં ભળવું;

 રોવું નથી સહેવું નથી આ સંસારની દાહ આગવી,

આવવું છે તારી પાસ પ્રભુ, જ્યોતિ સહારો લઈ;

 માટીની હાંડી ને માટીની કુંડી માટીમાં ભળી જશે,

 આત્માની પાંખો આત્માને લઈને, પ્રકાશમાં ભળી જશે;

 ઉદ્ધાર કરજો આ આત્માનો મને રાહ દેખાડતાં જાવ,

મને રોતો નહિ તમે રાખતાં, મને રાહ દેખાડતાં જાવ.’

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા