ભગવાનનાં ભગવત્ ભાવથી જે વિભક્ત નથી એવાં જ્ઞાની ભક્તનો સ્વભાવ કેવો હોય? વ્યવહારિક જગતમાં એનું વર્તન કેવું હોય? તથા જિજ્ઞાસુ ભક્ત જો આશા-નિરાશામાં બંધાતો હોય તો એને કઈ આશા છે અને કઈ નિરાશાથી તે વ્યથિત થાય છે? એવાં પ્રશ્ર્નોના કોઈ સચોટ ઉત્તર ન મળે, અથવા મેળવવાથી ભક્તની સહજ ઓળખાણ ન થાય. પરંતુ ભક્તની સહજ ઓળખાણ એટલે સમર્પણભાવ, સેવાભાવ, નિ:સ્વાર્થ પ્રેમભાવ, સ્વમય સુમેળભાવ. જ્ઞાની ભક્તનાં સમર્પણભાવનું લક્ષણ એક જ કે,‘હું નથી પણ સર્વત્ર સર્વેમાં પ્રભુની દિવ્ય ચેતના છે અને તે ચેતનાની જ અભિવ્યક્તિ અખંડ ક્રિયા સ્વરૂપે થયાં કરે છે. એટલે જ્યાં હું નથી ત્યાં છે પ્રભુના દિવ્ય ગુણોનું પ્રાગટ્ય.’ જિજ્ઞાસુ ભક્ત આ સત્યને આત્મસાત કરવા, અથવા જ્ઞાની ભક્ત જેવાં પ્રેમાળ લાક્ષણિક સ્વભાવનો ઉજાગર કરવા માટે હું પદની અહંકારી વૃત્તિઓને ઓગાળી શકે એવાં જ્ઞાન-ભક્તિના સત્સંગનો આધાર લે છે.
એવાં આધાર રૂપે તે તન-મનની દેહધારી જીવંત સ્થિતિના આશયથી, પ્રકૃતિ જગતમાં થતી સર્જન-વિસર્જનની ક્રિયાના રહસ્યથી જાણકાર થતો જાય અને એકબીજા સાથેના આદાન-પ્રદાનના વ્યવહારથી પ્રેમાળ વર્તનની મહત્તાને સ્વીકારતો જાય. જેથી સંકુચિત અજ્ઞાની માનસ વિલીન થઈ શકે. જાણકાર મનને જીવવાનો આશય જેમ જેમ પરખાય તેમ તેમ પ્રભુની આત્મીય ચેતના સાથેની ઐક્યતાથી પરિચિત થતાં સંશય, વહેમ, તર્ક, વિતર્ક, હઠાગ્રહ ઓછાં થતાં જાય. મનમાં પછી વિરોધાભાસ ઓછો થતાં, શરણભાવથી ભક્તિમય આચરણના પથ પર પ્રયાણ થતું જાય. ભક્તિના પથ પર જિજ્ઞાસુ ભક્તને એક જ આશ હોય, કે ક્યારે પ્રભુના પ્રકાશિત દર્શન થાય, જેથી પ્રકાશ દર્શન રૂપે પ્રગટેલી દિવ્ય ચેતનામાં અહંકારી વૃત્તિઓનો અહંકાર ઓગળી જાય. ભક્તના મનમાં આવી આશ જાગૃત રહે છે. તેથી એનાં મનમાં દર્શનની આશ સ્વરૂપે એકમની પ્રકાશિત ગતિમાં ગતિમાન થવાની તરસ હોય છે. પ્રભુ દર્શનના વિયોગનો સંતાપ મનમાં જાગે, તેને કહેવાય ભક્તની તરસ. એવી તરસથી તડપતો ભક્ત ગોખેલાં શબ્દોનું કે મંત્રોનું રટણ ન કરે, પણ દર્શનની તરસના લીધે એનામાં વિયોગનો ભાવ છલકાતો રહે. જે વિનંતિના, સ્તુતિના શબ્દોની વાણી રૂપે એનામાંથી પ્રગટે કે,
મારી ભાવભીની ભક્તિમાં એક પ્રાણ પૂરી દો,
મારી અશ્રુભીની વિનંતિ છે મને દર્શન દીધાં કરો;
સંસારમાંથી મુક્ત કરો, સારથિ બની રહો,
પ્રભુ પ્રીતથી આશિષ દો મને દાસ બનાવી દો;
હું શું હતો ને શું થઈશ એ તો તારે હાથ,
જેણે લીધો તારો આશરો સાગર તરાવ્યો પાર.
પ્રકાશિત દર્શનની મહત્તાને ભક્ત જાણે છે, કે દર્શન સ્વરૂપે આત્મીય ચેતનાનું પ્રભુત્વ સ્વયંભૂ પ્રકાશિત થાય છે. એવાં પ્રકાશિત દર્શન ઘણીવાર પોતાના ઈષ્ટદેવના, પૂજનીય ગુરુના, કે અવતારી વિભૂતિઓનાં પણ થાય. પરંતુ શ્ર્વેત પ્રકાશિત જ્યોત દર્શન થાય, ત્યારે પ્રભુની ઐક્યતામાં એકરૂપ કરાવતો પરમાનંદ અનુભવાય અને ત્યારે જ અનુભૂતિ થાય કે પ્રભુનું મિલન તો થયેલું જ છે. એ મિલનની વિસ્મૃતિ થઈ હોવાંથી, મિલન રૂપે મન પ્રકાશિત દર્શનને ઝંખે છે. આવી સમજમાં દર્શનની ફળશ્રુતિ રૂપે ભક્ત અંતરગમનમાં સ્થિત થાય, ત્યારે એને પ્રતીતિ થાય, કે પોતાના સદ્ગુરુ પાસેથી પ્રભુ મિલનના માર્ગે પ્રયાણ કરવાનું જે માર્ગદર્શન મળ્યું, તે અનુસાર વૃત્તિ-વિચારોનું શુદ્ધિકરણ ભક્તિભાવથી થતું ગયું અને પ્રકાશિત દર્શનમાં મનની વિશાળતા એકરૂપ થતાં ભાવનું સંવેદન પ્રગટતું રહ્યું. ભાવનું સંવેદન પ્રગટવું, એટલે નિરાકારિત આત્મીય ચેતનાનું સંવેદન ધારણ થાય અને મનની પારદર્શકતા પ્રગટતી જાય.
પારદર્શક મન એટલે વિચાર-વર્તનમાં નિ:સ્વાર્થ પ્રેમભાવ પ્રગટતો હોય, અર્થાત્ નિ:સ્વાર્થ પ્રીતની ચેતનાનું સંવેદન મનમાં ધારણ થાય, ત્યારે સંવેદન રૂપે સ્વયંથી જ્ઞાત થવાય, એટલે કે વૃત્તિ-વિચારો રૂપે આત્મ સ્વરૂપની જ્ઞાતા મતિ પ્રકાશિત થાય. આવી સારથિભાવની જ્ઞાતા મતિની જાગૃતિ ત્યારે ધારણ થાય જ્યારે સ્વમય ભક્તિની અંતરયાત્રામાં મન ધ્યાનસ્થ થાય. પછી ભવોનાં કર્મસંસ્કારોનાં બંધનથી મુક્ત થવાય. આમ પ્રભુ મિલનની, કે સ્વમય એકમ ગતિની, કે પ્રકાશિત દર્શનની જે પળ ભક્તમાં જન્મી, તે પળે મહાભૂતોની ઊર્જાનું પરિબળ જ્વલંત થયું. મહાભૂતોની ઊર્જાનું ગુણિયલ પરિબળ ભક્તમાં જાગૃત થતાં, એનાં આત્મીય અસ્તિત્વનો તાર જે પરમાત્મા સાથે જોડાયેલો છે તે પણ જ્વલંત થાય અને ભક્ત અંતરની સૂક્ષ્મતામાં એકરૂપ થતો જાય. એવી એકમની સ્વમય ગતિના માર્ગે ભક્તનું અસ્તિત્વ પ્રયાણ કરતું રહે અને સ્વાનુભૂતિમાં, કે પ્રકાશિત દર્શનમાં એકરૂપ થતું જાય.
આમ સ્વમય ગતિમાં ગતિમાન થવા માટે, કે અંતરયાત્રાના ઘડતર માટે, મહાભૂતોની ઊર્જાનું પરિબળ જે પ્રેરક બને છે, તેને વંદનભાવથી, અહોભાવથી ભક્ત સ્વીકારે છે. અહોભાવથી સ્વીકાર કરવો એટલે ‘હું અંતરયાત્રા કરું છું અને ઊર્જાનું પરિબળ મુજમાં જાગૃત થાય છે,’ એવાં અહમ્ કેન્દ્રિત વૃત્તિ-વિચારોને ઓગાળી દેતાં સમર્પણભાવમાં સ્થિત થવું. સમર્પણભાવની જાગૃતિમાં અહમ્ વૃત્તિઓ ઓગળતી જાય અને અંતર યાત્રામાં તલ્લીનતાથી વિહાર થાય. એવી તલ્લીનતામાં ‘હું ભક્ત છું’ એવી વૃત્તિનું વિસ્મરણ થાય છે. અર્થાત્ ભાવનું સંવેદન જાગૃત થાય ત્યારે અંતર ગુણોનું બળ અહમ્ વૃત્તિના આવરણને ઓગાળી દે છે અને પ્રભુ દર્શનની પ્રકાશિત ગતિમાં અસ્તિત્વ એકરૂપ થાય છે. પ્રભુ દર્શનનો કે, એકમની અંતરયાત્રાનો આનંદ માણવા માટે માનવીને જીવંત જીવનની તક મળી છે. તે તક ક્યારે આવશે એવાં વિચારોમાં જિજ્ઞાસુ ભક્ત સમય વેડફે નહિ. પરંતુ શ્ર્વાસ રૂપે મળતી જીવંત જીવનની તકને વંદનભાવથી શણગારે. અર્થાત્ શ્ર્વાસની પાન-અપાનની ક્રિયાને અહોભાવથી, પૂજનીય ભાવથી સ્વીકારવામાં ભાવનો ભ ભળી જાય તકમાં અને બની જાય ભક્તનું અસ્તિત્વ ભાવનો કુંડ. શ્ર્વાસની ગતિ જ સ્વયં તક બનીને પ્રભુ સાથેના મિલનનું સ્મરણ કરાવે છે, તથા જીવંત જીવનના પ્રસંગથી પ્રભુ મિલનના આનંદનો સંયોગ ધરી, પ્રેમભાવના સંવેદનથી એકમની ગતિમાં ગતિમાન કરાવે છે.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા