જિજ્ઞાસુ ભક્તનું જીવન એટલે જેને સ્વયંને જાણવાની, સ્વયંના આત્મીય સ્વરૂપની પ્રતીતિ કરવાની, સ્વયંની પ્રભુ સાથેની એક્યતાને માણવાની ઈચ્છા હોવાથી એ સત્સંગની, આધ્યાત્મિક પ્રવૃત્તિનું જીવન જીવે. જિજ્ઞાસુ મનમાં વ્યવહારિક જીવનની અને આધ્યાત્મિક અંતર જીવનની સ્પષ્ટતા હોય કે, ‘કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં લીધે વ્યવહારિક લૌકિક જીવન તો જીવવું જ પડે. કારણ પોતે કરેલાં કર્મોના ફળ રૂપે લૌકિક સંબંધોનું જીવન મળ્યું છે. તેથી કૌટુંબિક જવાબદારીના કર્તવ્યથી છટકી શકાય એમ નથી. જો સંસારી જીવનને અવરોધક માની પોતાની જવાબદારીના કાર્યો છોડીને સત્સંગ થાય, તો ક્યારેક તે કાર્યોનાં જે અતૃપ્ત કર્મસંસ્કારો છે તેનાં ડોકિયા થાય, ત્યારે મન વધુ બેચેન જાય, અને અસ્થિર થાય. મનની એવી અસ્થિરતામાં આધ્યાત્મિક જીવન રૂપે સ્વમય જાગૃતિનું પાન, કે ઊર્ધ્વગતિનું સોપાન ધારણ ન થાય.’ આવી સ્પષ્ટતાના લીધે જિજ્ઞાસુ ભક્ત જેમ જેમ સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરતો તેમ તેમ સંસારી જીવનના ઉતાર ચઢાવમાં તે અકળાઈ ન જાય, પણ સંજોગો અનુસાર વિચાર-વર્તન કરાવતું તટસ્થ મનોબળ એનામાં વધતું જાય.
આમ જિજ્ઞાસુ ભક્તનું મન સાત્ત્વિક ભાવની જાગૃતિને ધારણ કરાવતી, જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાનો પુરુષાર્થ કરતું રહે છે. એવા પુરુષાર્થી જીવનમાં ઘણીવાર તે હતાશ પણ થાય છે. ક્યારેક પ્રતિકૂળ સંજોગોની મુશ્કેલીથી કંટાળી જાય, અથવા ધાર્યા મુજબનું ઉચિત પરિણામ ન મળે ત્યારે તે વ્યથિત પણ થાય છે. કારણ ભક્તનું મન હોય, કે સામાન્ય વિચારસરણી ધરાવતું માનવીનું મન હોય, તે પ્રેમ લાગણીથી જીવે છે. એ કંઈ યાંત્રિક રોબોટની જેમ વર્તન કરતું નથી. તેથી સુખદ કે દુઃખદ ઘટનાની અસર ચોક્કસ થાય, પણ ભક્તનું મન તે ઘટનાઓની અસરથી કે જલદી મુક્ત થાય છે. એનાં મનમાં પ્રભુની પ્રતીતિ કરાવતાં પ્રકાશિત દર્શનની તરસ તીવ્ર હોય છે. એટલે નક્કી કરેલાં ધ્યેય અનુસાર જ્ઞાન ભક્તિની સરિતામાં તરતાં રહેવાનું એને વધુ ગમે છે. ભક્તનો ધ્યેય એટલે પ્રભુ પ્રીતની દિવ્યતાને જીવતાં જ માણવાનો સંકલ્પ. તેથી ભક્તિની અંતરયાત્રામાં કોઈ પણ પ્રકારના વિકલ્પની અનિશ્ચિતતા ન રહે, તે માટે તે પ્રેમભાવથી પ્રભુને વિનંતિ કરતો રહે છે કે...
શ્યામની શ્યામની શ્યામની રે, મને શા કાજે લાગી આ ધૂન, કોઈ કહેશે ઘેલછા લાગી આ માનવીને, કોઈ કહેશે પરભવનાં પુન; જાણવું નથી કે લાગી આ ધૂન કેમ, મારે માણવો છે આનંદ શ્યામનો રે; સંસારી વાતોનાં કોયડાં ઉકેલવામાં, ચાલ્યો જાય અણમોલ આનંદ; આપના ચરણોમાં જીવન વિતાવવું છે, માર્ગમાં ન મૂકો વિકલ્પ,
ભક્તિભાવથી જીવવાની સ્પષ્ટતા હોવાં છતાં ક્યારેક ભક્તનું મન દ્વિધા અનુભવે છે. કારણ ભક્તિની અંતરયાત્રામાં એક પગલું માંડીએ પછી બીજા પગલાની જાણ ન હોય. ભક્તિનો નિરાકારિત અંતર પથ એટલે સાત્ત્વિકભાવનો ગુણિયલ પ્રવાહ. ભાવની નિઃસ્વાર્થ ધારા જ્યાં હોય ત્યાં વિચારોની હાજરી ન હોય અને સત્સંગની પ્રવૃત્તિ હોય, ત્યાં સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજવાનો અભ્યાસ હોય. એવા અભ્યાસથી મન સ્વયંના સ્વરૂપથી જાણકાર થાય, પણ તે જાણકારીના વિચારોથી અંતરયાત્રા ન થાય. અંતરયાત્રા રૂપે સ્વમય પ્રતીતિ થાય અને સદાચરણના પગલાંથી સ્વાનુભૂતિના અવકાશમાં સ્થિત થવાય. એટલે જિજ્ઞાસુ ભક્ત ઘણીવાર વિવળતામાં ડૂબી જાય કે, “પોતે ખરેખર અંતરયાત્રા કરે છે, કે માત્ર સૂક્ષ્મ સમજમાં તરે છે.’ આવી વિહ્વળતાના લીધે મનમાં પ્રશ્નાર્થના વિચારો ઉદ્ભવે, અથવા પોતાની નબળાઈને, સૂક્ષ્મ અહમ્ને જાણી એનો પશ્ચાત્તાપ કરાવતાં વિચારોનો પ્રવાહ વહેતોહોય કે, ‘“મારી અતૃપ્ત ઈચછાઓને તૃપ્ત કરવા માટે મેં મનુષ્ય જન્મ ધારણ કર્યો છે, કે સાત્ત્વિક કર્મ કરવા માટે મેં જન્મ લીધો છે? પ્રભુની આત્મીય ચેતનાનો હું અંશ છું, તો અંશમાં પ્રભુના ગુણો હોય જ, છતાં મારા વિચાર-વર્તનમાં પ્રભુની ગુણિયલતા સહજતાથી કેમ પ્રગટતી નથી?
...દુન્યવી પદાર્થોની નશ્વરતા(નાશ પામે એવું) જાણવા છતાં, તેને મેળવવાની કે ભોગવવાની ઈચ્છાઓ કેમ ઓછી થતી નથી મારું આત્મ સ્વરૂપ છે દિવ્ય પ્રીતનું, અનંત આનંદનું, તો વર્તન રૂપે પ્રેમની મીઠાશ સહજ કેમ પ્રસરતી નથી? પરિવારના સભ્યો કે મિત્રો-સ્વજનો સાથેના વ્યવહારમાં પ્રેમાળ વર્તન રૂપે પ્રભુની સાક્ષાત્ હાજરી કેમ અનુભવાતી નથી? સંસારના કાર્યો કરતી વખતે સમાધાન રૂપી સમત્વભાવનું ધન ધારણ થાય, એવાં સ્વભાવની સમતોલતા કેમ પ્રગટતી નથી? હિમાલયમાં સખત ઠંડી હોય, એટલે ત્યાંના રહેવાસીઓ જેમ ઠંડી સહન કરવાની સજા નથી ભોગવતા, તેમ મનુષ્ય જન્મ રૂપે પ્રભુએ કોઈ સજા નથી આપી, પણ પ્રેમાળ વર્તનથી, આ પ્રકૃતિ જગત સાથેના આદાનપ્રદાનના વ્યવહારની પ્રસન્નતા માણવાની છે. તેના બદલે હું કેમ ચિંતા, ભય, અસુરક્ષા, કે તાણ અનુભવું છું? કૌટુંબિક જીવનમાં કે આજીવિકાના ક્ષેત્રમાં એકબીજા સાથે તુલના કરીને અજાણતા હરીફાઈ કરતો રહું છું અને જે અતુલનાત્મક પ્રભુની ચેતના છે તેને ભૂલીને સંસારી કોયડાં ઉકેલવામાં વ્યસ્ત કેમ રહું છું?
...હું તું, મારું-તારુંના વિચારોમાં અટવાઈ જવાય છે. એટલે મારો પરિવાર, મારી માલિકીની વસ્તુઓ વગેરે સ્વાર્થી વિચારો મનની ઝોળીમાં ભરાતાં રહે, તો સાત્ત્વિકભાવની, કે નિઃસ્વાર્થ પ્રેમની જાગૃતિ કેવી રીતે પ્રગટે? કે પ્રભુ! ભકિતની અંતરયાત્રામાં સ્થિત થવા માટે હું આતુર છું. પરંતુ સંસારી વિચારોના ડોકિયાના લીધે અંતરધ્યાનની મૌન
સ્થિતિમાં સ્થિત થઈ શકતો નથી. મારી મનની હોડી હજુ બહુ નાની છે, અને નાવિકની જરૂર છે. નાવિક રૂપી સાત્ત્વિકભાવની જાગૃતિ, એટલે કે આત્મ જ્યોતિનો પ્રકાશ પ્રસરે, તો અંતરયાત્રામાં કદી અટકી ન જાઉ.નિરાશા કે હતાશાના વહેણ ઘણીવાર મને એવાં કિનારે બેસાડે છે, જ્યાં નકારાત્મક વિચારો સાથે શંકા જાગે છે કે આ જીવનમાં હું પ્રભુ મિલનના આનંદને, પ્રભુની દિવ્ય પ્રીતને માણી શકીશ કે નહિ! માણવા નહિ મળે તો એનો અર્થ એવો થયો કે મુજમાં ખોટ છે સાત્ત્વિક સંસ્કારોની, જે મને જન્મ-મૃત્યુના દેહધારી જીવનની યાત્રામાં ફેરવ્યાં કરશે!’’ જિજ્ઞાસુ ભક્ત ક્યારેક આવી વિહ્વળતામાં વ્યથિત થાય, પણ વિળતાના વહેણ વહી જાય પછી સંકલ્પની દઢતાના લીધે પ્રભુ કૃપા સ્વરૂપે તે આગળ પ્રયાણ કરે છે. સારાંશ સમજાય કે ભક્તિની અંતરયાત્રામાં ભરતી-ઓટ જેવી સ્થિતિ અનુભવાય, તો પણ વ્યથિત થઈને જે અટકી ન જાય, તે છે ભક્તાની જિજ્ઞાસુભાવની સ્થિરતા.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા