જ્ઞાન ભક્તિ રૂપે અંતર સ્થિત ન થવાય, તો અહંકારી વૃત્તિઓનું આવરણ વધતું જાય;
આવરણથી વીંટળાયેલા મનને ટપારો અને સ્વયંને જાણવાની જિજ્ઞાસાનો અગ્નિ જ્વલંત કરો;
મન પછી સમજશે કે આ હાટડી નથી મારી, એ તો છે હરિની
અને તન-મનમાં ફરે છે હરિની ચેતના;
આવરણ પછી ભક્તિભાવથી વિલીન થતું જાય
અને અંતરગમન રૂપે અવિનાશી સ્વરૂપની પ્રતીતિ થાય.
આપણાં સૌનું જીવન એટલે સંસારી ઘટનાઓની સતત ઉપજતી ઘટમાળ. રોજિંદા કાર્યોની ઘટમાળમાં બંધાયેલું મન પારિવારિક, સામાજિક, આજીવિકાલક્ષી કે શારીરિક કાર્યોની હારમાળા ગૂંથાતું રહે છે. ઘડિયાળના સમયને લક્ષમાં રાખીને એવાં રોજિંદા કાર્યો મન કરતું રહે છે. આવા કાર્યો તન-મનના આકારિત દેહ રૂપી હાટડીના (નાની દુકાન) સહારે થાય છે. હાટડીની સહાયક સ્થિતિ વિશે મનને જ્યારે સમજાય, ત્યારે ઘટમાળ રૂપે થતાં કાર્યોનું કારણ સમજાય કે, માનવ દેહની હાટડી દ્વારા અતૃપ્ત કર્મસંસ્કારોની જે કારણભૂત સ્થિતિ છે, તે કાર્યોની ઘટમાળને પ્રગટાવે છે. દેહની હાટડીના સહારે વિવિધ કાર્યો થાય, એમાં અતૃપ્ત ઈચ્છાઓની તૃપ્તિ થાય અને નવી ઈચ્છાઓની ગાંઠો પણ બંધાતી જાય. દેહને હાટડીની ઉપમા આપી, જેથી સમજાય કે દેહની દુકાન મળી છે પોતે કરેલાં કર્મોના પરિણામથી. જેમ દુકાનદાર પાસે વેંચવાનો માલ હોય તો જ તે દુકાન ખોલીને ધંધો કરે, તેમ મન રૂપી દુકાનદાર પાસે અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારો રૂપી માલ છે. તેથી તે દેહરૂપી દુકાન દ્વારા પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરાવતું જીવન જીવે છે. એટલે તેને ઘટમાળના કાર્યોમાં ગૂંથાવું પડે છે. આમ દરેક માનવીને દેહ રૂપી દુકાન જે પ્રાપ્ત થઈ છે, તે દુકાન મેળવવાનું દ્રવ્ય એટલે જ અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓના કર્મસંસ્કારો. જેના લીધે સતત વિચાર-વર્તનના કર્મ કરવા પડે છે અથવા થયાં કરે છે.
પોતાના દેહની દુકાનને મૃત્યુ રૂપે બંધ કરવાની ચાવી આપણી પાસે નથી. શ્ર્વાસનું અવિનાશી ધન પૂરું થઈ જાય પછી દુકાનદારને દુકાન છોડી દેવી પડે. પરંતુ એની (મન) પાસે અતૃપ્ત ઈચ્છાઓનો ઘણો માલ હોવાંથી તે દેહની દુકાન રૂપે બીજો જન્મ ધારણ કરે છે. આ દેહની દુકાનને ધારણ કરવાનું વાસ્તવિક જ્ઞાન જ્યારે માનવીને સમજાય, ત્યારે તેને પોતાના તન-મનમાં ફરતી આત્મીય ચેતનાને, કે પુરુષાર્થ વગર ક્ષણે ક્ષણે પ્રાપ્ત થતી શ્ર્વાસની ચેતનાને જાણવાની જિજ્ઞાસા જાગે. કારણ તન-મનનાં કાર્યો થાય છે તે આત્મીય ચેતનાની ઊર્જા શક્તિથી. જિજ્ઞાસુ મનમાં સૂક્ષ્મ સમજની હારમાળા ગૂંથાતી જાય કે,"જે શક્તિના આધારે આ દેહની દુકાનનું કાર્ય કરવાનું શક્ય થાય છે, તે આત્મીય ચેતનામાં એવા કયા દિવ્ય ગુણોનું ચૈતન્ય છે, જે તન-મનની હસ્તીને પળે પળે જીવંત સ્થિતિનું પોષણ અર્પે છે!” જો આ ચેતનવંત ઊર્જા શક્તિનો સહારો નથી, તો અતૃપ્ત ઈચ્છાઓને (જીવને/મનને) શરીરના મૃત્યુ પછી ભટકવું પડે છે. તેથી જીવતાં જ હરિની કૃપાથી મળેલી આ દુકાનની મહત્તા સમજવી અનિવાર્ય છે. મહત્તા સમજીને પોતે કરેલાં કર્મોના ફળ રૂપે જે આકારની દુકાન મળી છે, તેને જીવંત સ્વરૂપનું પોષણ આપનાર પ્રભુની ચેતનાની પ્રતીતિ કરવી જોઈએ. પ્રતીતિ રૂપે અનુભવાય કે પ્રભુની ચેતનાની સાક્ષાત્ હાજરી સર્વત્ર સર્વેમાં છે અને તેની ખાતરી થવી એટલે જ દેહની જીવંત સ્થિતિ. સંસારી મન ચેતનાનો અનુભવ કરી શકતું નથી. અનુભવ કરવા માટે મનના લૌકિક વિચારોની આવનજાવન જ્યારે જ્ઞાન-ભક્તિના સદાચરણથી ઓછી થાય, ત્યારે મનની સૂક્ષ્મને ગ્રહણ કરવાની તીક્ષ્ણતા જાગૃત થાય, તે છે હૃદયભાવની જાગૃતિ. મનનું ભાવ સ્વરૂપ સ્વયંની પ્રતીતિ રૂપે અંતરની સૂક્ષ્મતામાં ઓતપ્રોત થાય.
ભાવની જાગૃતિ દેહની ચેતનવંત સ્થિતિની સાત્ત્વિકતાને અનુભવે, એટલે કે સાત્ત્વિકભાવની જાગૃતિ જ્યારે અંતરની સૂક્ષ્મતાને કે વિશાળતાને અનુભવે, ત્યારે આત્મીય ચેતનાની સુષુપ્ત રહેલી દિવ્યતા પ્રકાશિત થાય. એવી સ્વ અનુભૂતિમાં ભક્તનું અસ્તિત્વ વીંટળાઈ જાય અને એનાં દેહની હાટડીમાંથી ચેતનાના પ્રકાશિત તરંગો પ્રસરતા જાય. જે પ્રભુની ચેતનાના આધારે આ દેહ રૂપી હાટડી ધારણ થઈ, તેનું જ પ્રભુત્વ હાટડીના કાર્યોથી પ્રકાશિત થાય, તેને કહેવાય હાટડીનું પવિત્ર મંદિર બની જવું. જ્ઞાની ભક્તો જેવી શ્રેષ્ઠ વિભૂતિઓનો દેહ છે મંદિર જેવી પાવન સ્થિતિ. તેથી એવી શ્રેષ્ઠ વિભૂતિઓના સાંનિધ્યમાં રહેવાનું જો સદ્ભાગ્ય જાગે, તો આપણાં દેહની હાટડીના વૃત્તિ-વિચારો બદલાઈ જાય અને ભક્તિ ભાવનો રંગ લાગી જતાં, મન પર પથરાયેલું અહંકારી સ્વભાવનું આવરણ ઓગળતું જાય.
જે જિજ્ઞાસુ ભક્ત હોય તે મનની રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિઓના આવરણથી પરિચિત થતો જાય. જેથી બીજી નવી લૌકિક ઈચ્છાઓની ગાંઠો બંધાય નહિ. પરિચિત થવું એટલે જ્ઞાન-ભક્તિના સત્સંગથી દેહ અને આત્માના અતૂટ સંબંધની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. એવાં સ્વીકાર રૂપે દેહની હાટડીથી જે પણ કાર્યો થાય, તે અકર્તાભાવથી થતાં જાય. કરાવનાર પ્રભુની ચેતનાની ઊર્જા શક્તિના સ્પંદનો પછી હૃદયભાવથી ધારણ થતાં જાય. ચેતનાના સ્પંદનોનું પાવન દાન મનનું સાત્ત્વિકભાવનું ઑજસ પ્રગટાવતું જાય. સામાન્ય રૂપે માનવી મન પોતાના દેહના મોહમાં બંધાયેલું રહે છે. માનવી શરીરના મૃત્યુને અશુભ ગણે છે અને સ્વજનોના મૃત્યુથી દુ:ખી થાય છે. શરીરના મોહથી છૂટવું સરળ નથી. પરંતુ દેહને જીવંત રાખનાર પ્રભુની આત્મીય ચેતનાનો જો મનોમન સ્વીકાર થાય, તો દુ:ખથી વ્યાકુળ ઓછું થવાય અને મનની સાત્ત્વિક ગુણોની પ્રતિભા જાગૃત થતી જાય. સ્વજનોના મૃત્યુથી પોતાના દેહમાં આત્મીય ચેતનાની હાજરી છે એવો સ્વીકાર થાય છે. કોઈ પણ પ્રાપ્ત થયેલી સ્થિતિની જ્યારે ગેરહાજરી વર્તાય, ત્યારે પ્રાપ્ત હતી તે સ્થિતિનો મહત્ત્વતા માનવીને સમજાય છે. જેમ માતા-પિતાની ગેરહાજરીમાં તેઓની હાજરી રૂપે પ્રેમ, લાગણીનો સંતોષ મળતો હતો તે સમજાય, તેમ પોતાના સ્વજનોના મૃત્યુથી પ્રભુની ચેતનાનો મહિમા દેહની હાટડી રૂપે સમજાય. પછી અહંકારી હું પદની ઓળખ થાય અને જ્ઞાન-ભક્તિથી અંતર યાત્રા સહજતાથી થાય. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા