માનવી પોતાના મનની શક્તિને માપી શકે એમ નથી. કારણ મન છે પ્રભુની આત્મીય ચેતનાનો અંશ અને એની શક્તિ અમાપ છે. જેમ માતા-પિતાના સ્વભાવના, દેખાવના, રીતભાતના વારસાગત સંસ્કારો એમના અંશજ રૂપી બાળકોમાં પ્રદર્શિત થાય છે; તેમ આત્મીય ચેતના રૂપી માતા-પિતાના જે દિવ્ય ગુણોના સંસ્કારો છે, તે અંશજ રૂપી જીવમાં=મનમાં સમાયેલાં છે. તે દિવ્ય ગુણોની વારસદારીને ભોગવવા માટે જ આપણને માનવી જન્મનો પુરસ્કાર મળ્યો છે. એટલે આત્મીય ગુણોનાં સાત્ત્વિક ભાવને મન અનુભવી શકે એમ છે. પરંતુ અતૃપ્ત ઈચ્છાઓનાં આવરણને લીધે, મનની ભીતરમાં સમાયેલો સાત્ત્વિક ગુણોનો ભાવ સુષુપ્ત સ્થિતિમાં રહે છે. મનની એવી સુષુપ્તિના લીધે સ્વયંનું ગુણિયલ કૌશલ્ય, કર્મ-ફળની પ્રક્રિયા રૂપે પ્રગટતું નથી અને પોતે નિરાકારિત હોવાં છતાં મનના વિચારો આકારોની સીમામાં બંધાઈને, પોતે શરીરનો આકાર છે એવાં અજ્ઞાનમાં જીવે છે. જાણે કે અબજો રૂપિયા પાસે હોવાં છતાં એનો ઉપયોગ કરવાનું આવડે નહિ, એવી કંગાળ સ્થિતિ અજ્ઞાની મનની છે. તેથી અજ્ઞાની મન પોતાના આત્મ સ્વરૂપની અમાપ ગુણિયલ શક્તિના સ્ત્રોતથી અજાણ રહીને માત્ર રોજિંદા વ્યવહારના દુન્યવી કાર્યો કરતું રહે છે. દુન્યવી કાર્યો કરવા માટે મનને માત્ર પાંચ કે દસ રૂપિયા જેટલી આત્મીય ઊર્જા શક્તિ જોઈએ. એટલે અબજો રૂપિયા જેટલી આત્મીય શક્તિ મનમાં સુષુપ્ત રહે છે. એ શક્તિને અકર્તાભાવથી કે સમર્પણભાવથી જાગૃત કરવી, તેને કહેવાય ભક્તિનું સાત્ત્વિકભાવનું આચરણ.
ભક્ત તો પ્રભુની આત્મીય શક્તિમાં સમાઈ જવા માટે, એકરૂપ થવા માટે તે શક્તિને ભક્તિ ભાવથી જાગૃત કરવાનો પુરુષાર્થ કરે. અહંકારી મનોવૃત્તિવાળું માનસ તે શક્તિને તપથી, ધ્યાનથી, જાગૃત કરીને સત્તા, કીર્તિ, પદવી મેળવવા માંગે, તેથી તેને રાક્ષસી વૃત્તિ કહે છે. પ્રભુએ તો પોતાના અંશજ રૂપી દરેક જીવને પોતાની દિવ્ય શક્તિનું દાન આત્મ સ્વરૂપે અર્પણ કર્યું છે. અર્પણ થયેલાં દાનને જે મન શરણભાવથી સ્વીકારે અને જેનું છે તેને સમર્પિત કરવાની શરણાગતિથી જીવે, તથા તે દાનની ગુણિયલ શક્તિથી બીજાનું શ્રેય થાય એવાં સાત્ત્વિકભાવથી ઉપયોગ કરે, તે છે જ્ઞાની ભક્તનું સમર્પણભાવનું માનસ. ભક્તનું એવું પરોપકારી, પરમાર્થી માનસ અંતરધ્યાનસ્થ રહે અને પ્રભુના અનંત તત્ત્વગુણોના મહાસાગર તરફ પ્રયાણ કરતું રહે. વર્તમાન સમયમાં એવાં ભક્તો અતિ જૂજ પ્રમાણમાં ધરતી પર વસવાટ કરે છે. એવાં ભક્તોનું સાંનિધ્ય જો મળે, તો મન સાત્ત્વિકભાવની જાગૃતિમાં સહજતાથી સ્થિત થાય અને સ્વયંની ગુણિયલ સંપત્તિનો ઉપભોગ કરાવતી અંતર યાત્રામાં ઢળતું જાય.
પુરાણોની કથાઓ દ્વારા આપણે રાક્ષસી વૃત્તિના આતતાયી (મહાપાપી અથવા જુલમી માણસ) વર્તન વિશે જાણ્યું છે. એવી રાક્ષસી વૃત્તિના મનુષ્યો આજે પણ જગતમાં છે. તેઓની સ્વાર્થી મનોવૃત્તિના વ્યવહારમાં વેરઝેરનું, ધિક્કારનું અને એકબીજા સાથે લડવાનું વ્યસન હોય છે. બીજાનું અહિત થાય તો પણ તેઓ સ્વચ્છંદી સ્વભાવની આપખુદશાહીથી જીવે છે. બીજાને દુ:ખ પહોંચાડીને પોતે સુખમાં રહે એવાં રાક્ષસી વર્તનની અસર, બાહ્ય વાતાવરણની ક્રિયાઓને અને પ્રકૃતિની સહજ ક્રિયાઓને અસ્થિર કરે છે. વર્તમાન સમયમાં ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસી વૃત્તિઓ એવી રીતે છવાયેલી છે, કે માનવીને તે કાદવમાં પગ મૂકવો ન ગમે અથવા એવાં કાદવથી દૂર રહેવાનો પ્રયત્ન કરે, છતાં તેનાં પરોક્ષ રૂપે પડતાં છાંટા સાત્ત્વિકભાવની જાગૃતિ તરફ મનને સહજતાથી ઢળવા નથી દેતાં. એટલે જાગૃતિ માટે મનની સંકલ્પશક્તિની દૃઢતા હોવ જોઈએ. આત્મ સ્વરૂપથી અપરિચિત રહેતી પોતાની અજ્ઞાની સ્થિતિ માટે શરમ અનુભવાય, ત્યારે અજ્ઞાનથી મુક્ત કરવા જ્ઞાન-ભક્તિના રાહ પણ પ્રયાણ થાય. એવાં પ્રયાણ રૂપે સાત્ત્વિક વિચારોનું અધ્યયન થાય અને માનવ જન્મની મહત્તા સમજાય કે, ખાવું, પીવું, ઊંઘવું, ફરવું વગેરે પ્રવૃત્તિ દરેક દેહધારી જીવ કરે છે. પરંતુ માનવી પાસે મન-બુદ્ધિ રૂપે વિચારવાની, સમજવાની, અનુભવવાની કળા છે. તે કળાથી અંતરની સૂક્ષ્મ સૃષ્ટિની પ્રતીતિ કરાવતાં સાત્ત્વિક આચરણમાં સ્થિત થવાય, ત્યારે મનની સુષુપ્તિને જાગૃત કરાવતું ભક્તિભાવનું પરમાર્થી સદાચરણ ધારણ થાય.
મનનાં સંકુચિત માનસને ભક્તિભાવની સાત્ત્વિકતામાં ઓતપ્રોત કરવા માટે, વિચારોને વળાંક આપવો પડે. એવા વળાંક રૂપે મન જો પોતાના શરીરમાં, આપમેળે સતત થયાં કરતી પ્રક્રિયાઓનો સંદર્ભ જાણવાનો પ્રયત્ન કરે, તો પ્રભુની ચેતના માટે અહોભાવ પ્રગટશે. કારણ પ્રભુની ચેતનાની હાજરીના લીધે તન-મન-ઈન્દ્રિયોના દેહની જીવંત સ્થિતિ છે. તે ચેતનાના આધારે શરીરમાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ સતત થઈ શકે છે. એ જાણીને આદરભાવથી, પૂજનીય ભાવથી મનમાં સ્વયંના આત્મ સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા જાગૃત થશે. એવી જિજ્ઞાસા સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં મનને ઓતપ્રોત રાખે, ત્યારે સંકુચિત માનસની ભેદભાવની દૃષ્ટિ વિલીન થતી જાય. પછી બાહ્ય વાતાવરણની પ્રકૃતિમાં સમાયેલી પ્રભુની ગુણિયલ ચેતનાની ઉપસ્થિતિ અનુભવાય અને મનનું માનસ વિશાળ થતું જાય, તેને કહેવાય સાત્ત્વિકભાવની જાગૃતિ. એવી જાગૃતિમાં દુન્યવી વિષયોની આસક્તિથી મુક્ત થવાય અને ભક્તિ સ્વરૂપે ભક્તમાં સાત્ત્વિક ગુણો પ્રગટતા જાય. સાત્ત્વિક ગુણોનાં સ્પંદનોને ભક્ત અનુભવે ત્યારે અંતર શક્તિના વિદ્યુતિ તરંગોની અનુભૂતિ થાય. આવી અંતર અનુભૂતિની યાત્રાનો આરંભ થાય ત્યારે માનવી જીવન સાર્થક થયું ગણાય. એવી સાર્થકતાની પ્રસન્નતા ધારણ કરવા માટે જ્ઞાન-ભક્તિના સત્સંગમાં મનને તરબોળ રાખીએ, જેથી મનમાં સુષુપ્ત રહેલી આત્મીય ગુણોની ચેતનાનું કૌશલ્ય સાત્ત્વિકભાવ સ્વરૂપે જાગૃત થાય.
સાત્ત્વિક વિચારોના સંગમાં મન થાય વિશાળ અને વિશાળ મનથી થાય ભાવભીની ભક્તિ;
ભક્તિ રૂપે પ્રગટે ઊર્ધ્વગતિની અંતર શક્તિ, ત્યારે દુન્યવી આસક્તિને અપાય રુખસદ;
ભક્તનાં રૂંવે રૂંવે વસે અંતરનો આનંદ અને અનહદ સ્પંદનોની વિદ્યુતિ શક્તિને તે અનુભવે;
ત્યારે જ્ઞાનનાં સાગરમાં તરતાં તરતાં તે પ્રભુની ચેતનાના મહાસાગર તરફ પ્રયાણ કરતો જાય.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા