જીવન આમ તો જિવાય જાય છે, પણ મૃત્યુની ક્ષણે દેહમાંથી જાય છે કોણ?
મનમાં તો અનેક પ્રકારની આશાઓ મહેંકી રહે છે, પણ એમાં રહે છે કોણ?
આંખો તો બધા દૃશ્યને જુએ છે, પણ જોનાર આંખોને જુએ છે કોણ?
વાણી પ્રગટાવે છે બીજા સાથેના સંબંધોની સ્થિતિ, પણ કંઠમાં સ્થિત છે કોણ?
આ કોણને શોધવાનું કોણમાપક, જીવનમાં કેમ કોઈ શોધતું નથી?
અરે! એ તો છે અનુભવની પેલી પાર,
સ્વ અનુભૂતિના આસન પર કોણનો છે આવિષ્કાર.
સ્વયંના સત્ સ્વરૂપને જાણવું, એટલે કે ‘તે કોણ છે’ એ જાણવાની જ્ઞાતા વૃત્તિનો આવિર્ભાવ સ્વયંભૂ થાય છે. પરંતુ સ્વયંભૂ થતાં પ્રાગટ્ય માટે, મનમાં સ્વયંને જાણવાની જિજ્ઞાસાનો અગ્નિ જાગૃત થવો જોઈએ. જાગૃતિના વર્તન માટે સત્સંગ, શ્રવણ, અધ્યયન, અભ્યાસ વગેરે સાત્ત્વિક પ્રવૃત્તિઓથી મનને કેળવવું પડે. એવી કેળવણી રૂપે સ્વ સ્વરૂપની ઓળખ થાય અને ઓળખ રૂપે અજ્ઞાની સ્વભાવની ભૂલોનું દર્શન થતું જાય. અજ્ઞાનને લીધે થતાં અહંકારી વર્તનની ભૂલોનું દર્શન જ્યારે સત્સંગ કે ગુરુના સાંનિધ્યમાં થાય, ત્યારે જાગૃતિના વર્તનને જાગૃત ન થવાં દેતાં, પોતાના અહંકારી સ્વભાવના અવરોધથી પરિચિત થતાં જવાય અને જાગૃતિના આચરણને જગાડતા શિક્ષણની મહત્તા સમજાય. તેથી મનને માત્ર ગુરુના સાંનિધ્યમાં નથી રાખવાનું, પરંતુ સાંનિધ્ય રૂપે પ્રાપ્ત થયેલાં શિક્ષણમાં મનને ઓતપ્રોત કરવાનું હોય. સાત્ત્વિક વિચારોનો ઉપદેશ ગ્રહણ થાય, આધ્યાત્મિક ગુહ્ય અર્થ પણ સમજાય, પછી તે સમજ અનુસાર સ્વભાવનું પરિવર્તન કરાવતું ચિંતન જો થાય, તો જ સાંનિધ્યનો, સત્સંગનો, અધ્યયનનો હેતુ સિદ્ધ થાય.
જેમ કોમ્પ્યુટર શું છે, કેવી રીતે એનો ઉપયોગ થાય, તે જણાવનાર શિક્ષક પાસે શિક્ષણ લીધા પછી એની પાસે બેસી નથી રહેવાનું. શિક્ષકની પાસે શિક્ષણ લીધા પછી બેસી રહેવાંથી કોમ્પ્યુટર ચલાવતાં નહિ આવડે, પણ શિક્ષક જે દર્શાવે, જે સમજાવે, તેને સમજવાનો પ્રયત્ન કરી, કોમ્પ્યુટર પોતે જ ચલાવવું પડે, તેમ મન રૂપી કોમ્પ્યુટરને ચલાવનાર આત્મીય ચેતના વિશેનું સ્વ જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યા પછી, તેને સ્વાનુભૂતિના સદાચરણ રૂપે ધારણ કરવું પડે. આત્મીય ચેતનાની સ્વાનુભૂતિ માટે મન-ઈન્દ્રિયોની એક એક પ્રક્રિયાના ઊંડાણમાં મનનો જિજ્ઞાસુભાવ જો સ્થિત થાય, તો જ્ઞાતા વૃત્તિનો પ્રકાશ મનોમન ધારણ થતો જાય અને સ્વાનુભૂતિની અંતર યાત્રા તરફ પ્રયાણ થતું જાય. જિજ્ઞાસુભાવથી પરખાતું જાય કે, પ્રભુની આત્મીય ચેતનાના આધારે જગતની સર્વે કૃતિઓ જીવે છે તથા દેહમાં અનેક પ્રકારની પ્રક્રિયાઓ સતત થયાં કરે છે. દેહમાં થતી પ્રક્રિયાઓમાં મનનો ભાવ પણ સંકળાયેલો હોવાંથી, તન-મનની પ્રક્રિયાઓ એકબીજાને અસર કરે છે. આવી એકબીજાનાં સકારાત્મક કે નકારાત્મક ભાવથી થયાં કરતી પ્રક્રિયાઓનાં જીવંત દેહધારી જીવનમાં, માનવીએ સ્વયંના આત્મ સ્વરૂપની સાત્ત્વિકતાને પ્રગટાવતાં પરમાર્થી વર્તનને ધારણ કરવાનું છે. પરમાર્થી વર્તનની, કે સદાચરણના વર્તનની જાગૃતિ માટે જિજ્ઞાસુભાવની નિષ્ઠાથી પુરુષાર્થ કરવો પડે.
એવો પુરુષાર્થ કરવાનું સરળ નથી, છતાં પુરુષાર્થ કરવો એ જ વાસ્તવમાં મનુષ્ય જન્મનો હેતુ છે. તેથી સ્વયંને જાણવાનો, કે સદાચરણનો પુરુષાર્થ કરવાનો નિર્ધાર જ્યારે દૃઢ થાય છે, ત્યારે પુણ્યશાળી સાત્ત્વિક સંસ્કારોનો ઉદય થાય છે. બાકી સામાન્ય રૂપે માનવી રોજિંદા વ્યવહારિક કાર્યો કરવાનું જે રીતનું જીવન જીવે છે, એ રીતે જ પ્રભુનું સ્મરણ કે સત્સંગ-ભક્તિ કરે છે. એવી રીતે થતાં સત્સંગથી મનનો સ્વભાવ બદલાતો નથી, એટલે સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી નથી. માન-અપમાનથી મન જ્યારે વિચલિત ન થાય, અથવા પદવી-પ્રતિષ્ઠાના મોહમાં ન બંધાય અથવા પોતાના અહંકારી અજ્ઞાની સ્વભાવથી મુક્ત થવાની તત્પરતા જાગે, ત્યારે સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો અગ્નિ પ્રબળ થાય છે. એવી પ્રબળતા દીવાના પ્રકાશ જેવી તેજસ્વી થતાં, સ્વયંની સ્વાનુભૂતિમાં સ્થિત થતી જ્ઞાતા વૃત્તિની જાગૃતિ ધારણ થાય. જિજ્ઞાસુભાવની પ્રબળતાના લીધે સંસારી વ્યવહારમાં રાગ-દ્વેષનો ભેદભાવ ઓછો થતો જાય અને પરસ્પર આધારિત દરેક સંબંધોની મહત્તા સમજાતી જાય. એવી સમજથી સંબંધો જળવાય પછી વેરઝેર, ઈર્ષ્યા, કે ધિક્કારના અહંકારી વર્તનથી મન મુક્ત થતું જાય છે.
મનુષ્ય મોટેભાગે અહંકારી સ્વભાવથી વ્યવહાર કરે છે અને માન-સન્માન, કે કીર્તિની અપેક્ષાથી કર્મ કરે છે. તેથી સ્વયંને જાણવાનું જિજ્ઞાસુ વર્તન સહજ ધારણ થતું નથી. એટલે જ સદાચરણની જાગૃતિ માટેનો પુરુષાર્થ કરવાનું મુશ્કેલ લાગે છે. જિજ્ઞાસુભાવની જાગૃતિ અર્થે પ્રથમ સ્વીકારવું જોઈએ કે, તન-મન-ઈન્દ્રિયોના જીવંત દેહનો સંચાર પ્રભુની આત્મીય ઊર્જા શક્તિથી થાય છે. આ ઊર્જાની ચેતનાના આધારે સૃષ્ટિની સર્વે કૃતિઓ જીવે છે. ઊર્જાની ચેતનાની વાસ્તવિકતા સમજાય, તો ચેતનાના સ્વીકાર રૂપે સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મન સ્થિત થતું જાય. જિજ્ઞાસુભાવથી થતાં ચિંતનમાં, મનની અહંકારી વૃત્તિઓને વિલીન કરાવતો સાત્ત્વિક ભાવ જાગૃત થતો જાય અને સ્વયંની સ્વાનુભૂતિનો જ્ઞાતા ભાવનો પ્રકાશ સ્વયંભૂ ધારણ થતો જાય. પ્રભુએ આપણને સૌને મનનું ઉચ્ચ કક્ષાનું શ્રેષ્ઠ વાહન અર્પણ કર્યું છે. એ વાહન જો જિજ્ઞાસુભાવથી સ્વયંને જાણવાની સ્વાનુભૂતિ અર્થે આવાહન કરે, તો ‘હું કોણ છું’ની અંતર યાત્રામાં સાત્ત્વિકભાવની જાગૃતિથી લીન થવાય. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે, સ્વયંભૂ પ્રગટતી સ્વાનુભૂતિમાં સ્થિત કરાવતી મનની સાત્ત્વિકતા જાગૃત કરો, જેથી આ મનુષ્ય જન્મનો હેતુ સિદ્ધ થાય.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા